કરાચી : ભારતમાં બાળકોની ચોરીની અફવાનું પાકિસ્તાની કનેક્શન

    • લેેખક, સિકંદર કિરમાની
    • પદ, બીબીસી સંવાદદાતા, કરાચી(પાકિસ્તાન)થી

ભારતના અલગ-અલગ પ્રદેશોમાં બાળકોની ચોરીની અફવાને કારણે છેલ્લા કેટલાક મહિનામાં ઘણા લોકોની દર્દનાક હત્યા થઈ છે.

તેમાં સૌથી તાજી અને પીડાદાયક ઘટના બેંગલોરની છે, જ્યાં 25 વર્ષના કાલુરામને બાંધીને લોકોના ટોળાએ એટલો માર માર્યો હતો કે કાલુરામનું મૃત્યુ થયું હતું.

ટોળામાં સામેલ લોકોને શંકા હતી કે કાલુરામ બાળકોને ચોરતી ટોળકી માટે કામ કરતો હતો.

કાલુરામની હત્યા બાબતે બેંગ્લુરુ પોલીસે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું.

એ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું, "લોકો એક બનાવટી વ્હૉટ્સઍપ વીડિયોને કારણે રોષે ભરાયેલા હતા.

"એ વીડિયોમાં બાઇક પર સવાર થયેલા બે પુરુષો એક બાળકને ઉઠાવી જતા જોવા મળે છે. એ વીડિયોને કારણે આ વિસ્તારના લોકોમાં જોરદાર રોષ હતો."

હવે જાણવા મળ્યું છે કે ભારતમાં વાઇરલ થયેલો એ વીડિયો વાસ્તવમાં પાકિસ્તાનના કરાચી શહેરનો છે.

શા માટે બનાવવામાં આવ્યો હતો વીડિયો?

આ વીડિયોને ધ્યાનપૂર્વક નિહાળીએ તો સમજાય છે કે તે બાળકોની ઉઠાંતરીનો નહીં, પણ બાળકોના રક્ષણને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર કરવામાં આવેલી એક સામાજિક ઝુંબેશનો વીડિયો છે.

એ વીડિયોનો છેલ્લો હિસ્સો હટાવીને તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યો હતો.

વીડિયોના છેલ્લા હિસ્સામાં એવો સંદેશો આપવામાં આવ્યો હતો કે કરાચીમાં ઘરની બહાર રમતાં બાળકોને ઉઠાવી જવાનું આસાન છે. તેથી બાળકોનું બરાબર ધ્યાન રાખો.

શું કહે છે વીડિયો બનાવનાર કંપની?

એ વીડિયો કરાચી ઍડ્વર્ટઝિંગ નામની એક કંપનીએ બનાવ્યો હતો. ભારતમાં એ વીડિયોના ખોટા ઉપયોગને કારણે વીડિયોના નિર્માતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

કંપની સાથે જોડાયેલા અસરાર આલમ કહે છે, "આ સમાચાર ખળભળાવી મૂકે તેવા છે. એ વિશે વાત કરતા મને જે અનુભૂતિ થાય છે, તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી.

"જે વ્યક્તિએ દુષ્ટ હેતુસર અમારા વીડિયોનો ઉપયોગ કર્યો છે, તેનો ચહેરો હું જોવા ઇચ્છું છું."

અસરાર આલમના જણાવ્યા મુજબ, તેઓ આ વીડિયો મારફત લોકોમાં જાગૃતિ ફેલાવવા ઇચ્છતા હતા.

'જાગૃતિ માટેના વીડિયોનો દુરુપયોગ'

અસરાર આલમના સાથી મોહમ્મદ અલી કહે છે, "અમે સમાજને જાગૃત કરવા માટે વીડિયો બનાવ્યો હતો, પણ લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે.

"લોકો મરી રહ્યા છે. એ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. ભારતમાં બનેલી ઘટનાઓએ અમારા પ્રયાસને નિષ્ફળ બનાવ્યા છે."

ભારતમાં આવા અન્ય બનાવટી વીડિયો પણ સર્ક્યુલેટ કરવામાં આવ્યા છે. તેને લીધે ફેલાયેલી અફવાને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં આઠ લોકોને ટોળાએ ઢોરમાર મારતાં તેમનાં મૃત્યુ થયાં હતાં.

આવા વીડિયોની લોકો પર થાય છે કેવી અસર?

જેન જોનસન

બીબીસી સંવાદદાતા, બેંગ્લુરુથી.

સોશિયલ મીડિયા પર જોવા મળતા આવા વીડિયોને લોકો કેટલા સાચા ગણે છે અને વીડિયો નિહાળ્યા પછી તેમનો પ્રતિભાવ કેવો હોય છે એ સમજવા માટે બીબીસીની એક ટીમ બેંગ્લુરુ પહોંચી હતી.

આઈટી સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓનું કેન્દ્ર બની ગયેલા બેંગ્લુરુને આધુનિક અને વૈવિધ્યસભર શહેર ગણવામાં આવે છે.

જોકે, એક બનાવટી વીડિયોને કારણે લોકોના ટોળાએ કાલુરામને રસ્તા પર ઘસડીને ઢોરમાર માર્યો હતો. પરિણામે હોસ્પિટલે પહોંચતાં પહેલાં જ કાલુરામનું મૃત્યુ થયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, કાલુરામ રોજગારની શોધમાં બેંગ્લુરુ આવ્યા હતા.

બીબીસી સાથેની વાતચીતમાં કેટલાક સ્થાનિકોએ જણાવ્યું હતું કે આવા બનાવટી વીડિયોને કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાય છે.

આવો વીડિયો સાચો છે કે ખોટો તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો, પણ વીડિયો નિહાળીને તેઓ અજાણ્યા લોકોને શંકાભરી નજરે જોવા લાગે છે.

કેટલાક લોકોએ જણાવ્યું હતું કે વ્હૉટ્સઍપ વીડિયોમાં એક મેસેજ લખવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, બાળકોને ઉઠાવી જવા માટે બેંગ્લુરુમાં અંદાજે 200 લોકો ઘૂસ્યા છે.

અફવા અને હિંસાના સમાચાર

આ વીડિયો સંબંધી સમાચારોમાં સ્થાનિક મીડિયાએ દાવો કર્યો હતો કે 5,000થી વધુ બાળકો આ ચોરટોળકીના નિશાન પર છે.

સાવધ રહેવાની ચેતવણી પણ બાળકોનાં પેરન્ટ્સને આપવામાં આવી હતી. તેના પરિણામે પરિસ્થિતિ વધુ નાજુક થઈ ગઈ હતી.

ગુજરાતના સુરત અને તામિલનાડુમાં બાળકોની ઉઠાંતરીની અફવાની પગલે હિંસા થયાના સમાચાર પણ ગત કેટલાક દિવસોમાં આવ્યા હતા.

બેંગ્લુરુના પોલીસ કમિશનર ટી. સુનીલકુમારે બીબીસીને જણાવ્યું હતું કે પોલીસ આવી અફવાને રોકવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે.

તેમણે કહ્યું હતું, "બનાવટી વીડિયો વિશે અમે સોશિયલ મીડિયા મારફત માહિતી આપીએ છીએ. પોલીસ ઘણા વિસ્તારોમાં જઈને લોકોને જાગૃત કરવાનું કામ પણ કરી રહી છે.

"આવા સમાચાર દેખાડતી વખતે મીડિયાએ પણ તેની ખરાઈ જરૂર કરવી જોઈએ, એવી અમારી સલાહ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો