ટીપુ સુલતાનનાં એ રૉકેટ જેનાથી અંગ્રેજો પણ ડરતા હતા

    • લેેખક, ઈમરાન કુરેશી
    • પદ, બીબીસી માટે

18મી સદીમાં મૈસૂરના શાસક રહેલા ટીપુ સુલતાન સાથે જોડાયેલી એક ઐતિહાસિક બાબત જાણવી રસપ્રદ રહેશે.

ટીપુ સુલતાને પોતાના શાસનકાળમાં રૉકેટ તૈયાર કરાવ્યાં હતાં. આ રૉકેટની ચર્ચાઓ છેક ઇંગ્લૅન્ડ સુધી થઈ હતી.

હકીકતમાં ભારતના પ્રસિદ્ધ ઍરોસ્પેસ વૈજ્ઞાનિક અને અંતરિક્ષ આયોગના પૂર્વ સભ્ય પ્રોફેસર ડૉ. રોડમ નરસિમ્હાએ લગભગ 35 વર્ષ પહેલાં રજૂ કરેલા એક શૈક્ષણિક લેખમાં રૉકેટની ટેકનૉલૉજીમાં ટીપુ સુલતાનના પ્રયત્નો અને તેના વિકાસના ઐતિહાસિક પુરાવાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રોફેસર નરસિમ્હાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ટીપુ સુલતાને ઉપયોગ કરેલાં રૉકેટોની ખાસિયત એ હતી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના આ રૉકેટનો સામનો કરવામાં નિષ્ફળ સાબિત થઈ હતી."

"કંપનીના અધિકારીઓને રૉકેટોનો ડર લાગતો હતો. આ વાતનું પ્રસિદ્ધ ઉદાહરણ કર્નલ આર્થર વેલેસ્લી છે.”

“આ રૉકેટના કારણે તેમણે યુદ્ધનું મેદાન છોડી ભાગવું પડ્યું હતું. જોકે, વેલેસ્લીએ બાદમાં વૉટરલૂના યુદ્ધમાં નેપોલિયનને હરાવ્યો હતો."

પ્રોફેસર નરસિમ્હા કહે છે, "આજની ભાષામાં કહીએ તો ટીપુ સુલતાન ટેકનૉલૉજી પ્રેમી હતા.”

“બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન શું થયું તેની સમજ કેળનાવરા તેઓ પ્રથમ રાજવી હતા. આ બાબતમાં તેઓ ઉલ્લેખનીય છે."

900 મીટર સુધીની ક્ષમતાના રૉકેટ

ઇતિહાસમાં થયેલી નોંધ મુજબ ઔદ્યોગિક ક્રાંતિ સુધી રૉકેટનો ઉપયોગ છૂટોછવાયો હતો.

ચીને અગિયારમી સદીમાં 'રૉકેટથી ચાલનારાં તીર' બનાવ્યાં હતાં, જે અસરકારક હતાં.

મુઘલો સાથેની લડાઈ બાદ યુરોપે 12મી સદીમાં રૉકેટનો ઉપયોગ કર્યો હતો.

મુઘલોએ પણ 15મી અને 16 સદીમાં કોઈને કોઈ પ્રકારે રૉકેટનો ઉપયોગ કર્યો હતો.

પ્રોફેસર નરસિહ્માના કહે છે, "ચીનનાં રૉકેટ અને ટીપુ સુલતનનાં રૉકેટમાં મૂળભૂત તફાવત એ હતો કે ટીપુ સુલતાનનાં રૉકેટમાં ઉપયોગમાં લેવાયેલું સ્ટીલ વધુ સારું હતું."

"રૉકેટના ઉત્પાદનમાં રોકાયેલા લોકોને તેઓ નવાં સંશોધનો કરવા પ્રોત્સાહિત કરતા હતા”

“તેમણે આ ઉત્પાદનનો કુટીર ઉદ્યોગ બનાવી દીધો હતો."

"તે સમય સુધીમાં ભારતમાં લોખંડ ઉત્પાદનનો વ્યવસાય એક પરંપરા બની ગયો હતો.”

“હકીકતમાં ત્યારે દક્ષિણ ભારત સ્ટીલ અને હળવા લોખંડના ઉદ્યોગનું કેન્દ્ર હતું."

પ્રોફેસર નરસિમ્હા વાત આગળ વધારતા કહે છે, "ગન પાવડર(સુરોખાર)થી ભરેલાં સિલિન્ડર બનાવવા માટે ટીપુ સુલતાને સ્ટીલમાંથી બનેલી વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કર્યો હતો."

"સિલિન્ડરને સ્થિર બનાવવા માટે તેમણે લાંબી તલવારનો ઉપયોગ કર્યો હતો.”

“આ સંરચના આધુનિક મિસાઇલ જેવી હતી. આધુનિક યુગનાં રૉકેટના તળિયાના ભાગમાં પાંખિયાં હોય છે, જે રૉકેટને સ્થિર રાખે છે."

આ રૉકેટ ખૂબ પ્રભાવશાળી હતાં, જેમની ક્ષમતા આશરે 900 મીટરના અંતર સુધીની હતી.

આ રૉકેટને કોઈ ગાડીની ઊંચાઈ પરથી છોડી શકાતાં હતાં.

પ્રોફેસર નરસિહ્માના કહે છે, "તેમને પહેલો વિજય કાંચીપુરમ અને અરકોણમ (હાલનું તમિલનાડુ) વચ્ચે આવેલા પોલ્લિલૂરમાં થયેલા બીજા એંગ્લો-મૈસૂર યુદ્ધમાં મળ્યો હતો.”

“રૉકેટોએ અંગ્રેજોનો દારૂગોળો નષ્ટ કરી દીધો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ આ મોટો વિજય હતો."

અંગ્રેજોએ ટીપુ સુલતાનનાં રૉકેટોના નમૂના ઇંગ્લૅન્ડ મોકલ્યા હતા અને આ રૉકેટોએ ઇંગ્લૅન્ડમાં એક ઊંડી છાપ છોડી હતી.

150 વર્ષ બાદ તે જ ટેકનૉલૉજી ભારતમાં પરત આવી

પ્રોફેસર નરસિમ્હાએ કહ્યું, "તેમણે ત્યાં આધુનિક સંશોધન અને વિકાસ કાર્યક્રમ જેવો એક કાર્યક્રમ શરૂ કર્યો હતો."

"ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન થયેલાં સંશોધનોનો ઉપયોગ કરી તેમણે ગન પાઉડરની ગુણવત્તાના ધોરણોની સ્થાપના કરી હતી”

“ત્યારબાદ રૉકેટમાં ન્યૂટનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી તેને વધુ પ્રભાવશાળી હથિયાર તરીકે વિકસાવ્યાં હતાં."

પ્રૉફેસર નરસિમ્હાએ વધુમાં કહ્યું, "ઐતિહાસિક રુપે જોવા જઈએ તો યુરોપમાં વિકસાવવામાં આવેલા રૉકેટના સંશોધનના તાર મૈસૂર સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે છે.”

"આશ્ચર્યની વાત એ છે કે 150 વર્ષ પછી આ જ ટેકનૉલૉજી ભારત પરત આવી અને તે પણ બેંગલુરુમાં.”

“હવે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન(ઈસરો) હવે અંગ્રેજોની સરખામણીએ મોટાં રૉકેટો બનાવી રહ્યું છે."

પ્રોફેસર નરસિહ્માનાને એ વાતનો અફસોસ છે કે ટીપુ સુલતાનનાં 18મી સદીનાં રૉકેટોનો એકપણ નમૂનો ભારતમાં ઉપલબ્ધ નથી.

તેઓ કહે છે, "તે રૉકેટો પૈકીનાં માત્ર બે રૉકેટ બ્રિટનના વૂલવિચમાં આવેલા રૉટલ આર્ટિલરી મ્યુઝિયમમાં ઉપલબ્ધ છે.”

“ટીપુ સુલતાનના રૉકેટની પ્રતિકૃતિ બનાવવા માટે આપણે સક્ષમ હોવા જોઈએ."

તેમણે વધુમાં કહ્યું, "અમે આવો એક પ્રૉજેક્ટ 20 વર્ષ પહેલાં શરુ કર્યો હતો પરંતુ અમે અન્ય પ્રૉજેક્ટમાં વ્યસ્ત રહ્યા હતા."

"હજુ એક તક છે જેમાં આ પ્રોજેક્ટને ફરી શરુ કરી શકાય છે.”

“આવી વસ્તુઓ મ્યુઝિયમમાં પણ હોવી જોઈએ. આ ભારતના ઐતિહાસિક ટુકડાઓને દેશમાં પરત લાવશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો