#WorldFoodDay: તમને ભૂખ લાગી હોય પણ જમવાનું ન મળે તો?

    • લેેખક, ગુરપ્રિત કૌર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભૂખમરાના કારણે ભારતની સ્થિતિ ગંભીર છે. ગ્લોબલ હન્ગર ઇન્ડેક્સમાં આ સ્થિતિ સામે આવી છે.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત 2010માં 95મા નંબરે હતું અને 2019માં તેનું સ્થાન 102મા નંબરે પહોંચ્યું છે.

આ ઇન્ડેક્સમાં નીચે હોવાનો મતલબ છે કે ભારતમાં લોકોને ભરપેટ ભોજન મળતું નથી. બાળમૃત્યુ દર વધારે છે, બાળકોનું ઊંચાઈ પ્રમાણે વજન નથી અને તેઓ કુપોષણનો શિકાર છે.

ગ્લોબલ ઇન્ડેક્સ પ્રમાણે પાકિસ્તાન 94મા નંબર, બાંગ્લાદેશ 88મા, નેપાળ 73મા અને શ્રીલંકા 66મા નંબરે છે.

તેનો મતલબ એ છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળના લોકો પોષણ મામલે ભારતીય લોકોથી આગળ છે. ભારત આ મામલે બ્રિક્સના દેશોથી પણ નીચે છે.

હંગર ઇન્ડેક્સથી એ જાણવા મળે છે કે લોકોને ખોરાક કેવો અને કેટલો મળે છે.

તો પછી ભોજનનો બગાડ શું કામ?

એક તરફ ભારત ભૂખની સમસ્યાનો સામનો કરી રહ્યો છે ને બીજી તરફ દેશમાં મોટા પાયે ખોરાકનો બગાડ થાય છે.

ભોજનનો બગાડ ભૂખમરાનું સૌથી મોટું કારણ છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે ભારતમાં 40 ટકા ભોજનનો બગાડ થાય છે.

આ આંકડાઓમાં કહેવામાં આવ્યું છે કે આ એટલું જમવાનું છે જેની કિંમત 50 હજાર કરોડ રૂપિયા આંકી શકાય.

આંકડા પર ના જઈએ તો પણ રોજ આપણી આસપાસ ભોજનનો વ્યય આપણે જોઈએ જ છીએ. લગ્ન, હોટલ, પાર્ટી, કાર્યક્રમો અને ઘરોમાં રોજ કેટલા ભોજનને એમ જ ફેંકી દેવામાં આવે છે.

આ ભોજનનો ભૂખ્યા લોકોને ખવડાવવામાં આવે તો ઘણા લોકોને ભરપેટ ભોજન મળી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ ભારતમાં ખેતીની ઊપજ સારી છે પણ તે દરેક વ્યક્તિ સુધી પહોચતી નથી.

ભૂખથી પીડિત દુનિયાની 25 ટકા વસ્તી ભારતમાં રહે છે. ભારતમાં આશરે 19 કરોડ લોકો કુપોષિત છે.

આમાં એ લોકો પણ છે જેમને પૂરતો ખોરાક નથી મળતો કાંતો જેમના ખોરાકમાં પોષણ તત્ત્વોની ઊણપ હોય છે.

કેવી રીતે રોકી શકાય ભોજનનો બગાડ?

  • ભોજનનો બગાડ રોકવા માટે માણસે ખુદ જ જાગરૂક થવું જોઈએ.
  • જો ખોરાક બચી જાય તો આસપાસના ભૂખ્યા માણસને જમાડી દેવા.
  • લગ્ન, પાર્ટી કે હોટલમાં વધેલા ખોરાકને અમુક સંસ્થાઓ ગરીબ માણસો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેમની મદદ લેવી.

આવી જ એક સંસ્થા ચલાવતા સંચિત જૈન કહે છે કે દિલ્લીના એક લગ્નમા બચેલા ભોજનથી 500 થી 2500 લોકોનું પેટ ભરાય છે.

સપ્લાય સિસ્ટમમાં ખામી

સંચિત જૈન કહે છે કે ભોજનનો બગાડ સપ્લાય સિસ્ટમની ખામીને કારણે થાય છે.

અનાજ ખેતરોમાંથી બજારો સુધી તો પહોંચે છે પણ તેને સંઘરવાની સારી સુવિધા નથી.

જેના કારણે અનાજ સડી જાય છે અને અનાજનો ભાવ પણ વધી જાય છે.

ક્યાં જાય છે બચેલું ભોજન?

સંસ્થાઓ દ્વારા એકઠું કરેલું ભોજન ઝૂંપડીમાં રહેનારા લોકો સુધી પહોચાડવામાં આવે છે.

જો કે આ મુદ્દો સરકાર માટે પણ ચિંતાનો વિષય છે.

ચેન્નઈની એક મહિલા ઈસા ફાતિમાએ બેસેંટ નગર વિસ્તારમાં એક કમ્યુનિટી ફ્રીજ લગાવ્યું છે. આ ફ્રીજમાં લોકો અને હોટલ માલિકો બચેલું ભોજન આવીને મૂકી જાય છે.

જેનાથી ભોજનનો બગાડ થતો અટકે છે અને ગરીબો પેટ ભરીને ભોજન આરોગી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો