BBC વિશેષ: ગાંધીજીના ઘરે તો સહુ જાય છે પણ કસ્તુરબા ગાંધીના ઘરે કોઈ કેમ જતું નથી?

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

બા કદાચ એકમાત્ર એવી વ્યક્તિ હતાં કે જે બાપુ સાથે અસહમતી પણ દર્શાવી શકતાં અને બાપુની ભૂલો સામે આંગળી પણ ચીંધી શકતાં હતાં. કદાચ એટલે જ બા એ બાપુના ખરા અર્થમાં અર્ધાંગિની હતાં.

બા અને બાપુનું જીવન જે રીતે એકબીજા સાથે વણાયેલું હતું એ જ છાપ પોરબંદરમાં પણ જોવા મળે છે. જ્યાં બન્નેનાં જન્મસ્થળ આવેલાં છે, એકબીજાની લગોલગ.

કસ્તુરબા ગાંધીના સ્મારક સુધી જવાનો રસ્તો ગાંધીજીના ઘરમાંથી થઈને જાય છે. કીર્તિમંદિરની પાછળ અત્યંત ગીચ મકાનો વચ્ચે કસ્તુરબા ગાંધીનું ઘર આવેલું છે.

પણ ઘર સુધી પહોંચતાં પહેલાં તમારે સ્થાનિકોએ ઘરની બહાર પાર્ક કરેલાં ટૂ વ્હિલર્સ અને રસ્તા વચ્ચે બેસેલી ગાયોને પાર કરવી પડે.

જો જાણકાર સાથે ના હોય કે જાણકારી વગર અહીં આવ્યા હોય તો જવલ્લે કોઈને ખ્યાલ આવે કે દેશના રાષ્ટ્રપિતાનાં અર્ધાંગિનીનું ઘર અહીં આવેલું છે.

કસ્તુરબાના ઘરની હાલત કેવી છે?

આ વાત માત્ર સામાન્ય લોકો પૂરતી જ મર્યાદિત નથી. કીર્તિમંદિરની મુલાકાતે આવતા રાષ્ટ્રના મોટા નેતાઓ પણ કસ્તુરબા ગાંધીના ઘરની મુલાકાત લેવાનું ટાળે છે અથવા તો ચૂકી જાય છે.

કસ્તુરબાના ઘરના સ્મારક ચોકીદાર તરીકે ફરજ બજાવતા મધુભાઈ સાદિયા જણાવે છે, ''આ પ્રકારના રાષ્ટ્રીય સ્મારકની 300 ફૂટ ફરતે કોઈ પણ જાતના બાંધકામને પરવાનગી આપવામાં નથી આવતી. પણ અહીં પહેલાંથી જ લોકો રહે છે એટલે કોને કહેવું?

''સ્મારક બહાર ક્યારેક ક્યારેક 15થી 20 જેટલી ગાયો બેઠી હોય છે અને કોઈ તેને ખસેડવાની જહેમત નથી કરતું. ક્યારેક આ ગાયોએ મુલાકાતીઓને શિંગડાં મારી દીધાં તો?''

''સ્મારકમાં ટૉઇલેટની કોઈ સુવિધા નથી. પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. અમે તો બહારથી પાણી લાવીને પીએ છીએ, પણ જો કોઈ મુલાકાતીને પાણી પીવું હોય તો?''

મધુભાઈની ચિંતા એમના શબ્દોમાં જ નહીં પણ સ્મારકની હાલતમાં પણ ઉજાગર થાય છે.

જે ઓરડામાં કસ્તુરબાનો જન્મ થયો હતો એ ઓરડાને બાદ કરી દો તો સ્મારકના મોટા ભાગના ઓરડાની સ્થિતિ સારી નથી.

કેટલીય જગ્યાએ પોપડા ઊખડવા લાગ્યા છે. તો છતની દીવાલો પર અમર થવા માટે અઢળક પ્રેમી-પંખીડાઓ પોતાનાં નામોનું ચિતરામણ કરી ચૂક્યાં છે.

આજુબાજુ ગીચ મકાનો, બાંધકામમાં મુશ્કેલી

કસ્તુરબા અંગે વાત કરતા 'ગૂજરાત વિદ્યાપીઠ'ના ભૂતપૂર્વ ઉપ કુલપતિ સુદર્શન આયંગર બીબીસીને જણાવે છે, ''મોહન અને કસ્તુરનાં લગ્ન થયાં ત્યારે બન્નેની ઉંમર સમાન હતી.''

''કસ્તુર ગુજરાતીમાં કહીએ તો 'જબરી', સત્યવાન, નિર્ભય, નીડર અને કોઈ પણ પ્રકારની જોહુકમી સહન ના કરનારી હતી.''

''આજે જે સ્ત્રીસશક્તીકરણની વાત કરવામાં આવે છે, એ વાત કસ્તુરે ખરા અર્થમાં સાર્થક કરી હતી.''

કસ્તુરબા ગાંધીના સ્મારકની દેખરેખની જવાબદારી ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ વિભાગ અંતર્ગત આવે છે.

સ્મારકની વર્તમાન સ્થિતિ અંગે બીબીસીએ રાજ્ય પુરાતત્ત્વ વિભાગના ડિરેક્ટર વાય. એસ. રાવત સાથે વાત કરી હતી.

રાવતે કહ્યું હતું, ''સ્મારકમાં ટૉઇલેટની સુવિધા ન હોવાનું કારણ એ છે કે એ જગ્યા ખૂબ જ ગીચ છે. આજુબાજુ રહેણાક મકાનો છે એટલે ત્યાં કોઈ બાંધકામ કરવું શક્ય નથી.''

બાકી રહી પાણીની સુવિધાની વાત તો આ અંગે અમે તપાસ કરીશું અને વ્યવસ્થા કરાવી દઈશું.''

બાપુની સરખામણીમાં બાને ઓછું મહત્ત્વ મળ્યું?

બાપુની સરખામણીએ બાને ભલે ઓછું મહત્ત્વ અપાઈ રહ્યું હોય પણ ગાંધીજીના જીવનમાં બાનું ઘણું મહત્ત્વ હતું.

કસ્તુરબા અંગે વધુ વાત કરતા આયંગર ઉમેરે છે, ''બન્નેનાં જ્યારે લગ્ન થયાં ત્યારે મોહનને રાતે અંધારામાં ડર લાગતો હતો. એ બીકણ હતો, શરમાળ હતો. એના દોષોને દૂર કરવામાં કસ્તુરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.''

''પુખ્ત થયા બાદ ભલે બાપુએ બાને ઘડ્યાં હોય પણ કિશોરાવસ્થામાં કસ્તુરે ચોક્કસથી મોહનને ઘડ્યો હતો.''

ગાંધી દંપતી જાહેરજીવનમાં આવવાને બદલે જો સામાન્ય ગુજરાતી વણિક પરિવાર જ બની રહ્યું હોત તો ઘરનું સંચાલન બાએ જ કર્યું હોત.''

સ્મારકની સ્થિતિ માટે આયંગર આ પુરુષવાદી માનસિકતાને કારણભૂત ગણાવે છે.

તેઓ કહે છે, ''આપણે જે પ્રતીકો ઊભાં કરીએ છીએ એમાં ક્યાંકને ક્યાંક પુરુષપ્રધાન માનસિકતાને બળ મળતું હોય છે.''

''ગાંધીસ્મારકોમાં પણ એવું થાય છે કે બા કરતાં બાપુને વધુ પ્રાથમિકતા અપાય છે.''

'બાનું વ્યક્તિત્વ અનેરું છે. બા માત્ર બાપુનાં પત્ની જ નથી'

ગાંધીવિચારમાં કાર્યરત ભદ્રાબહેન સવાઈએ બીબીસીને કહ્યું, લોકો ગાંધીજી કે કસ્તુરબાના સ્મારકની મુલાકાત લે એનાથી વધુ જરૂરી છે એમના વિચારોને જીવનમાં ઉતારે.

તેમનાં જણાવ્યા અનુસાર, ''સમાજ અને સરકારે આ માટે સાથે મળીને કામ કરવું પડશે.''

આયંગર ઉમેરે છે, ''તેમના જીવનની વાત કરીએ તો બાપુ પોતે સદગૃહસ્થ થવા મથે છે. પણ ગૃહસ્થી ટકાવવામાં બા મહત્ત્વની ભૂમિકા ભજવે છે.''

''સહન કરવાનું બાના ભાગે વધુ આવે છે અને છતાં બા દરેક જન્મમાં બાપુને જ પતિ તરીકે માગે છે.''

''બાનું વ્યક્તિત્વ અનેરું છે. બા માત્ર બાપુનાં પત્ની જ નથી, પણ પત્નીથી ક્યાંય વધુ છે. તેમનું એ વ્યક્તિત્વ ઓળખવું જોઈએ.''

(આ લેખ સૌપ્રથમ 2019 માં પ્રકાશિત થયો હતો)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો