સોનાના થાળ અને સંઘર્ષ વચ્ચે મેં સંઘર્ષ પસંદ કર્યો

ઓબીસી-એસસી-એસટી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર શનિવારે દિલ્હી ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. જે બાદ તેમણે કોંગ્રેસમાં જોડાવવાની જાહેરાત કરી.

સોમવારે અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધી ગાંધીનગરમાં એકમંચ પર આવશે.

બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબૂક લાઇવમાં રાજકીય વિશ્લેષક અજય ઉમટ અને બીબીસી ગુજરાતીના સંવાદદાતા વિજયસિંહ પરમારે અલ્પેશ ઠાકોર સાથે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી.

બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબૂક પેજ પર વાચકોએ પણ અલ્પેશ ઠાકોરને બીબીસીના માધ્યમ થકી સવાલો કર્યાં.

તમને આ વાંચવું પણ ગમશે :

લોકોને ખાસ કરીને ત્રણ મુખ્ય બાબતો અલ્પેશ ઠાકોર પાસેથી જાણવી હતી.

તેઓ કોંગ્રેસમાં કેમ જોડાયા? કોંગ્રેસમાં જોડાવાનો અગાઉથી જ પ્લાન હતો કે તાજેતરમાં નિર્ણય લીધો? રાજકારણમાં તેઓ કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપશે?

અલ્પેશ ઠાકારે આ તમામ પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપ્યા.

'ગરીબી, બેકારી અને વ્યસનમુક્તિ માટે લડીશ'

અલ્પેશ ઠાકોરે કહ્યું કે સમાજમાં વ્યસનમુક્તિ આવે એ માટે અભિયાન ચલાવીએ છીએ. ખાસ કરીને દારૂની બદીએ ગુજરાતમાં અનેક લોકોનાં જીવન બરબાદ કર્યાં છે.

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે અને ઘરે-ઘરે દારૂ વેચાય છે. દારૂ વેચનારા અને પોલીસની મિલીભગતથી આ ધંધો ફૂલ્યો-ફાલ્યો છે.

મારું ધ્યેય એ છે કે લોકો વ્યસનમુક્ત બને, શિક્ષિત બને અને સારું જીવન જીવે.

ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતમાં ગરીબી અને બેકારી વ્યાપક પ્રમાણમાં છે. ચૂંટણીમાં પણ અમે આ મુદ્દાને પ્રાધાન્ય આપીશું.

ગુજરાત સરકાર દાવો કરે છે કે રોજગારી આપવામાં ગુજરાત દેશમાં મોખરે છે પણ હકીકત જુદી છે. બેકારી તમે રસ્તાઓ ઉપર જોઈ શકો છો.

ખાનગી કંપનીઓ સ્થાનિક લોકોને રોજગારી આપતી નથી. આ પ્રશ્નો પાયાનાં છે અને તમામ વર્ગને સ્પર્શે છે. એ તમામ મુદ્દાઓને હું વાચા આપીશ.

રાજકારણમાં જોડાતાં પહેલા કેડર તૈયાર કરી રાખી

રાજકારણમાં આવવાના મામલે તેમણે કહ્યું કે જાહેર જીવનમાં સક્રિય થયા પછી અનેક ગામડાઓનો પ્રવાસ કર્યો અને રાજકારણમાં આવતાં પહેલાં ગ્રાઉન્ડ લેવલે કેડર તૈયાર કરી છે.

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તરફથી ઓફર હતી પણ હું કોંગ્રેસમાં જોડાયો. કેમ કે મારી માગણી અને કોંગ્રેસની વિચારધારા એકસરખી છે.

એક તરફ સોનાની થાળી (ભાજપ) હતી અને બીજી તરફ સંઘર્ષ (કોંગ્રેસ) હતો. મેં સંઘર્ષ પસંદ કર્યો. રાહુલ ગાંધી એક નિષ્ઠાવાન નેતા છે અને તેમના જીવનમાં કોઈ કપટ નથી.

તેઓ ગરીબોનું ભલું ઇચ્છે છે અને હું પણ એમ જ વિચારું છું. જ્યાં સુધી મારે ચૂંટણી લડવાનો સવાલ છે ત્યાં સુધી હું એટલું કહીશ કે હું પહેલાં લોકોને પૂછીશ અને પછી આ વિશે નિર્ણય કરીશ.

અમે ભાજપ સાથે પણ બેઠકો કરી હતી પણ કોંગ્રેસે અમારી માગણીઓ સ્વીકારી એટલા માટે હું કોંગ્રેસમાં જોડાયો. કોંગ્રેસમાં જોડાવાનો અગાઉથી કોઈ પ્લાન નહોતો.

પાટીદારોની અનામતનો ઉકેલ કેવી રીતે લાવશો?

પાટીદાર અનામત વિશે બોલતાં અલ્પેશે કહ્યું કે પાટીદારો અને સમાજના અન્ય સવર્ણ વર્ગોની માગ વિશે ગંભીરતાથી વિચારી તેમનો નિવેડો લાવીશું.

હવે હું કોઈ એક જ્ઞાતિનો નેતા નથી. રાજયમાં આવેલી તમામ જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ કરીશ.

આર્થિક ધોરણ પર અનામત આપવી જોઈએ અને એ શક્યતા તરફ વિચાર કરવો જોઈએ એમ હું માનું છું.

ગુજરાતમાં વિકાસ નથી થયો એનું ઉદાહરણ પાટીદારોની અનામતની માંગણી છે. જો રોજગારી હોત તો તેમણે આ લડત લડવી ન પડત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો