એ લુટારું ટોળકી, જે 'કોદાળીદેવીના આશીર્વાદ' લઈ ઠગવા નીકળતી

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી

ઠગ શબ્દ સાંભળતા જ આપણાં દિમાગમાં કોઈ ચાલાક વ્યક્તિની તસવીર સામે આવે જે ભોળવીને કિંમતી વસ્તુઓ ઠગી લે.

પરંતુ ભારતમાં 19મી સદીમાં જે ઠગ અંગ્રેજો સામે પડ્યા હતા, તેઓ મામૂલી નહોતા.

ઠગ વિશે સૌથી રસપ્રદ અને સત્તાવાર જાણકારી 1839માં લખાયેલા પુસ્તક 'કન્ફેશન ઑફ અ ઠગ'માં મળે છે. પુસ્તકના લેખક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ફિલિપ મીડો ટેલર છે.

પુસ્તક અંગે તેઓ કહે છે કે તેમણે તો ફક્ત લખવાનું કામ કર્યું છે. અસલમાં તો સાડા પાંચસો પાનાંનું આ પુસ્તક ઠગોના એક સરદાર આમિર અલી ખાને કરેલી કબૂલાતનો સંગ્રહ છે. મતલબ કે એક પ્રકારનું એકરારનામું છે.

ટેલર મુજબ, "ઠગોના સરદારે જે પણ કહ્યું હતું તેને શબ્દશ: લખવામાં આવ્યું છે."

આમિર અલીની કહાણી એટલી રસપ્રદ હતી કે તે એક નવલકથા બની ગઈ. રુડયાર્ડ કિપલિંગની પ્રખ્યાત નવલકથા 'કિમ' (1901) કરતાં લગભગ 60 વર્ષ પહેલાં છપાયેલું આ પુસ્તક એક ભારતીય ઠગનું 'ફર્સ્ટ પર્સન એકાઉન્ટ' છે.

ટેલરનું કહેવું છે કે એવી સેંકડો વ્યક્તિઓ હતી, જેઓ આમિર અલીની દેખરેખ હેઠળ ઠગાઈનો ધંધો કરતા હતા. ટેલરે જ્યારે આમિર અલીને પૂછ્યું કે તેણે અત્યાર સુધી કેટલા લોકોના જીવ લીધા છે?

જવાબ આપતા આમિર અલીએ જણાવ્યું, "અરે સાહેબ, આ તો હું પકડાઈ ગયો નહીં તો એક હજાર પાર કરી લેત. પરંતુ તમે લોકોએ 719 પર જ મને રોકી દીધો."

ઠગાઈની પરિસ્થિતિ એવી હતી કે તેનાથી છૂટકારો મેળવવા માટે અંગ્રેજોએ એક અલગ વિભાગ બનાવ્યો હતો. તે જ વિભાગ આગળ જઈને ઇન્ટેલિજન્સ બ્યૂરો આઈબી નામે ઓળખાવા લાગ્યો.

ટેલર લખે છે, "ઠગોનું નેટવર્ક ખૂબ જ વિશાળ હતું. તેઓ ખૂબ જ ગુપ્ત રીતે કામ કરતા હતા. તેમને સામાન્ય લોકોથી અલગ તારવવા ખૂબ જ મુશ્કેલ હતા. તેઓ પોતાનું કામ ખૂબ જ ચાલાકીથી કરતા હતા જેથી કોઈને શંકા ના જાય."

ઠગથી છૂટકારો મેળવવાના વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ કૅપ્ટન રેનૉલ્ડ્સે 1831થી 1837 વચ્ચે ઠગ સાથે થયેલી કાર્યવાહીની માહિતી 1838માં બહાર પાડી હતી.

આ માહિતી અનુસાર ઝડપાયેલા 1059 લોકો પર આરોપ સાબિત ન થતા તેમને મલેશિયા પાસે આવેલા પેનાંગ ટાપુ પર છોડી દેવામાં આવ્યા. જેથી કરીને તેઓ ફરીથી આવી કોઈ હરકત ના કરી શકે.

આ સિવાય 412 લોકોને ફાંસી આપવામાં આવી અને 87 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

ઠગોની ગુપ્ત અને રહસ્યમય જિંદગી

ઠગ માટે અંગ્રેજો 'સિક્રેટિવ કલ્ટ', 'હાઇવે રોબર્સ' અને 'માસ મર્ડરર' જેવા શબ્દો વાપરતા હતા. 'કલ્ટ' કહેવાનું કારણ એ હતું કે તે ઠગને પોતાનાં રીતિ-રિવાજ, વિશ્વાસ, માન્યતાઓ, પરંપરાઓ, સિદ્ધાંત હતાં જેમનું તેઓ ગંભીરતાથી પાલન કરતા હતા.

તેમની પોતાની ગુપ્ત ભાષા હતી જેમાં તેઓ પરસ્પર વાત કરતા હતા. આ ભાષાને રમાસી કહેવાતી હતી.

ભારતમાં ઠગોની કમર ભાંગવાનો શ્રેય મેજર જનરલ વિલિયમ હેનરી સ્લીમનને આપવામાં આવે છે, જેમને અંગ્રેજી સત્તાએ 'સર' નામથી નવાજ્યા હતા.

સ્લીમને લખ્યું છે, "ઠગોના નેટવર્કને ખતમ કરવામાં હિંદુ અને મુસલમાનો બન્ને હતા. ઠગાઈની શરૂઆત ક્યાંથી થઈ એ અંગે કહેવું મુશ્કેલ છે. પરંતુ ઊંચો મોભો ધરાવનારથી લઈને ઘરબાર વગરના મુસાફરો અને દરેક જાતિના હિંદુઓ તેમાં સામેલ હતા."

મુહૂર્તથી થતું દરેક કામ

હિંદુ હોય કે મુસલમાન ઠગ શુભ મુહૂર્ત જોઈને, વિધિ-વિધાનથી પૂજાપાઠ કરીને પોતાનાં કામ પર નીકળતા હતા, જેને 'જીતાઈ પર નીકળવું' એવું કહેવામાં આવતું હતું.

ઠગાઈનો સમય સામાન્ય રીતે દુર્ગાપૂજાથી લઈને હોળી વચ્ચે રહેતો હતો. વધુ ગરમી અને વરસાદને કારણે લોકો રસ્તા પર ઓછા નીકળતા હતા એટલે જ આ સમય પસંદ કરાતો હોય એવું શક્ય છે.

મોટાભાગના ઠગ કાળી માતાની પૂજા કરતા હતા. આ સિવાય તેઓ દરેક પગલું ભરતા પહેલાં શુકન-અપશુકન અંગે વિચાર કરતા હતા.

તેમણે ઘુવડનું બોલવું, કાગડાનું ઊડવું, મોરનું બોલવું, શિયાળનું દેખાવું આ દરેકના અર્થ પોતાની રીતે નિર્ધારિત કર્યા હતા.

જીતાઈ પર જવાના સાત દિવસ પહેલાં 'સાતા' શરૂ થતું હતું. આ દરમિયાન ઠગ અને તેના પરિવારના સભ્યો ખાવા-પીવા, સૂવા-ઊઠવા અને સ્નાન-હજામત કરવા જેવી બાબતોનું ગંભીર રીતે પાલન કરતા હતા.

'સાતા' દરમિયાન બહારના લોકોને મળવું, કોઈને બોલાવવા અથવા તેના ઘરે જવા જેવી બાબતો પર રોક લાગી જતી હતી.

આ દરમિયાન કોઈને દાન નહોતું આપવામાં આવતું ,એટલે સુધી કે કૂતરાં અને બિલાડીને પણ ખાવાનું અપાતું નહોતું. જીતાઈથી પરત આવ્યા બાદ દાન અને પુણ્ય જેવા કામો થતા હતા.

આ રીતે જ 'ઇટબ'ના નિયમોનું પાલન થતું હતું.

ઠગોનું માનવું હતું કે કામ પર નીકળતા પહેલાં પવિત્ર થવું જરૂરી છે. ટુકડીના કોઈ ઠગ સભ્યનાં ઘરમાં જન્મ કે મૃત્યુ થતું તો 10 દિવસ માટે અને ઘરમાં પાળેલાં જાનવરનું મૃત્યુ થાય તો ત્રણ દિવસ માટે તે ઠગ કામ પર જતા નહોતા.

આવી જ રીતે બાળકનો જન્મ થવા પર સાત દિવસ સંપૂર્ણ કામ અટકી જતું અથવા તે ઠગ સભ્ય કામ બંધ રાખતા હતા.

'કસ્સી'નું મહત્ત્વ

મૃત વ્યક્તિની કબર જે કોદાળીથી ખોદવામાં આવતી હતી તેને 'કસ્સી' કહેવામાં આવતું હતું. કસ્સી સૌથી વધુ આદરની વસ્તુ હતી.

ગહન રિસર્ચ બાદ ઉર્દૂ અને હિંદીમાં લખાયેલી બહુચર્ચિત નવલકથા 'કઈ ચાંદ થે સરે આસમા'માં શમ્સુર્રહમાન ફારુકીએ કસ્સીની પૂજાનું વર્ણન કંઈક આવી રીતે લખ્યું છે:

"એક સાફ જગ્યા પર થાળીમાં પાણી લઈને કોદાળીને ધોવામાં આવતી હતી. ત્યારબાદ પૂજાની વિધિના જાણકાર ઠગ વચ્ચે બેસતા હતા. અન્ય ઠગ સ્નાન કરીને તેની ચારેતરફ બેસતા હતા."

"સૌપ્રથમ કોદાળીને ગોળના શરબતથી ધોવામાં આવતી હતી. ત્યારબાદ દહીંના શરબત અને અંતમાં દારૂથી ધોવામાં આવતી હતી. ત્યારબાદ તલ, જવ, કંકુ, પાન અને ફૂલથી તેની પૂજા કરવામાં આવતી હતી."

"કોદાળીની ટોચ પર સિંદૂરથી સાત ચાંલ્લા કરાતા હતા. ત્યારબાદ એ કોદાળીથી નારિયેળ ફોડવામાં આવતું હતું. નારિયેળ ફૂટવા પર દરેક ઠગ હિંદુ હોય કે મુસલમાન 'જય દેવી માઈની' બોલતા હતા."

ઠગો વચ્ચે એવી માન્યતાઓ પ્રચલિત હતી કે તેમના પર કોદાળી દેવીના આશીર્વાદ રહેતા હતા. આ સિવાય ઠગો માનતા હતા કે તેઓ નિયમોનું પાલન કરશે તો તેમના પર દેવીમાની કૃપા રહેશે.

પ્રથમ નિયમ એ હતો કે ખૂન કરવામાં લોહીનું એકપણ ટીપું વહેવું ના જોઈએ.

બીજું કે સ્ત્રી અને બાળકોને કોઈપણ સંજોગોમાં ના મારવામાં આવે. ત્રીજું કે જ્યાં સુધી માલ મળવાની શક્યતા હોય ત્યાં સુધી હત્યા બિલકુલ ન કરવામાં આવે.

ટેલરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આમિર અલી ખાનને પોતાનાં કર્મો પર બિલકુલ પસ્તાવો નહોતો.

અન્ય ઠગો અંગે મેજર જનરલ સ્લીમન લખે છે, "તેઓ એવું માનતા જ નહોતા કે તેઓ ખોટું કામ કરી રહ્યા છે. તેમની નજરમાં અન્ય વ્યવસાયની જેમ જ આ એક વ્યવસાય હતો."

કેવી રીતે થતી ઠગાઈ?

ઠગાઈ પર નીકળતા ઠગ 20થી 50ની ટુકડીમાં નીકળતા હતા. સામાન્ય રીતે તેઓ ત્રણ ટુકડીમાં વહેંચાઈ જતા. એક ટુકડી આગળ જતી, બીજી વચ્ચે અને ત્રીજી ટુકડી છેલ્લે રહેતી.

આ ત્રણેય ટુકડીમાં પરસ્પર તાલમેલ માટે એક-બે વ્યક્તી રહેતી હતી જે એક કળીનું કામ કરતી હતી. તેઓ પોતાની ચાલ ધીમી અથવા તેજ કરી શકતા હતા.

મોટાભાગના ઠગ ઘણી ભાષાઓ, ગીત-સંગીત, ભજન-કીર્તન-કવ્વાલી અને હિંદુ-મુસ્લિમ બન્ને ધર્મોના રીતિ-રિવાજ જાણતા હતા.

તેઓ જરૂરિયાત પ્રમાણે તીર્થયાત્રી, જાનૈયા અથવા નકલી શબયાત્રા કાઢનારા બની જતા હતા.

એક રસ્તામાં તેઓ પોતાનાં ઘણાં રૂપો બદલતા હતા. તેઓ વેષ બદલવામાં માહેર હતા.

તેઓ ખૂબ જ ધીરજથી કામ કરતા અને પોતાના શિકારને શંકા પણ નહોતી થતી. ક્યારેક તો લોકો ઠગોના ડરથી અસલી ઠગોને સાચા સમજીને તેમની જાળમાં ફસાઈ જતા હતા.

સામાન્ય રીતે ઠગના સરદાર દેખાવમાં ભણેલા-ગણેલા આબરૂદાર લોકોની જેમ લાગતા હતા.

ટેલરના પુસ્તકમાં આમિર અલીએ વિસ્તૃત રીતે જણાવ્યું છે કે કેવી રીતે તેઓ ક્યારેક કોઈ શેઠ અથવા ધનવાન લોકોને કોઈ નવાબના સેનાપતિ તરીકે મળતા હતા, તો ક્યારેક મૌલવી તો ક્યારેક તીર્થયાત્રનું નેતૃત્વ કરી રહેલા પંડિતની જેમ.

આમિર અલીએ જણાવ્યું કે ઠગના કામો વહેંચાયેલા હતા.

'સોઠા' ટોળકીના સભ્યો સૌથી હોશિયાર લોકોને ફસાવવામાં માહેર હતા. તેઓ શિકારની શોધમાં ચોક નજીક ફરતા રહેતા હતા અને ત્યાંથી પસાર થતા લોકોનું નિરીક્ષણ કરતા હતા.

ત્યારબાદ તેઓ તે વ્યક્તિની હેસિયતનો અંદાજ લગાવીને પોતાની જાળમાં ફસાવતા હતા. આમિર અલીની ટુકડીની સૌથી હોશિયાર વ્યક્તિ ગોપાલ હતી તે ખૂબ જ ચાલાકીથી પોતાનું કામ કરતો હતો.

શિકારની ઓળખ થયા બાદ અમુક લોકો આગળ-પાછળ ફરતા હતા. ધીરે-ધીરે કરીને રસ્તા પર ઠગોની સંખ્યા વધી જતી હતી. તેઓ એવું વર્તન કરતા કે એકબીજાને ઓળખતા જ નથી.

આમિર અલીએ ટેલરને જણાવ્યું હતું કે ક્યારેક તો અઠવાડિયા દસ દિવસ સુધી યોગ્ય તકની રાહ જોવી પડતી હતી.

ગજબની તાલમેલ

સૌથી આગળ ચાલી રહેલા લોકોમાં 'બેલ' મતલબ કે કબર તૈયાર કરનારા લોકો હતા.

તેમની વચ્ચે ચાલી રહેલી અને કળીનું કામ કરતી વ્યક્તિ જણાવતી કે કેટલા લોકોની કબર બનાવવાની છે.

ત્યારબાદ પાછળની ટુકડી એ જોતી કે કોઈ ખતરો તો નથી ને. ધીમેધીમે ત્રણેય ટુકડીઓ નજીક આવી જતી અને શિકારને જાણ પણ નહોતી થતી.

ત્યારબાદ એક નક્કી કરેલું નામ લેવામાં આવતું હતું. આમિર અલી મુજબ 'સરમસ્ત ખાં', 'લંડન ખાં', 'સરબુલંદ ખાં', 'હરિરામ' અથવા 'જયગોપાલ' જેવા નામનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ નામ બોલાતું ત્યારે કાર્યવાહી કરવાનો પ્રથમ ઇશારો સમજવામાં આવતો. ત્યારબાદ ઠગમાં સૌથી 'આબરૂદાર' લોકોનો વારો આવતો હતો જેમને 'ભતૌટ' અથવા 'ભતૌટી' કહેવામાં આવતા હતા.

તેમનું કામ લોહી ન નીકળે તેનું ધ્યાન રાખી રૂમાલમાં સિક્કા બાંધીને બનાવી ગાંઠથી શિકારનું ગળું દબાવવાનું હતું. દરેક શિકાર પાછળ એક ભતૌટ રહેતો. આ સમગ્ર કામ બે-ત્રણ મિનિટમાં પતી જતું હતું. આ માટે ઠગ 'ઝિરની'ની રાહ જોતા હતા.

ઝિરની શું છે?

ઝિરની અંતિમ ઇશારો હતો કે પોતાની આગળ ઊભેલા કે બેસેલા શિકારના ગળામાં ફાંસી લગાવીને તેને ખેંચવામાં આવે. આમિર અલીએ એક જ ઝાટકે 12-15 તંદુરસ્ત પુરુષોને પતાવી દેવાનો ઉલ્લેખ પણ સહજતાથી કર્યો છે.

તેમણે ટેલરને જણાવ્યું, "ઇશારો અથવા ઝિરની સામાન્ય રીતે સુરતી ખાઈ લો, હુક્કો પીવડાવો અથવા ગીત સંભળાવો જેવાં નાનાં વાક્યો હતાં. ત્યારબાદ એક ઝાટકે ભતૌટ શિકારના ગળામાં ફંદો લગાવી દેતો. બે-ત્રણ મિનિટમાં તો માણસ ઠંડો પડી જતો હતો."

ત્યારબાદ લાશ પરથી કિંમતી વસ્તુઓ લઈ પહેલેથી જ ખોદાયેલી કબરોમાં 'એકના માથા તરફ બીજાના પગ' એવી પદ્ધતિથી તેને દફનાવી દેવામાં આવતી હતી.

આ પદ્ધતિથી ઓછી જગ્યા રોકાતી અને વધુ લાશો દફનાવી શકાતી. ત્યારબાદ જગ્યાને સપાટ કરી તેની પર કાંટા નાખી દેવામાં આવતા જેથી કરીને જંગલી જાનવરો તેને ખોદી ના શકે.

કેવું હતું ઠગનું જીવન?

આમિર અલીએ જણાવ્યું કે આજના ઉત્તર પ્રદેશના જાલૌનમાં તેઓ પોતાનાં પત્ની અને દીકરી સાથે રહેતા હતા. મોટાભાગના લોકો તેને મુસલમાન જમીનદાર અથવા સોદાગર સમજતા હતા.

વર્ષના સાત-આંઠ મહિના તેઓ ઘર પર એક આબરૂદાર મુસલમાનની જેમ રહેતા હતા.

ત્યારબાદ પૂજાપાઠ કરી જીતાઈ પર નીકળતા હતા. અમુક લોકો જ જાણતા હતા કે તેઓ એક ઠગ હતા.

આમિર અલી મુજબ નાના-મોટા જમીનદારો અને નવાબ ઠગો પાસેથી પૈસા વસૂલ કરતા હતા અને જરૂરી સમયે તેમને સંરક્ષણ આપતા હતા. પરંતુ અંગ્રેજોને આ વાતની જાણ પણ નહોતી નથી.

ઘણા જમીનદારોએ તો ઠગોને પોતાની બિનખેતીવાળી જમીન પણ આપી હતી જેમાં લાશોને દફનાવી શકાય.

આવી જ રીતે દરેક જગ્યાએ ઠગોના જાસૂસ અને મદદગાર લોકો હતા, જેમને પૈસા મળતા હતા. મદદ કરનારા લોકોને તો ક્યારેક જાણ પણ નહોતી થતી કે તેઓ કોની મદદ કરી રહ્યા છે.

કોણ ઠગ હતું અને કોણ નહીં અંગ્રેજોને ખબર જ નહોતી પડતી. ફિલિપ મીડો ટેલરે પોતાના પુસ્તકની ભૂમિકામાં 1825-26ના એક રસપ્રદ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.

તેઓ લખે છે, "મારી પોસ્ટ હિંગોલીમાં હતી, જ્યાં હરિસિંહ નામનો એક વેપારી હતો. અમે તેની સાથે લેવડ-દેવડ કરતા હતા."

"એક દિવસ તેમણે મુંબઈથી કપડાં લઈ આવવા માટેની પરમિટ માગી હતી જે તેને આપી દેવામાં આવી હતી. તે કપડું લઈ આવ્યો અને તેને સેનાના રહેણાંક વિસ્તારમાં વેચ્યું. અસલમાં તે કપડું કોઈ અન્ય વેપારીનું હતું."

"હરિસિંહે અને તેના સાથીઓએ તે વેપારીને મારી નાખ્યો અને તેનું કાપડ લૂંટી લીધું હતું. કારણ કે હરિસિંહ એક ઠગ હતો."

અંગ્રેજોને હરિસિંહના ઠગ હોવાની જાણ ઘણાં વર્ષો પછી પડી જ્યારે હરિસિંહ પકડાઈ ગયો અને તેણે અંગ્રેજોની મજાક કરતા કહ્યું કે કેવી રીતે તેણે 'ગોરા સાહેબને મૂરખ બનાવ્યા.'

1835ના વર્ષ બાદ જ્યારે ઠગ પકડાતા ગયા ત્યારે જાણ થઈ કે આખરે કેટલા પ્રમાણમાં ઠગાઈ ચાલતી હતી.

ટેલર લખે છે, "હું મંદસૌરમાં સુપરિન્ટેન્ડેન્ટ હતો. જ્યારે અમે એક સરકાર સાક્ષી બનેલા ઠગે જણાવેલી જગ્યાએ ખોદકામ કર્યું, તો ત્યાંથી સામૂહિક કબરો મળી આવી. આખરે અમારે પરેશાન થઈને ખોદકામ બંધ કરવું પડ્યું."

ઠગોને ભારે પડતા આફ્રિકન ગુલામ

ઐતિહાસિક શોધ બાદ લખવામાં આવેલા શમ્સર્રહમાન ફારુકીએ ચર્ચિત નવલકથા 'કઈ ચાંદ થે સરે આસમા'માં 1843-44માં રામપુરના નવાબના ખાસ દરબારી મિર્ઝા તુરાબ અલીની હત્યા ઠગ દ્વારા કરવામાં આવી તેનો ઉલ્લેખ છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે બિહારના સોનપુરના મેળામાં હાથી-ઘોડા ખરીદવા ગયેલા નવાબના સેનાપતિ અને તેમના છ સાથીઓને ઠગોએ મારી નાખ્યા હતા.

મિર્ઝા તુરાબ અલી અને તેમના સાથીઓની હત્યા અંગે જે માહિતી મળે છે તે મુજબ ઠગોએ એક મૃત મુસલમાનના જનાજાની નમાજ પઢવાના બહાને મિર્ઝા અને તેમના સાથીઓને ઘોડા નીચે ઊતાર્યા.

ત્યારે 'સુરતી ખિલાઓ'નો અવાજ આવ્યો અને સાત લોકોએ રૂમાલથી ગળું દબાવી તેને મારી નાખ્યા.

જ્યારે તુરાબ અલી રામપુર પરત ના ફર્યા ત્યારે નવાબને શક થયો કે તેઓ ક્યાંક ઠગના શિકાર તો નથી થઈ ગયા ને?

તેમણે આફ્રિકાથી ગુલામ બનાવીને ગુજરાતના તટ પર લઈ આવવામાં આવેલા આફ્રિકનોની વાતો સાંભળી હતી. તેઓ સીદી તરીકે ઓળખાતા હતા. આ કામ માટે તેમણે સીદી ઇકરામ અને સીદી મુનઇમની મદદ લીધી.

સીદીઓ અંગે ફારુકી લખે છે, "જાતિને લીધે તેમને સીદી અને કામને લીધે તેમને શોધક કહેવામાં આવતા હતા. તેમના કૌશલની વાતો દૂર-દૂર સુધી ફેલાયેલી હતી. તેમને ગુજરાતથી અવધ સુધી બોલાવવામાં આવતા હતા."

"પગનાં નિશાન, ગુમ લોકોની ભાળ મેળવવી અને ફરાર લોકોની તપાસમાં તેઓ માહેર હતા. મુખ્યત્વે તેઓ સ્વાહિલી ભાષા બોલતા સાથે જ હિંદી પણ બોલતા."

રામપુરના નવાબે પોતાના વફાદાર મિર્ઝા તુરાબ અલી અને તેમના સાથીઓની ભાળ મેળવવા માટે સીદીઓને મોકલ્યા. સીદીઓ સમગ્ર રસ્તે ઝંડાઓ, નિશાન લગાવતા અને દરેક બાબતની બારીક તપાસ કરતા ચાલી રહ્યા હતા.

ફારુકી લખે છે, "તેઓ એક મેદાનમાં પહોંચ્યા અને ત્યાં મોટા આકારમાં ચોરસની આકૃતિઓ બનાવી. ત્યારબાદ વારાફરતી દરેક ખાનાં સૂંઘ્યા અને ખોદકામ શરૂ કર્યું. તેઓ ખૂબ જ એકાગ્રતાથી પોતાનું કામ કરી રહ્યા હતા."

તેમણે એક જગ્યાએ પહોંચીને અવાજ લગાવ્યો, "જમાદાર જી, અહીં ખોદકામ કરાવો." જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું તો મિર્ઝા તુરાબ અલી સહિત નવાબના દરકે લોકોની લાશ મળી આવી.

સીદી આજે પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં રહે છે પરંતુ ઠગોની સફાઈ થઈ ચૂકી છે. આમિર અલીને અંગ્રેજોએ ફાંસી આપી દીધી અને અન્ય લોકો સમય સાથે વિખેરાઈ ગયા. અમુક પીંડારીઓના સમૂહમાં ભળી ગયા.

જે ઠગે આમિર અલીને દત્તક લીધો હતો તેમણે એક સમયે પોતાના જ પિતાનો જીવ લઈ લીધો હતો. આમિર અલીને આ ઠગ તરફથી જ ઠગાઈની દીક્ષા મળી હતી. આ જ કારણે તે ઠગાઈને એક સારું કામ સમજતો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો