સંપત્તિમાં આવેલા ઉછાળાના અહેવાલથી ચર્ચામાં આવેલા જય શાહ કોણ છે?

    • લેેખક, પ્રશાંત દયાળ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સંપત્તિમાં ઉછાળા અંગે ન્યૂઝ પોર્ટલ 'The Wire'એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો, જેના કારણે તેમનું નામ સોશિઅલ મીડિયાની ચર્ચામાં આવ્યું છે.

'The Wire'એ તેમના અહેવાલમાં જય શાહની સંપત્તિમાં 16,000 ગણા ઉછાળાની વાત કરી છે. લેખમાં અમિત શાહના પુત્રને સરકારી સંસ્થાઓમાંથી લોન મળવાની વાત પણ કરી છે.

આવામાં આ કારોબારને તેમના પિતાની રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાનને 'અમિત શાહ બિઝનેસ મૉડલ' અંગે ખુલાસો આપવાનું કહ્યું છે.

જોકે, આ લેખ પછી ભાજપના નેતા પિયુષ ગોયલે કહ્યું હતું કે, જે લોન લેવામાં આવી હતી. તેના પર નિયમિત રીતે વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું અને તેના પર ટીડીએસ કપાવામાં આવ્યું હતું.

મુદ્દલ તથા વ્યાજની સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી છે. આ બધાને લઈ સોશિઅલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયા આવી રહી છે.

જય શાહે ન્યૂઝ વેબસાઇટ પર રૂ. 100 કરોડના ફોજદારી બદનક્ષીના કેસની વાત કહી છે. સાથે જ તેમની સામેના આરોપો 'ખોટા' અને 'બદનક્ષીભર્યા' હોવાનું જણાવ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

2010માં પ્રથમ વખત જાહેરમાં દેખાયા

2010માં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે દેશના ખ્યાતનામ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણી સાથે એક યુવાન આવતો હતો. ત્યારે તે આશરે વીસ વર્ષનો હશે.

કોર્ટ શરૂ થાય ત્યારે તે કોર્ટમાં વકીલોની પાછળની બીજી હરોળમાં આવી બેસી જતો હતો, એક તરફ રામ જેઠમલાણી દલીલો કરતા હતા, બીજી તરફ કે. ટી. એસ. તુલસી દલીલો કરતા હતા.

આ યુવાનનું ધ્યાન દલીલો કરતા વધુ દલીલોની જજના ચહેરા ઉપર થતી અસર પર રહેતું હતું. તે કોર્ટ કાર્યવાહી દરમિયાન સતત હનુમાન ચાલીસાના પાઠ કરતો હતો.

જો કે 2010 સુધી બહુ ઓછા લોકો આ યુવાનને ઓળખતા હતા, તેનું નામ જય શાહ છે અને તેઓ અમિત શાહનું એકમાત્ર સંતાન છે.

અમિત શાહની 2010માં સીબીઆઈ દ્વારા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

અમિત શાહ અમદાવાદની સાબરમતી જેલમાં હતા અને તેમની જામીન અરજીની સુનાવણી દરમિયાન જય શાહને લોકોએ પહેલી વખત જાહેરમાં જોયા હતા.

ગુજરાત હાઇકોર્ટે જામીન તો આપ્યા પણ તે જ દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા અમિત શાહને ગુજરાતમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકયો અને શાહ દિલ્હી રહેવા જતા રહ્યા હતા.

અમિત શાહ ત્યારે અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ હતા.

તમને આ પણ વાંચવું ગમશે

નવી 'ઇનિંગ' શરૂ કરી

અમિત શાહની ગુજરાતમાં ગેરહાજરીને કારણે વીસ વર્ષના જય શાહને પોતાના પિતાના વિસ્તારના મતદારોની અને પિતાના શેર બજારમાં ધંધામાં ધ્યાન આપવાની ફરજ પડી હતી.

જય શાહ પિતાના પગલે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં પણ આવ્યા એટલે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થતાં ખાલી પડેલા જીસીએના ચેરમેનપદે અમિત શાહ મુકાયા.

અમિત શાહને પણ રાષ્ટ્રીય પ્રમુખનું પદ મળતા તેમણે જીસીએનો વહીવટ પોતાના કોઈ વિશ્વાસુને સોંપવાને બદલે પુત્ર જય શાહને જ સોંપ્યો.

જયને જીસીએના જોઇન્ટ સેક્રેટરી તરીકેનો કાર્યભાર સોંપાયો.

ગુજરાત ક્રિકેટ એસોસિએસના પૂર્વ પદાધિકારી હિતેશ પટેલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યુ હતું કે જય શાહ અને અમિત શાહની સરખમાણી થઈ શકે તેમ નથી.

જય શાહ અમિત શાહના પુત્ર હોવા છતાં લો-પ્રોફાઈલ છે.

તેમની સમસ્યા એવી છે કે વિશાળ ક્રિકેટ એસોસિએશનના વહીવટ માટે તેમની પાસે સમય અને અમિત શાહ જેવી સમજ બંન્નેનો અભાવ છે.

અંગત જીવનમાં કોઈને પ્રવેશ નહીં

જયે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી છે. કોલેજમાં સાથે અભ્યાસ કરતી ઋષિતા પટેલ સાથે જય શાહના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયાં હતાં.

જોકે અમિત શાહ અને જય શાહની ખાસીયત એવી છે કે તેઓ પોતાની વ્યકિતગત-પારિવારિક બાબતોની જાણકારી જાહેર થાય નહીં તેની તકેદારી રાખે છે.

ઋષિતા પટેલ અને જય વૈષ્ણવ છે, પરંતુ જય-ઋષિતાના લગ્ન પ્રેમ લગ્ન છે કે પરિવાર દ્વારા નક્કી કરવામાં આવેલા તે વાત અમિત શાહના નજીકના મિત્રો પણ જાણતા નથી.

અમિત શાહના નજીકના સાથી કમલેશ ત્રિપાઠીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું, "જય ખુબ જ નાનો હતો ત્યારથી તેનો ઉછેર મેં જોયો છે."

તેઓ તેમના પારિવારિક મિત્ર-વર્તુળમાં જલદી કોઈને સામેલ કરતા નથી.

જયની સગાઈથી લઈ થોડા મહિના ઋષિતા જય શાહે દીકરીને જન્મ આપ્યો એ બધા સમારંભોમાં બહુ જ ઓછા લોકોને આમંત્રણ હતું, જેમા રાજકારણીઓની પણ બાદબાકી હતી.

રાજકારણમાં આવવાની તીવ્ર ઇચ્છા

અમિત શાહની તાકીદ છે કે રાજય અથવા કેન્દ્રના કોઈ સરકારી અધિકારી સાથે જયએ સીધી વાત કરવી નહીં.

ક્રિકેટ મેચના ગ્રાઉન્ડમાં હોય ત્યારે પણ તે ફોન ઉપર શેરની લે-વેચનાં સોદા જ કરતા હોય છે.

જયને રાજકારણમાં આવવાની તીવ્ર ઇચ્છા છે, પણ તેઓ પિતા અમિત શાહ તરફળી ગ્રીન સીગ્નલ મળવાની રાહ જોઈ રહ્યા છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો