ભારતના આ સ્થળોએ દુષ્કર્મ થવાના ડરથી મહિલાઓ ઓછું પાણી પીવે છે

    • લેેખક, પૂજા છાબરિયા
    • પદ, બીબીસી 100 વુમન

સૂર્ય બરાબર માથે ચઢી ચૂક્યો છે અને તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી ચૂક્યો છે. ભારતની રાજધાની દિલ્હીની એક ચાલીમાં રહેતી મોના કહે છે કે અમે વધુ પાણી પીવાનું ટાળીએ છીએ.

તેઓ ઉમેરે છે, "ક્યારેક હું ઓછું પાણી પીવું છું, કારણ કે અમે જ્યાં ખુલ્લામાં જાજરૂ માટે જઈએ છીએ, ત્યાં પુરુષો હોય છે. મને ત્યાં જવાનો ડર લાગે છે."

તે પોતાની 13 વર્ષની દીકરીને પણ ઓછું ખવડાવે છે, જેથી દિવસમાં એક વખત જ તે જગ્યાએ જવું પડે.

તેઓ અહીં કાં તો વહેલી સવારે અથવા તો બપોરે જ જાય છીએ અને એ પણ બીજી મહિલાઓની સાથે.

મહિલાઓ સાથે જાતીય હિંસા

સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે, લગભગ પાંચ કરોડ ભારતીય લોકોના ઘરે શૌચાલયની વ્યવસ્થા નથી અને તેમને ખુલ્લામાં જાજરૂ જવું પડે છે.

પરંતુ મહિલાઓના કિસ્સામાં આ પરિસ્થિતિને કારણે દુષ્કર્મ અને જાતીય હિંસાની શક્યતા વધી જાય છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ થોમસન રૉઇટર્સ ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ ભારત મહિલાઓ માટે 'સૌથી ખતરનાક દેશ' હોવાનું જાણવા મળ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

અનેક અભ્યાસના તારણમાં એવું બહાર આવ્યું છે કે જ્યારે મહિલાઓએ ખુલ્લામાં શૌચાલય માટે જવું પડે છે, ત્યારે તેઓ જાતીય હિંસાનો ભોગ બને છે.

દિલ્હીની એક ચાલીમાં રહેતા સવિતાને પણ દરરોજ આવી પરિસ્થિતિમાંથી પસાર થવાનો વારો આવે છે.

સવિતા કહે છે, "જ્યારે મહિલાઓ આવી ખુલ્લી જગ્યામાં જાજરૂ માટે જાય છે, ત્યારે પુરુષો તેમની પર ખરાબ નજર અને બીભત્સ ટિપ્પણીઓ કરે છે.

"એટલા માટે અમે એકલા જતાં ડરીએ છીએ. અમે જ્યારે પણ જાજરૂ જઈએ, ત્યારે બીજી મહિલાઓ સાથે જ જઈએ છીએ."

ઓછું પાણી

જ્યારે આ મહિલાઓને સ્વાસ્થ્ય અને સુરક્ષા બન્નેમાંથી કોઈ એક બાબત પસંદ કરી પડે છે ત્યારે શું થાય?

અમેરિકા સ્થિત રાન્ડ કૉર્પોરેશન (RAND)માં રિસર્ચ કરતા ગુલરેઝ શાહ અઝહર જણાવે છે, "હિટ વેવ હોવા છતાં તેઓ જાણી જોઈને ઓછું પાણી પીવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે."

વર્ષ 2010માં જ્યારે અમદાવાદની હિટવેવ પર સંશોધન કરતી વખતે ગુલરેઝને જાણવા મળ્યું કે આ સમયગાળામાં પુરુષોની સરખામણીએ મહિલાઓના મૃત્યુ વધારે થાય છે.

આગ ઝરતી ગરમી

મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતના માખલા ગામમાં ઉનાળામાં તાપમાનનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

અહીં રહેતાં ભૂની સેલુકરેને બીજી મહિલાઓ સાથે માથા પર પાણીના ઘડાં લઈને દૂર સુધી પાણી ભરવા જવું પડે છે.

ભૂની કહે છે, "પાણી માટે અમારે બેથી ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે. અમારે એક વાસણ ભરવા માટે આવું ઘણીવાર કરવું પડે છે.

"જ્યારે અમે પાણી ભરીને ઘરે પહોંચીએ છીએ, ત્યારે ખૂબ જ થાકી જઈએ છીએ."

અમદાવાદમાં માટાભાગે મહિલાઓ ઘરકામમાં વ્યસ્ત હોય છે અને એવામાં તેઓ પોતાના સ્વાસ્થ્યને મહત્ત્વ ઓછું આપે છે.

દામિની રમેશભાઈ મારવાડી પણ આવાં મહિલાઓમાંથી જ એક છે.

તેઓ કહે છે, "શૌચાલયનો ઉપયોગ કરવો થોડો મુશ્કેલ છે. પુરુષોની દૈનિક ક્રિયા પત્યા બાદ અમારો વારો આવે છે."

ઘરકામને પ્રાથમિકતા

દામિનીનાં કહેવા અનુસાર, મહિલાઓએ પોતાની જરૂરિયાત પૂરી કરતાં પહેલાં ઘરેલું કામ પતાવવાનુ હોય છે.

ગુલરેઝ કહે છે સમાજમાં મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધે મૌન જાળવી રાખવાની સ્થિતિ પ્રવર્તે છે, જે ગંભીર પરિણામો નોતરે છે.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન બાબત પર કામ કરતી સમિતિનું કહેવું છે કે દક્ષિણ એશિયાના દેશ જેવા કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, ભૂટાન, નેપાલ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં હિટવેવનું જોર વધી રહ્યું છે.

ગુલરેઝ અનુસાર હિટવેવ સંદર્ભે સ્થાનિક વાતાવરણમાં રહીને પણ અનુકૂળ ઉકેલ લાવવો મહત્ત્વપૂર્ણ છે, સાથે જ ઘરમાં જ શૌચાલય અને સાફ પાણીની વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો