ગાંધી ટોપી પહેરનારા દરબાર ગોપાળદાસ દેસાઇનો 'અત્યંજ' પ્રેમ

    • લેેખક, વિજયસિંહ પરમાર
    • પદ, બીબીસી, ગુજરાતી

હાલમાં જ ગુજરાતમાં દલિતોના એક સમૂહે સરકારને પડકાર ફેંક્યો અને કહ્યું કે 'તમે ગુજરાતમાં એક ગામ એવું બતાવો કે જ્યાં અસ્પૃશ્યતા ન હોય'.

આઝાદીના સાત દાયકા પછી પણ ગુજરાતમાં અસ્પૃશ્યતા રહિત ગામ મળવું - શોધવું મુશ્કેલ છે.

પણ આજથી એક સદી પહેલા સૌરાષ્ટ્રમાં એક એવા રાજવી થયા જેમણે 'હરિજનો'ને પોતાની પાસે બેસાડ્યા. ગળે લગાવ્યાં.

એટલું જ નહીં આ રાજવીએ તેમના છેલ્લા સંતાનના જ્ન્મ પહેલા જાહેર કર્યું કે 'જો દીકરી જન્મશે તો તેને હરિજન દિકરા સાથે પરણાવશે'.

આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના ઢસા અને રાય-સાંકળીના રાજા દરબાર ગોપાળદાસ દેસાઈની.

જાણીતા લેખક રાજમોહન ગાંધીએ ગોપાળદાસ દેસાઈનું જીવન-ચરિત્ર આલેખતું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું નામ છે : 'પ્રિન્સ ઓફ ગુજરાત, ધ એક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરી ઓફ પ્રિન્સ દરબાર ગોપાળદાસ દેસાઇ : 1887-1951'.

એક સદી પહેલા સમાનતાના સિદ્ધાંતને ચરિતાર્થ કરનાર દરબાર ગોપાળદાસ દેસાઈનું જીવન ઘટનાપ્રધાન રહ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

૧૮૮૭માં જન્મેલા ગોપાળદાસ દેસાઈનું મૂળ વતન નડિયાદ પાસે આવેલું વસો.

વસોના દરબાર અંબાઈદાસને કોઈ સંતાન નહીં એટલે તેમણે તેમની બહેન સમજુબાના દીકરા એટલે કે ભાણેજ ગોરધનને દત્તક લીધો.

દત્તક પુત્રને પોતાનો વારસ જાહેર કરી એને નવું નામ આપ્યું ગોપાળદાસ. અંબાઈદાસના અવસાન પછી ૧૯૧૧માં ગોપાળદાસે વિધિવત રીતે રાજ-કારભાર સંભાળ્યો.

સૌરાષ્ટ્રનું ઢસા અને રાય-સાંકળી તેમના તાબામાં, દેખરેખ હેઠળ આવ્યું.

૧૯૧૧માં જ્યારે ગોપાળદાસે ઢસા અને રાય-સાંકળીના રાજવી તરીકે સુકાન સંભાળ્યુ ત્યારે એ રાજ્યનો વિસ્તાર બાર ચોરસ માઇલનો હતો અને વસતી હતી માત્ર ૧૫૦૦ની.

રાજા બનતાની સાથે જે તેમણે જાહેર કર્યું કે 'રાજ્યમાં દરેક વ્યકિત વિના સંકોચે તેમનો સીધો સંપર્ક કરી શકે છે'.

'રાજ્ય સંભાળ્યા પછી ટુંક સમયમાં જ ગોપાળદાસ પ્રજા જીવનમાં ઓતપ્રોત થઈ ગયા. સમાજના તમામ વર્ગ અને જાતિના લોકોએ સાથે મળી દાંડીયા-રાસ રમવાનું શરૂ કર્યું.

'અસ્પૃશ્યો'ને પણ તેમાં જોડ્યા અને તેમની સાથે દાંડિયા-રાસ રમ્યા. એક સદી પહેલા આ એક ક્રાંતિકારી પગલું હતું.

અત્યંજો માટે કૂવો

દરબાર ગોપાળદાસ માટે રાજ્યની તમામ પ્રજા સમાન હતી. પણ પ્રજામાં તો જ્ઞાતિ ભેદભાવોના મૂળિયાં ઊંડા ઉતરેલા હતા. બરોબર આ જ સમયે એક પ્રસંગ બન્યો.

ઢસામાં અંત્યજો (હરિજનો અથવા દલિતો) માટે પીવાના પાણીનો પોતાનો આગવો કોઈ કૂવો નહોતો.

ગામ લોકો જાહેર કૂવામાંથી તેમને પાણી ભરવા દેતા નહીં. એટલે જે તળાવમાં પશુઓ પાણી પીતા હતા તેમાંથી જ દલિતોએ પાણી પીવું પડતું.

ગોપાળદાસને ખબર પડી એટલે ગામ લોકોની એક સભા બોલાવી. ગોપાળદાસે કહ્યું 'જાહેર કૂવો બધા માટે છે. જો તેઓએ અંત્યજોને પાણી ભરવા ન દેવું હોય તો ગામ લોકોએ બીજો કૂવો બનાવી આપવો પડે.'

ગામ લોકોએ વળતો જવાબ આપ્યો કે 'જો એમ હોય તો એનો ખર્ચ અંત્યજો પોતે જ ઉપાડી લે અથવા તો તે ખર્ચ રાજા આપે.'

ગામલોકોની આ વાત સાંભળ્યા બાદ ગોપાળદાસે અંત્યજોને કહ્યું, 'આજથી તમે મારા દરબારગઢના કૂવામાંથી પાણી ભરજો.'

દરબારની આ વાત ગામ લોકોને ગમી નહીં એટલે તેમણે અંત્યજોને કરિયાણાની દુકાનેથી સીધુ-સામાન વેચાણથી આપવાનું બંધ કર્યું.

આથી રાજાએ અંત્યજો માટે એક વિશેષ દુકાન ખોલી અને સસ્તા દરથી વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું.

આ ઉપાય કામ કરી ગયો. ગામ લોકો રાજા પાસે આવ્યા અને કહ્યું કે 'તેઓ બીજો કુવાના નિર્માણ માટે થનાર ખર્ચના પચાસ ટકા રકમનો ફાળો આપવા તૈયાર છે.

બાકીની રકમ રાજા આપે'. રાજા એટલે દરબાર ગોપાળદાસ. અંત્યજો માટે અલગ કુવો બન્યો. એ વખતે અંત્યજો માટે અલગ કુવો કરવો એ પણ એક ઐતિહાસિક પગલું હતું.'

કેળવણીને વેગ આપવા ગોપાળદાસ દેસાઈએ ટૂંક સમયમાં જ ઢસામાં ચાર શાળાઓ શરૂ કરી. તેમાં એક શાળા દીકરીઓ માટે અને એક શાળા અંત્યજો માટે પણ હતી.

ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીનની પ્રેરણાથી ઢસામાં એક જાહેર પુસ્તકાલય પણ શરૂ કર્યું.

દરબાર ગોપાળદાસના સદ્કાર્યોની વાતો લોકજીભે વહેવા લાગી.

બહારવટિયો પ્રભાવિત થયો

આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે દરબાર ગોપાળદાસના આ કામોની વાત જાણીને બહારવટીયો અભલ પટગીર પ્રભાવિત થયો અને તેણે પોતાના સાથીદારોને એવી સુચના આપી હતી કે 'રાય - સાંકળીના લોકોને લુંટવા નહીં!'

એક પ્રજાલક્ષી રાજવી કેવો હોય એનું ઉદાહરણ દરબાર ગોપાળદાસે તેમના લોકહીતનાં કાર્યો દ્વારા પ્રસ્થાપિત કર્યું.

ગોપાળદાસે રાજ્યના ખેડૂતોનું દેવું માફ કર્યું. દુષ્કાળના સમયમાં રાજાએ પોતાની અંગત તિજોરીમાંથી ખેડૂતોનું દેવું ભરી તેમને લેણદારોની ચુંગાલમાંથી મુક્ત કર્યા.

રાજાના કાર્યોની લોકચાહના એટલી વધી કે ૧૯૧૬ અને ૧૯૨૧ના ગાળામાં બહારથી લોકો આવીને વસવા લાગ્યા અને રાજ્યની વસતી ૧૫૦૦થી વધીને ૨૨૦૦ની, એમ પચાસ ટકા વસતી વધી ગઈ.

બીજી તરફ દરબાર ગોપાળદાસ રાજા હોવા છતાં ગાંધીજીની આઝાદીની લડતમાં સામેલ થયા અને અંગ્રેજો સામે ઝંપલાવ્યું.

ગાંધીજી સાથે લડતમાં જોડાતા અંગ્રેજ સરકારે ૧૯૨૨માં દરબાર ગોપાળદાસનું રાજ્ય ઢસા અને રાય - સાંકળીને ટાંચમાં લીધું.

આ ઘટના બાદ સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું, 'ભાઇશ્રી ગોપાળદાસનો ત્યાગ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે.'

દરબાર ગોપાળદાસ અને તેમના પત્ની ભક્તિલક્ષ્મી આઝાદીની લડતમાં રંગાઈ ગયા. ખાદી અપનાવી અને સ્વદેશીની લડતને વેગ આપવા હાકલ કરી.

અનેકવાર જેલમાં ગયા એમ લેખક રાજમોહન ગાંધી તેમના પુસ્તકમાં નોંધે છે.

લેખક રાજમોહન ગાંધી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે ગોપાળદાસ અને તેમના ધર્મપત્ની ભક્તિબાએ વૈભવ-વિલાસનું જીવન ત્યજી કઠીન અને પરીશ્રમ વાળું જીવન પસંદ કર્યું.

એક રીતે તેઓએ શ્રીમંતાઈ છોડી સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી. ૧૯૯૨માં સરદાર પટેલના દીકરી મણીબહેન પાસેથી પ્રાપ્ત ડાયરીમાં એવો ઉલ્લેખ મળે છે કે દરબાર ગોપાળદાસ દેસાઈ તેમના યુગના રાજા હરિશ્ચન્દ્ર હતા.

ગુજરાતમાં ભદ્ર વર્ગ તરફથી દલિતો અને મહિલાઓને સન્માન આપવાની જો કોઈએ શરૂઆત કરી હોય તો તે દરબાર ગોપાળદાસ દેસાઈ હતા.

ઉપરાંત આઝાદી મળ્યા પછી ગોપાળદાસ દેસાઈએ ધાર્યું હોત તો પોતે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી શક્યા હોત પરંતુ તેમ કરવાના બદલે તેમણે અન્ય લોકોને લીડરશીપ માટે તૈયાર કર્યા.

અસ્પૃશ્યોના ઉદ્ધાર-ઉત્કર્ષ માટે દરબાર ગોપાળદાસ દેસાઈએ પહેલ કરી હતી.

આ વિશે ગોપાળદાસના દીકરા બરીન્દ્રા દેસાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે, "મારા પિતાજીએ ચોથા સંતાનના જન્મ અગાઉ ગાંધીજીને વચન આપ્યું હતું કે જો તેમનું હવે પછીનું સંતાન દીકરી જન્મશે તો તેને હરિજન દીકરા સાથે પરણાવશે."

"તેમના રૂઢિચુસ્ત મિત્રોને સારી રીતે ખબર હતી કે ગોપાળદાસ દેસાઈ જે કહે છે તે કરે જ છે."

"એટલે ૧૯૩૦માં જ્યારે દીકરીની જગ્યાએ મારો એટલે દીકરાનો જન્મ થયો ત્યારે તેમના રૂઢીચુસ્ત મિત્રોએ રાહતનો શ્વાસ લીધો!.''

બરીન્દ્રા દેસાઈ હાલ અમેરિકામાં રહે છે. તેમણે જર્મન મહિલા સાથે લગ્ન કર્યા છે અને તેમને ત્રણ સંતાનો છે.

"મને યાદ છે કે, અસ્પૃશ્યો (દલિતો) તરફના ભેદભાવનો વિરોધ કરવા માટે ૧૯૨૮માં પોરબંદરમાં યોજાયેલી ચોથી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં મારા માતા-પિતા સુરેન્દ્રનગરથી પોરબંદર રેલવેમાં અસ્પૃશ્યો માટેના 'અનામત' ડબ્બામાં બેસીને ગયા હતા."

આ સિવાય ૧૯૩૬માં દરબાર ગોપાળદાસ દેસાઈએ 'અસ્પૃશ્ય' ગણાતી જ્ઞાતિમાંથી આવતા ભીજીભાઈ વાઘેલા નામના વ્યક્તિને બિનહરીફ ધારાસભ્ય ચૂંટીને મોકલ્યા હતા.

પૂરા ભારતમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો હતો એમ બરીન્દ્રા દેસાઈ તેમના સંસ્મરણો વાગોળતા કહે છે.

૧૯૨૨ના અરસામાં નવજીવનનાં 'કાઠીયાવાડ' વિશેષાંકમાં રાજાઓને ઉદ્દેશીને ગોપાળદાસે એક માર્મિક પત્ર લખ્યો હતો

'આપણે રાજાઓ અને તાલુકદારો, એવો દાવો કરીએ છીએ કે, આપણે પ્રજાના રક્ષક છીએ. પણ ખરેખર આપણા રાજ્યોમાં લોકલાગણી જેવું કાંઈ છે? આપણા મંત્રીઓ પ્રજાનું કઈ રીતે શોષણ કરાય એ યોજનાઓ જ ઘડ્યા કરે છે.'

મિત્રો અને માનવંતા વડીલો, 'હિંમતવાન બનો અને લોકહિતના કામમાં જોડાવ. વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરો. સ્વદેશી અપનાવો. મહાત્મા ગાંધીમાં તમારી શ્રધ્ધા જાગે તેવી પ્રાર્થના.'

ટીકાનો જવાબ આપ્યો

સૌરાષ્ટ્ર રાજ્યની રચના બાદ જમીન સુધારણાના જે કામ હાથ ધરવામાં આવ્યા તેની બાબુભાઇ જશભાઇ પટેલે ટીકા કરી.

આ ટીકાનો દરબાર ગોપાળદાસે એક પત્ર દ્વારા જવાબ આપ્યો. "અમારી જમીન સુધારણાની પદ્ધતિ આખા ભારતમાં બેનમૂન છે. ગાંધી વિચારને કેન્દ્રમાં રાખી અમે વર્ગસંઘર્ષ વિના જમીન માલિકીનો પ્રશ્ન હલ કર્યો છે.

લોહીનું એક ટીપુંય વહાવ્યા વગર આ કામ કર્યું છે. તમારે જાણવું છે કે અમે કઈ રીતે અનાજની તંગી અને કાળા બજારને નિયંત્રિત કર્યું? સૌરાષ્ટ્રમાં ૪૫૦૦ જેટલા ગામડાંઓ છે એમાં ૮૦૦ સસ્તા અનાજની દુકાનો શરૂ કરી છે.

ગામડાંનો કોઈ માણસ ભૂખ્યો સુવે નહીં તેવા એક સંકલ્પ સાથે". તમારો ગોપાળદાસ દેસાઈ.

આઝાદી મળવાના થોડાં મહિનાઓ પહેલા જ અંગ્રેજોએ દરબાર ગોપાળદાસને તેમનું રાજ્ય પરત કર્યું. પણ દરબાર ગોપાળદાસને ક્યાં રાજ કરવું હતું ?

તેમને તો લોકશાહીના મૂળિયાં મજબૂત કરવા હતા એટલે સૌરાષ્ટ્રમાંથી ગિરાસદારી અને જમીનદારી પ્રથા નાબુદ કરવાના કામે લાગ્યા.

પોતાનું રાજ્ય આઝાદ ભારતમાં વિલીન કરી દીધું અને જમીન સુધારણા થકી સૌરાષ્ટ્રમાં રક્તવિહીન ક્રાંતિના પ્રેરકબળ બન્યા. રાજમોહન ગાંધી ગોપાળદાસ દેસાઈના સમર્પિત જીવન વિશે જણાવે છે.

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલા સમાજશાસ્ત્રી પ્રાધ્યાપક ગૌરાંગ જાનીએ બીબીસી સંવાદદાતા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં હંમેશા કહેવાતી ઊંચી જ્ઞાતિઓનું વર્ચસ્વ ટકી રહ્યું.

એટલે જે-જે લોકોએ સમાજ સુધારા દ્વારા છેવાડાના લોકોનું કામ કર્યું તેમની વાતો અને તેમનું જીવન જાણે-અજાણે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા જ નહીં.

એટલે જ ગોપાળદાસ દેસાઈ અને તેમના પત્ની ભક્તિબા જેવા સમાજ સુધારકો ભુલાઇ ગયા. આ ગુજરાતની એક વાસ્તવિક અને કમનસીબ ઘટના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો