અમદાવાદનાં આ કાફેમાં થાય છે ‘પરિવર્તન’, તમે જશો?

    • લેેખક, પ્રશાંત દયાળ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સ્કિઝોફ્રેનિઆના દર્દીઓના જીવનમાં બદલાવ માટે અમદાવાદમાં ‘પરિવર્તન કાફે’ની શરૂઆત કરવામાં આવી છે.

મંગળવારથી 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે'ના દિવસે અમદાવાદના શાહીબાગમાં આવેલી ગવર્નમેન્ટ મેન્ટલ હેલ્થ હોસ્પિટલમાં આ અનોખા કાફેની શરૂઆત થઈ છે.

સ્કિઝોફ્રેનિઆથી પીડાતા દર્દીઓ સમાજમાં ફરીથી ભળી શકે તે માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

નેશનલ મેન્ટલ હેલ્થના વર્ષ 2016ના આંકડા પ્રમાણે, ગુજરાતમાં સ્કિઝોફ્રેનિઆના બે લાખથી વધુ દર્દીઓ છે.

તમને આ પણ વાંચવું ગમશે

દર વર્ષે તેમાં 11 હજારથી વધુ દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે.

પાગલ સમજી અસ્વીકાર

અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં રહેતા અને સ્કિઝોફ્રેનિઆ બીમારી બાદ સાજા થયેલા કશ્યપ જાનીએ બીબીસીને કહ્યું, “હું સાજો થઈ ગયો પણ લોકોને મારો ડર લાગે છે.”

કશ્યપને કોઈ કામ આપવા તૈયાર ન હતું, પણ હવે 'પરિવર્તન કાફે' દ્વારા જીવનમાં બદલાવ લાવવા માંગે છે.

ડૉ. અજય ચૌહાણ કહે છે, "આપણે ત્યાં જાગૃત્તિના અભાવે સ્કિઝોફ્રેનિઆને વળગાડ માની લેવામાં આવે છે."

તેઓ ઉમેરે છે, "જયારે આ દર્દી સારવાર બાદ સાજો થઈ જાય, ત્યારે દર્દી ડરના કારણે સમાજમાં ભળતો નથી અને સમાજ તેને પાગલ સમજી સ્વીકારતો નથી."

ઉત્તર ગુજરાતના ઉનાવાના દર્દી મયંક પટેલે કહ્યું, “મિત્રો માનતા હતા કે મને ભૂત વળગ્યું છે. બે વર્ષ સુધી દોરાધાગા કરાવ્યા. પરંતુ સ્થિતિ સુધરી નહીં.”

છ મહિના પહેલા મયંકને અમદાવાદ લાવવામાં આવ્યો. બે મહિનાની સારવાર બાદ આજે તેની તબિયત સારી છે.

હવે તે પરિવર્તન કાફે મારફત જીવનને ફરી પાટે ચડાવવા પ્રયાસરત છે.

હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. અજય ચૌહાણે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેનેડામાં આઉટ વે રેસ્ટોરાં જોઈ તેમને આશ્ચર્ય થયું.

આ રેસ્ટોરાંનું સંચાલન માનસિક રોગમાંથી મુકત થયેલા દર્દીઓ કરે છે. એટલે અમદાવાદમાં આવું જ કાફે શરૂ કરવાનો વિચાર આવ્યો.

કેવી રીતે 'પરિવર્તન?'

શહેરના કલાપીનગર વિસ્તારમાં રહેતા સુમિત્રાબહેન પરમાર પણ સ્કિઝોફ્રેનિઆથી પીડાઈ રહ્યાં હતાં. હવે તે પરિવર્તન કાફે દ્વારા જીવનની ગાડી ફરી પાટે ચડાવવા પ્રયાસરત છે.

સ્કિઝોફ્રેનિઆના દર્દીઓને સહયોગ આપનારી સ્વૈચ્છિક સંસ્થા અલટ્રુઇસ્ટના મિલેશ હમલાઈ આ પ્રયાસને મદદ કરી રહ્યા છે.

તેમણે કહ્યું, "પરિવર્તન કાફે પગભર થાય ત્યાં સુધી જે કંઈ પણ આર્થિક ખોટ જાય તે ઉપાડી લેવાની જવાબદારી અમે લીધી છે."

સંસ્થા દ્વારા દર્દીઓને મહિને રૂપિયા ત્રણ હજારનો પગાર ચૂકવવામાં આવશે.

હાલમાં જાણીતી હોટલના કૂક સ્કિઝોફ્રેનિઆના સાજા થઈ ગયેલા દર્દીઓ પાસે નાસ્તો બનાવડાવશે. ધીમેધીમે દર્દીઓ સ્વતંત્ર રીતે કાફેનું સંચાલન કરશે.

હાલ કાફેમાં દર્દીઓના વ્યવહાર અને ગ્રાહકો સાથે કેવી રીતે કામ લેવું તેમની ઉપર નજર અને તાલીમ આપવા મનોવિજ્ઞાન નિષ્ણાતો પણ કાફેમાં હાજર રહેશે.

પરિવર્તન કાફેમાં સ્કિઝોફ્રેનિઆના દર્દીઓ સાથે કામ કરશે, જેના કારણે તેમને આવક પણ થશે અને સમાજમાં પાછા ફરવાની હિમ્મત પણ આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો