રાજકોટ : સાત વર્ષની બાળકી સાથે રૅપનો મામલો, એ પુરાવા જે આરોપીને ફાંસી સુધી લઈ ગયા

(આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે)

રાજકોટ જિલ્લાના એક ગામમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપ સબબ દોષિત ઠરેલને સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સાથે જ પીડિતાને રૂપિયા સાત લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે.

શનિવારે રાજકોટની સ્થાનિક અદાલતના જજ વીએ રાણા દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગત વર્ષે 4 ડિસેમ્બરે રાજકોટ જિલ્લાના એક ગામમાં રાજ્યના અન્ય વિસ્તારમાંથી ખેતમજૂરી કરવા આવેલાં દંપતીની પુત્રી ઉપર 30 વર્ષીય શખ્સે દુષ્કર્મ આચર્યો હતો.

ચુકાદા સંદર્ભે યોજાયેલી પત્રકારપરિષદમાં રાજકોટ ગ્રામ્યના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ વિજયસિંહ ગુર્જરે કહ્યું હતું, "એક મહિના પહેલાં ઘટના ઘટી હોવા છતાં બાળકીએ અદાલતમાં સારી રીતે જુબાની આપી હતી અને તેની સાથે રમી રહેલાં અન્ય બાળકોનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યાં હતાં."

"આ કેસમાં રેકૉર્ડ 12 દિવસમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. કેસમાં ડે-ટુ-ડે સુનાવણી થઈ હતી અને એફઆઈઆરથી લઈને 41 દિવસમાં ચુકાદો આવ્યો હતો."

બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયા સાથે વાત કરતા પબ્લિક પ્રૉસિક્યુટર સંજય વોરાએ જણાવ્યું હતું, "12 જાન્યુઆરીએ અદાલતે આરોપીને દોષિત જાહેર કર્યો હતો, પરંતુ સજાની જાહેરાત 17મી જાન્યુઆરી પર મોકૂફ રાખી હતી અને આજરોજ ફાંસીની સજા આપી હતી."

સંજય વોરાએ પત્રકારપરિષદમાં જણાવ્યું, "આરોપીને દોષિત ઠેરવવા માટે પોલીસના પુરાવા પૂરતા હતા, પરંતુ તેને ફાંસીની સજા જાહેર થાય તે માટે આ ઘટના 'રૅરેસ્ટ-ટુ-રૅર' છે, એ સાબિત કરવાનો પડકાર હતો."

"આ માટે નિઃસહાય બાળકી સાથે થયેલા જઘન્ય આચરણને આધાર બનાવીને દલીલો આપવામાં આવી હતી. આ કેસ માત્ર સેક્સને લગતો ન હતો, પરંતુ તેમાં આરોપીની પરપીડનવૃત્તિની હતી."

પ્રશાંત પટેલ આ કેસમાં આસિસ્ટનન્ટ પબ્લિક પ્રૉસિક્યૂટર હતા, જ્યારે તકસીરવાનને લિગલ ઍઇડ તરફથી વકીલ આપવામાં આવ્યા હતા.

એ પછી પોલીસ (ત્યારે) આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, ત્યારે કથિત રીતે આરોપીએ પોલીસ ઉપર હુમલો કરીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં આરોપીની ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેના બંને પગમાં ગોળી વાગી હતી.

પોલીસ દ્વારા આ કેસમાં તપાસ ચાલી રહી છે અને હજુ સુધી આરોપનામું દાખલ કરવામાં નથી આવ્યું. આ ફાંસીની સજા ઉપર હાઇકોર્ટ મંજૂરીની મહોર મારશે. એ પછી દોષિત ઠરેલા શખ્સ પાસે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ સમક્ષ દયાઅરજી જેવા કાયદાકીય વિકલ્પ રહેશે.

કેસની પૃષ્ઠભૂમિ

કોર્ટમાં પોલીસે દાખલ કરેલા આરોપનામાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે, ભોગ બનનારનો પરિવાર અને તેમના મામાનો પરિવાર બાજુબાજુમાં જ આવેલી વાડીઓમાં ભાગિયા તરીકે કામ કરે છે.

ગત 4થી ડિસેમ્બરે ભોગ બનનાર બાળકી માતાપિતા સાથે મામાના પરિવારને વાડીના કામમાં મદદ કરવા ગયાં હતાં.

રાજકોટ ગ્રામ્ય પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ વિજયસિંહ ગુર્જરે અગાઉ બીબીસીને જણાવ્યું હતું કે તકસીરવાને ખેતરમાં બાળકીની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ દુષ્કર્મ આચરવામાં નિષ્ફળ જતાં સળિયાથી બાળકીને ઈજા કરી હોવાની કબૂલાત કરી હતી.

ઘટનાની થોડી વાર પછી બાળાનાં મામી બાળકોને શોધતાં-શોધતાં તે તરફ ગયાં અને લોહીલુહાણ બાળકીને જોઈ હતી. જે બાદ હૉસ્પિટલમાં બાળાને સારવાર માટે લાવવામાં આવી હતી અને પોલીસને જાણ કરાઈ હતી.

રિર્પોર્ટમાં પ્રાથમિક રીતે બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું પ્રસ્થાપિત થયું હતું. એ પછી બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે 8 ડિસેમ્બર 2025ના રોજ તારીખે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો.

ઘટના સંદર્ભે રાજકોટ ગ્રામ્ય પોલીસના જણાવ્યા પ્રમાણે, ગુનો આચરનાર મૂળ મધ્ય પ્રદેશનો વતની છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ગામમાં કામ કરતો હતો.

દોષિત 32 વર્ષનો પરિણીત છે. તેને 12 વર્ષની એક દીકરી અને બે દીકરા છે.

પોલીસ દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ

ઘટનાને પગલે પોલીસે આજુબાજુના વિસ્તારમાં સીસીટીવીની તપાસ હાથ ધરી હતી. આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી હતી.

અલગ-અલગ ટીમોએ 140 જેટલા સંદિગ્ધ શોધી કાઢ્યા હતા. જેમાંથી ફોટોગ્રાફના આધારે બાળકીએ ગુનેગારને ઓળખી કાઢ્યો હતો.

ધરપકડ બાદ આ કેસમાં નવો વળાક આવ્યો હતો. ઘટનાના રિકન્સ્ટ્રક્શન વખતે ગુનેગારે ધારિયાની મદદથી પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

વળતી કાર્યવાહીમાં પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં એના બંને પગમાં ઈજા પહોંચી હતી. આ ઘટનામાં પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત થયા હતા.

બીએનએસની કલમ 183 હેઠળ બાળકીએ આપેલું નિવેદન, કોર્ટમાં બાળકી તથા અન્ય બાળકોનાં નિવેદન, બાળકીનાં કપડાં, મેડિકલ પુરાવા,ફોરેન્સિક પુરાવા તથા તકસીરવાનનું મોબાઇલ લૉકેશન, કૉલ ડિટેઇલ રેકૉર્ડ્સ, જેવી બાબતોએ એ દોષ પુરવાર કરવામાં સરકારી પક્ષને મદદ કરી હતી.

પોલીસે ભારતીય ન્યાય સંહિતાની (બીએનએસ) કલમ 65 (2) તેમજ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્ર્ન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેંસિસ (પૉક્સો) ઍક્ટની કલમ 5 (આઇ), 5 (એમ) અને 6 (1) જેવી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસના કહેવા પ્રમાણે, પીડિત બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન