You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતી દંપતીએ ફ્લોરિડાની યુનિવર્સિટીને આપ્યું 200 મિલિયન ડોલરનું દાન
- લેેખક, બ્રજેશ ઉપાધ્યાય
- પદ, બીબીસી ન્યૂઝ, વોશિંગટન ડીસી
અમેરિકામાં રહેતાં ભારતીય મૂળના પ્રખ્યાત દંપતી ડૉ. કિરણ પટેલ અને તેમના પત્ની પલ્લવી પટેલે ફ્લોરિડા યુનિવર્સિટીને 200 મિલિયન ડોલર એટલે કે આશરે 1320 કરોડની રકમ દાનમાં આપી છે.
કિરણ પટેલ 8 વર્ષના હતા ત્યારે તેમના નાના ભાઈ તથા અન્ય વિદ્યાર્થીઓ પોકેટ મનીમાંથી ચોકલેટ અને સોડાની મજા માણતાં.
તમને આ પણ વાંચવું ગમશે
કિરણ પણ રોજ આ વસ્તુઓ ખરીદી પોતાના શોખ પુરા કરી શકતા હતા. પરંતુ તેઓ આ વસ્તુઓને વ્યર્થ માનતા હતા.
તેઓ હંમેશા પોતાની પોકેટ મનીના પૈસા બચતબેન્કમાં જમા કરતા હતા.
થોડા વર્ષોમાં તેઓએ એટલા પૈસા એકઠાં કરી લીધા હતા કે તેનાથી તેઓ ઝામ્બિયાથી ભારત આવવાની જહાજની ટિકિટ ખરીદી શક્યા.
તેમણે માત્ર પોતાના માટે જ નહીં, પણ સાથે તેમણે માતા પિતાની, અને બે ભાઈ બહેનોની પણ ટિકિટ ખરીદી હતી.
આજે છ દાયકા બાદ કિરણ સી. પટેલ પોતાના 14 સીટર પ્રાઇવેટ જેટમાં બેસીને ફ્લોરિડાના ટેમ્પ જતા જતા પોતાના એ દિવસોને યાદ કરી રહ્યા છે.
તેના થોડા સમય પહેલા જ તેમણે અને તેમના પત્ની ડૉ.પલ્લવીએ ફ્લોરિડા યુનિવર્સિટીને 200 મિલિયન ડોલર આપવાનું નક્કી કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોઈ અમેરિકી શૈક્ષણિક સંસ્થાને ભારતીય મૂળના અમેરિકી દ્વારા મળેલું આ સૌથી મોટું દાન છે.
આ પટેલ દંપતી પાસેથી મળેલી આટલી મોટી ભેટથી નોવા સાઉથઇસ્ટર્ન યુનિવર્સિટી બે નવી મેડિકલ કૉલેજ ઉભી કરશે.
એક કૉલેજનું નિર્માણ ફ્લોરિડામાં કરવામાં આવશે તો બીજી કૉલેજ ભારતમાં બનશે.
કિરણ પટેલ કહે છે, "મેં મારા જીવન દરમિયાન કેટલાક પાઠ ખૂબ જલદી ભણી લીધા છે."
તેઓ ઉમેરે છે, "એક રૂપિયો બચાવવો એકએક રૂપિયો કમાવવાને બરાબર છે. એ રકમને એ જગ્યાએ આપી દેવી જોઈએ, જ્યાં તેની સૌથી વધુ અસર જોઈ શકાય."
હૃદયરોગના નિષ્ણાતથી બિઝનેસમેન સુધીની સફર
કિરણ પટેલ દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં મોટા થયા હતા, જ્યારે ત્યાં ખૂબ રંગભેદ જોવા મળતો હતો.
તેમણે ભણવા માટે 80 કિલોમીટર દૂર આવેલી એક સ્કૂલમાં જવું પડતું હતું.
કેમ કે, તેઓ જ્યાં રહેતા હતા ત્યાં કોઈ પણ અશ્વેત વિદ્યાર્થીને એડમિશન મળતું ન હતું.
તેમણે મેડિકલની શિક્ષા ભારતમાં મેળવી અને પછી પોતાનાં પત્ની સાથે વર્ષ 1976માં થેંક્સગિવિંગ ડેના દિવસે અમેરિકા જતાં રહ્યાં હતાં.
તેમના પત્ની પણ એક મેડિકલ ડૉક્ટર છે.
કિરણ પટેલે હૃદયરોગના નિષ્ણાતથી એક બિઝનેસમેનની યાત્રા કરી. તેમણે જુદી જુદી વિશેષતા ધરાવતા તબીબોનું નેટવર્ક ઉભું કર્યું.
તેમણે નાદારીના આરે ઊભેલી હેલ્થ ઇન્શ્યોરેન્સ કંપની ખરીદી ત્યારે તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો.
દસ વર્ષ બાદ કિરણ પટેલે કંપનીને વેંચી નાખી.
આ કંપનીના ચાર લાખ જેટલા સભ્યો હતા અને તેમાંથી કિરણ પટેલને એક અબજ ડોલર કરતા વધારે નફો મળ્યો હતો.
કિરણ પટેલ આ વર્ષે વિવાદમાં પણ ફસાઈ ચૂક્યા છે.
તેમના પર લાગેલા કેટલાક આરોપો બાદ તેમણે એક સમજૂતિ હેઠળ 30 મિલિયન ડોલર કરતા વધારેની રકમ ચૂકવી હતી.
સમાધાનની શરતના ભાગરૂપે કંપનીએ કાંઈ ખોટું ન કર્યું હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
કિરણ પટેલ ઇચ્છે છે કે લોકો તેમને એક 'આક્રમક વેપારી' તરીકે ઓળખે.
તેઓ ગુજરાતની જૂની કહેવતોમાં પણ માને છે જેમ કે, "જ્યારે લક્ષ્મી દેવી તમારો દરવાજો ખટખટાવે છે, ત્યારે મોઢું ધોવા ન જવું જોઈએ."
તેઓ કહે છે, "હું જોખમ ઉઠાવવાનું પસંદ કરૂં છું અને 90 માઈલ પ્રતિ કલાકની ઝડપે ભાગવા વાળો વ્યક્તિ છું."
પોતાના પત્ની તરફ ઇશારો કરતા તેઓ કહે છે, "આ જ એક છે કે જે મારા પર બ્રેક લગાવે છે."
દાનની રીત બદલાઈ
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય અમેરિકીઓએ પોતાના દાન આપવાની રીત થોડી બદલી છે.
હવે એવા લોકો ખૂબ ઓછા મળે છે કે જેઓ પોતાના પૈસા મંદિરો તેમજ ધાર્મિક સંસ્થાઓમાં દાન આપે છે.
મોટા ભાગના લોકો હવે એવી જગ્યાએ દાન આપવાનું પસંદ કરે છે કે જેનાથી સમાજમાં સુધાર આવે.
તેઓ અમેરિકાની સાથે સાથે પોતાના દેશના સમાજમાં પણ સુધાર લાવવાનો પ્રયાસ કરે છે.
પટેલ દંપતી માત્ર એકલા જ નથી, કે જેઓ દાન કરે છે.
ન્યૂયોર્કમાં રહેતા દંપતી ચંદ્રીકા અને રંજન ટંડને NYU સ્કૂલ ઓફ એન્જિનિયરિંગને 100 મિલિયન ડોલરનું વર્ષ 2015માં દાન આપ્યું હતું.
તો સંજુ બંસલ ફાઉન્ડેશન પણ ઘણી વખત વોશિંગટન ડીસી સ્થિત જુદાજુદા NGOને દાન આપતા રહે છે.
કિરણ પટેલ કહે છે કે જો તેઓ એક શ્રીમંત વ્યક્તિ ન હોત તો પણ તેઓ દાન કરતા રહેતા.
તેઓ કહે છે, "મારા પિતા પાસે એટલા પૈસા ન હતા. પણ તે છતાં તેઓ ઝામ્બિયા કે ગુજરાત, ગમે ત્યાં એ લોકોને મદદ કરતા રહેતા જેમને તેની જરૂર હોય."
પટેલ દંપતીના દાન દ્વારા અત્યાર સુધી સૌથી મોટો લાભ યુનિવર્સિટી ઓફ સાઉથર્ન ફ્લોરિડાને મળ્યો છે.
ત્યાં તેમણે એક રિસર્ચ સેન્ટર અને ટેમ્પ કલામંદિર ઉભું કર્યું છે.
તેમણે ભારતમાં પણ ઘણા કાર્યક્રમનું આયોજન કર્યું છે.
ગુજરાતના એક ગામડામાં તેમણે 50 બેડની હોસ્પિટલ બનાવી છે.
કિરણ પટેલ કહે છે કે NSUને આપેલા તેમના દાનમાંથી 50 મિલિયન ડૉલર સીધા સ્કૂલમાં મદદ આપશે.
તો 150 મિલિયન ડૉલર મેડિકલ એજ્યુકેશન કૉમ્પલેક્સ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાશે.
તેમનો ઉદ્દેશ્ય ભારત અને ઝામ્બિયામાં આરોગ્ય ક્ષેત્રે સુધારો લાવવાનો છે.
તેઓ આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ઓછા ખર્ચે સારી તાલીમ પણ આપવા માગે છે.
તેમનો પ્લાન કંઈક એવો છે કે ફ્લોરિડાના વિદ્યાર્થીઓ ભારતમાં વ્યવહારિક અનુભવ મેળવે, અને ભારતીય વિદ્યાર્થીઓ ફ્લોરિડાની સ્કૂલમાં એક વર્ષ વિતાવે.
ભારતમાં અમેરિકાની સ્ટાઇલનું ભણતર લાવી કિરણ પટેલ માને છે કે તેનાથી લોકોનો ખર્ચ ખૂબ ઓછો થઈ જશે.
કિરણ પટેલ કહે છે, "ઝામ્બિયાનો એક વિદ્યાર્થી ભારતમાં 2000 ડોલર કરતા ઓછા ખર્ચે રહી શકે છે.
આ ખર્ચમાં જમવાનો તેમજ રહેવાનો ખર્ચ પણ સામેલ છે.
અમે હજારો લોકોને મદદ કરવા સક્ષમ છીએ અને સાથે સાથે અમે એ જ ગુણવત્તા ધરાવતી શિક્ષા તેમને આપી શકીએ છીએ જેવી અમેરિકામાં મળે છે."
વધુમાં તેઓ ઉમેરે છે કે ભારતમાં અમેરિકન વિદ્યાર્થીઓને જુદાજુદા રોગ અને પરિસ્થિતિ અંગે જાણકારી મળી શકશે.
વૈભવી જીવનના શોખીન કિરણ પટેલ
કિરણ પટેલ હાલ મોટા ખર્ચ કરવામાં ખૂબ ખુશી અનુભવે છે.
તેમણે છેલ્લા પાંચ વર્ષમાં ચાર પ્રાઇવેટ જેટ ખરીદ્યાં છે. તો તેમના ભવ્ય મહેલ જેવા ઘરનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
ફ્લોરિડામાં પટેલનું નવું ઘર બની રહ્યું છે, જે ચર્ચાનો વિષય બન્યું છે.
આ ઘરમાં લગભગ 40 રૂમ છે. આ ઘરમાં ભારતથી મંગાવેલા લાલ રંગના રેતીલા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષોથી આ ઘરના નિર્માણ માટે 100 કરતા વધુ લોકો મહેનત કરી રહ્યા છે.
આ ઘરનું નિર્માણ પૂર્ણ થવા પર કિરણ પટેલને આશા છે કે તેમની ત્રણ પેઢીઓ આ ઘરમાં એકસાથે રહેશે.
પણ જો તેઓ આટલો બધો ખર્ચ કરે છે તો સ્વાભાવિક સવાલ થાય છે કે તેઓ નાનપણમાં ચોકલેટ અને સોડા પર પૈસા ખર્ચ કરવાને વ્યર્થ કેમ માનતા હતા?
કિરણ પટેલ કહે છે, "હું સૌથી શ્રેષ્ઠ વસ્તુમાં વિશ્વાસ કરૂં છું. મને ખબર છે કે મારા આ અતિખર્ચાળ સ્વભાવની લોકો ટીકા કરશે પણ કેટલાક લોકો એવું પણ કહેશે કે શા માટે ખર્ચ ન કરવો?"
જો કે કિરણ પટેલના પત્ની પલ્લવી પટેલ કહે છે કે પ્રાઇવેટ જેટમાં ફરીને અને દરિયાની સામે સુંદર ઘરમાં રહીને તેમને એટલી ખુશી નથી મળતી જેટલી ખુશી તેમને એક મધ્યમ વર્ગીય પરિવારમાં રહીને મળતી હતી.
તેઓ કહે છે, "તેમણે જેટલો ખર્ચ પોતાના પર નથી કર્યો એટલો મારા પર કર્યો છે. મને લાગે છે કે તેમણે ખુશી અનુભવવાનો હક પણ પોતાની લાયકાતથી મેળવ્યો છે."
પલ્લવી પટેલ કહે છે કે તેમના પતિ મનથી તો હજુ પણ કરકસર વાળો જ સ્વભાવ ધરાવે છે. એ જ રીતે તેમણે પોતાના બાળકોને પણ મોટા કર્યા છે.
તેમનો દિકરો શિલાન જ્યારે નવ વર્ષનો હતો, ત્યારે તે સ્કૂલેથી આવીને પોતાના પિતાને પૂછવા લાગ્યો, "પપ્પા, શું આપણે પૈસાદાર છીએ?"
આ સવાલના જવાબ પર કિરણ પટેલે કહ્યું હતું, "હું પૈસાદાર છું, તમે નથી."
પલ્લવી પટેલ કહે છે, "આ રીતે અમે અમારા બાળકોને શીખવ્યું કે કેવી રીતે તેમણે પોતાના જીવનમાં પોતાનાં બળ પર કંઈક કરવાનું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો