જય શાહે 'ધ વાયર' સામે બદનક્ષીનો દાવો દાખલ કર્યો

જય અમિત શાહે સોમવારે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં 'ધ વાયર' સામે રૂપિયા ૧૦૦ કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે.

‘ધ વાયર’માં તેમના વ્યવસાયમાં વર્ષ ૨૦૧૪ બાદ ૧૬,૦૦૦ ગણો વધ્યો તે સંદર્ભના પત્રકાર રોહિણી સીંગના લેખને પડકાર્યો છે.

માનહાનીના આ દાવામાં લેખ લખનારાં પત્રકાર રોહિણી સીંગ, ‘ધ વાયર’ના સ્થાપક તંત્રી સિદ્ધાર્થ વરદરાજન ઉપરાંત ચાર તંત્રીઓ, સંપાદકો અને ફાઉન્ડેશન ઑફ ઇન્ડીપેન્ડન્ટ જર્નાલિઝમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જય શાહ દ્વારા અદાલતમાં 'ધ વાયર' પર દાખલ કરાયેલ બદનક્ષીના દાવાની નકલ બીબીસી પાસે છે.

તમને આ વાંચવું પણ ગમશે :

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન ન્યાયાધીશ એસ.કે.ગઢવીએ કેસના સંદર્ભે ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે અને કેસની હવે પછીની સુનાવણી માટે ૧૧ ઓક્ટોબરની તારીખ જાહેર કરી છે.

કેસની વિગતો

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સંપત્તિમાં થયેલા ઉછાળા અંગે ન્યૂઝ પોર્ટલ 'The Wire'એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો, જેના કારણે તેમનું નામ સોશિઅલ મીડિયાની ચર્ચામાં આવ્યું હતું.

'The Wire'એ તેમના અહેવાલમાં જય શાહની સંપત્તિમાં 16,000 ગણી વૃદ્ધિની વાત કરી છે.

લેખમાં અમિત શાહના પુત્રને સરકારી સંસ્થાઓમાંથી લોન મળવાની વાત પણ કરવામાં આવી છે.

'ધ વાયર'માં છપાયેલા અહેવાલ મુજબ આ સમગ્ર વિગતો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં જય શાહની કંપની દ્વારા પુરા પાડવામાં આવેલા વ્યાવસાયિક અને નાણાકીય દસ્તાવેજોના આધારે રજૂ કરવામાં આવી હતી.

રાજકીય ગરમાવો

જય શાહના વેપાર-વ્યવસાયને તેમના પિતાના રાજકીય હોદા અને સક્રિયતા સાથે જોડવામાં આવી રહ્યો છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ખુદ સર્વોચ્ચ અદાલતના વકીલ કપિલ સિબ્બલે વડાપ્રધાનને 'અમિત શાહ બિઝનેસ મૉડલ' અંગે ખુલાસો આપવાનું કહ્યું છે.

જોકે, આ લેખ પછી કેન્દ્રીય રેલ મંત્રી અને ભાજપના નેતા પિયુષ ગોયલે કહ્યું હતું કે, જે લોન લેવામાં આવી હતી તેના પર નિયમિત રીતે વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું.

તેના પર ટીડીએસ (ટેક્સ ડીડક્ટેડ એટ સોર્સ) પણ કપાવવામાં આવ્યો હતો. મુદ્દલ તથા વ્યાજની સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી છે.

આ બધાને લઈ સોશિઅલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયા આવી રહી છે.

જય શાહે સત્તાવાર નિવેદનમાં ન્યૂઝ વેબસાઇટ પર ૧૦૦ કરોડ રૂપિયાનો ફોજદારી બદનક્ષી કેસ કરવાની વાત કરી હતી. સાથે જ તેમની સામેના આરોપો 'ખોટા' અને 'બદનક્ષીભર્યા' હોવાનું જણાવ્યું હતું.

આગળની લડત

હાલ ગુજરાતનો પ્રવાસ કરી રહેલા કોંગ્રેસના ઉપ-પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમ્યાન ટ્વિટ કરીને જય અમિત શાહને શાહ-'જાદા' કહીને જાહેરમાં સંબોધવાનું ચુક્યા ન્હોતા.

જય અમિત શાહ વતી આ કેસ એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા લડશે.

'ધ વાયર' પર બદનક્ષીનો દાવો દાખલ કરવાની વાત જય શાહ તરફથી આવતાની સાથેજ ગણતરીના કલાકોમાં સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે ટ્વિટ કરીને ધ વાયર વતી આ કેસ લડવાની તૈયારી દાખવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો