જય શાહના કેસ સામે 'ધ વાયર'ના સંપાદકે શું કહ્યું?

ન્યૂઝ વેબસાઈટ 'ધ વાયર'એ શનિવારે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે ભાજપના પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવરમાં માત્ર એક જ વર્ષમાં 16 હજાર ગણો વધારો થયો છે.

આ અહેવાલને લઈને વધેલા વિવાદને પગલે જય શાહે 'ધ વાયર'ના સંપાદક અને રિપોર્ટર સામે 100 કરોડનો બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.

ન્યૂઝ વેબસાઈટ 'ધ વાયર'ના સંપાદક સિદ્ધાર્થ વરદરાજનનું કહેવું છે કે તે બદનક્ષી કેસનો સામનો કરશે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે કહ્યું કે તેમને આ અહેવાલ છાપવાના જોખમનો અંદાજ પહેલાંથી જ હતો.

તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહના વકીલે પહેલા જ કેસ કરવાની ધમકી આપી દીધી હતી.

આ સમગ્ર મામલે બીબીસી સંવાદદાતા કુલદીપ મિશ્રએ 'ધ વાયર'ના સંપાદક સાથે વાત કરી. વાંચો સમગ્ર મામલે તેમનું શું કહેવું છે.

સરકાર પરેશાન કરવા માંગે છે

અમને બદનક્ષીના કેસ મામલે કોઈ ઔપચારિક નોટિસ કે કાગળ નથી મળ્યા. પરંતુ સોશિઅલ મીડિયાથી અમને આ અંગે જાણકારી મળી છે.

સરકારના વલણથી સ્પષ્ટ છે કે તે 'ધ વાયર'ને પરેશાન કરવા માંગે છે. જે પ્રેસની આઝાદી પર હુમલો છે. અમે સરકારના આ વલણ સામે લડીશું.

અમિત શાહના પુત્ર જય શાહ સામે સ્ટોરી છાપવાના જોખમને લઈને અમે સચેત જ હતા.

તેમના વકીલને મેં કેટલાક પ્રશ્નો મોકલ્યા હતા અને તેમણે તેના જવાબ પણ આપ્યા હતા.

પણ તેમના વકીલે અમને પહેલા જ કહી દીધું હતું કે તમે આ જવાબો હોવા છતા જય શાહ વિરુદ્ધ સ્ટોરી છાપશો તો તમારી સામે કેસ કરવામાં આવશે.

આ ફક્ત જોખમ નહીં પણ એક ધમકી હતી. ધમકીને સારી રીતે સમજી અમે સ્ટોરી જનહિતમાં પ્રકાશિત કરી.

અમને લાગ્યું કે અમે સત્તાવાર આંકડા મેળવ્યા છે તે લોકો સુધી પહોંચવા જોઈએ.

સરકાર બચાવમાં કેમ ઉતરી?

જય શાહના વકીલે કહ્યું કે તેમનો અસીલ એક વ્યક્તિ છે સરકાર સાથે તેને કોઈ સંબંધ નથી. બીજી તરફ પિયૂષ ગોયલ આ એક વ્યક્તિના બચાવમાં કેમ ઉતરી પડ્યા?

ભારત સરકારના એક પ્રધાને પત્રકાર પરિષદ કરી અને જય શાહનો બચાવ કર્યો. આનાથી શું પુરવાર થાય છે.

એક પ્રધાને જાહેરમાં 100 કરોડના બદનક્ષીનો કેસ કરવાની ઘોષણા કરી.

હવે તો આ વાત સામાન્ય થઈ ગઈ છે કે જો કોઈ અવાજ ઉઠાવે તો તેની સામે બદનક્ષીનો કેસ કરી દેવો.

અમે તો રિપોર્ટમાં એવા કોઈ આરોપ પણ નથી લગાવ્યા કે જેના આધારે પિયૂષ ગોયલ કહી શકે કે જય શાહને બદનામ કરવાની કોશીશ કરવામાં આવી છે.

એવું કહેવાનો કોઈ અર્થ જ નથી કે અમે અમિત શાહની છબી ખરડવાની કોશીશ કરી રહ્યા છે.

તેમણે એ પણ સમજવું જોઈએ કે જે રિપોર્ટરે આ સ્ટોરી લખી છે તેણે જ 2011માં ઇકૉનોમિક ટાઈમ્સમાં રોબર્ટ વાડ્રાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

જો અમિત શાહ અને ભાજપ સામે કોઈ એજન્ડા હોય તો પછી વાડ્રા સામેની સ્ટોરી કઈ રીતે છપાઈ હતી?

જય શાહ સંબંધિત આંકડા જાહેર થવા જરૂરી હતા

આ તમામ પ્રકારની પાયાવિહોણી બાબતો છે અને તે તેમના બચાવમાં કંઈ પણ કહી શકે છે.

ખરેખર આ સ્ટોરી સ્પષ્ટ અને સરળ છે, જેમાં સત્તાવાર આંકડા છે અને તેનું વિશ્લેષણ કરીને તેને લોકો સામે મૂકવામાં આવ્યા છે.

તેમાં ન તો કોઈ રાજનીતિ છે ના કોઈ આરોપો લગાવાયા છે જેથી તમે બદનક્ષીના દાવાની વાત કરી શકો.

મીડિયા રિપોર્ટને બદનક્ષીના કેસથી ડરાવવું પ્રેસની આઝાદી પર હુમલો છે.

અક સ્પષ્ટ સરળ રિપોર્ટ પર 100 કરોડનો બદનક્ષીનો દાવો કરવાનો ઉદ્દેશ શું હોઈ શકે.

તેમણે દીવાની અને ફોજદારી બન્ને કેસ કર્યા છે.

વળી, કેસમાં કેટલાક એવા લોકોનાં નામ પણ છે જેમને કેસ સાથે કોઈ લેવાદેવા જ નથી.

આ એક રીતે મીડિયાને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આ હુમલો માત્ર અમારા પર નહીં પણ સમગ્ર ભારતીય મીડિયા પર છે.

તેમના ઈરાદા તો એવા છે કે ભાજપ વિશે કોઈ કંઈ લખે જ નહીં અને ના કોઈ સવાલ કરે.

આ જ ઉદ્દેશથી મીડિયાને બદનક્ષીના કેસથી ડરાવવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો