તાજમહેલ આખરે છે કોનો, શું તે કોઈ પ્રાચીન શિવમંદિર છે?

તાજમહેલને કેન્દ્રસ્થાને રાખીને વેબ સિરીઝ 'તાજ- અ મૉન્યુમૅન્ટ ઑફ બ્લડ' રજૂ થવાની છે. ત્યારે સોશિયલ મીડિયા પર ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે કે તાજમહેલએ કબર છે કે મંદિર?

ઉપરાંત તાજેતરમાં તાજ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'કાં તો તાજમહેલનું સંરક્ષણ કરો અથવા તો તેને તોડી પાડો.'

અગાઉ ભાજપના કેટલાક નેતાઓ તથા કેટલાંક જમણેરી જૂથો દાવો કરી ચૂક્યા છે કે તાજમહેલ ખરેખર એક મંદિર છે.

વાસ્તવિકતા એ છે કે તાજમહેલ હિન્દુ મંદિર હોવાની પુષ્ટિ કરતા કોઈ આધારભૂત પુરાવો નથી.

હકીકતમાં તાજમહેલ ભારતીય-ઇસ્લામિક સ્થાપત્યનો ઉત્તમ નમુનો હોવા બાબતે મોટાભાગના ઇતિહાસકારો અને ભારત સરકાર સહમત છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણે કર્યું નિર્માણ?

ભારતનો સત્તાવાર ઇતિહાસ જણાવે છે કે મોગલ શાસક શાહજહાંએ તેની બેગમ મુમતાજ મહેલની સ્મૃતિમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું.

મધ્ય એશિયામાંથી આવેલા મોગલોએ અત્યારે ભારત અને પાકિસ્તાન બની ગયેલા મોટાભાગના પ્રદેશ પર સોળમી અને સતરમી સદીમાં શાસન કર્યું હતું.

મોગલ શાસનને કારણે દક્ષિણ એશિયામાં ઇસ્લામ ધર્મ મજબૂત બન્યો હતો અને મુસ્લિમ કળા તથા સંસ્કૃતિ તેમજ ઇસ્લામનો પ્રસાર થયો હતો.

તાજમહેલ ઉત્તમ કારીગરી પ્રત્યેના મોગલોના 'પ્રેમનું પ્રતીક' છે.

દેશનાં ઐતિહાસિક સ્થાપત્યોના રખેવાળ આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા તાજમહેલને ''મોગલ સ્થાપત્યકળાનું સર્વોચ્ચ શિખર ગણાવે છે.''

તાજમહેલ વિશેની સરકારની સત્તાવાર વેબસાઇટ પણ જણાવે છે કે ''ઇસ્લામી અને સ્થાનિક સ્થાપત્યકળાના સંયોજનથી સર્જાયેલી શૈલીની પરિપકવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ મોગલકાળનું સ્થાપત્ય છે.''

વેબસાઇટ એવું પણ જણાવે છે કે ''મોગલોને પોતે પર્શિયન અને તૈમૂરી મૂળનાં હોવાનો ગર્વ હતો, પણ તાજ મહાલનું નિર્માણ થયું ત્યાં સુધીમાં તેઓ ખુદને ભારતીયના રૂપમાં જોવા લાગ્યા હતા.''

ઇતિહાસકાર રાણા સફવીએ બીબીસીને જણાવ્યું હતું કે તાજમહેલના ઇતિહાસ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર જ નથી. એ સ્થળે મંદિર હોવાના કોઈ પુરાવા નથી.

સફવીએ કહ્યું હતું, ''તાજ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું એ સ્થળે પહેલાં એક હવેલી હતી. હિન્દુ શાસક જય સિંહ એ હવેલીના માલિક હતા.

''શાહજહાંએ તેમની પાસેથી હવેલી સત્તાવાર રીતે ખરીદી હતી. એ બાબતે બહાર પાડવામાં આવેલું સત્તાવાર ફરમાન આજે પણ ઉપલબ્ધ છે.

"ફરમાન દર્શાવે છે કે મોગલો તેમના કાર્યો અને ઇતિહાસની નોંધણી બાબતે બહુ જ ચોક્કસ હતા.''

રાણા સફવીએ જણાવ્યું હતું કે ડબલ્યુ. ઈ. બેગ્લે અને ઝેડ. એ. દેસાઈહાસે લખેલા તાજમહેલ વિશેના એક પુસ્તકમાં તમામ દસ્તાવેજોનું સંકલન કરવામાં આવ્યું હતું.

રાણા સફવીએ કહ્યું હતું, ''મકબરાનું નિર્માણ કેટલી ચોકસાઈથી કરવામાં આવ્યું હતું એ મને આવાં પુસ્તકોમાંથી સમજાયું હતું.

''રાજા જયસિંહની માલિકીની હવેલીની જમીન પર તાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ જમીન પર કોઈ ધાર્મિક ઇમારત ન હતી, એવી મારી દલીલ રજૂ કરવા મેં એ પુસ્તકોનો ઉપયોગ કર્યો હતો.''

રાણા સફવીની વાત બીજા વિખ્યાત ઇતિહાસકાર હસબંસ મુખિયા સાથે સહમત છે.

હરબંસ મુખિયાએ કહ્યું હતું કે ''શાહજહાંએ તેની બેગમની સ્મૃતિમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું એ વાત નોંધાયેલા ઇતિહાસ સ્પષ્ટ રીતે પુરવાર કરે છે.''

સ્કૂલનાં પાઠ્યપુસ્તકો અને વિવિધ સરકારી વેબસાઇટ્સ પણ તાજમહેલને ભારતીય-ઇસ્લામી સ્થાપત્યનું ઉદાહરણ ગણાવે છે.

મંદિરની થિયરી

આ હકીકત હોય તો તાજમહેલના સ્થળે અગાઉ મંદિર હોવાની થિયરી આવી ક્યાંથી?

તાજમહેલ આધારિત વેબસિરીઝને કારણે તાજમહેલની માલિકીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હોય એવું નથી.

અવસાન પામેલા જમણેરી ઇતિહાસકાર પી. એન. ઓકે તેમના 1989ના પુસ્તક 'તાજ મહેલઃ ધ ટ્રુ સ્ટોરી'માં તાજમહેલને 'તેજો મહેલ' ગણાવ્યો હતો.

તેમણે પુસ્તકમાં એવી દલીલ કરી હતી કે તાજ મહેલ વાસ્તવમાં એક મંદિર અને મહેલ હતો. તેનું નિર્માણ એક રાજપૂત શાસકે કરાવ્યું હતું.

પી.એન. ઓક માનતા હતા કે શાહજહાંએ લડાઈ પછી એ ઇમારત કબજે કરી લીધી હતી અને બાદમાં તેને તાજમહેલ નામ આપ્યું હતું.

પી. એન. ઓક સાથે ગાઢ રીતે સંકળાયેલા લેખક સચ્ચિદાનંદ શેવડેએ બીબીસી મરાઠીને એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે ''સત્યને ઉજાગર કરવા'' સરકારે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે ''તાજમહેલ મુસ્લિમ સ્થાપત્યનો નમૂનો નથી. એ ખરેખર હિન્દુ સ્થાપત્ય છે.''

જોકે, તાજમહેલની સત્તાવાર વેબસાઇટ જણાવે છે કે એ સ્થાપત્યમાં ''પર્શિયન, ભારતીય અને ઇસ્લામી સ્થાપત્ય શૈલીઓનું સંયોજન જોવા મળે છે.''

સ્થાપત્યનો સવાલ

શેવડેએ એવી દલીલ કરે છે કે તાજમહેલમાં હિન્દુ સ્થાપત્ય શૈલીનાં અનેક પ્રતીક જોવા મળે છે.

સચ્ચિદાનંદ શેવડેએ કહ્યું હતું કે ''તાજમહેલની ટોચ પર બીજનો ચંદ્ર જોવા મળે છે. મોગલ શૈલીમાં ચંદ્ર થોડો નમેલો હોય છે, પણ બીજનો આ ચંદ્ર નમેલો નથી. એ ચંદ્રને શિવપંથી સંસ્કૃતિ સાથે સંબંધ છે.''

સચ્ચિદાનંદ શેવડેએ ઉમેર્યું હતું, ''તાજમહેલની ટોચ પર કળશ, આંબાનાં પાન અને કળશમાં ઉંઘુ મૂકવામાં આવેલું શ્રીફળ પણ છે.એ બધાં હિન્દુ પ્રતીકો છે.

''ઇસ્લામી સંસ્કૃતિમાં ફૂલો અને પશુઓ પર પ્રતિબંધ છે, તેમ છતાં તાજમહેલના નિર્માણમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.''

જોકે, હરબંસ મુખિયા આ દાવાઓને નકારે છે. તેમણે બીબીસીને કહ્યું હતું, "સ્થાપત્ય હંમેશા વિકસતું રહેતું હોય છે અને અનેક સંસ્કૃતિની અસર ઝીલતું હોય છે.

"તેમાં મોગલ સ્થાપત્ય પણ અપવાદ નથી. હિન્દુઓ માટે કળશ મહત્વનું પ્રતીક છે, છતાં તાજમહેલ સહિતનાં મોગલ સ્મારકોમાં પણ કળશ જોવા મળે છે.

"પાંદડાં અને ફૂલોનાં પ્રતીક અનેક મોગલ ઇમારતોમાં જોવા મળે છે.''

ચર્ચા અત્યારે શા માટે?

દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષવા માટેની સત્તાવાર પ્રવાસન ઝુંબેશોમાં તાજમહેલનો ઉપયોગ દાયકાઓથી કરવામાં આવતો રહ્યો છે.

શાહજહાં અને મુમતાઝ મહેલની કથાનો ઉપયોગ કવિઓ તથા લેખકો પ્રેમના વર્ણન માટે કરતા રહ્યા છે.

આદિત્ય બિરલા જૂથની ડિજિટલ કંપની અપ્લૉઝ ઍન્ટર્ટેઇન્મેન્ટ દ્વારા 'તાજ - અ મૉન્યુમૅન્ટ ઑફ લવ'ના નામથી વેબ સિરીઝ લોન્ચ કરશે.

12 એપિસોડની પાંચ સિઝનમાં જહાંગીર, અકબર તથા શાહજહાં અને ઔરંગઝેબનો શાસનકાળ આવરી લેવામાં આવશે.

જેના પગલે સોશિયલ મીડિયાના એક વર્ગ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કબર નહીં પરંતુ તેજોમહેલના નામે શિવમંદિર છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં તાજમહેલની જાળવણી મુદ્દે કેન્દ્ર સરકાર પર કડક શબ્દમાં ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું, 'કાં તો તાજમહેલનું સંરક્ષણ કરો અથવા તો તેને તોડી પાડો.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો