'સરદારને અન્યાય': યોગી આદિત્યનાથનાં બે વાક્યોમાં બે ભૂલો

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ચૂંટણીગ્રસ્ત માહોલ ધરાવતા ગુજરાતની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, '૪૧ વર્ષ સુધી સરદાર પટેલને ભારતરત્ન આપવાનું કોંગ્રેસને યાદ આવ્યું ન હતું.'

'અટલબિહારીજી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો.'

'સરદારને અન્યાય'નું ગાણું ગુજરાત ભાજપની નેતાગીરી માટે જૂનું છે.

તેમાં નવા ગાયક તરીકે યોગી ઉમેરાય તેની નવાઈ નથી, પણ તેમણે આરોપ તરીકે કરેલું વિધાન પ્રાથમિક માહિતીની દૃષ્ટિએ જ ભૂલભરેલું છે.

તમને આ પણ વાંચવું ગમશે

ગણતરીની ગફલત

આઝાદી પછી સર્વોચ્ચ નાગરિક સન્માન એવા ભારતરત્નની શરૂઆત ૧૯૫૪માં થઈ. સરદાર પટેલને તે મરણોત્તર ૧૯૯૧માં આપવામાં આવ્યું.

યોગી આદિત્યનાથે સરદાર પટેલના મૃત્યુવર્ષ ૧૯૫૦થી ગણતરી માંડીને ૪૧ વર્ષનો હિસાબ માંડ્યો હશે.

પણ જે એવોર્ડ શરૂ જ ૧૯૫૪માં થયો હોય, તે ન આપ્યાની ગણતરી ૧૯૫૦થી કેવી રીતે કરી શકાય?

ખરી રીતે એમ કહી શકાય કે એવોર્ડ શરૂ થયા પછી ૩૭ વર્ષ સુધી કોંગ્રેસને સરદાર યાદ ન આવ્યા.

(વચ્ચે જનતા સરકારનાં વર્ષો ક્યાં ગયા, એ વળી અલગ મુદ્દો)

વર્ષોની ગણતરીની ગફલતને સંખ્યાકીય ગણીએ તો પણ બીજો ગોટાળો વધારે ગંભીર છે.

સરદાર વિશે યોગીનું લેસન કાચું

યોગીનો દાવો છે કે અટલબિહારીજી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે સરદારને 'ભારતરત્ન' નહીં અપાયાનો મુદ્દો ઉપાડ્યો હતો.

વાસ્તવમાં, 'અટલ બિહારીજી' પહેલી વાર (ભલે ૧૩ દિવસ માટે) ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા તેના પાંચ વર્ષ પહેલાં, સરદાર પટેલને 'ભારતરત્ન' એનાયત થઈ ચૂક્યો હતો.

અલબત્ત, સરદાર પટેલને 'ભારતરત્ન' આપવામાં ઔચિત્યનો ગંભીર પ્રશ્ન ઉભો થયો હતો.

એક તો, ગાંધીજીની જેમ અને ખરેખર તો પંડિત નહેરુની પણ જેમ, સરદાર 'ભારતરત્ન'ના સન્માનથી પર અને ઉપર ગણાય.

દેશી રાજ્યોનું વિલીનીકરણ કરીને ભારતને તેનો વર્તમાન ભૌગોલિક નકશો આપનાર વલ્લભભાઈ પટેલ સમૃદ્ધ વકીલાત છોડીને ગાંધીજી સાથે જોડાયા હતા.

વલ્લભભાઈ લોકઆંદોલનમાં રગદોળાઈને 'સરદાર' બન્યા હતા.

સરદારને શું જરૂર?

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધી-નહેરુ-પટેલની ત્રિપુટીમાંથી કોઈ એકને અલગ પાડીને બાકીના બેની વાત કરવાનું યોગ્ય નથી.

પરંતુ ઉત્સાહી વડાપ્રધાન પંડિત નહેરુએ ૧૯૫૫માં 'ભારતરત્ન' સન્માન સ્વીકારીને ઔચિત્યભંગ કર્યો.

તમને આ પણ વાંચવું ગમશે

આ સન્માન માટે તેમની લાયકાત નિર્વિવાદ હતી.

ઔચિત્યભંગ એ વાતે થયો કે તેમની લાયકાત ઘણી વધારે હતી અને એ પોતે ત્યારે વડાપ્રધાન પણ હતા.

ત્યાર પછી ઇંદિરા ગાંધી (1971) અને રાજીવ ગાંધીને 1991માં મરણોત્તર 'ભારતરત્ન' જાહેર થાય એ પછી સરદાર પટેલનો વારો આવે તે કોઈ રીતે વાજબી ઠરાવી શકાય તેમ ન હતું.

સરદારના પરિવારે વિવાદ ટાળ્યો

સન્માન જાહેર થયા પછી તેનો સ્વીકાર કરવો કે નહીં, એ અંગે સરદારના પૌત્રોને અવઢવ થઈ હતી.

આ લેખક સાથે અગાઉ થયેલી વાતચીતમાં સરદારના પૌત્ર ગૌતમભાઈએ કહ્યું હતું કે બિનજરૂરી વિવાદ ટાળવાના આશયથી તેમના મોટા ભાઈ વિપીનભાઈએ સન્માન સ્વીકારી લેવાનું નક્કી કર્યું.

સરદારના પૌત્રોએ ગરિમાપૂર્વક એ વિવાદ પર પૂર્ણવિરામ મૂકી દીધું.

પરંતુ એ મુદ્દે પોતાની ખીચડી પકાવવા માગતા નેતાઓ, પૂરું જાણ્યા વિના કે ખરા અર્થમાં સરદારને સમજ્યા વિના, એ પ્રકરણનો કેવળ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો