શબ્દ પૉર્ટ્રૅટ : ‘હું ચિત્રકાર કેમ થયો?’

    • લેેખક, વૃંદાવન સોલંકી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારોની ચિત્રકળામાં, સમય અને તેમનાં જીવનના વિવિધ ચડાવ-ઊતાર સાથે કેવી રીતે બદલાવ આવતો રહ્યો? આ વિષયવસ્તુ સાથે સુપ્રસિદ્ધ ચિત્રકાર વૃંદાવન સોલંકી ખાસ બીબીસી ગુજરાતી માટે ગુજરાતના ચિત્રકારોનું રસપ્રદ શબ્દચિત્ર દર સપ્તાહે રજૂ કરશે. આ સિરીઝની શરૂઆતમાં તેમનાં પોતાના જીવન અને કળા સાથેના સંબંધની રજૂઆત તેમના જ શબ્દોમાં...

દેશમાં આઝાદીનો માહોલ હતો. ગુજરાતના ગિરનાર પર્વતની ગોદમાં ઐતિહાસિક શહેર જૂનાગઢમાં 8 નવેમ્બર 1942ના રોજ ધનતેરસના દિવસની પરોઢે ધર્મપરાયણ અને સરળ સ્વભાવના માતા દિવાળીબહેન પુત્રને જન્મ આપે છે.

ત્યારે તાંબા-પિત્તળના વાસણો બનાવી વેપાર કરતા પિતા દામોદરભાઈને કલ્પના નહીં હોય કે, તેમનો આ પુત્ર પિતાનો વારસાગત વેપાર સંભાળવાને બદલે સૌરાષ્ટ્રના ગ્રામીણ લોકોના સરળ-સહજ ચિત્રોનો સર્જક બની દેશ-વિદેશમાં કળા ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન - નામ બનાવશે...'વૃંદાવન સોલંકી'.

તમને આ વાંચવું પણ ગમશે :

દેખાવે સામાન્ય કદ-કાઠી, ભીતર-બહારની આંખો દ્વારા હંમેશા ચોમેર કશુંક શોધતો હોય એવો ચિત્રકાર. કમ-સે-કમ નજીકથી તેમને જોનાર અનુભવી શકે.

‘ક’ ને બદલ કળશ દોર્યો

આજે પણ મને યાદ છે મારો શાળાનો પ્રથમ દિવસ.

માતા-પિતાએ નવા-નક્કોર કપડાં, માથે ભરત ભરેલી ગોળ ટોપી પહેરેલા ખુશખુશાલ ચહેરાને અરિસામાં બતાવી નાજુક હાથોમાં પાટી-પેન મુકી જૂનાગઢના ગાંધીરોડની પ્રાથમિક શાળાના પહેલા ધોરણના પ્રવેશ માટે શાળાના આચાર્ય સામે બેસાડ્યો.

આચાર્યે પાટીમાં 'ક' કળશનો 'ક' લખવાનું કહ્યું. મેં 'ક' લખવાને બદલે પાટીમાં કળશ ચિતર્યો. એ સમયે આચાર્ય મારી પાટીમાં કળશનું ચિત્ર જોઈ શું વિચારતા હશે એ કહેવું મુશ્કેલ છે.

પરંતુ રામશંકર ઠાકર નામના મારા પાંચમા ધોરણના શિક્ષકની મીઠી નજરે મારી ભીતર છુપાયેલા ચિત્રો દોરવાના, વાર્તા-નિબંધ કે કવિતા લખવાના, ગીતો ગાવાનાં કે નાટ્ય પ્રવૃત્તિમાં રસ લેવાના અભિગમને હંમેશા શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રજૂઆત કરાવી.

ચિત્રકાર જ બનવાનો નિર્ણય

મારી સર્જનાત્મક અભિગમને ઓળખી કહેતા કે ''એક સર્જક બનવું એ ઇશ્વરની દેણગી છે.''

આ શિક્ષકના શબ્દોએ મારી ભીતરની સર્જકતાને પ્રોત્સાહિત કરી. મનોમન નિર્ણય કર્યો કે 'આપણે તો એક ચિત્રકાર બનવું છે. માત્ર ચિતરવું જ છે.'

આ નિર્ણય કર્યો ત્યારે પ્રાથમિક શાળાના છઠ્ઠા ધોરણમાં ભણતો હોઉં એ દિવસો હતા.

એક ચિત્રકાર બનવાના માર્ગ પર મારા પગલાં મંડાયા. આ પગલાંને ત્યારે ગતિ મળી.

જ્યારે હું જૂનાગઢની નરસિંહ વિદ્યામંદિરના દસ - અગિયારમા ધોરણમાં પ્રવેશ લેતા કે.જી. પવાર અને જે.બી. જાદવ નામના શિક્ષકોએ ચિત્રની સર્જન પ્રક્રિયા વિશે પ્રાથમિક સમજણ આપી.

સાથે કહ્યું કે ચિત્રકાર બનવા મારે દૂર સુધી ચાલવું પડશે.

મનમાં એવો પ્રશ્ન પણ થયો કે ચિત્રકાર બનવા દૂર સુધી ચાલવું પડશે એટલે શું? કિશોર વય હતી એટલે આવા પ્રશ્નો થવા સ્વભાવિક હતા.

કહે છે ને કે અમુક પ્રકારના સવાલોના જવાબો કોઈ અદીઠ-ગુઢાત્મક પ્રકારે મળે છે. મારી સાથે પણ આવું જ કશુંક બન્યું!

નરસિંહ વિદ્યામંદિરના અગિયારમાં ધોરણ (મેટ્રિક)ના અભ્યાસના દિવસો. ભણવામાં રસ પડે નહીં. ગિરનારમાં, તેને વીંટળાયેલા ગાઢ જંગલોમાં રખડ્યા કરું.

જંગલમાં હરતા-ફરતા તડકો-છાંયો જોયા કરું.

કાળમીંઢ કાળા પથ્થરો, તેને અડકતા ખુલ્લાં આકાશ નીચે રચાતું આ પ્રાકૃતિક દૃશ્ય જોઇને હું ગૂઢ અનુભવ કરું, મનમાં ઊગતા સવાલોના જવાબ શોધ્યા કરું.

કળાગુરુ સાથે મુલાકાત

એક દિવસ જાણવા મળ્યું કે ગુજરાતના કળાગુરુ રવિશંકર રાવળ રાજકોટ આવી રહ્યા છે. મેં તેમને મળવા જવાનો મનસૂબો ઘડ્યો.

પ્રથમ જ વખત એકલા જૂનાગઢની બહાર જવા ટ્રેન પકડી. સાથે મેં બનાવેલા થોડા ચિત્રો લીધા.

ભીતર કંઈ કેટલાય પ્રશ્નો લઇને સફળ ચિત્રકાર બનવાના ઇરાદા સાથે ર.મ.રા.ની સામે ઊભો રહ્યો.

મારો ગભરાટ અને સામે દ્રઢ નિશ્ચય મારી આંખોમાં જોઈ તેમની બાજુમાં બેસાડ્યો.

અત્યંત વહાલ સભર વાતો કરતા મને કહે કે ચિત્રકાર હોવું એ આજના સમાજ જીવનમાં કપરાં ચઢાણ ચઢવા જેવું છે.

એક ચિત્રકાર બનવા પાછળની વાસ્તવિકતા સંબંધે એમના શબ્દો સાંભળી મારા સવાલોના જવાબ મળી ગયા.

દિલ-દીમાગને સાબૂત રાખી હું જૂનાગઢ પરત આવ્યો. શાળાના અભ્યાસમાં નબળો હતો એ કડવી પણ વાસ્તવિકતા હતી. એ વર્ષ હતું 1961નું.

એસ.એસ.સી (આજનું દસમું ધોરણ) જેમતેમ પાસ થવાની તૈયારી કરી. કળાક્ષેત્રે વધુ અભ્યાસ કરવા માટે મુંબઈ જવાનું મન બનાવી લીધું હતું.

પરંતુ સામેથી યોગ્ય પ્રત્યુત્તર નહીં મળે એવી શંકાના માર્યા મેં રવિભાઈને એક પત્ર લખી કેટલાક પ્રશ્નો પૂછ્યા.

મારા આશ્ચર્ય વચ્ચે ગણતરીના દિવસોમાં જ એમનો પહેલો પોસ્ટકાર્ડ પત્ર મળ્યો. પછી તો હું પત્રો દ્વારા અવારનવાર પ્રશ્નો પૂછતો રહ્યો અને કળાગુરૂ ર.મ.રા. વળતી ટપાલે પ્રત્યુત્તર પાઠવતા રહ્યા.

પત્રવ્યવહારનો આ સિલસિલો લાગલગાટ 1971ના વર્ષ સુધી ચાલ્યો.

કળાગુરુ સાથેના પત્રવ્યવહારનો ખજાનો

જેમ જેમ પત્રો મળતા ગયા તેમ કળા પ્રત્યેની મારી શ્રધ્ધા અને દ્રઢતા વધતા ગયા. તેથી જ હું મારી જાતને હંમેશા કહેતો હોઉં છું કે તારે તો ચીતરતા જ રહેવાનું છે.

બીજું બધું આપોઆપ તેની પાછળ આવતું રહેશે. કદાચ ઓછું મળે તો મળે પણ અફસોસ નહીં. ર.મ.રા. સાથે થયેલા પત્રવ્યવહાર પોસ્ટકાર્ડની સંખ્યા ચોપન (54) જેટલી છે.

એ તમામ પત્રો ખજાનો છે અને મારી પાસે કળાગુરુની પ્રસાદીરૂપે સંઘરાયેલો છે. મને તેનું અમાપ ગૌરવ છે.

જૂની એસ.એસ.સી પાસ કરી 1960-61ના જૂન મહિનામાં એક વરસાદી સાંજે જૂનાગઢથી મુંબઈની વાટ મેં પકડી.

ટ્રેનની ટિકિટ તેર રૂપિયા. પહોંચ્યો જે.જે. સ્કૂલ ઑફ આર્ટના દરવાજે. ગજવામાં સાથે હતો પ્રિન્સિપાલને સંબોધીને લખેલો ર.મ.રાનો ભલામણ પત્ર.

મેં બનાવેલાં થોડાં ચિત્રો 'કુમાર' માસિકમાં પ્રકાશિત થયાં હતાં. એટલે તેના થોડા અંકો મારી પાસે રાખ્યા હતા.

હા, થોડીક વસ્તુઓ પાછળ રહી ગઈ હતી, છૂટી ગઈ હતી. જેમ કે માનો મારા માથે મૂકેલો આશીર્વાદભર્યો હૂંફાળો હાથ, પિતાની મીઠી નજર, નાનાં-મોટાં ભાઈઓ- બહેનો અને ભત્રીજા - ભત્રીજીઓનો પ્રેમાળ કલબલાટ.

કવિ મિત્રો શ્યામ સાધુ, મનોજ ખંડેરિયા (બન્ને દિવંગત), રાજેન્દ્ર શુક્લ, બંસરી વાદક-સાધક તરીકે જાણીતા ઘનશ્યામ વ્યાસની સર્જનાત્મક અભિગમ સભર દોસ્તી પણ થોડો સમય માટે દૂર થઈ.

આજ સુધી વિશેષરૂપે તો ચિત્ર સર્જન અને જીવન જીવવાના પ્રેરણા સ્રોતરૂપે મારી ભીતર હંમેશા વિચરતા રહેતા ગિરનારી વાતાવરણને, એ વાતાવરણને ઓઢીને ગ્રામ્ય પરિવેશની ઓળખ લઈ આવતા સરળ જીવન જીવતા રબારી - ભરવાડ લોકોનો સમૂહ પણ હવે જોવા નહોતો મળવાનો.

હા, આ બધું માત્ર થોડા સમય માટે જ છેટે જઈ રહ્યું છે એની ખાતરી હતી અને આશ્વાસન પણ.

આજના જાણીતા ચિત્રકારો પ્રભાકર કોલતે અને કાશીનાથ સાળવે જેવા સહપાઠીઓ, મોરારજી સંપત અને સોલાપુરકર જેવા પ્રેમાળ પ્રોફેસરોના માર્ગદર્શન સાથે કળાના ગહન અભ્યાસના દિવસો પસાર થઈ રહ્યા હતા.

બીજી તરફ જૂનાગઢ જેવા નાનકડા ગામમાંથી વિશાળ મુંબઈ શહેરમાં આવી ચઢેલા આ વિદ્યાર્થીને સાથે-સાથે એવા વિચાર પણ આવે છે કે મુંબઈ મહાનગરની ભાગદોડવાળી જીવનશૈલી વચ્ચે મનભરીને ચિતરવાનો અવકાશ-મોકો નહીં મળે.

જે. જે.માં અભ્યાસનું એક વર્ષ

આવા વિચારો અને ડર વચ્ચે જેમ-તેમ પહેલું વર્ષ પસાર કર્યું. સુપ્રસિદ્ધ ચિત્રકાર-કવિ પ્રધુમ્ન તન્ના (હવે દિવંગત)ના સૂચનથી મેં વડોદરાની વાટ પકડી - મુકામ એમ.એસ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સ.

ફાઇન આર્ટ્સની પ્રવેશ પ્રક્રિયાનું મારું કામ જોઈ બેન્દ્રે સાહેબ, મણિ સાહેબ અને ચૌધરી સાહેબે કહ્યું કે પેન્ટિંગ, અપ્લાઇડ અને શિલ્પ વિભાગમાં પ્રવેશ આપી શકીશું.

તારે કયા વિભાગમાં જવું છે? મારો જવાબ હતો ''મારે તો ચિત્રો બનાવવાં છે. મને કોઈ વિભાગની સમજ કે જાણકારી નથી.''

મારા આ સરળ જવાબે મને પેન્ટિંગ ના ચાર વર્ષના કળાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી આપ્યો.

આ પ્રવેશે મને ધોધમાર ચિતરતો કર્યો. બહુ જ ટૂંકા સમયમાં હું પ્રોફેસરોનો માનીતો અને સહપાઠીઓમાં ચર્ચાનો વિષય બની ગયો.

આર્થિક અગવડનો અંત

પરંતુ એક મુસીબત એવી હતી જે મારો પીછો નહોતી - એનું નામ આર્થિક અગવડો એટલે કે નાણાકીય ભીડ. આ ભીડનો પણ એક સવારે અંત આવી ગયો.

1966-67નું વર્ષ. ગુજરાત લલિતકળા અકાદમીનાં કલાકાર વિભાગનું પ્રથમ ઇનામ 1000 રૂપિયા મારા એક વિશાળ ચિત્રને જાહેર થયું.

આ ઇનામે કળાના એક વિદ્યાર્થીની ઓળખથી એક પગથિયું આગળ એવી મને એક ચિત્રકારની - પૂર્ણ સમયના કળાકારની ઓળખ અપાવી.

મારી ભીતર આત્મવિશ્વાસનો નવેસરથી સંચાર થયો. પરિણામ...હું બમણા જોરથી ચિતરવા લાગ્યો.

દેશમાં આયોજિત થતાં વિવિધ સ્તરનાં કળા પ્રદર્શનો - હરીફાઈમાં ચિત્રો મોકલવા લાગ્યો. મારાં ચિત્રોને આગવું સ્થાન મળવા લાગ્યું.

ઇનામો પ્રાપ્ત થવા લાગ્યાં અને ટેગ થતી પ્રાઇસના ભાવે વેચાવા પણ લાગ્યાં.

વન મૅન શો

આ જોઈ શિલ્પ વિભાગના પ્રોફેસર - મારા શુભચિંતક મહેન્દ્ર પંડ્યાએ મને મુંબઈની જહાંગીર આર્ટ ગૅલરીમાં વનમેન શો યોજવાનું સૂચન કર્યું.

એટલે હું પહોંચી ગયો કળાચાહકો, કળાવિવેચકો, કળાસંગ્રાહકો અને કળાકારોથી સભર એવી મુંબઈની જહાંગીર આર્ટ ગૅલરીના આંગણે.

ગ્રામીણ સૌરાષ્ટ્રના પાત્રો, ગુજરાતના ગામોની શેરીઓના જૂના મકાનોનો ભવ્ય વારસો દર્શાવતા શ્વેત-શ્યામ ચિત્રોનો વન મેન શૉ યોજાયો તે સમય હતો 1969નો માર્ચ મહિનો.

એર ઇન્ડિયા, તાજ ગ્રૂપ ઑફ હોટેલ્સ, ટાટા ઉદ્યોગ સમૂહ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સરખા વ્યાપારી સંસ્થાનોએ તેમજ કળાસંગ્રાહકો તરીકે નામના ધરાવતા લોકોએ મારા બધા જ પ્રદર્શિત ચિત્રો ખરીદી લેતા મને એક વિશિષ્ટ ચિત્રકાર તરીકે ઓળખ મળી.

આ સમગ્ર પ્રક્રિયામાં જૂનાગઢના સંસદસભ્ય ચિત્તરંજન રાજા, તેમના મોટાભાઈ બાબુભાઈ રાજા અને કળા મર્મજ્ઞ શાંતિભાઈ ગજ્જરની મારા માટેની લાગણી-પ્રેમ-દરકાર કામ કરી ગયા.

એ ઋણ હું ક્યારેય ભૂલી ન શકું એવો તેમનો ફાળો છે.

એક નહીં બે ડીગ્રી મેળવી

પ્રથમ જ પ્રદર્શનની સફળતાએ બાળપણમાં સેવેલું ચિત્રકાર બનવાનું સ્વપ્ન સાકાર કરી આપ્યું.

બીજી તરફ ફાઇન આર્ટ્સના અભ્યાસના અંતિમ વર્ષે ભણતર પૂર્ણ કરી કળાની પદવી મેળવવાનું દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય. મેં એ બાબતે ઉદાસીનતા દાખવી.

એ દરમિયાન ચારે દિશામાં સતત ચિત્ર પ્રદર્શનો જ યોજતો રહ્યો. ક્યાં સુધી? લાગલગાટ દસ વર્ષ સુધી.

ડિગ્રી મેળવવાની તો બાકી જ હતી. વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ફરીથી પ્રવેશ મેળવ્યો.

એક નહીં બે ડિગ્રી મેળવી - બી.એ. ફાઇન આર્ટ્સ અને બીજી તે પોસ્ટગ્રેજ્યુએટ ઇન ગ્રાફિક્સ.

આમ હું ડિગ્રીધારી ચિત્રકાર બની ગયો...ઓળખ મળ્યાનાં બરાબર દસ વર્ષ પછી.

હું મારી ભીતર સચવાઈ રહ્યો છું

હવે થોડું મારાં ચિત્રો વિશે - મારા વિશે. 'ચહેરા વિનાનાં ચિત્રો'ની ઓળખ સાથે ચિત્રોનો વિષય મુખ્યત્વે મારી જન્મભૂમિનાં ગ્રામીણ પાત્રો, ગુજરાતનાં જૂનાં મકાનો શેરીઓ, ગિરનારના પથ્થરો અને જંગલ.

ઉપરાંત મુંબઈ શહેર અને તેની ફૂટપાથો, ફૂટપાથ પર બેસી વેપાર કરતાં પાત્રો, કૅન્વાસ સાથે ઓઇલ, અક્રિલિક, ચારકોલ, એચીંગ પ્રિન્ટસ પર બનતાં રહ્યાં.

તેમજ આસપાસ દેખાતી દૃષ્ટિને અનેક સ્કેચ બુકમાં, ત્વરિત લેખન દ્વારા આજ સુધી જે પ્રકારે ઝિલાતા રહ્યા છે, એ જ પ્રકારે મારા મિત્ર જેવાં પત્ની ચિત્રાનાં લાડ-પ્યારનાં સંગે અને પુત્ર ભીષ્મના સહયોગે.

આજે સતત સ્વસ્થતાપૂર્વક હું મારી ભીતર - બહાર સચવાઈ રહ્યો છું, સતત ચીતરતો રહ્યો છું તેનો મને આનંદ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો