ગાંધીજીની આત્મકથા ગુજરાત કરતા કેરળમાં વધુ લોકપ્રિય છે

    • લેેખક, વિજયસિંહ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

જ્યારે પણ ગુજરાતના ગૌરવની વાત આવે ત્યારે 'ગાંધીનું ગુજરાત' એ શબ્દ અચૂક આવે.

પણ આશ્ચર્યની વાત એ છે કે ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' ગુજરાતી કરતા 'સામ્યવાદી' એવા કેરળ રાજ્યમાં વધુ વેચાય છે.

આવું કેમ? વિવિધ ભાષાઓમાં અનુવાદિત અને પ્રકાશિત થયેલી ગાંધીજીની આત્મકથાના વેચાણ આંકડા રસપ્રદ છે.

ગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતી ભાષામાં લખી હતી અને તેની પ્રથમ આવૃતિ વર્ષ ૧૯૨૭માં પ્રકાશિત થઇ હતી.

૧૯૨૭ના વર્ષમાં જ ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈએ 'સત્યના પ્રયોગો'નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. આ અંગ્રેજી આવૃતિ પણ ૧૯૨૭માં જ પ્રકાશિત કરવામાં આવી.

તમને આ વાંચવું પણ ગમશે :

આત્મકથાનું વેચાણ

ગાંધી સાહિત્યના પુસ્તકોનું પ્રકાશન કરતી સંસ્થા નવજીવન ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ ૧૯૨૭થી આજદિન સુધીમાં (૨૦૧૭ની મધ્ય સુધી) 'સત્યના પ્રયોગો'ની ગુજરાતી આવૃતિની ૬,૧૬,૦૦૦ નકલો વેચાઈ છે.

તેની સરખામણીએ મલયાલમ ભાષામાં ગાંધીજીની આત્મકથા તો ઠેઠ ૧૯૯૭ના વર્ષમાં પ્રકાશિત થઈ પણ ૧૯૯૭થી અત્યાર સુધીમાં (૨૦૧૭ સુધી) ૭,૫૫,૦૦૦ નકલો વેચાઈ ચૂકી છે.

ગુજરાતી ભાષામાં પ્રકાશિત ગાંધીજીની આત્મકથાની પ્રથમ વાર પ્રકાશિત થયાના નેવું વર્ષમાં માત્ર ૬,૧૬,૦૦૦ નકલો વેચાઈ.

જ્યારે મલયાલમ ભાષાની માત્ર બે દાયકામાં જ ૭,૫૫,૦૦૦થી વધુ નકલો વેચાઈ ચૂકી છે.

એ જ રીતે 'સત્યના પ્રયોગો'ની તમીલ ભાષામાં ૧૯૯૪માં પ્રકાશિત થયેલી આવૃતિની ૨૦૧૭ સુધીમાં ૬,૮૯,૫૦૦ નકલો વેચાઈ ચૂકી છે.

સામ્યવાદી સરકાર ધરાવતા કેરળમાં આત્મકથા

કેરળ રાજ્યમાં 'પૂર્ણોદયા બુક ટ્રસ્ટ' ગાંધીજીની આત્મકથા દ્વારા ગાંધી વિચારના પ્રચાર-પ્રસારનું કામ કરે છે.

આ ટ્રસ્ટના વાઇસ ચેરમેન ટી.આર.એન પ્રભુએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે સામ્યવાદી રાજ્યમાં લોકોને ગાંધીજી અને તેમના કાર્યો વિશે જાણવાની ખૂબ ઉત્સુકતા છે.

ખાસ કરીને હાલના સમાજના જે પ્રશ્નોના ઉકેલ વિશે ગાંધીજીએ શું કહ્યું છે એ જાણવામાં ખૂબ રસ છે.

વળી અમે શાળાઓ અને કૉલેજોમાં જઈ ગાંધીજીની આત્મકથા પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. તેના વિશે ચર્ચા કરીએ છીએ.

આ બધી પ્રવૃત્તિને કારણે લોકો ગાંધીની આત્મકથા ખરીદવા અને વાંચવા તરફ વળ્યા છે.

નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "અન્ય ભાષાઓની સરખામણીએ ગાંધીજીની આત્મકથાનું ગુજરાતીમાં થતું વેચાણ પ્રમાણમાં ઓછું કહી શકાય.”

તેમણે ઉમેર્યું “આ કમનસીબ બાબત છે અને હકીકત પણ. કદાચ ગુજરાતમાં વાંચન વિશેની ઓછી જાગૃતિ પણ જવાબદાર હોઈ શકે."

તેમણે જણાવ્યા મુજબ મલયાલમ ભાષામાં હજુ બે દાયકા પહેલા જ ગાંધીજીની આત્મકથા પ્રકાશિત થઈ પણ આજની સ્થિતિએ ગાંધીજીની આત્મકથા મલયાલમ ભાષામાં સૌથી વધારે વેચાય છે.

“કેરળ રાજ્યમાં સાક્ષરતાની સાથે સાથે વ્યક્તિગત વાંચનરસ અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા ગાંધી વિચારની સાથે આત્મકથાનો પ્રચાર-પ્રસાર પણ કારણ હોઈ શકે."

તેમણે જણાવ્યું, “કેરળમાં ઘણા કુટુંબો લગ્નપ્રસંગે કંકોત્રીની સાથે સાથે ગાંધીની આત્મકથાની ભેટ આપે છે."

તેઓ કહે છે કે ગાંધીજીએ તેમના જીવનકાળ દરમિયાન ઘણું લખ્યું છે અને તેમના લખાણોનાં પુસ્તકરૂપે સંપાદન થયા છે પણ તેમના જીવન અને વિચારને સમજવા માટે ગાંધીજીના ત્રણ પુસ્તકો મુખ્ય ગણાય છે.

વિવેક દેસાઈ મુજબ આ ત્રણ પુસ્તકોમાં 'સત્યના પ્રયોગો', 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' અને 'હિંદ સ્વરાજ' મુખ્ય છે.

આત્મકથા હવે કશ્મિરીભાષામાં પણ મળશે

વિવેક દેસાઈએ કહ્યું “મધ્યપ્રદેશ સરકારની હિંદી ગ્રંથ અકાદમીએ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૬ એમ બે વર્ષ દરમિયાન 'સત્યના પ્રયોગો'ની કુલ એક લાખ નકલો ખરીદી હતી અને કોલેજના વિદ્યાર્થીઓમાં વિનામૂલ્યે વહેંચી હતી.”

"આ સિવાય કોઈ રાજ્ય સરકાર દ્વારા નવજીવન ટ્રસ્ટ પાસેથી સત્યના પ્રયોગોની સીધી ખરીદી કરી હોય એવા પ્રસંગો આવ્યા જ નથી" એમ નવજીવન ટ્રસ્ટના અન્ય એક ટ્રસ્ટી કપીલ રાવલે બીબીસી ગુજરાતીના સંવાદદાતાને જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે નવજીવન ટ્રસ્ટ દ્વારા કુલ પંદર ભારતીય ભાષાઓમાં 'સત્યના પ્રયોગો' પ્રકાશિત કરવામાં આવે છે.

કપિલ રાવલ કહે છે કે ટૂંક સમયમાં જ ગાંધીજીની આત્મકથા કાશ્મિરી ભાષામાં પણ પ્રકાશિત થશે. આ સિવાય કુલ ૩૧ વિદેશી ભાષાઓમાં ગાંધીજીની આત્મકથા પ્રકાશિત થઈ છે.

તેમના અનુસાર ટૂંક સમયમાં જ રોમાનિયન ભાષામાં પણ પ્રકાશિત થશે. વિશ્વની જાણીતી - પ્રસિદ્ધ આત્મકથાઓમાં ગાંધીજીની આત્મકથાનો સમાવેશ થાય છે.

તેઓ કહે છે કે નોંધનીય બાબત એ પણ છે કે રિચર્ડ એટેનબરોની 'ગાંધી' ફિલ્મ અને 'લગે રહો મુન્નાભાઇ' જેવી ફિલ્મો પછી ગાંધીની આત્મકથાના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. આ બન્ને ફિલ્મોએ યુવાનોમાં ગાંધી વિશે વધારે જાણવાની ઉત્સુકતા જગાવી.

જુદી જુદી ભારતીય ભાષાઓમાં ગાંધીજીની આત્મકથાનું વેચાણ

અત્યાર સુધીમાં વિવિધ ભારતીય ભાષાઓમાં આત્મકથાની કુલ 54 લાખ 48 હજાર જેટલી નકલો નવજીવન ટ્રસ્ટ દ્વારા વેચાઈ છે.

વિવેક દેસાઈએ જણાવ્યું કે કોઈ પણ સરકાર ગાંધી વિચારનો પ્રચાર-પ્રસાર કરે એ આવકાર્ય બાબત છે, પણ માત્ર સરકારને દોષિત માની શકાય નહીં. લોકો પોતે પણ આ માટે જાગૃત બને.

૨૦૧૯માં ગાંધીજીની દોઢસોમી જન્મજયંતી ઉજવાશે. ત્યાં સુધીમાં સત્તર ભારતીય ભાષાઓ થકી ગાંધીજીની આત્મકથા દેશના હજારો ઘરોમાં પહોંચાડવાનો આશય છે એમ વિવેક દેસાઈએ વધુમાં જણાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો