અમિત શાહે પુત્ર જયનો કેસ લડવા તુષાર મહેતાને કેમ રોક્યા?

બુધવારે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહે ‘The Wire’ ન્યૂઝ પૉર્ટલ સામે કરેલા બદનક્ષીના દાવાનો કેસ શરૂ થયો.

જો કે આ કોર્ટમાં જય શાહ હાજર રહ્યા નહોતા. જેથી કોર્ટે આગામી 16 ઑક્ટોબરે તેની સુનાવણી હાથ ધરવાની મુદત આપી છે.

દેશના એડિશનલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહે ‘The Wire’ ન્યૂઝ પૉર્ટલ સામે કરેલા બદનક્ષીના દાવાનો કેસ લડવા માટેની તૈયારી બતાવી છે.

‘The Wire’ જય શાહના બિઝનેસ વિશેનો એક લેખ તાજેતરમાં પ્રકાશિત કર્યો હતો.

જયના બચાવમાં ઉતરી આવેલા બીજેપીના નેતાઓએ જણાવ્યું હતું કે એ લેખમાં પરોક્ષ ઈશારાઓ વડે પક્ષપાતપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે અને જય શાહે કંઈ ખોટું કર્યું નથી.

એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ કેસમાં તેમની સલાહ લેવામાં આવી રહી છે અને તેઓ કોર્ટમાં જય શાહ તરફથી કોર્ટમાં આ કેસ લડી શકે છે.

તમને આ વાંચવુ પણ ગમશે :

અમિત શાહે જય શાહનો આ બદનક્ષીનો કેસ લડવા માટે તેમના વિશ્વાસુ તુષાર મહેતાની પસંદગી કરી છે.

તુષાર મહેતા એડિશનલ ઍડવોકેટ જનરલ તરીકે 2002ના રમખાણ અને એન્કાઉન્ટરના કેસીસમાં ગુજરાત સરકારના વકીલ હતા.

સરકારી વકીલો ખાનગી કેસ લડી શકે?

ભારતીય બંધારણની કલમક્રમાંક 76 અનુસાર, એટર્ની જનરલ ભારત સરકારના મુખ્ય સલાહકાર હોય છે અને સુપ્રિમ કોર્ટમાં સરકારના મુખ્ય વકીલ હોય છે. એડિશનલ સૉલિસિટર જનરલ એટર્ની જનરલના સહાયક હોય છે.

2014માં બીજેપી સરકાર સત્તા પર આવી પછી ટૂંક સમયમાં તુષાર મહેતાની નિમણૂક એડિશનલ સૉલિસિટર જનરલ તરીકે કરવામાં આવી હતી.

સરકારી વકીલો ખાનગી કેસ લડી શકે કે કેમ એ વિશે વાત કરતા બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપે કહ્યું, “જેમાં સરકાર પક્ષકાર ન હોય તેવા ખાનગી કેસીસ સરકારી વકીલ લડી શકે છે.”

તેમણે વધુમાં કહ્યું, “જોકે, કાયદા મંત્રાલયે 2014માં બહાર પાડેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારી વકીલોએ સરકાર અને સરકારી સંસ્થાઓ સિવાયના કેસીસ લડવા જોઈએ નહીં.”

તેમણે ઉમેર્યું કે, “એ સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું કે અસાધારણ સંજોગોમાં જ આવા કેસીસ માટે પરવાનગી આપી શકાય.”

તુષાર મહેતાએ એનડીટીવીના ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે તેમણે છઠ્ઠી ઓક્ટોબરે કાયદા મંત્રાલયની પરવાનગી લીધી હતી.

રસપ્રદ વાત એ છે કે લેખ પ્રકાશિત થયો તેના બે દિવસ પહેલાં જ તુષાર મહેતાએ કોર્ટમાં જય શાહનું પ્રતિનિધિત્વ કરવાની પરવાનગી લઇ લીધી હતી.

તુષાર મહેતા કોણ છે?

મૂળ જામનગરના તુષાર મહેતાએ વકીલ તરીકેની તેમની કારકિર્દી 80ના દાયકાના અંત ભાગમાં શરૂ કરી હતી.

તેમના પિતા તાલુકા અધિકારી હતા અને તેમનું યુવાન વયે અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

કારકિર્દીના પ્રારંભે તુષાર મહેતાએ સીનિઅર વકીલ કૃષ્ણકાંત વખારિયાના જુનીયર વકીલ તરીકે કામ કર્યું હતું.

ગુજરાત કોંગ્રેસના સીનિઅર નેતા કૃષ્ણકાંત વખારિયાએ ગુજરાતની અનેક ડેરીઓ અને સહકારી સંસ્થાઓનું કોર્ટમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.

એ સમયે અમિત શાહ ગુજરાતમાં સહકારી બેન્કોના પ્રતિનિધિ હતા અને ત્યારે તેઓ તુષાર મહેતાના સંપર્કમાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં સત્તા પર આવ્યા ત્યાં સુધીમાં તુષાર મહેતાએ સિવિલ અને કો-ઓપરેટિવ કેસીસ માટેના નિષ્ણાત વકીલ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી હતી.

2007માં તેમની નિમણૂક ગુજરાત હાઇકોર્ટમાં સીનિઅર વકીલ તરીકે કરવામાં આવી હતી અને એ પછી એક જ વર્ષમાં તેમને એડિશનલ એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા હતા.

રમખાણનો કેસ

એડિશનલ એડવોકેટ જનરલ તુષાર મહેતાએ સોહરાબુદ્દિન શેખ ફેક એન્કાઉન્ટર કેસ સહિતના મહત્વના અનેક કેસીસમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને ગુજરાત રમખાણ કેસીસના આરોપી સાથે તુષાર મહેતાએ કપટજાળ રચી હોવાનો આક્ષેપ કરીને 2011માં ગુજરાત તથા મહારાષ્ટ્રના માનવાધિકાર કાર્યકરોએ તુષાર મહેતાના રાજીનામાની માગણી કરી હતી.

તુષાર મહેતા 2002ના કોમી હુલ્લડના આરોપીઓને સલાહ આપતા હોવાનો અને હુલ્લડનો કેસ નબળો પાડવા દસ્તાવેજો લીક કરતા હોવાનો આક્ષેપ કાર્યકરોએ કર્યો હતો.

જે ટીમે આવેદનપત્ર આપ્યું હતું તે ટીમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા અને ભૂતપૂર્વ પ્રધાન તથા મુંબઈસ્થિત ઍડવોકેટ બળવંત દેસાઈનો સમાવેશ થતો હતો.

તેમણે આક્ષેપ કર્યો હતો કે માનવાધિકાર કાર્યકર્તા તીસ્તા સેતલવાડ વિરુદ્ધની અરજીઓ તૈયાર કરવામાં હુલ્લડ કેસના આરોપીઓને તુષાર મહેતા મદદ કરી રહ્યા છે.

ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટે સુપ્રિમ કોર્ટને કહ્યું હતું કે તેમણે તુષાર મહેતાના ઈ-મેઇલ્સ મેળવ્યા હતા અને તુષાર મહેતા 2002ના હુલ્લડ કેસની વિગત અન્યોને આપતા હોવાનું તેમાંથી જાણવા મળ્યું હતું.

કોર્ટમાં આપેલા સોગંદનામામાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમણે તુષાર મહેતાનું મેઈલબોક્સ જોયું છે, જે સોહરાબુદ્દિન શેખ તથા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી અમિત શાહને બચાવવાના ષડયંત્રને કથિત રીતે દર્શાવે છે.

તુષાર મહેતાએ તેમનું ઈ-મેઈલ અકાઉન્ટ હેક કરવા બદલ બાદમાં સંજીવ ભટ્ટ સામે એફઆઈઆર દાખલ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો