You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણઃ વડાપ્રધાને શા માટે લીધી કબીરની સમાધિની મુલાકાત?
- લેેખક, પુરુષોત્તમ અગ્રવાલ
- પદ, વરિષ્ઠ લેખક, બીબીસી ગુજરાતી માટે
સંત કબીરે ગત 500 વર્ષોથી ભારતીય જનમાનસમાં અદ્વિતિય સ્થાન બનાવી રાખ્યું છે.
તેનું કારણ એ છે કે કબીર પ્રેમના પ્રસ્થાન વડે સમાજ સામે, વ્યક્તિ સામે અને ખુદ પોતાની સામે પણ સવાલ કરે છે.
સંત કબીરે કહેલું, 'પિંજર પ્રેમ પ્રકાસ્યા, અંતિર ભયા ઊજાસ, મુખ કસ્તૂરી મહમહી, બાની ફૂટી બાસ.'
કબીરની પ્રસિદ્ધ સામાજિક આલોચનાનું મૂળ તત્ત્વ એ જ છે કે ભગવાનની સામે જ નહીં, દૈનિક સામાજિક વ્યવહારમાં પણ બધાને સમાન દરજ્જો મળવો જોઈએ.
આ અર્થમાં કબીર આધુનિક લોકતાંત્રિક ચેતનાની ખરેખર બહુ નજીક હોય તેવા કવિ છે.
કબીરના વિચારોનું મહત્ત્વ
એ ઉપરાંત કબીર માણસની આંતરિક સમૃદ્ધિ, તેની આધ્યાત્મિક યાત્રાના કવિ પણ છે.
તેમની ચેતનામાં સામાજિક તથા આધ્યાત્મિક એકમેકનાં વિરોધી નહીં, પૂરક છેઃ 'ભીતર બાહર સબદ નિરંતર..'
તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી કબીર પ્રત્યે આદર પ્રગટ કરે અને કબીર અકાદમીનો શિલાન્યાસ કરે તેમજ સરકાર કબીરના વિચારોને મહત્ત્વ આપે એ આવકારદાયક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવાલ એ છે કે ઉત્તર પ્રદેશના મગહરમાં આવેલી કબીરની સમાધિની મુલાકાત લેવાના વડાપ્રધાનના નિર્ણયનો વાસ્તવિક હેતુ શું છે?
શું તમે આ વાંચ્યું?
શું કબીર જેવા સર્વમાન્ય સંતની જયંતિને પણ રાજકીય ભાષણબાજીના પ્રસંગમાં પલટી નાખવામાં આવે એ જરૂરી છે? એવો સવાલ પૂછવો પણ જરૂરી છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે કબીરની કવિતા તથા સંવેદના કરતાં તેમની પ્રતિકાત્મકતા તથા એ પ્રતિકાત્મકતાનો સમાજના વિવિધ વર્ગો માટે રાજકીય ઉપયોગની શક્યતા વધારે મહત્ત્વની છે એ દેખીતું છે.
ભાજપવિરોધીઓનો દુષ્પ્રચાર
ઉપરોક્ત સંદર્ભમાં કબીર જયંતિના દિવસે મગહરથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરવાનો નિર્ણય રાજકીય ચતુરાઈનું ઉત્તમ ઉદાહરણ છે.
ભાજપ આ ચતુરાઈનો કેટલો લાભ લઈ શકે છે તે જોવાનું દિલચસ્પ બની રહેશે.
જોકે, વાત માત્ર ચૂંટણીની જ નહીં, દેશના માહોલ અને મિજાજની પણ છે.
વડા પ્રધાને મગહરમાં કહ્યું હતું, "કેટલાક લોકો દેશમાં માહોલ ખરાબ હોવાનો ભ્રમ ફેલાવી રહ્યા છે."
માહોલ અને મિજાજના સંદર્ભમાં વડાપ્રધાનનું આ કથન પણ મહત્ત્વનું છે.
ખરેખર આવું છે? એ ભાજપવિરોધીઓનો દુષ્પ્રચાર જ છે? મોદીજીએ લોકોનાં ટોળા દ્વારા કરવામાં આવતી હત્યાઓ સંબંધે આકરાં પગલાં લીધાં હોત તો તેમની આ વાત પ્રમાણિક જણાઈ હોત.
બીજા કોઈ નહીં, પણ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ વિશે અભદ્ર વાતો કરી રહ્યા છે તેમને તેઓ ટ્વિટર પર ફોલો ન કરતા હોત.
સમાજમાં રોજેરોજ હિંસાને વધુને વધુ સ્વીકૃતિ મળી રહી છે. વડા પ્રધાન અને એમના પક્ષની ટીકા કરતા લોકોને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે.
કબીર પણ દેશદ્રોહી ગણાત
સરકારના નીતિગત નિર્ણયોની પ્રમાણિકતા સંદેહજનક છે. નોટબંધી પછી કેટલી પ્રતિબંધિત ચલણી નોટો રિઝર્વ બેન્કમાં પાછી આવી એ આપણે આજ સુધી જાણતા નથી.
પોતાની ખામી સ્વીકારવાની નૈતિક હિંમત દેખાડવાને બદલે ભાજપ સરકાર દરેક ખામી માટે 50 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા પ્રથમ વડા પ્રધાનને જવાબદાર ઠેરવી રહી છે.
ઇલેક્ટ્રોનિક મીડિયા સમાચાર આપવાને બદલે પ્રચારના માધ્યમમાં પરિવર્તિત થઈ ગયું છે. સરકાર અને મોટા લોકો સાથે જોડાયેલા સમાચારો ગાયબ થઈ જાય છે.
'બુદ્ધિજીવી' શબ્દ પણ તિરસ્કારયુક્ત ગાળમાં પરિવર્તિત થઈ ગયો છે. આર્થિકથી માંડીને વિદેશ નીતિ સુધીની દરેક બાબતમાં સંખ્યાબંધ સવાલ છે અને સવાલ પૂછનારને દેશદ્રોહી ગણવામાં આવે છે.
કબીર કોઈ પણ માન્યતા કે લોકવ્યવહારનું મૂલ્યાંકન વિવેકબુદ્ધિથી કરતા હતા. પંડિત હોય કે મૌલાના, કબીરની વિવેકબુદ્ધિની કસોટીમાંથી કોઈ બચ્યું ન હતું.
કબીર આજ હોત તો રાજકીય નેતાઓ, અધિકારીઓ, પ્રોફેસરો, બુદ્ધિજીવીઓ અને પત્રકારો તેમના વિવેકબુદ્ધિભર્યા સવાલોથી બચી શક્યા ન હોત.
એ પરિસ્થિતિમાં કેટલાક લોકોએ કબીરને પણ દેશદ્રોહી ગણ્યા હોત.
કબીરની સલાહ
કબીરના સમયમાં ટેલિવિઝન પણ ન હતું કે વોટ્સ ઍપ્પ યુનિવર્સિટી પણ નહોતી. મતલબ કે સાચી કે ખોટી, સારી કે ખરાબ વાતોના ફેલાવાની ઝડપ, આજે જેટલી છે તેનાથી અનેકગણી ઓછી હતી.
અસત્ય પાંગળું હોય છે એ આપણે જાણીએ છીએ, પણ સત્યના બહાર આવવાની તૈયારી કરે છે ત્યાં સુધીમાં વર્લ્ડ ટૂર કરી ચૂક્યું હોય છે, એ ભૂલી જઈએ છીએ.
એ વિડંબનાને આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ 'સાધો, દેખો જગ બૌરાના, સાચ કહૂં તો મારન ધાવે, જૂઠે જગ પતિયાના.'
તેથી આજના જમાનામાં દરેક વાતને વિવેકબુદ્ધિની એરણ પર ચકાસવામાં આવે એ વધારે જરૂરી છે.
દરેક દાવાનું મૂલ્યાંકન તથ્યને આધારે કરવામાં આવે અને આ ક્રમમાં નફરતના રાજકારણ, હિંસા તથા આક્રમકતાને સતત ફગાવી દેવામાં આવે.
વડા પ્રધાનને ઉપયોગી થાય કે નહીં, પણ સામાન્ય લોકો માટે કબીરની આ સલાહ બહુ ઉપયોગી છેઃ 'સંતો, જાગત નીંદ ન કીજે.'
(આ લેખકના અંગત વિચાર છે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો