સરદારની પ્રતિમા MADE IN CHINA કે INDIA?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

"મોદી સાહેબ ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરી રહ્યા છે, પરંતુ આપણાં શર્ટ અને શૂઝની જેમ તે પણ 'મેઇડ ઇન ચાઇના' છે." મધ્ય પ્રદેશના ચિત્રકૂટ ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા આ નિવેદનને કારણે વિવાદ ઊભો થયો છે.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે એ 'મેઇડ ઇન ઇન્ડિયા' છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના કહેવા પ્રમાણે, 95 % કામગીરી ભારતમાં થઈ છે અને જે ટેકનૉલૉજી ભારતમાં ઉપલબ્ધ ન હતી, તે માટે 'વિદેશનો સહયોગ' લેવામાં આવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ અંગે બીબીસીએ પ્રતિમાના નિર્માતા અનિલ સુતાર સાથે વાત કરી હતી અને તેમની પ્રતિક્રિયા પણ જાણી હતી.

ગુજરાતના સરદાર પટેલ ડેમ પાસે આવેલા સાધુબેટ ખાતે આકાર લઈ રહેલી 182 મીટર ઊંચી પ્રતિમાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 31મી ઑક્ટોબરના સરદાર પટેલની જન્મ જયંતીના દિવસે કરવામાં આવશે.

નેતાઓના નિવેદન

મધ્ય પ્રદેશના ચિત્રકૂટ ખાતે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જાહેરસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારતમાં વેચાતા મોબાઇલ, શર્ટ તથા બૂટ સહિતની વસ્તુઓ ચીનમાં બને છે, જેનાં કારણે ચીનના યુવાનોને રોજગાર મળે છે.

ચીનની સરકાર દરરોજ 50 હજાર યુવાનોને રોજગાર આપે છે, જ્યારે ભારતની મોદી સરકાર માત્ર 450 યુવાનોને રોજગાર આપે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી રહ્યા છે, પરંતુ તે પણ મેઇડ ઇન ચાઇના છે. જે 'સરદારનું અપમાન' છે.

રાહુલ ગાંધીની સભાના ગણતરીના કલાકોમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું નિવેદન 'બાલિશ' છે.

નીતિન પટેલના કહેવા પ્રમાણે, "પ્રતિમાનું કામ હાથ ધરનારી એલ ઍન્ડ ટી કંપની, તેના કોન્ટ્રાક્ટરો તથા શ્રમિકો ભારતીય છે, તથા તેમાં 95 ટકા સામગ્રી મેઇડ ઇન ઇન્ડિયા છે. જે પાંચ ટકા સામગ્રી કે કૌશલ્ય ભારતમાં ઉપબ્ધ ન હતાં તે માટે 'વિદેશનો સહયોગ' લેવામાં આવ્યો હતો."

નીતિન પટેલના કહેવા પ્રમાણે, પ્રતિમા માટેનું 1700 ટન કાંસુ આયાત કરેલું છે, એ મટીરિયલ બનાવવા માટેની સ્પેશિયાલિટી ભારતમાં ન હોવાથી વિદેશની મદદ લેવામાં આવી હતી.

પટેલે ઉમેર્યું હતું કે દેશભરમાંથી એકઠું કરવામાં આવેલા લોખંડ, માટી અને જળનો ઉપયોગ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણકાર્યમાં કરવામાં આવ્યો છે.

"રાહુલે આ નિવેદન દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું અવમૂલ્યન કરવાનો પ્રયાસ કર્યો છે. જેના કારણે ગુજરાતીઓ તથા કરોડો ભારતીયોની લાગણી દુભાઈ છે, એટલે તેમણે માફી માગવી જોઈએ."

રાહુલના માતા સોનિયા ગાંધીના ઇટાલિયન મૂળનો ઉલ્લેખ કરતા નીતિન પટેલે કહ્યું હતું કે 'એમ તો તેમનો પરિવાર પણ મેઇડ ઇન ઇટલી છે.'

નીતિન પટેલના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું, "જાહેરજીવનમાં આ પ્રકારની ટિપ્પણી શોભનીય નથી. નીતિન પટેલને તેમનો પક્ષ તથા પક્ષના લોકો પણ ગંભીરતાથી નથી લેતા.

"તેમને આશા છે કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે આ પ્રકારની ટિપ્પણીઓ કરીને તેઓ મુખ્ય મંત્રીપદની દાવેદરી જાળવી શકશે."

પ્રતિમા છે Made in China?

અનિલ સુતારે બીબીસી સાથે વાતચીતમાં રાહુલ ગાંધીના નિવેદન અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે પ્રતિમાનું ઢાળકામ (કાસ્ટિંગ) ચીનમાં કરવામાં આવ્યું છે.

અગાઉ આ વિશે બીબીસી સાથે વાતચીત કરતા અનિલ સુતારે કહ્યું હતું કે 'જો સરદાર પટેલની પ્રતિમા ભારતમાં બની શકી હોત તો સારું રહેત.'

ચીનમાં અલગ-અલગ 25,000 ભાગોમાં પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું, આ ભાગોને સાઇટ પર વેલ્ડ કરીને જોડવામાં આવ્યા.

અનિલના કહેવા પ્રમાણે, "પ્રતિમાનો થ્રીડી ડેટા ચીનની કંપનીને આપવામાં આવ્યો હતો."

"જેના આધાર પર મૂળ કદની પ્રતિમાના ભાગો બનાવવાનું કામ શરૂ થયું હતું."

સ્ટેચ્યૂ નિર્માણ માટે Make In India પર ભાર મૂકવામાં આવ્યો હતો, જોકે એ શક્ય ન બનતા ચીનમાં નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો