આજની લેડી ગાગા નહીં, આ છે 1920ની લેડી ગાગાની કહાની

લેડી ગાગા અમેરિકાની પ્રખ્યાત ગાયિકા છે. તે પોતાના ગીતો માટે તો પ્રખ્યાત છે જ પણ સાથે સાથે પોતાના અજબ ગજબ પ્રકારના પોશાક માટે પણ દુનિયાભરમાં જાણીતી છે.

આ લેડી ગાગાને તો બધા ઓળખે છે. પણ શું તમે 19મી સદીની લેડી ગાગાને ઓળખો છો? 19મી સદીની લેડી ગાગા પણ આજની લેડી ગાગાની જેમ પોતાની રહેણી કરણી માટે પ્રખ્યાત અથવા તો એમ પણ કહી શકાય કે બદનામ હતી.

લેડી ગાગા મૂળ ઇટલીની અમેરિકી ગાયિકા છે અને 19મી સદીની લેડી ગાગા એટલે કે લુઈસા કસાટી પણ ઇટલીની રહેવાસી હતી.

તે પોતાની વિચિત્ર પ્રકારની ટેવ માટે જાણીતી હતી. તેનું પુરૂ નામ લુઈસા મારકેસા કસાટી સ્ટામ્પા ડી સોનસિનો હતું.

સમગ્ર યુરોપમાં લુઈસા કસાટીના કિસ્સા પ્રખ્યાત હતા. અજબ ગજબ પ્રકારના કપડા પહેરવા, દુનિયાથી અલગ શોખ પાળવા એ લુઈસા કસાટીની ઓળખ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

લુઈસા કસાટીનો જન્મ ઇટલીના મિલાન શહેરમાં થયો હતો. તેના પિતા ઇટલીના રાજાના દરબારી હતા.

અને તે જ કારણ છે કે તેમની પાસે અઢળક પૈસા હતા. એક જમાનામાં લુઈસા કસાટી ઇટલીની સૌથી શ્રીમંત મહિલા તરીકે પ્રખ્યાત હતી.

અનોખો અંદાજ

લુઈસા કસાટીની પાર્ટીઓ ખૂબ ચર્ચામાં રહેતી હતી. તે પોતાની સાથે ચિત્તા લઈને ચાલતી હતી તો ક્યારેક ગળામાં સાપનો હાર પહેરીને પાર્ટીમાં પહોંચતી હતી.

રાત્રિના સમયે તે માત્ર એક કોટ પહેરીને ફરવા નીકળતી હતી. ઘણી વખત લુઈસાએ એવા કપડા પહેર્યા છે કે તેણે બધાના હોંશ ઉડાવી દીધા છે.

એક વખત લુઈસા કસાટીએ વિજળીના બલ્બ વાળા કપડાં પહેર્યાં હતા. આ અજબ ગજબ પ્રકારનાં કપડાં તેણે પેરિસની એક એક્સક્લૂઝીવ પાર્ટીમાં પહેર્યા હતા.

આ કપડાને પહેરીને જ્યારે લુઈસા પાર્ટીમાં અંદર જવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તે દરવાજા સાથે ટકરાઈ ગઈ હતી અને બલ્બ તૂટી ગયા હતા.

વિજળીના તાર વાળા તેના પોશાકના કારણે તેને પોતાને જ એવો ઝટકો લાગ્યો કે તે બેભાન થઈ ગઈ. તેના કેટલાક વાળ પણ સળગી ગયા હતા.

તે કળાની શોખીન અને સંરક્ષક પણ હતી. પ્રખ્યાત કલાકાર પાબ્લો પિકાસોએ લુઈસાને પોતાની અનેક પેઈન્ટીંગમાં ઉતારી હતી. પોતાના જમાનામાં ઘણા કલાકારો માટે પણ લુઈસાએ કામ કર્યું છે.

તે સાપ-ચિત્તા, કુતરાં જેવા પ્રાણીઓને પાળતી હતી. લુઈસાના દરેક કપડાં દુનિયાના બાકી લોકો કરતા એકદમ અલગ હતા. ઘણી વખત તો તે પાર્ટીઓમાં પોતાની જ પ્રતિમા સાથે બેસતી હતી.

પાર્ટી દરમિયાન લાઈટ બંધ થઈ જવા પર લોકો એ મૂંઝવણમાં ફસાઈ જતા કે કઈ ખુરશી પર લુઈસા બેઠી છે અને કઈ ખુરશી પર તેમની પ્રતિમા બેઠી છે.

લુઈસા પર હૉલિવુડમાં ઘણી ફિલ્મો પણ બની હતી. અમેરિકી પત્રિકા ધ ન્યૂયોર્કરમાં તેમના વિશે છપાયું હતું કે તે એક ખૂબ લાંબી મહિલા હતી. તેમનું માથું તલવાર જેવું હતું.

ચહેરો જંગલી જાનવર જેવો હતો અને આંખો ચમકીલી હતી. તે પોતાની પ્રતિમાઓ પર પણ લેપ લગાવતી હતી.

પોતાની આંખોને જરૂર કરતા વધારે જ કાળી બનાવી દેતી હતી. તેનો ચહેરો હંમેશા મેકઅપથી ભરપૂર રહેતો હતો. તે પાઉડરથી પોતાનો ચહેરો જાણે સફેદ રંગમાં રંગી નાખતી હતી.

એ જમાનાના કેટલાક લોકો તેને વેમ્પાયર, પાગલ અને ચૂડેલ જેવા શબ્દો કહીને પણ બોલાવતા હતા.

પોતાને કળા માનતી હતી

હાલ જ બ્રિટીશ લેખિકા જૂડિથ મ્રૈકેલે લુઈસા કસાટીના જીવન પર એક પુસ્તક લખ્યું હતું, જેનું નામ છે- ધ અનફિનિશ્ડ પ્લાઝો.

આ પુસ્તકમાં લુઈસાના જીવન સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ પર રોશની પાડવામાં આવી છે.

જૂડિથે લખ્યું છે કે અજબ ગજબ પ્રકારનાં કપડાંને કારણે પાગલ તરીકે ઓળખાતી લુઈસાને ધ્યાનમાં રાખી અનેક કલાકારોએ પેઇન્ટીંગ બનાવી છે.

તેમાં ફિલિપો ટોમાસો, ગિનોવાન્ની બોલ્ડિનો જેવા પ્રખ્યાત કલાકારો સામેલ હતા. આ પેઈન્ટીંગ્સની ચર્ચાઓ પણ ખૂબ થઈ હતી.

જૂડિથ કહે છે કે લુઈસા કસાટી ફક્ત ચર્ચાનું કેન્દ્ર રહેવા માગતી હતી. તે કોઈ કળાનો ભાગ નહીં, પણ પોતાને જ આર્ટ માનતી હતી. તેના માટે જ તે પોતાનાં કપડાં અને શોખમાં અલગ અલગ પ્રયોગ કરતી હતી.

ખ્યાતિ તેના માટે ઓક્સિજન હતી. તે હંમેશા લોકોથી ઘેરાયેલી રહેવા માગતી હતી.

જૂડિથ લખે છે કે કસાટી આત્માઓ સાથે વાત કરવાનો દાવો કરતી હતી.

પરંતુ પોતાના અંતિમ સમયમાં લુઈસા કસાટીના શાહી ખર્ચ તેના પર ખૂબ ભારે પડ્યા હતા.

30ના દાયકામાં મહામંદીને કારણે તે ખૂબ ગરીબ બની ગઈ હતી.

લુઈસા કસાટીએ પોતાના અંતિમ દિવસો લંડનના એક રૂમ વાળા ફ્લેટમાં વિતાવ્યા હતા. વર્ષ 1957માં તેનું મોત 76 વર્ષની ઉંમરે થયું હતું.

લોકોની યાદોમાં જીવીત છે લુઈસા

લુઈસા પર હૉલિવુડમાં અનેક ફિલ્મો બની છે. જેમાં તેમની ભૂમિકા વિવિયન લે અને ઈનગ્રિડ બર્ગમેને નિભાવી હતી.

ઘણા ફેશન ડિઝાઈનર જેમ કે જૉન ગૈલિયાનો, એલેક્ઝેન્ડર મૈક્કવીન અને ડ્રાઈસ વાન નોટેને લુઈસા કસાટીના પહેરવેશથી પ્રેરણા લીધી હતી.

જૂડિથ મેક્કરેલ કહે છે કે આવા વિચિત્ર લોકો વિચારે છે કે તેઓ એક અલગ જીવન જીવી રહ્યા છે. પરંતુ તેઓ પોતાની કેટલીક આદતોથી બરબાદી તરફ પહોંચે છે.

દુનિયાના ઘણા લોકોને આવા લોકોમાં ખૂબ રસ હોય છે. એ જ કારણ છે કે મોતના વર્ષો બાદ પણ લુઈસા કસાટી યુરોપના ઘણા લોકોની યાદમાં જીવીત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો