મોદીની ઘરવાપસી : વડાપ્રધાનના વતન વિશે કેટલીક વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના વતન વડનગરની મુલાકાત લીધી અને ત્યાં નવી મેડિકલ કૉલેજનું લોકાર્પણ કર્યું.

વડાપ્રધાન હોવાને કારણે નરેન્દ્ર મોદીના વતન વિશે વાતચીત થાય એ ખૂબ સહજ છે.

જો કે વડનગર પાસે અનોખો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા આ નાના શહેરનો ભૂતકાળ અકબર અને તાનસેન સાથે જોડાયેલો છે.

તમને આ વાંચવું પણ ગમશે

અહીં પુરાતત્વ વિભાગના ખોદકામ દરમિયાન બૌદ્ધ મઠનાં અવશેષો પણ મળી આવ્યા છે.

જાણો વડનગર વિશેની પાંચ ઓછી જાણીતી વાતો.

1. 1900 વર્ષ જૂના બૌદ્ધ મઠ છે અહીંયા

વડનગરમાં બીજાથી સાતમી સદી(AD)ની બૌદ્ધ મઠની સાઇટ મળી આવી છે.

વડનગરમાં ખનન કરવામાં આવતા આ મઠ મળી આવ્યો.

જેમાં બે સ્તૂપ અને એક ખુલ્લો વંડો મળી આવ્યો છે.

આશરે 2 વર્ષ પછી બૌદ્ધ મઠની ઓળખ થઈ શકી.

ચીનના પ્રવાસી હ્યુ એન સંગે વડનગરની મુલાકાત લીધી હતી.

એ સમયે વડનગર આનંદપુર તરીકે ઓળખાતું. વડનગરની આસપાસ 10 બૌદ્ધ મઠ અને એક હજાર બૌદ્ધ સાધુઓ હોવાની વાત ચીનના પ્રવાસીએ ઉલ્લેખ કરેલી છે.

2. અકબર અને તાનસેન સાથે જોડાયેલા છે વડનગરના તાર

એમ કહેવાય છે કે, અકબર રાજાના સમયમાં મહાન ગાયક કલાકાર તાનસેને દીપક રાગ ગાયો હતો.

આથી તેના આખા શરીરમાં અંદર બળતરા શરૂ થઈ ગઈ હતી.

તાનસેનનાં આ શરીર દાહને શાંત કરવા વડનગરની બે બહેનો તાના અને રીરીએ મેઘ-મલ્હાર રાગ ગાયો અને વરસાદ પડ્યો. તેનાથી તાનસેનનો શરીર દાહ શાંત થયો.

આ વાત અકબર સુધી પહોંચી હતી. અકબર બન્ને બહેનોને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું, પણ તે બન્ને બહેનો તે સ્વીકાર્યું નહીં.

અકબરને તે અપમાનજનક લાગ્યું અને તેણે બન્ને બહેનોને લેવા લશ્કર મોકલ્યું હતું.

તાના-રીરીએ લશ્કરથી બચવા કૂવામા પડીને આત્મહત્યા કરી. વડનગરમાં આજે પણ તેમની સમાધિ સ્મારક રૂપે છે.

અહીં સરકાર દર વર્ષે શાસ્ત્રીય સંગીતનો તાના-રીરી મહોત્સવ યોજે છે.

3. કીતિતોરણ બન્યું ગુજરાતની ઓળખ

40 ફૂટ ઊંચું કીર્તિ તોરણ વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે છે. તે સોલંકીકાળના સ્થાપત્યોમાંથી એક છે.

મંદિરના પ્રવેશદ્વારનું તોરણ હોવાનું માન્યાતા લોકમાનસ પર હતી, પરંતુ એવા કોઈ અવશેષો મળ્યા નથી.

4. નરેન્દ્ર મોદીનું વતન

ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર છે. ત્યાંના રેલવે સ્ટેશન પર તેમના પિતાનો ટી-સ્ટૉલ હતો.

અહીં તેઓ તેમના પિતાને ટી-સ્ટૉલની કામગીરીમાં મદદ કરતા હોવાનું કહેવાય છે.

5. ચાઈલ્ડ સેક્સ રેશિયોમાં મહેસાણા છેલ્લેથી બીજા ક્રમે

વડનગર મહેસાણા જિલ્લામાં આવેલું છે, જેમાં 9 તાલુકા અને 606 ગામડાં છે. વર્ષ 2011ના વસતિ ગણતરીના અહેવાલ મુજબ ચાઇલ્ડ સેક્સ રેશિયોની દૃષ્ટિએ મહેસાણા જિલ્લો સમગ્ર રાજ્યમાં છેલ્લેથી બીજા ક્રમાંકે છે, જ્યાં 1000 બાળકોની સામે બાળકીઓની સંખ્યા 842 છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો