You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ત્યારે બે આંકડામાં પગાર હતો, આજે પાંચ આંકડામાં પેન્શન મળે છે'
- લેેખક, કલ્પિત ભચેચ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતની સ્થાપના બાદ વહીવટી તંત્ર શરૂ થવાની કામગીરી કપરી હતી. તત્કાલીન બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત આવેલાં કર્મચારીઓએ નવી વ્યવસ્થાનો પાયો નાખ્યો.
તારામતીબહેન ઉપાધ્યાય પણ એ કર્મચારીઓમાંથી એક હતાં.
એ 28 એપ્રિલ 1960ના દિવસે એક વિશેષ ટ્રેનમાં ગુજરાત આવ્યાં હતાં.
આજે પણ એ યાદોને વાગોળતાં જિંદગીની એંસી તડકાછાંયડી જોઈ ચૂકેલી એમની આંખોમાં અનેરી ચમક આવી જાય છે.
તમને આ પણ વાંચવું ગમશે
તારામતીબહેનના પતિ હસમુખ ઉપાધ્યાય પણ નિવૃત્ત સરકારી કર્મચારી છે.
ગવર્નમેન્ટ કૉલોનીમાં તેમનો પ્રેમ પાંગર્યો, જે લગ્નમાં પરિણમ્યો.
કર્મચારીઓને વિકલ્પ અપાયેલો
1958માં 22 વર્ષની ઉંમરે તારામતીબહેન બોમ્બે સ્ટેટમાં કર્મચારી તરીકે જોડાયાં હતા. એ સમયે તેમનો પગાર મહિને સાઠ રૂપિયા હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બોમ્બે સ્ટેટના વિભાજન સમયે કર્મચારીઓને ગુજરાત જવાનો અથવા ત્યાં રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
એ સમયે તારામતીબહેને ગુજરાત આવવાનો નિર્ણય કર્યો.
તારામતીબહેન કહે છે કે, “લગભગ પાંચસોથી છસ્સો કર્મચારીઓ ગુજરાત આવ્યા. તેમાં પણ મહિલા કર્મચારીઓ તો આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ હતી.”
મુંબઈથી આવી ટ્રેન
તા. 28મી મે 1960ના દિવસે ગુજરાતનો વિકલ્પ પસંદ કરનારાં કર્મચારીઓને લઈને એક સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ પહોંચી. જેમાં તારામતીબહેન પણ હતાં.
કર્મચારીઓની સાથે મોરારજી દેસાઈ પણ હતા. જે આગળ જતાં દેશના વડાપ્રધાન પણ બન્યા.
રેલવે સ્ટેશન પર ઉપસ્થિત જનમેદની ઉત્સાહમાં મોરારજીભાઈને વિંટળાઈ વળી.
અમદાવાદ પોલિટેકનિક કૉલેજ ખાતે સચિવાલય શરૂ થયું. તારામતીબહેને રેવન્યુ ખાતામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવવાની શરૂ કરી.
વર્ષ 1993માં વિભાગના સંયુક્ત સચિવપદેથી તારામતીબહેન નિવૃત્ત થયાં.
તેમણે કહ્યું, “એ સમયે કર્મચારીઓની ભરતી માટે કોઈ મંડળ કે બોર્ડ નહોતો.”
“જેમતેમ ભરતીઓ થઈ અને વહીવટી કામગીરી શરૂ થઈ. સૌ પહેલા માહિતી વિભાગ શરૂ થયો.”
અગાઉ મુંબઈ ખાતે 'જન્મભૂમિ' અખબારમાં કામ કરતા હસમુખભાઈ આ વિભાગમાં જોડાયા.
હાલ શાહઆલમ ફાટક પાસે ગવર્નમેન્ટ કૉલોનીમાં તારામતીબહેનને ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું.
માહિતી ખાતામાં નવા જોડાયેલા હસમુખભાઈને પણ પાસે જ ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું.
બંને પાડોશીઓ વચ્ચે પ્રેમ પાંગર્યો અને સમય જતાં બંનેએ લગ્ન કરી લીધાં.
ચાર દાયકા સુધી રેવેન્યુ વિભાગમાં ફરજ બજાવ્યા બાદ તારામતીબહેન નિવૃત્ત થયાં.
પતિ હસમુખભાઈ પણ નિવૃત્ત થઈ ગયા છે.
તારામતીબહેન કહે છે કે નોકરીમાં જોડાઈ ત્યારે બે આંકડામાં પગાર હતો અને આજે પાંચ આંકડામાં પેન્શન મળે છે.
ભાષાવાર રાજ્યોની માગ સામે આવી
દેશમાં જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે ભારતનો પશ્ચિમ ભાગ બોમ્બે પ્રેસિડન્સીમાં ગણાતો હતો.
જોકે, 1947માં દેશ સ્વતંત્ર થતાં ભાષાવાર રાજ્યોની માગ સામે આવી.
1953માં આંધ્રપ્રદેશની સ્થાપના કરવામાં આવી અને સમગ્ર દેશમાં ભાષાવાર પ્રાંતોની માગ વધુ તીવ્ર બની.
એક બાજુ 'મહાગુજરાત આંદોલન' સાથે ગુજરાતની માગ શરૂ થઇ તો બીજી બાજુ 'સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન'ના નેજા હેઠળ મુંબઇ શહેર સાથેના અલગ મહારાષ્ટ્રની લોકોએ માગ કરી.
આ ચળવળ આગામી પાંચ વર્ષ સુધી ચાલી. જેમા 100થી વધુ લોકોનાં મોત નિપજ્યાં.
આખરે 1લી મે 1960ના રોજ મુંબઇ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે નવા રાજ્યો બન્યાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો