એક કરોડ નોકરીઓના વડાપ્રધાન મોદીના વાયદાનું શું થયું?

2013ના ચૂટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો તેમનો ભારતીય જનતા પક્ષ જીતશે તો નવી લાખો નોકરીઓનું સર્જન કરશે.

એક વર્ષ પછી ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યો. આ વર્ષના જાન્યુઆરીના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે નવી નોકરીની વૃદ્ધિ ધીમી પડી ગઈ છે.

સરકારી આંકડા પ્રમાણે 2013-14 કરતાં બેરોજગારીનો દર 4.9 ટકાથી વધીને 5 ટકાએ પહોંચ્યો છે.

આ ચિત્ર ઘણું નિરાશાજનક છે. અર્થશાસ્ત્રી વિનોજ અબ્રાહમના અભ્યાસ પ્રમાણે શ્રમ વિભાગ દ્વારા જે નોકરીઓના વર્તમાન આંકડા મળ્યા છે તે પ્રમાણે 2012 થી 2016 દરમિયાન રોજગારીદર ઘટ્યો છે.

સ્વતંત્રતા પછી લગભગ પ્રથમ વખત 2013 થી 2014 અને 2015 થી 2016 વચ્ચે રોજગારીદરમાં ઘટાડો થયો છે. જે સૌથી ચિંતાજનક બાબત છે.

તમને આ પણ વાંચવું ગમશે

ડૉ. અબ્રાહમના જણાવ્યા અનુસાર હાલની નોકરીઓ ઓછી થઈ રહી છે.

અડધોઅડધ ભારતીયો આજીવિકા માટે ખેતી કરે છે એમની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

સતત દુષ્કાળ અને ઉપજની અનિયમિત કિંમતોએ લોકોને ખેતીમાંથી દૂર કરી કન્સ્ટ્રક્શન અને બીજી નોકરીઓ તરફ વાળ્યા છે.

નોટબંધી પછી રોજગારીમાં ઘટાડો

મેકકિન્સે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના અભ્યાસ પ્રમાણે 2011 થી 2015 વચ્ચે ખેતીના વ્યવસાયમાં અઢી કરોડ જેટલી રોજગારી ઘટી છે.

નોટબંધી અને જીએસટીએ જીડીપીની સાથે ખેતી, બાંધકામ ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની નોકરીઓને અસર કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ દૈનિકના એક વિશ્લેષણ પ્રમાણે મેટલ, કેપિટલ ગુડ્સ, પાવર, રિટેઇલ, કન્સ્ટ્રક્શન અને કન્સ્યુમર ગુડ્સ સેક્ટરની 120 કંપનીઓની નોકરીની ભરતી ઘટી છે.

ટોચના એક HR એક્ઝિક્યુટિવે દૈનિકને જણાવ્યા અનુસાર કંપનીઓની વિસ્તરણ યોજનાઓ ધીમી પડી ગઈ છે.

ભારતના આર્થિક સર્વે પ્રમાણે નવી નોકરીઓ ઊભી કરવી એક મોટી સમસ્યા બની છે.

અઢી કરોડ લોકો નોકરી શોધી રહ્યા છે

2030 સુધીમાં દર વર્ષે સવા કરોડ લોકો નોકરીઓની શોધ કરવા મેદાનમાં ઉતરશે. આજના ઓસ્ટ્રેલિયાની કુલ વસતી જેટલા કહી શકાય એટલા અઢી કરોડ ભારતીયો હાલમાં નોકરીની શોધમાં છે.

ભારતમાં રોજગારીની સમસ્યા ગંભીર છે.

અર્થશાસ્ત્રી વિજય જોષીએ કહ્યું કે, સૉશિયલ સિક્યુરિટી સિસ્ટમનો અભાવ અને ગરીબીને કારણે મોટાભાગના લોકો માત્ર જીવતા રહેવાની મથામણમાં ગમે તેમ કરીને નજીવી કમાણી કરી લે

80 ટકાથી વધારે લોકો નબળી સ્થિતિમાં છૂટાછવાયા, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેમના પગાર પણ ઓછા છે.

આમાંથી બહુ ઓછી નોકરી આવક, રોજગારી અને સ્થાનની દૃષ્ટિએ સલામત છે. એક અંદાજ પ્રમાણે ખાલી સાત ટકા લોકો તમામ લાભો સાથેની ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે.

રોજગારીનું ભવિષ્ય વધુ ખરાબ દેખાય છે કારણ કે શ્રમિકોની સંખ્યા ઝડપથી વધવાની ધારણા છે.

ડૉ. જોશી કહે છે કે ભારતમાં કાયમી ધોરણે દ્વિ-સ્તરીય અર્થવ્યવસ્થા આકાર લઈ રહી છે. જેમાં એક કરતાં બીજી અર્થવ્યવસ્થાને ઓછો પગાર અને લાભો મળે છે.

ભારતમાં કામમાં કરતા માણસોની સંખ્યાનું વિભાજન ખૂબ જ ખરાબ રીતે થયેલું છે. સંગઠિત ક્ષેત્રોમાં જોડાયેલા કર્મચારીઓ કામની ઉત્પાદકતા વધુ છે પરંતુ તેમની વૃદ્ધિ અત્યંત ધીમી છે.

જે બિનસંગઠિત ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં કામદારો જોડાયેલા છે ત્યાં કામની ઓછી ઉત્પાદકતા અને ઓછા વેતન ધોરણોની સમસ્યા છે.

જેમાં વધારે કામદારો હોય તેવા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવા ઉદ્યોગોમાં તૈયાર વસ્ત્રો, કપડાં અને ચામડાં ઉદ્યોગ છે જેમાં વધારે કામદારોની જરૂર પડતી હોય છે.

ચંપલ-ફૂટવેરના ઉદ્યોગમાં પણ મંદી છે. કારણકે સરકારે બિનસંગઠિત ક્ષેત્રના લાઇસન્સ વગરના કતલખાનાઓ બંધ કરાવ્યા છે. જેને લીધે ચામડાની નિકાસમાં ઘટાડો થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો