ગંગાજળ કેમ ક્યારેય ખરાબ નથી થતું?

    • લેેખક, ડેવિડ રૉબ્સન
    • પદ, બીબીસી ફ્યુચર

ગંગાજળ વિશે આપણે હંમેશાં એવી વાતો સાંભળતા આવ્યા છીએ કે આ પાણી ક્યારેય ખરાબ નથી થતું. તેમાં જંતુઓ પણ જોવા મળતા નથી.

કહેવાય છે કે ગંગાજળમાંથી ક્યારેય દુર્ગંધ આવતી નથી. ગંગાજળની ખાસિયતો વિશે આપણે ઘણી વાતો સાંભળી છે.

લોકો ગંગાજળને ગંગામાંથી લાવીને વર્ષો સુધી પોતાના ધરમાં સાચવી રાખે છે છતાં તે ખરાબ થતું નથી. ગંગાના પ્રવાહ પર આપણે ઘણા અત્યાચારો કર્યા છે.

તેમાં ગટરોનું પાણી વહેડાવ્યું, મૃતદેહો ફેંક્યા, કચરો ફેંક્યો છતાં પણ ગંગાનાં પાણીની તાસીર હજુ પણ પહેલાં જેવી જ છે.

પાણી ન બગડવાનું રહસ્ય શું છે?

ગંગાનું પાણી ક્યારેય ખરાબ ન થવાનું કારણ છે અમુક પ્રકારના વાઇરસ!

આ વાઇરસના કારણે પાણી ક્યારેય ખરાબ થતું નથી. આ વાતનાં મૂળ સવાસો વર્ષ પહેલાંની એક ઘટનામાં રહેલાં છે.

જાણીતા બ્રિટિશ વૈજ્ઞાનિક અર્નેસ્ટ હેન્કિન વર્ષ 1890ના દાયકામાં ગંગાનાં પાણી પર સંશોધન કરી રહ્યા હતા.

તે સમયે ગંગાકિનારાના વિસ્તારોને કોલેરાના રોગચાળાએ ભરડો લીધો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ઘણાં લોકો રોગચાળામાં મૃત્યુ પામ્યાં હતાં. આવા લોકોના મૃતદેહોને ગંગા નદીમાં ફેંકવામાં આવતા હતા.

અર્નેસ્ટ હેન્કિનને ડર લાગ્યો કે ગંગાનાં પાણીમાં નહાતા લોકો પણ ક્યાંક કોલેરાનો ભોગ ન બને પરંતુ ત્યાં નહાતા લોકોને કોલેરાની અસર ના થઈ.

અર્નેસ્ટ હેન્કિને યુરોપમાં એવી પરિસ્થિતિ જોઈ હતી કે ગંદુ પાણી પીવાના કારણે લોકો બીમારીનો ભોગ બનતા હતા.

ગંગાનાં પાણીની આ જાદુઈ અસર જોઈ તેઓ આશ્ચર્યચકિત હતા.

કોણ જાળવે છે ગંગાજળની શુદ્ધતા?

એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકે હેન્કિનના આ સંશોધનને વીસેક વર્ષ પછી આગળ વધાર્યું હતું.

આ વૈજ્ઞાનિકને સંશોધનનાં અંતે જાણવા મળ્યું કે ગંગાજળમાં રહેલા વાઇરસ કોલેરા ફેલાવનારાં બૅક્ટેરિયાંને નષ્ટ કરે છે.

આ વાઇરસ ગંગાજળની શુદ્ધતાને જાળવી રાખવા માટે જવાબદાર હતા. જેના કારણે ગંગાનાં પાણીમાં નહાનારા લોકોને કોલેરાની અસર નહોતી થતી.

બૅક્ટેરિયાંને નષ્ટ કરનારા વાઇરસને 'નિંજા વાઇરસ' તરીકે ઓળખવામાં આવે છે. લગભગ એક સદી પહેલાં તબીબી દુનિયામાં એન્ટિબાયોટિકના કારણે એક ક્રાંતિ આવી હતી.

ઈજા, ઘા કે બીમારીનાં કારણે મૃત્યુ પામનારા લોકો માટે એન્ટિબાયોટિક વરદાન સાબિત થઈ હતી. તેની મદદથી આપણે બીમારીઓ પર કાબૂ મેળવ્યો. છેલ્લા થોડા સમયથી જોવા મળી રહ્યું છે કે ઘણાં બૅક્ટેરિયાં પર એન્ટિબાયોટિકની અસર હવે નહીવત્ છે.

દુનિયાભરમાં હજારો લોકોનાં મૃત્યુ આવાં બૅક્ટેરિયાંના કારણે થઈ રહ્યાં છે.

વર્ષ 2014ના એક અહેવાલ પ્રમાણે વર્ષ 2050 સુધીમાં એન્ટિબાયોટિકની અસર એટલી ઓછી થઈ જશે કે વિશ્વભરમાં લગભગ ત્રણ કરોડ લોકો આ બૅક્ટેરિયાંના કારણે મૃત્યુનો શિકાર બનશે.

આજની તારીખે આટલા લોકો કેન્સરનાં કારણે મૃત્યુ પામે છે.

આ વાઇરસ આપણે બચાવી શકશે?

જો એન્ટિબાયોટિક નિષ્ક્રીય બનશે તો સામાન્ય ઈજાના કારણે પણ લોકોનાં મૃત્યુ થશે.

જેવું અઢારમી અને ઓગણીસમી સદીમાં જોવા મળતું હતું. યુદ્ધમાં ઈજા પામતા લોકોનાં મૃત્યુમાં પણ વધારો થશે.

જે પ્રકારના વાઇરસ ગંગાજળમાં જોવા મળે છે જે આવી પરિસ્થિતિમાં આપણને કામ લાગશે.

પ્રકૃતિમાં આ વાઇરસ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. પૃથ્વી પર જેટલા લોકો છે તેટલા વાઇરસ એક ગ્રામ માટીમાં રહેલા હોય છે.

તેમાંથી ઘણા વાઇરસ એવા છે જે બૅક્ટેરિયાં પર હુમલો કરી તેમને નષ્ટ કરે છે.

આ વાઇરસની ખાસિયત એ છે કે તેઓ તમામ બૅક્ટેરિયાંને નિશાન નથી બનાવતા. અમુક ચોક્કસ પ્રજાતિનાં બૅક્ટેરિયાં પર જ તેઓ નિશાન સાધે છે.

રોગનાશક વાઇરસ માનવજાત માટે ખૂબ કારગત સાબિત થઈ શકે છે અને એન્ટિબાયોટિકનો વિકલ્પ બની શકે છે.

ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડની મેસી યુનિવર્સિટી સાથે જોડાયેલા હીદર હેન્ડ્રીક્સન નિંજા વાઇરસ પર સંશોધન કરી રહ્યા છે.

હીદર હેન્ડ્રીક્સન કહે છે, "એન્ટિબાયોટીકને અસરહીન કરતાં બૅક્ટેરિયાંનો ભય વધી રહ્યો છે. આપણે એન્ટિબાયોટિક પહેલાં જે યુગ હતો તેમાં પરત ફરી રહ્યા છીએ."

હેન્ડ્રીક્સન કહે છે કે જો આપણે આ મુશ્કેલીથી બચવા માગતા હોઈએ તો નિંજા વાઇરસ પર વધુ સંશોધન કરવું જોઈએ.

તેઓ અન્ય સંશોધકો સાથે વાઇરસની એક યાદી બનાવી રહ્યા છે, જે બૅક્ટેરિયાંને નષ્ટ કરી શકે.

બૅક્ટેરિયાં માટે યમદૂત

હીદર હેન્ડ્રીક્સ તેમની લેબમાં એવા વાઇરસની યાદી તૈયાર કરી રહ્યા છે જે એન્ટિબાયોટિકની જગ્યા લઈ શકે. અન્ય કેટલાક દેશો પણ આ દિશામાં પ્રયોગો હાથ ધરી રહ્યા છે.

હીદર એક ઉદાહરણ આપતા કહે છે કે આલ્ફ્રેડ ગર્ટલર નામના એક વ્યક્તિને પર્વતારોહણ કરતી વખતે ઘૂંટણમાં ઈજા થઈ હતી.

કોઈપણ એન્ટિબાયોટિકથી અસર આ ઈજા પર નહોતી થઈ રહી. અંતે એવું જ લાગી રહ્યું હતું કે પગને કાપવો જ એકમાત્ર રસ્તો બચ્યો છે.

ત્યારે પ્રયોગના ધોરણે તેમના ઘા પર નિંજા વાઇરસ લગાવવામાં આવ્યા હતા.

ઘામાં રહેલા બૅક્ટેરિયાં માટે આ વાઇરસ યમદૂત સમાન હતા. આલ્ફ્રેડના ઘૂંટણ પરનો ઘા દસ દિવસમાં રૂઝાઈ ગયો હતો.

બીમારીઓ ફેલાવનારા બૅક્ટેરિયાં માટે હવે વાઇરસરૂપી સેના તૈયાર થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો