મને દુ:ખ છે કે મોદીએ લગ્ન કર્યાં છે તો પણ લોકો આવાં નિવેદનો કરે છે: જશોદાબહેન

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'અપરિણીત' છે. તેમના આ નિવેદનને જશોદાબહેને વખોડી કાઢ્યું છે.

જશોદાબહેન અને તેમના પરિવારજનોના કહેવા પ્રમાણે રાજકારણ કરવા માટે આ 'જુઠ્ઠાણું' ફેલાવવામાં આવી રહ્યું છે.

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ઔપચારિક રીતે સ્વીકાર્યુ હતું કે તેઓ 'પરિણીત' છે.

આ પહેલાં મોદી ચૂંટણીના ઉમેદવારી પત્રકમાં આ વૈવાહિક સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવાનું ટાળતા હતા.

સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ અન્ય રાજનેતાઓની જેમ મોદીએ પણ તેમના વૈવાહિક દરજ્જા અંગે ખુલાસો કરવો પડ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

જશોદાબહેન અને પરિવારે આપી પ્રતિક્રિયા

જશોદાબહેનના ભાઈ અશોક મોદીએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું હતું, "લોકોએ રાજકારણ કરવા માટે જશોદાબહેન અને નરેન્દ્રભાઈ વિશે આવું જુઠ્ઠાણું ન ફેલાવવું જોઈએ."

જશોદાબહેને બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "આનંદીબહેન એક મહિલા હોવા છતાંય આવું નિવેદન કરે છે એટલે મારે સ્પષ્ટતા કરવી પડી છે. મને એ વાતનું દુ:ખ છે કે મોદીએ લગ્ન કર્યાં છે તો પણ આ લોકો આવાં નિવેદનો કરે છે."

"આ વાત જગજાહેર છે કે નરેન્દ્ર મોદીએ લગ્ન કર્યાં છે, પણ આ લોકો આવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે."

શું કહ્યું હતું આનંદીબહેને?

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેને મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના તિમારી ગામ ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં મહિલાઓને સંબોધિત કરતી વખતે એક નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું, "આપ જાણો છો કે નરેન્દ્રભાઈએ લગ્ન નથી કર્યાં. અવિવાહિત હોવા છતાંય તેઓ જાણે છે કે બાળકના જન્મ પહેલાં અને પછી મહિલાઓને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે."

મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલનું આ નિવેદન ભાજપના કાર્યકરો તથા મોદીનાં સમર્થકોને અસહજ કરી ગયું, કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક ભરતી વખતે 'પરિણીત' હોવાનું સ્વીકાર્યું હતું.

મોદી પરિણીત કે અપરિણીત?

નરેન્દ્ર મોદીએ ભાજપ અને એ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કાર્યકરથી લઈને પક્ષના મહાસચિવ સુધી અલગઅલગ પદ કામ કર્યું હતું.

આ દરમિયાન તેમણે 'પરિણીત કે અપરિણીત' એ વાતનો ખુલાસો કરવાની જરૂર પડી ન હતી. નજીકનાં બહુ થોડાં લોકો મોદીની લગ્નસ્થિતિથી વાકેફ હતા, અન્યોને એમ જ હતું કે મોદી 'અપરિણીત' છે.

ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શાસનની ધૂરા સંભાળી.

નિયમ પ્રમાણે, એપ્રિલ-2002 સુધીમાં તેમણે વિધાનસભાની ચૂંટણી જીતવાની હતી, ત્યારે ઔપચારિક રીતે સ્પષ્ટતા કરવાની પ્રથમ વખત જરૂરી ઊભી થઈ.

12 વર્ષ સુધી ટાળ્યું

કાયદાકીય જરૂરિયાને પૂર્ણ કરવા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ રાજકોટ-2ની બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી.

પરંપરાગત રીતે ભાજપના દિગ્ગજ નેતા (અને હાલમાં કર્ણાટકના રાજ્યપાલ) વજુભાઈ વાળા આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.

મોદી માટે વાળાએ પોતાની 'સલામત' ગણાતી બેઠક ખાલી કરી આપી હતી.

એ સમયે ચૂંટણી પંચને એફિડેવિટ આપતી વખતે પ્રથમ વખત મોદીએ તેમના વૈવાહિક દરજ્જા અંગે 'ઔપચારિક રીતે' કશું કહેવાની જરૂર ઊભી થઈ હતી.

જોકે, તત્કાલીન કાયદાકીય છૂટનો ઉપયોગ કરીને જીવનસાથીની સંપત્તિની કોલમમાં 'લાગુ પડતું નથી' જણાવ્યું.

એ પછી ડિસેમ્બર 2002, ડિસેમ્બર 2007 તથા ડિસેમ્બર 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મોદી ખુદના વૈવાહિક દરજ્જા અંગે 'ઔપચારિક' રીતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

2014માં પ્રથમ વખત ખુલાસો

ગત લોકસભા ચૂંટણી દરમિયાન મોદીએ ગુજરાતના વડોદરા તથા ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી ઉમેદવારી કરી હતી, જેમાં વડોદરાની બેઠક પરથી ઉમેદવારીપત્રક ભરતી વખતે મોદીએ 'ઔપચારિક રીતે' સ્વીકાર્યું હતું કે તેઓ 'પરિણીત' છે.

મોદીએ જીવનસાથીના નામ તરીકે જશોદાબહેનનું નામ જણાવ્યું હતું. જોકે, તેમના પાનકાર્ડ, આવક તથા સંપત્તિ અંગેની વિગતોમાં 'ખબર નથી' હોવાનું જાહેર કર્યું હતું.

એ સમયે આ મુદ્દે રાજકીય ચકચાર જાગી હતી. મોદીના બચાવમાં ભાજપ દ્વારા તેમના મોટાભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદીનું નિવદેન બહાર પાડ્યું હતું.

એ નિવેદનમાં સોમાભાઈએ જણાવ્યું હતું કે તેમની જ્ઞાતિ આર્થિક અને સામાજિક રીતે પછાત હતી, એટલે સામાજિક દૂષણને કારણે માત્ર 17 વર્ષની ઉંમરે તેમના 'બાળવિવાહ' કરાવવામાં આવ્યા હતા.

થોડા દિવસોમાં બંને અલગ થઈ ગયા હતા પરંતુ બંનેએ લગ્ન ફોક કર્યું ન હતું.

...એટલે સ્પષ્ટતા કરવી પડી

સપ્ટેમ્બર 2013માં દેશની સર્વોચ્ચ અદાલતે શકવર્તી ચુકાદો આપ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ઉમેદવાર ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે કોઈ કોલમ ખાલી નહીં રાખી શકે અને જો ખાલી રાખે તો રિટર્નિંગ ઓફિસર ઉમેદવારીપત્રકને રદ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે દરેક મતદારને તેના ઉમેદવાર સંબંધિત તમામ વિગતો જાણવાનો હક્ક છે.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. પંચે જણાવ્યું હતું કે જો ઉમેદવારને કોઈ વિગત અંગે જાણ ન હોય તો તે 'ના' કે 'લાગુ પડતું નથી' એમ જણાવી શકે છે, પરંતુ કોઈ કોલમ ખાલી નહીં છોડી શકે.

પંચે ઉમેર્યુ હતું કે જો રિટર્નિંગ ઓફિસર દ્વારા માહિતી માગવા છતાંય જરૂરી વિગતો આપવામાં ન આવે તો જેતે ઉમેદવારીપત્રક રદ કરવા પાત્ર ઠરશે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો 'પૂર્વવર્તી અસર'થી ચુકાદો ન આપ્યો હોવાથી અગાઉની ચૂંટણી એફિડેવિટ્સમાં આપેલી વિગતો અંગે કોઈ કાર્યવાહી થઈ ન હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો