You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપ માટે જય શાહની નહીં પણ અમિત શાહની છબીનો સવાલ
- લેેખક, રાજેશ જોશી
- પદ, રેડિયો એડિટર, બીબીસી હિંદી
વાત વાજબી છે. જો અમિત શાહના મનમાં મેલ હોત તો તે 'ધ વાયર' વેબસાઈટ પર બદનક્ષીનો ફોજદારી કેસ કેમ કરે?
અમિત શાહે પણ તેમના પુત્રના બચાવમાં આવી જ દલીલ કરી કે કોંગ્રેસ પર પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા.
છતાં શું કોઈ કોંગ્રેસી નેતાએ આવો કેસ કે દાવો કરવાની હિંમત બતાવી હતી?
જે પત્રકારે જય શાહ અંગે ખબર છાપી ભૂતકાળમાં પણ તે જ પત્રકારે રોબર્ટ વાડ્રાના બિઝનેસ અંગે રિપોર્ટ્સ લખ્યા હતા.
પણ શું રોબર્ટ વાડ્રાએ કોઈ કેસ કર્યો?
જો કે અમિત શાહની આ મજબૂત દલીલને નકારી દેવી મુશ્કેલ છે, પણ એક વાત સ્પષ્ટ છે.
તે વાત એ છે કે ભલે વેબસાઇટે પ્રકાશિત કરેલા લેખથી જય શાહના વેપાર કે સન્માન પર કોઈ અસર થઈ હોય કે ન થઈ હોય પણ ભાજપ માટે આ સમાચાર ખુબ જ ખોટા સમયે આવ્યા છે.
વર્ષના અંતે ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આથી ખાસ કરીને ગુજરાતમાં કોઈ મુદ્દો ચગી જાય અને ચૂંટણીમાં અસર કરી જાય એવું ભાજપ જરાય નથી ઇચ્છતું.
તમને આ પણ વાંચવું ગમશે
કેમ કે, જો આવા કોઈ મુદ્દાને કારણે ભાજપનો પગ લપસી ગયો તો 2019ની લોકસભા ચૂંટણી સુધી તેની અસર વર્તાઈ શકે છે.
આ જ કારણ છે કે એક બિઝનેસમેનના બચાવ માટે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારના કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલને સ્પષ્ટતા કરવા આગળ કરવામાં આવ્યા.
એટલું જ નહીં પણ અહેવાલો મુજબ, 'ધ વાયર'સામે જય શાહનો કેસ લડવા સરકારી વકીલની સેવાઓ લેવામાં આવી રહી છે.
શું જય શાહને ભાજપ બચાવશે?
ભાજપનું સમગ્ર તંત્ર ખરેખર જય શાહને બચાવવા કામે નથી લાગ્યું પણ અમિત શાહને બચાવવા માંગે છે.
પિયૂષ ગોયલથી માંડીને તમામ નેતાઓ આ લડાઈમાં એટલા માટે કૂદી પડ્યા છે કે તેઓ નથી ઇચ્છતાં કે જય અમિત શાહ ભાજપના રોબર્ટ વાડ્રા બની જાય.
અથવા તેજસ્વી યાદવની જેમ તેમની પણ પરજીવી જેવી છબી બની જાય.
જેથી પાછળથી ગંગા-જમનાનું પાણી પણ અમિત શાહ પર લાગેલા ડાઘ ધોઈ ન શકે.
તમને આ પણ વાંચવું ગમશે
અત્રે નોંધવું રહે કે રાજકીય લડાઈ સત્ય શું છે તેના પર નહીં, પરંતુ જનતા કઈ વાતને સત્ય માને છે તે બાબત પર લડવામાં આવે છે.
આથી સંગઠિત પાર્ટીઓ અને મીડિયા મેનેજરો તેમના વિરોધીઓને વિલન અથવા જોકર પુરવાર કરવાની કવાયતમાં જોતરાઈ જાય છે.
આના માટે એક વિરાટ સત્ય રચવામાં આવે છે.
જેથી કરીને દુશ્મન લોકો અનૈતિક,દુરાચારી,ભ્રષ્ટાચારી, લાલચી અને વ્યભિચારી વિલન જેવાં લાગવા લાગે.
જ્યારે બીજી તરફ તેનો સર્વનાશ કરવાવાળો જનનાયક જનતાની નજરમાં સર્વગુણ સંપન, ઉદાર, જનતાનો દુલારો અને એક દીર્ઘદૃષ્ટાની છાપ રહે .
રાજકીય કારણો અનેછાપ
ઇંદિરા ગાંધીની હત્યા બાદ જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા તો તેમની 'મિસ્ટર ક્લિન' તરીકેની છાપ ઘડવામાં આવી.
તેમને કમ્પ્યુટર અને દૂરસંચાર ક્રાંતિની શરૂઆત કરનારા દીર્ધદૃષ્ટા કહેવામાં આવ્યા હતા.
જોકે તેના માત્ર ત્રણ જ વર્ષમાં સમાજવાદી, ભાજપ અને સામ્યવાદી પાર્ટી તથા આરએસએસના સંગઠન એક થઈ ગયા.
'મિસ્ટર ક્લિન' જોતજોતાંમાં એક ચાલબાજ,લાંચિયા અને સ્વાર્થી તથા ભ્રષ્ટ નેતા દેખાવા લાગ્યા.
વળી, ગુજરાત રમખાણો બાદ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી પ્રચાર કરવા ગયેલા સોનિયા ગાંધીએ જ્યારે 'મોતના સોદાગર' શબ્દનો પ્રયોગ કર્યો.
ત્યારે શું તે 1984માં દિલ્હીના રસ્તાઓ પર શીખોને જીવતા સળગાવી દેનારા 'મોતના સોદાગરો'ને ભૂલી ગયા હતા?
શું તેમને યાદ નહીં રહ્યું હોય કે તેમની જ પાર્ટીના સજ્જન કુમાર, જગદીશ ટાઈટલર, હરકિશનલાલ ભગત જેવા નેતાઓને શીખ લોકો કઈ નજરથી જોતાં હતાં?
પરંતુ આ જ તો રાજનીતિ છે.
જેમાં તમારો 'મોતનો સોદાગર' ખતરનાક અને મારા 'મોતના સોદાગર' પરિસ્થિતિનો શિકાર.
જેમાં તમારા રમખાણો દેશનો નાશ કરે છે, જ્યારે મારા રમખાણો જન-ભાવનાઓનો વિસ્ફોટ બની જાય છે.
મારો જય અમિત શાહ માસૂમ પણ તમારો રોબર્ટ વાડ્રા ભ્રષ્ટ!
જય શાહ મુદ્દે લાભ લઈ શકશે રાહુલ?
કોઈની છાપ ઊભી કરવાની અથવા તેને એકદમ ખરડી નાંખવાની તાકત જ્યારથી આ સોશિઅલ મીડિયાએ મોબાઇલ રાખનારાઓને આપી છે.
ત્યારથી રાજકીય પક્ષોએ સોશિઅલ મીડિયા માટે એક અલગ ફોજની ભરતી કરવાનું શરૂ કરી દીધું છે.
આ મામલે ભાજપે કોંગ્રેસને શરૂઆતમાં જ પછડાટ આપી દીધી છે.
રાહુલ ગાંધીનો પ્રભાવ ઊભો થાય તે પહેલા જ તેમને 'પપ્પૂ' અને 'યુવરાજ' તરીકે ટ્રોલ કરી દેવાયા.
નરેન્દ્ર મોદી અને અમિત શાહે આ છબી બનાવી અને તેમની સોશિઅલ મીડિયાની ફોજે તેનો પ્રચાર અને પ્રસાર કર્યો.
મોદીએ તો લોકસભામાં એમ પણ કહ્યું હતું કે કેટલાકની વય વધે છે પણ માનસિક વય નથી વધી શકતી.
અત્રે નોંધવું કે એક વખત અમેરિકામાં ભાષણ આપતી વખતે નરેન્દ્ર મોદીએ રોબર્ટ વાડ્રાનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કર્યો હતો.
જેમાં તેમણે કહ્યું હતું કે નેતાઓ પર આરોપો જલ્દી લાગે છે.
કોઈએ પચાસ કરોડ બનાવ્યા, કોઈકે સો કરોડ, પુત્રએ અઢીસે કરોડ બનાવ્યા તો, પુત્રીએ પાંચસો કરોડ બનાવ્યા,અને જમાઈએ હજાર કરોડ બનાવ્યા.
આ વાત પર ત્યાંના હોલમાં હાજર મોદી પર મંત્રમુગ્ધ ભારતીયોએ તેમને તાળીઓના ગળગળાટથી વધાવી લીધા હતા.
જોકે સોનિયા ગાંધીનો 'મોતના સોદાગર'વાળો દાવ ઊંધો પડી ગયો હતો.
પણ મોદીનો 'પપ્પૂ' અને 'યુવરાજ'વાળો દાવ કામ કરી ગયો.
હવે રાહુલ ગાંધી ભલે ને લાખ કોશીશ કરે કે લોકો તેમની વાત સાંભળે અને તેમને ગંભીરતાથી લે.
તો પણ સોશિઅલ મીડિયા પર કોઈક ખૂણે તેમની ક્લિપ પર જોકરનો ચહેરો લગાવી દેવાય છે અને તેમને વાઇરલ કરી દેવામાં આવે છે.
આ રમતને ભાજપ ઘણી સારી રીતે સમજે છે આથી તેઓ નથી ઇચ્છતા કે જય અમિત શાહ ભાજપના રોબર્ટ વાડ્રા બનાવી દેવાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો