ગાંધીજીએ ચાને તમાકુ જેવી ગણાવી હતી

    • લેેખક, અમિતાભ સાન્યાલ
    • પદ, પત્રકાર, દિલ્હી

ચાને ભારતમાં રાષ્ટ્રીય પીણાંના દરજ્જાની વાત બાજુ પર મૂકીએ પણ હકીકત એ છે કે લગભગ 50 વર્ષ પહેલાં સુધી ભારતીયો ચાના શોખીન નહોતા.

19મી સદીની શરૂઆતમાં 50 વર્ષોમાં ભારતમાં બ્રિટનની સંસ્થાનવાદી નીતિનું રાજ હતું.

તેને કારણે ભારત 2006 સુધી વિશ્વનું સૌથી મોટું ચા ઉત્પાદક બની રહ્યું હતું.

એ પછી ચીન ભારતથી આગળ નીકળી ગયું હતું.

પણ ચીનથી એકદમ વિપરીત, ભારતના મોટાભાગના હિસ્સામાં ચાનું વ્યાપક ચલણ ન હતું.

50ના દાયકા સુધી ભારતમાં ઊગતી ચા પૈકીની અરધોઅરધ ચાની નિકાસ કરવામાં આવતી હતી.

દેશમાં ચાની માગ ઓછી રહેવાનું કારણ મહાત્મા ગાંધી જેવા રાષ્ટ્રવાદી નેતાઓના કડક ઉપદેશ હતા.

એ આકરી પરિસ્થિતિમાંથી બહાર નીકળીને હવે ચા રાષ્ટ્રીય પીણું બની ગઈ છે.

એની પાછળનું કારણ 20મી સદીની શરૂઆતમાં ચાને લોકપ્રિય બનાવવા માટે થયેલો જોરદાર પ્રચાર હતો.

વાઈસરોય લોર્ડ કર્ઝને ચાના પ્રચાર માટે નાણાં એકઠા કરવા 1903માં ચાના વેપાર પર ટેક્સ લાદ્યો હતો અને ટી સેસ ખરડો અમલી બનાવ્યો હતો.

એ પહેલાંના બે દાયકાઓમાં લંડનના ચા માર્કેટમાં ચીનનો હિસ્સો 70 ટકાથી ઘટીને 10 ટકા થઇ ગયો હતો.

તેનું સ્થાન ભારત અને સિલોને લઇ લીધું હતું.

1900ના વર્ષ સુધી બ્રિટનના સરેરાશ પરિવારમાં ચાનું ચલણ હતું.

એ એક મોટું માર્કેટ હોવા છતાં, તેમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો.

એ સમયે બ્રિટિશ કંપનીઓના એક સમૂહ ઈન્ડિયન ટી અસોસિએશને ચાના બીજા ક્રમના સૌથી મોટા બજાર અમેરિકા નજર ઠેરવી હતી.

અમેરિકાએ આઝાદીનો અવાજ ઉઠાવીને 150 વર્ષ પહેલાં ચા પર ટેક્સ વધારવાનો જોરદાર વિરોધ કર્યો હતો.

1920ના અંતમાં આર્થિક મંદીના સમયે અમેરિકન અર્થતંત્ર અને લંડનમાં ચાના ભાવ ઉંધા માથે પટકાયા હતા ત્યારે ટી અસોસિએશને ભારતના માર્કેટ ભણી નજર કરી હતી.

શરૂઆત અને વિરોધ

એ સમય સુધી ચા માત્ર પૂર્વોત્તર ભારતની બર્મીઝ મૂળની બે જાતિઓ સિંગફો તથા ખામતીમાં જ પ્રચલિત હતી.

તેઓ સદીઓથી ચા પીતા હતા.

એ સમય સુધીમાં કલકત્તામાં ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકોમાં લોકપ્રિય બની ચૂકી હતી.

એ સમયે કલકત્તા બ્રિટિશ સામ્રાજ્યની રાજધાની અને દુનિયાનું સૌથી મોટું બંદર હતું.

ઈતિહાસકાર ગૌતમ ભદ્ર જણાવે છે કે અમૃતલાલ બોઝે 1926માં લખેલી બંગાળી કૃતિ 'પિન્ટુર થિયેટર દેખા'માં ચા માટીના વાસણમાં કઈ રીતે આપવામાં આવતી હતી એ જણાવવામાં આવ્યું હતું.

અત્યારે ગામડાંઓમાં એ જ રીતે ચા આપવામાં આવે છે.

પરંતુ ઉત્પાદકો ઈચ્છતા હતા એટલી ઝડપે ચાની આદત લોકોની પડી રહી ન હતી.

બ્રિટનની વારિક યુનિવર્સિટીના આર્થિક ઈતિહાસકાર વિષ્ણુપ્રિય ગુપ્તા જણાવે છે કે 1910માં ભારતમાં ચાનું માર્કેટ માત્ર 82 લાખ કિલોગ્રામનું હતું, જ્યારે બ્રિટને એ વર્ષે 13 કરોડ કિલોગ્રામ ચા ખરીદી હતી.

1920ના દાયકામાં ભારતમાં ચાની માગ વધીને 2.30 કરોડ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ હતી.

ચાની ઓછી માગનું કારણ રાષ્ટ્રવાદી નેતાઓ દ્વારા કરવામાં આવતો વિરોધ હતો.

તેઓ મુખ્યત્વે ચાના બગીચાઓમાં મજૂરોની સ્થિતિને કારણે ચાનો વિરોધ કરતા હતા.

તેની એક ઝલક 1914માં પ્રકાશિત શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી નવલકથા 'પરિણીતા'માં મળે છે.

એ નવલકથાનું મુખ્ય પાત્ર લલિતા ચા નથી પીતી કારણ કે રાષ્ટ્રીય આંદોલનથી પ્રભાવિત તેના પ્રેમી શેખરને મહિલાઓ ચા પીવે એ પસંદ નથી.

1920ના દાયકામાં વિખ્યાત કેમિસ્ટ અને રાષ્ટ્રપ્રેમી આચાર્ય પ્રફુલ્લ રાયે ચાની તુલના ઝેર સાથે કરતા કાર્ટૂન્સ બનાવ્યાં હતાં.

જોકે, પ્રફુલ્લ રાય સવારે ચા પીવાના શોખીન છે, એવું જાણતા એક અન્ય વ્યંગકાર રાજશેખરે લખ્યું હતું કે આચાર્ય રોજ સવારે એક લિટર ઝેર પીવે છે.

એ પછી મહાત્મા ગાંધીએ તેમના પુસ્તક 'અ કી ટુ હેલ્થ'માં લખ્યું હતું કે ચામાં રહેલું ટેનિન શરીર માટે સારું નથી હોતું.

તેમણે ચાને તમાકુ જેવી ચીજ ગણાવી હતી.

ચા માટે એવી વાત પણ ચાલી હતી કે ચા પીવાથી ચામડી કાળી પડી જાય છે.

ગોરી ત્વચાના અત્યંત આગ્રહી લોકો અને ખાસ કરીને ઉત્તર ભારતના લોકો પર તેની ઘેરી અસર થઇ હતી.

એ સમયે ચા સંબંધે લોકોની સમજ અધૂરી હતી અને ચા વિરુદ્ધ જોરદાર પ્રચાર કરવામાં આવતો હતો.

ચાનો પ્રચાર

એ અભૂતપૂર્વ મુશ્કેલ પરિસ્થિતિમાં ચાના ઉત્પાદકોને જરૂરી મદદ ઈચ્છતા હતા.

ટી સેસ કમિટીનું નામ 1933માં બદલીને ટી માર્કેટિંગ ઈક્શપેન્શન બોર્ડ કરી નાખવામાં આવ્યું હતું.

આજે એ ટી બોર્ડના નામે ઓળખાય છે.

એ બોર્ડે રેલવે સ્ટેશનો પર સચિત્ર જાહેરાતો લગાવવાનું શરૂ કર્યું હતું.

તેમાં ચા બનાવવાની પદ્ધતિ જણાવવામાં આવતી હતી અને દાવો કરવામાં આવતો હતો કે ચા આરોગ્ય માટે સારી છે એટલું જ નહીં, તેનાથી શક્તિ પણ મળે છે.

1930 અને 40ના દાયકામાં બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં વાહનો પર મોટી કીટલીઓ ફેરવવામાં આવતી હતી અને ચા કેવી રીતે બને છે એ લોકોને જણાવવામાં આવતું હતું.

ચા ઝેર હોવાના દાવાને ખોટો સાબિત કરવા માટે ચાને ઉકાળવા પર ભાર મૂકવામાં આવતો હતો.

આજે દેશમાં મોટાભાગની ચા આવી રીતે જ બનાવવામાં આવે છે.

ખાનગી કંપનીઓએ પણ અલગથી પ્રચાર શરૂ કર્યો હતો.

દિલ્હીમાં સાન ચા ટી હાઉસના મુખ્ય અધિકારી સંજય કપૂર કહે છે, “આઝાદી પહેલાં બ્રૂક બોન્ડનાં વાહનો આખા શહેરમાં ચક્કર લગાવતાં હતાં અને લોકોને જણાવતા હતા કે તમે દુધ લઈને આવો તો અમે ચા બનાવી આપીશું.”

આ પ્રયાસોની અસર એવી થઈ કે 1930ના દાયકામાં ભારતમાં ચાની ખપત બમણી થઈ ગઈ હતી.

તેમ છતાં 1940ના દાયકા સુધી ભારતમાં ચાનું માર્કેટ ઘણું મર્યાદિત રહ્યું હતું.

1947 પછી એવું માનવામાં આવતું હતું કે ચા એક મોંઘી પ્રોડક્ટ છે અને તેના વડે વિદેશી ચલણની કમાણી કરી શકાય, પણ તેને ઘરમાં પી શકાય નહીં.

1950ના દાયકામાં ભારતમાં ઉત્પાદિત 28 કરોડ કિલોગ્રામ ચા પૈકીના 70 ટકા જથ્થાની નિકાસ કરવામાં આવી હતી.

મોટું પરિવર્તન

સૌથી મોટું પરિવર્તન 60ના દાયકામાં આવ્યું હતું.

એ સમયે કામદારોમાં ચા પીવાનું ચલણ શરૂ થયું હતું.

ચાના સ્ટોલ્સની સંખ્યામાં અચાનક થયેલા વધારા માટે ગૌતમ ભદ્ર ચાની એક નવી જાતને કારણભૂત ગણાવે છે.

કાળી ચાની એક એવી જાત તૈયાર કરવામાં આવી હતી, જે સસ્તી હતી અને તેને આસાનીથી ઉકાળી શકાતી હતી.

આજે ભારત દુનિયાનો ચોથા ક્રમનો ચા ઉત્પાદક દેશ છે.

નોર્થ ઈસ્ટર્ન ટી અસોસિએશનના અધ્યક્ષ અને ચાને રાષ્ટ્રીય પીણાંનો દરજ્જો અપાવવાનો પ્રયાસ કરી ચૂકેલા લોકોમાં મોખરે રહેલા વિદ્યાનંદ બડકાકોતી કહે છે, “2011માં ભારતમાં ઉત્પાદિત 98.80 કરોડ કિલો ચામાંથી 85 કરોડ કિલો ચાનું વેચાણ તો દેશમાં જ થયું હતું, પણ 1997થી 2007 દરમ્યાન ચાની કિંમતને ધક્કો લાગ્યો હતો.”

વિદ્યાનંદ બડકાકોતીની નજર વિદેશી માર્કેટ પર છે ત્યારે ટી બોર્ડનાં ડેપ્યુટી ચેરમેન રોશની સેને કહ્યું, “ભારતમાં ચાની માગ ઉત્પાદન કરતાં વધુ ગતિએ વધી રહી હોવાનું 2007માં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું. તેનો અર્થ એવો થયો કે આપણે ચાની આયાત કરવી પડે એમ પણ બને.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો