ભગતસિંહ ફાંસી પહેલાં જ્યારે અંતિમ વખત ભાઈને મળ્યા

ભગતસિંહને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવ સાથે 23 માર્ચ, 1931ના રોજ સૉન્ડર્સની હત્યાના ગુનામાં ફાંસી આપવામાં આવી હતી.

ભગતસિંહના ભત્રીજા વીરેન્દ્રસિંહ સંધુ લંડન પાસે કૅંટમાં રહે છે. બીબીસી સંવાદદાતા ઇશલીન કૌરે તેમની સાથે ભગતસિંહના જીવનનાં અજાણ્યાં પાસાંઓ અંગે વાત કરી.

ભગતસિંહને ફાંસીની સજા થયા બાદ તેમના પરિવારે 3 માર્ચ, 1931ના રોજ જેલમાં તેમની મુલાકાત લીધી હતી. ફાંસી આપતાં પહેલાં આ પરિવાર સાથેની અંતિમ મુલાકાત હતી.

વાંચો વીરેન્દ્ર સિંહ સંધૂના શબ્દોમાં:

અંતિમ મુલાકાતમાં ભગતસિંહના નાના ભાઈ અને મારા પિતા કુલતાર સિંહ પણ હાજર હતા. મુલાકાત દરમિયાન તેઓ ખૂબ ઉદાસ હતા, કુલતાર સિંહ રડતા હતા.

મુલાકાત બાદ કુલતાર સિંહે ભગત સિંહને પત્ર લખવા વિનંતી કરી. તેમણે થોડા શેર લખવા પણ કહ્યું હતું. તેમને ખબર હતી કે ભગતસિંહ શેર-શાયરી પણ કરે છે.

ભગતસિંહે કુલતારને એક પત્ર લખ્યો હતો. જે આ મુજબ હતો.

વ્હાલા કુલતાર,

આજે તારી આંખોમાં આંસુ જોઈને મને બહુ દુઃખ થયું. આજે તારી વાતોમાં ખૂબ પીડા હતી.

તારા આંસુ મારાથી સહન નથી થતા. બરખુરદાર હિમ્મતથી તાલીમ લેતો રહેજે. તબિયતનું ધ્યાન રાખજે. હિમ્મત રાખજે. શેર તો શું લખું. સાંભળ.

ઉસે યહ ફિક્ર હૈ હરદમ, નયા તર્જે-જફા ક્યા હૈ?

હમેં યહ શૌક દેખેં, સિતમ કી ઇંતહા ક્યા હૈ?

દહર સે ક્યોં ખફા રહે, ચર્ખ કા ક્યોં ગિલા કરે.

સારા જહાં અદૂ સહી, આઓ મુકાબલા કરે.

કોઈ દમ કા મહેમાન હૂં, એ-અહલે-મહેફિલ, ચરાગે સહર હૂં, બુઝા ચાહતા હૂં.

મેરી હવાઓં મેં રહેગી, ખયાલોં કી બીજલી.

યહ મુશ્ત-એ-ખાક હે ફાની, રહે રહે ન રહે.

અચ્છા રુખસત. ખુશ રહો અહલે વતન. હમ તો સફર કરતે હૈ.

નમસ્તે.

તારો ભાઈ

ભગતસિંહ

માનું ગૌરવ, દીકરાની સમાધિ પાસે જ અંતિમ સંસ્કાર

ભગતસિંહનાં માતાને તેમના પર ગૌરવ હતું. જોકે, તેમનાં બીજી ચાર સંતાનો પણ સ્વતંત્રતાની લડાઈમાં સામેલ હતા. પરંતુ ભગતસિંહ જેવો મુકામ કોઈ હાંસલ ન કરી શક્યું.

એમના વ્યક્તિત્વમાં એક અલગ આકર્ષણ હતું.

તેમના માતાએ પહેલાં જ કહી દીધું હતું, જ્યારે તેમનું અવસાન થાય તો તેમનાં અંતિમ સંસ્કાર પણ ભગતસિંહની સમાધિ પાસે જ થાય.

તેમની ઇચ્છાને માન આપીને બેબેને સતલજના કિનારે આવેલી ભગતસિંહની સમાધિ પાસે જ તેમને દફનાવવામાં આવ્યાં.

ભગતસિંહ - પોસ્ટર લગાવવાથી માંડીને અંગ્રેજોની હત્યા અને કોર્ટમાંથી ક્રાંતિના વિચારો ફેલાવવા સુધી

ભગતસિંહ શહેરમાં પોસ્ટર લગાવવાનું કામ પણ કરતા હતા. સૉન્ડર્સની હત્યા પછી કદાચ કુલતાર સિંહે ભગતસિંહ સાથે પોસ્ટર્સ લગાવ્યા હતા. તેઓ સાઇકલ પર ચઢીને ઊંચાઈ પર પોસ્ટર લગાવતા.

કુલતારે જ્યારે આટલી ઊંચાઈ પર પોસ્ટર લગાવવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે બાળકો આ પોસ્ટર ફાડે નહીં એટલા માટે તેઓ ઊંચાઈ પર પોસ્ટર લગાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો