વિટામિન ડી : ભારતીય મહિલાઓમાં વિટામિન-ડીની ઊણપ કેમ હોય છે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

શું તમે જાણો છો?

  • ઉત્તર ભારતમાં રહેતી લગભગ 69 ટકા મહિલાઓમાં વિટામીન-ડીની ઊણપ છે.
  • લગભગ 26 ટકા મહિલાઓમાં વિટામીન-ડી સંતોષજનક પ્રમાણમાં છે.
  • માત્ર પાંચ ટકા મહિલાઓમાં જ પૂરતાં પ્રમાણમાં વિટામીન-ડી છે.
  • ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, સફદરજંગ હોસ્પિટલ તથા ફોર્ટિસ હૉસ્પિટલના તબીબોએ મળીને આ શોધ કરી છે.
  • રિપોર્ટનાં તારણ ચોંકાવનારા છે.

આમ તો વિટામિન-ડીનો સીધો સંબંધ સૂર્યપ્રકાશ સાથે છે. સૂર્યની કિરણોમાંથી મળતું આ વિટામિન માત્ર હાડકાંઓ માટે જ નહીં, પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ભારતની મહિલાઓ મોટાભાગે ઘરકામમાં વ્યસ્ત રહેતી હોવાને કારણે સૂર્યની કિરણોનાં સંસર્ગમાં ઓછી આવે છે.

આ માટે ભારતીય મહિલાઓનો પોષાક પણ કારણભૂત છે. ભારતીય મહિલાઓ મોટાભાગે સાડી અથવા તો સૂટ પહેરે છે. જેનાં કારણે તેમનાં શરીરનું દરેક અંગ ઢંકાયેલું રહે છે.

આને કારણે પણ શરીર અને સૂર્યપ્રકાશનો સંપર્ક નહીં થવાથી વિટામિન-ડીની ઊણપ ઊભી થાય છે.

ત્રીજું કારણ છે મહિલાઓમાં હોર્મૉનલ પરિવર્તન. મોનોપોઝ પછી તથા ધાત્રી માતાંઓમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે.

પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા, આર. વેંકટરમણ તથા પ્રણવ મુખરજીના ફિઝિશિયન રહી ચૂકેલા ડૉ. મોહસીન વલીના કહેવા પ્રમાણે, વિટામિન-ડીની ઊણપનું ચોથું કારણ પણ છે.

તેમના કહેવા પ્રમાણે, "મોટાભાગના લોકોને લાગે છે કે માત્ર સૂર્યપ્રકાશ નહીં મળવાથી વિટામિન-ડીની ઊણપ ઊભી થાય છે. પરંતુ એ એકમાત્ર કારણ નથી."

"ખોરાકમાં રિફાઇન્ડ તેલના ઉપયોગથી પણ વિટામિન-ડીની ઊણપ ઊભી થાય છે. રિફાઇન્ડ તેલના કારણે શરીરમાં કોલેસ્ટ્રૉલ મોલેક્યુલ (કણ)નું નિર્માણ ઘટી જાય છે."

"શરીરમાં વિટામિન-ડીનું નિર્માણ કરવામાં કોલસ્ટ્રૉલ મોલેક્યુલનું મોટું પ્રદાન હોય છે. આથી શરીરમાં વિટામિન-ડી બનવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય છે."

શું ભોજનમાં રિફાઇન્ડ તેલનો ઉપયોગ સદંતરપણે બંધ કરી દેવો જોઈએ?

તેના જવાબમાં ડૉ. વલી કહે છે, "ચોક્કસપણે પ્રયાસ કરવો જોઈએ. જો તત્કાળ એમ કરવું શક્ય ન હોય તો ધીમે-ધીમે સરસવના તેલ તથા ઘીનો વપરાશ વધારવો જોઈએ."

"રિફાઇન્ડ તેલમાં ટ્રાન્સ ફેટ સારા એવા પ્રમાણમાં હોય છે. જેનાં કારણે શરીરમાં સારા કોલેસ્ટ્રૉલની ઉપર નકારાત્મક અસર થાય છે, જ્યારે ખરાબ કોલેસ્ટ્રૉલ વધે છે. આને કારણે અન્ય બીમારીઓ પણ વધે છે."

વિટામિન ડીનું યોગ્ય પ્રમાણ

લોહીમાં વિટામિન-ડીની ટકાવારી 75 નેનો ગ્રામ હોય તો તેને યોગ્ય પ્રમાણ માનવામાં આવે છે.

જ્યારે લોહીમાં વિટામિન-ડીનું પ્રમાણ 50થી 75 નેનો ગ્રામની વચ્ચે હોય ત્યારે વ્યક્તિમાં વિટામિન-ડી અપૂરતાં પ્રમાણમાં છે એવું માનવામાં આવે છે.

તબીબોના કહેવા પ્રમાણે, જો લોહીમાં વિટામિન-ડીનું પ્રમાણ 50 નેનો ગ્રામથી પણ ઓછું હોય તો જેતે વ્યક્તિમાં વિટામિન-ડીની ઊણપ છે, એમ કહી શકાય.

ડૉ. વલીના કહેવા પ્રમાણે, ભારત સરકારે વિટામિન-ડીની ઊણપને 'મોટી બીમારી' જાહેર કરવી જોઈએ, કારણ કે 95 ટકા મહિલાઓ તેનાથી પીડિત છે.

તેઓ ઉમેરે છે કે પુરુષોમાં પણ આ બીમારી જોવા મળે છે, પરંતુ મહિલાઓ સરખામણીમાં તેનું પ્રમાણ ઓછું છે.

મોટાભાગના ભારતીયોમાં વિટામિન-ડીનું પ્રમાણ 5થી 20 નેનોગ્રામની વચ્ચે હોય છે.

વિટામિન-ડીની ઊણપના લક્ષણ

વગર કારણે થાક, સાંધાઓમાં દુખાવો, પગ પર સોજા, લાંબા સમય સુધી ઊભા રહેવામાં મુશ્કેલી, નબળા સ્નાયુઓ એ વિટામિન-ડીની ઊણપના મુખ્ય લક્ષણો છે.

લોકો આ પ્રકારના લક્ષણને ખાસ ગંભીરતાથી નથી લેતા. જેના કારણે વધુ નુકસાન થાય છે.

વિટામિન-ડીની ઊણપ ધીમે ધીમે શરીરના દરેક અંગને નબળાં પાડી દે છે. આથી વૃદ્ધાવસ્થામાં હાડકા, સ્નાયુ તથા સાંધામાં વધુ દર્દ થાય છે.

વિટામિન-ડીની ઊણપથી થતું નુકસાન

તબીબોના કહેવા પ્રમાણે, વિટામિન-ડીની ઊણપથી પ્રત્યક્ષ રીતે કોઈ નુકસાન નથી થતું, પરંતુ જો શરીરમાં તેનો અભાવ હોય તો કૅલ્શિયમ ગ્રહણ કરવાની ક્ષમતા ઘટી જાય છે અને ફ્રૅકચર થવાનું જોખમ વધી જાય છે.

ભારતમાં થેયલાં સંશોધનોમાં માલૂમ પડ્યું છે કે જે મહિલાઓમાં વિટામિન-ડીની ઊણપને કારણે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

આ માટે ઉત્તર ભારતની 20 થી 60 વર્ષ વચ્ચેની 800 મહિલાઓની ઉપર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંશોધનની વાત કરીએ તો બ્રિટનમાં આ દિશમાં અનેક સંશોધનો થયા છે. બ્રિટનમાં 'ન્યૂરૉલૉજી'માં છપાયેલા સંશોધન પ્રમાણે, વિટામિન-ડીની ઊણપને કારણે ગાંડપણનું જોખમ વધી જાય છે.

65 વર્ષથી વધુ ઉંમરના 1,650 વૃદ્ધોના અભ્યાસ બાદ આ તારણ પ્રાપ્ત થયું હતું. આવું જ એક સંશોધન યુનિવર્સિટી ઑફ અકેસ્ટર મેડિકલ સ્કૂલમાં થયું છે.

ત્યાં ડેવિડ લેવેલિનના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય ટીમે આશરે છ વર્ષ સુધી દીર્ઘાયુઓ પર સંશોધન કર્યું.

સંશોધનના અંતે જોવા મળ્યું કે 1,169 લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ સારું હતું અને એ પૈકી 10માંથી એક વ્યક્તિમાં માનસિક બીમારી થવાની શક્યતા હતી.

આ 70 વ્યક્તિઓમાં વિટામિન-ડીનું નીચું સ્તર હતું, આ 70 વ્યક્તિઓમાં દર પાંચમાંથી એક વ્યક્તિને માનસિક બીમારીનો ખતરો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.

વિટામિન ડીની ઊણપ કેવી રીતે દૂર કરી શકાય

એમ્સના ઑર્થોપેડિક વિભાગના ડૉક્ટર સી એસ યાદવના જણાવ્યા પ્રમાણે, "ખોરાકની મદદથી વિટામિન-ડી ની કમી દૂર કરવી મુશ્કેલ છે.

"ઈંડાના પીળા ભાગમાંથી અને કેટલીક માછલીઓમાંથી વિટામિન-ડી મળતું હોય છે.

"એટલે વિટામિન-ડીની ઊણપને દૂર કરવા માટેનો અન્ય ઉકેલ તડકો છે. તડકામાં ઓછાં કપડાં પહેરીને ફરવાથી વિટામિન-ડી મળે છે અને વિટામિન-ડીની દવાઓ લેવી એ ઊણપ દૂર કરી શકાય છે."

ઓછા કપડાંનો વિટામિન-ડી સાથે શું સંબંધ છે?

આ સવાલના જવાબમાં ડૉ. યાદવ કહે છે, "જો લોકો આખી બાંયના કપડાં પહેરીને તડકામાં ચાલે તો બહું ઓછાં પ્રમાણમાં વિટામિન-ડી મળશે.

"કારણકે આખા શરીરમાંથી ખાલી મોઢાંનો ભાગ જ ખુલ્લો હોય છે. શરીરનો જેટલો વધારે ભાગ તડકાના સંપર્કમાં હોય એટલું વધારે વિટામિન-ડી એકસાથે મળે."

એવામાં એક એવો પ્રશ્ન ઊભો થાય છે કે સામાન્ય રીતે કેટલા કલાક સુધી તડકામાં ઊભું રહેવું ફાયદાકારક છે?

એમ તો એનો કોઈ નિશ્ચિત નિયમ નથી પણ ડૉક્ટર કહે છે કે એક કલાક રોજ તડકામાં ઊભા રહેવાથી વિટામિન-ડીની ઊણપથી બચી શકાય છે.

જોકે સવારનો અને સાંજનો તડકો સારો ગણવામાં આવે છે, પણ ડૉ. યાદવ કહે છે કે કોઈ પણ સમયે તડકામાં બહાર નીકળવાથી ફાયદો થાય છે.

વિટામિન-ડીની ઊણપનો સામનો કરવામાં દવાઓ ઘણી મદદરૂપ થાય છે. આઠ અઠવાડિયા સુધી જો દરેક અઠવાડિયે એક ટૅબ્લેટ લેવામાં આવે તો તે ફાયદાકારક છે.

સામાન્ય રીતે એક અઠવાડિયામાં 60 હજાર યુનિટની વિટામિન-ડી સપ્લિમૅન્ટથી લેવાની જરૂર પડે છે.

જોકે ભારતની ભૌગોલિક સ્થિતિ એવી છે કે જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન સારો તડકો હોય છે, એમ છતાં જો ભારતમાં વિટામિન-ડીની ઊણપની સમસ્યા વધી રહી હોય તો એ ગંભીર બાબત છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો