You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'રાહુલ સાથે ગુજરાતમાં હું આવનારી સરકારનો પાયો નાખીશ'
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે.
23મી ઓક્ટોબરની ગાંધીનગરની બેઠકમાં રાહુલ ગાંધી ભાગ લેશે અને અલ્પેશ ઠાકોર ઔપચારિક રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે.
અલ્પેશની આ જાહેરાત પહેલા ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજી હતી.
જેમાં તેમણે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
છેલ્લાં 22 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભાજપ સરકારનો ખેલ અલ્પેશ ઠાકોર બગાડી શકશે?
ગુજરાતમાં ૪૭ લાખથી વધુ દલિત મતદારો છે.
વિધાનસભાની ૧૮૨માંથી આશરે ૭૦ સીટો પર ઓબીસી મતદારો પ્રભુત્વ ધરાવે છે, જ્યારે રાજ્યની ૧૪ ટકા વસ્તી પટેલ સમાજની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોણ છે અલ્પેશ ઠાકોર?
અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં દારૂબંધીનાં કડક અમલ માટે અનેક આંદોલનો કર્યાં હતાં. જેનાં કારણે ગુજરાત સરકારે દારૂબંધીનો કાયદો બદલવો પડ્યો હતો.
ગુજરાતની ઓબીસી તેમજ અનુસૂચિત જાતિ, જનજાતિના પ્રશ્નોને વાચા આપવા માટે એસસી, એસટી અને ઓબીસી એકતા મંચની સ્થાપના કરી છે.
અલ્પેશે ગુજરાતનાં યુવા બેરોજગારો, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનોના પ્રશ્નોને લઈને છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અનેક આંદોલનો કર્યાં છે.
આ મંચ અને સરકાર સામેના કાર્યક્રમોને કારણે અલ્પેશ ઠાકોર ઓબીસી સમાજનો ચહેરો બન્યા હતા.
છેલ્લાં ત્રણ વર્ષોથી અલ્પેશ ઠાકોર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ફરી રહ્યા છે.
23મીએ આવનારી સરકારનો પાયો નાખીશું
શનિવારે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ અલ્પેશે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી.
બીબીસી ગુજરાતી સાથેની વાત દરમિયાન અલ્પેશે જણાવ્યું,"હું બંધારણને બચાવવાની, બેરોજગારોની, વંચિતોની, ગરીબોની લડાઈ લડી રહ્યો છું. રાહુલ ગાંધી પણ આ માટે જ લડી રહ્યા છે."
આગામી ૨૩ તારીખે સોમવારે અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધી સાથે ગુજરાતમાં પ્રથમ વખત એકસાથે સભા સંબોધશે.
અલ્પેશે વધુમાં જણાવ્યું, "અમને એક ઇમાનદાર સરકાર જોઇએ છે, અને તે માટે કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. સોમવારની સભામાં રાહુલ ગાંધી અને હું આવનારી સરકારનો પાયો નાખીશું."
બીબીસી સાથેની વાત દરમિયાન અલ્પેશે કહ્યું કે તેમની તૈયારી બુથ સ્તર સુધીની છે.
બીજા સમીકરણો પણ બદલાયાં
ભાજપનાં પ્રમુખ અમિત શાહ સાથેની એક મુલાકાત બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના અગ્રણી રેશ્મા પટેલ અને પ્રવક્તા વરુણ પટેલ શનિવારે ભાજપમાં વિધિવત્ રીતે જોડાઇ ગયાં હતાં.
રેશ્મા પટેલે જણાવ્યું, "પાટીદારોના આરક્ષણનાં મુદ્દાઓ અંગે અમે અનેક વખત કોંગ્રેસનાં નેતાઓને પત્ર લખ્યાં, પરંતુ આજ દિવસ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી."
ગુજરાતની ભાજપ સરકારે સમાજની મોટોભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે, ત્યારે તેમની સામે આંદોલન કરવાનો કોઈ મતલબ નથી.
તમને આ પણ વાંચવું ગમશે
રેશ્માએ ઉમેર્યું હતું, "કોંગ્રેસ માત્ર જાતિ આધારિત રાજનીતિ કરે છે, અને તેણે પાટીદારોનો ઉપયોગ રાજનીતિ માટે કર્યો છે."
આ અંગે હાર્દિકે ટ્વિટર પર લખ્યું, "કાનખજૂરાનો પગ તૂટી જવા છતાંય તે દોડશે. મારી સાથે જનતા છે, તેમનો સાથ રહેશે ત્યાં સુધી લડતો રહીશ."
બીજી બાજુ, જિગ્નેશ મેવાણીએ આ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભાજપની વિરુદ્ધમાં છે.
જોકે, કોંગ્રેસની સાથે છે કે નહીં તેની સ્પષ્ટતા સાથીઓ અને દલિત આગેવાનો સાથે મળ્યા બાદ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો