'મંદિરમાં ઈશ્વર છે કે નહીં તેની અમને ખબર નથી પણ...'

    • લેેખક, પ્રશાંત દયાળ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સાબરમતી જેલની જે ખોલીમાં મહાત્મા ગાંધીને રાખવામાં આવ્યા હતા ત્યાં રોજ કેદીઓ આવીને બાપુની યાદમાં સવાર-સાંજ દીવો કરે છે.

આઝાદીની ચળવળમાં સાબરમતી આશ્રમ મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. અહીંથી માત્ર અઢી કિલોમીટરના અંતરે મહાત્મા ગાંધી સાથે જોડાયેલું અન્ય એક ઐતિહાસિક સ્થળ આવેલું છે.

આ જગ્યા એટલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલી ગાંધી ખોલી. આ ખોલી જેલના કેદીઓ માટે મંદિર છે.

આઝાદીની ચળવળ દરમિયાન પહેલી જેલયાત્રા વખતે ગાંધીજીને અહીં રાખવામાં આવ્યા હતા. અહીં તેમણે દસ દિવસનો જેલવાસ ભોગવ્યો હતો.

કેદીઓના કહેવા પ્રમાણે અહીં તેમને સકારાત્મક ઊર્જા મળે છે અને ગાંધીજીની હાજરી અનુભવાય છે.

ગાંધીજીની પહેલી ધરપકડ

તા 13 માર્ચ 1922ના રોજ મહાત્મા ગાંધીની ધરપકડ થઈ. આઝાદીની લડાઈમાં ગાંધીજીની આ પહેલી ધરપકડ હતી.

સાબરમતી જેલના યાર્ડમાં તેમને રાખવામાં આવ્યા હતા. યાર્ડમાં દસ કોટડીઓ છે. દરેક ઓરડી દસ બાય દસની સાઇઝની છે.

યાર્ડની ફરતે ફરતે ઊંચો કોટ છે અને વચ્ચે નાનકડું ખુલ્લું મેદાન છે.

ગાંધીજીને અહીંની એક નાની કોટડીમાં રાખવામાં આવ્યા હતા. જે હવે ગાંધી ખોલી તરીકે ઓળખાય છે. ગાંધીજી તા. 20 માર્ચ, 1922 સુધી અહીં રહ્યા.

ગાંધીજી જે ખોલીમાં રહેતા હતા ત્યાં રોજ કેદીઓ આવીને બાપુની યાદમાં સવાર-સાંજ દીવા કરે છે.

સકારાત્મક ઊર્જાનો સંચાર

સાબરમતી જેલમાં જનમટીપની સજા ભોગવી ચૂકેલા નરેન્દ્રસિંહનું કહે છે, "હું ચિત્રો દોરવા માટે ગાંધી યાર્ડમાં જ જતો. ખબર નહીં કેમ, પણ મને ત્યાં હકારાત્મક ઊર્જા મળતી."

સજા કાપીને નરેન્દ્રસિંહ જીવનને ફરી પાટે ચડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તે કહે છે, "બાપુ દુનિયામાં હયાત નથી. છતાં કેદીઓને માને છે કે બાપુ આજે પણ ત્યાં જ છે."

આઈપીએસ પ્રેમવીરસિંગ સાબરમતી જેલના સુપરિન્ટેન્ડન્ટ છે. તેમણે કહ્યુ, "ગાંધી ખોલીમાં આવવાનો અનુભવ કંઇક અલગ જ છે. એટલે જ કેદીઓ અહીં આવવું પસંદ કરે છે."

સાબરમતી જેલમાં જન્મટીપની સજા ભોગવી રહેલા જયરામ દેસાઈ કહે છે, "મંદિરમાં ઈશ્વર રહે છે કે નહીં તેની અમને ખબર નથી, પણ ગાંધી અહીં રહ્યા હતા તેની અમને ખબર છે."

તેમણે વધુમાં કહ્યું, "બાપુ આજે પણ અહીં રહે છે તે અમે અનુભવીએ છીએ માટે હું રોજ અહીં દીવો કરવા આવું છું. દીવો કર્યા પછી મને સારું લાગે છે."

વિભાકર ભટ્ટ છેલ્લાં 33 વર્ષથી સાબરમતી જેલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

ગાંધી-સરદાર પાસે-પાસે

તેમણે કહ્યું કે, "ગાંધી ખોલીમાં કેટલા વર્ષથી કેદીઓ દીવા કરે છે. તેની તો મને ખબર નથી.

પણ છેલ્લાં 33 વર્ષથી મેં અહીં નિયમિત રીતે દીવા થતા જોયા છે."

આઝાદીની ચળવળ દરમિયાન દેશના અનેક રાજનેતા અને દેશભક્તોની ધરપકડો થઈ.

જેમાં વલ્લભભાઈ પટેલનો પણ સમાવેશ થતો હતો.

ધરપકડ બાદ વલ્લભભાઈને પણ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.

જેને સરદાર યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે.

જે ગાંધી યાર્ડની પાસે જ આવેલું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો