ગ્રાઉન્ડ રિપોર્ટ: ગુજરાતમાં બાળક ચોરીની અફવાથી ત્રણ સ્થળોએ હુમલા, એકનું મોત

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક અફવાને કારણે આખુંય ગુજરાત રમણે ચડ્યું છે. રાજ્યમાં બાળક ચોર ટોળકી ફરતી હોવાના સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક મેસેજને કારણે મંગળવારે એક જ દિવસમાં સુરત, વડોદરા અને અમદાવાદમાં ગરીબ, ભિખારી અને શંકાસ્પદ લાગતાં લોકો પર ટોળાંએ હુમલા કર્યા. અમદાવાદમાં આવી ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું.

ગુજરાતના અલગઅલગ શહેરોમાં ભીખ માગનાર અને શંકાસ્પદ દેખાતા લોકો પર ટોળાં હુમલો કરી રહ્યાં છે.

તાજેતરમાં દેવભૂમી દ્વારકા જિલ્લાના ઓખામાં પણ બે ભિખારીઓ પર આવી અફવાને કારણે શંકા રાખીને ટોળાએ હુમલો કર્યો હતો.

મંગળવારે અમદાવાદના વાડજ વિસ્તારમાં ભીખ માગી રહેલી મહીલાઓને બાળકચોર સમજીને ટોળાએ માર મારતા એક મહિલાનું મોત નીપજ્યું છે અને ત્રણને ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું છે.

અમદાવાદમાં મંગળવારે સાંજે ભીખ માગવા નીકળેલી નવનાથ જાતિની ચાર મહિલાઓ વાડજ વિસ્તારમાંથી પસાર થતી હતી, ત્યાં ટોળાએ આ ચારેય મહીલાઓને બાળક ચોર સમજીને માર મારવાનું શરૂ કર્યું.

ડરી ગયેલી આ મહિલાઓ રીક્ષામાં બેસીને ભાગવા જતી હતી ત્યારે એકઠાં થયેલા ટોળાએ રીક્ષા તોડી એમાંથી મહિલાઓને બહાર કાઢીને તેમને ઢોર માર માર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ ઘટનાસ્થળે પોલીસના બે જવાનો અને પીસીઆર વાન આવી જતાં તરત જ ચારેય મહીલાઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.

આ ઘટનામાં શાંતિબેન મારવાડીનું મોત થયું છે, જ્યારે ત્રણ મહીલાઓની સારવાર ચાલી રહી છે.

કોણ છે મહિલાઓ?

વાડજના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. રાઠવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "મૂળ રાજસ્થાનના રહેવાસી નવનાથ એટલે ગોસ્વામી જ્ઞાતિની આ ચાર મહિલાઓ ભિક્ષા માગી વર્ષોથી ગુજરાન ચલાવે છે."

"આ મહિલાઓ આવી જ રીતે ભીખ માગવાં આવે છે. વાડજ વિસ્તારમાં આજે તે ભીખ માગવાં આવી હતી. એ સમયે ટોળાએ તેને બાળક ચોર સમજીને ઢોર માર માર્યો છે."

"પરંતુ પોલીસની પી.સી.આર. વાન સમયસર પહોંચી જતા આ ચારેય મહીલાઓને તત્કાળ સિવિલ લઈ જઈને સારવાર અપાવવામાં આવી છે. જેમાં એક મહિલાનું ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું મૃત્યુ થયું છે. હાલમાં ત્રણ મહિલાઓ સારવાર હેઠળ છે."

મા પર બાળક ચોર સમજી કર્યો હુમલો

રાઠવા આગળ જણાવે છે કે પોલીસે આ અંગે અજાણ્યા શખ્સો સામે રાયોટિંગનો ગૂનો નોંધી તપાસ શરૂ કરી છે. અહીંના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોએ ઊતારેલા વીડિયોના આધારે અમે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

રાઠવાએ કહ્યું, "બાળકોને ઉઠાવી જવાની અફવા સોશિયલ મીડિયાના કારણે એટલી બધી પ્રસરી ગઈ છે કે, ગુજરાતમાં ઠેર-ઠેર લોકોને શંકાસ્પદ લાગે તે લોકોને બાળક ચોર સમજી માર મારવાનું શરૂ કરી દીધું છે."

"સુરતમાં વરાછા રોડ પર સગી મા પોતાની દીકરીને લઈને જઈ રહી હતી તો તેના પર પણ ટોળાએ હુમલો કર્યો હતો અને માર માર્યો હતો."

"જ્યારે પોલીસને આ અંગે ખબર પડી ત્યારે તેમણે આ મહિલાને બચાવી લીધી. ત્યારબાદ જાણ થઈ કે, આ તો ખરેખર બાળકની સગી માતા હતી."

"બીજી તરફ વડોદરામાં ભીખ માગવા આવેલાં મનીષા અને સંગીતા નામની મહારાષ્ટ્રની મહિલાઓને પણ લોકોએ બાળક ચોર સમજી ઢોર માર માર્યો હતો, પરંતુ પોલીસ આવી પહોંચતા તેમને બચાવી લેવાયાં હતાં."

"જામનગર પાસેના એક ગામમાંથી આવેલ એક યુવકને પણ બાળક ચોર સમજીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારે પણ પોલીસે સમયસર પહોંચીને તેમને બચાવીને તેમના ગામ પરત મોકલી આપ્યો હતો."

ગુજરાતમાં મહિલા ગેંગ?

છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં એક મહિલાના અવાજમાં, 'બાળક ચોર મહિલા ગેંગ' ગુજરાતમાં ઊતરી હોવાનો મેસેજ વાઇરલ થવાના કારણે આ પ્રકારના બનાવો બની રહ્યા છે.

આવા બનાવો માટે જવાબદાર ટોળાંની માનસિકતા વિશે વાત કરતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પ્રશાંત ભિમાણી કહે છે, "આવા વાઇરલ મેસેજીસના કારણે લોકોમાં કાલ્પનિક ભય ફેલાય છે. જેના કારણે આવી કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય એટલે કાલ્પનિક ભયથી ગ્રસ્ત લોકોનું એક ટોળું બને છે અને એ ટોળાને બીજો કોઈ વિચાર હોતો નથી અને આક્રમકતાથી તે એ શંકાસ્પદ વ્યક્તિ પર તૂટી પડે છે."

"આવા ટોળામાં રહેલા મોટાભાગના લોકો ખાસ ભણેલા હોતા નથી એટલે ઝડપથી આક્રમક થઈ જાય છે. તો કેટલાક લોકો પોતાનો ગુસ્સો આવા ટોળામાં જોડાઈને ઠાલવે છે."

"ઓછું ભણેલા લોકો સોશિયલ મીડિયામાં આવતી ઉત્તેજક તસવીરો કે વીડિયો જોઈને અથવા ઓડિયો સાંભળીને કાલ્પનિક ભયનો ભોગ બને છે."

"આવા લોકો સાઇકૉલૉજિકલ ઇમ્પ્રેશનેબલ પર્સનાલિટી ધરાવતા હોય છે. જે આવી વાતોથી ભરમાઈને હિંસા કરવા લાગે છે. એટલે ગુજરાતમાં ફેલાયેલા આ વાઇરલ મેસેજથી લોકો કાયદો હાથમાં લઈ શકે છે."

ગુજરાત પોલીસ પરેશાન

બીજી તરફ વાઇરલ થયેલા મેસેજથી પોલીસ પણ પરેશાનીમાં મૂકાઈ ગઈ છે. ગુજરાતમાં દ્વારકાથી શરૂ થયેલો આ સિલસિલો નહીં અટકતા હવે પોલીસે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે.

અમદાવાદની આ ઘટના બાદ શહેરના અધિક પોલીસ કમિશનરે જાહેર કરેલી આ માર્ગદર્શિકા મુજબ લાગણી ભડકાવનારા મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કરનારા સામે આઈપીસીની કલમ હેઠળ એફ.આઈ.આર કરી કડક પગલાં ભરવામાં આવશે તેવી સૂચના આપી છે અને લોકોને અફવાથી દૂર રહેવાની અપીલ કરી છે.

એટલું જ નહીં બાળકોને એકલા ન મૂકવા અને માર્કેટ કે ભીડવાળા સ્થળે જતાં એમની કાળજી રાખવી, રમવા ગયેલાં બાળકોને ઘરથી દૂર ન જાય એનું ધ્યાન રાખવા ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો મારઝૂડ કરવાને બદલે સીધી પોલીસને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો