દૃષ્ટિકોણઃ રામનામ જોડવાથી ડૉ. આંબેડકર બીજેપીના નહીં થાય

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિન્દી

ડૉ. બાબાસાહેબ આંબેડકર પર દલિતો સિવાય કોઈનો અધિકાર નથી. રતીભાર પણ નહીં. આંબેડકર પોતાના છે એવું માત્ર દલિતો જ કહી શકે.

આંબેડકરને પોતાના કહેવાનો નૈતિક અધિકાર કોઈ અન્યને નથી, એ કોંગ્રેસીઓ હોય, સમાજવાદીઓ હોય કે ડાબેરીઓ હોય.

આંબેડકરને રામનામથી પવિત્ર કરીને, તેમની પ્રતિમાનો રંગ બદલીને તેમના ખોળામાં બેસવા ઇચ્છતા તેમના નવા ભક્તોને તો એવો અધિકાર જરા સરખો નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે તેમના ભારતીય જનતા પક્ષે (બીજેપી) આંબેડકરને જેટલું માન આપ્યું છે તેટલું અન્ય કોઈએ આપ્યું નથી.

આંબેડકરને 'માન આપવાનો' ઍવૉર્ડ જાતે લેનારા વડાપ્રધાનના પક્ષના અરધો ડઝન સંસદસભ્યોએ પત્ર લખીને પોકાર કર્યો છે કે તેમના રાજમાં દલિતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.

આંબેડકર આખા દેશના છે, આપણા બંધારણના નિર્માતા છે, મહાન વિભૂતિ છે એમ કહેવું એ ઢોંગ જ છે.

આંબેડકરનો આદર

દેશના મોટા ભાગના બિન-દલિતોએ આંબેડકરનો આદર ખરા દિલથી ક્યારેય કર્યો નથી અને આજે પણ કરતા નથી.

આપણે જોઈ રહ્યા છીએ કે આંબેડકરની જેટલી પ્રતિમાઓ બને છે, તેટલી જ તોડવામાં આવી રહી છે.

જે લોકો આંબેડકરની પ્રતિમાઓને ફૂલોની માળા પહેરાવે છે તેઓ આંબેડકરની પ્રતિમાઓને તોડવામાં આવે છે ત્યારે ક્યારેય દુઃખ વ્યક્ત કરતા નથી. આ કેવો આદર છે?

આંબેડકર પ્રત્યે આટલો બધો આદર હોય તો તામિલનાડુથી માંડીને ઉત્તર પ્રદેશ સુધી આંબેડકરની પ્રતિમાઓને પિંજરામાં શા માટે પૂરવી પડે છે.

વાસ્તવમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (સંઘ) કે બીજેપી આંબેડકરને ભલે ગમે તેટલું 'માન' આપે, પણ જે વિચારોની પ્રખરતા આંબેડકરને મહાન બનાવે છે, એ વિશે ચર્ચા કરવાનું હિન્દુત્વ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ માટે કષ્ટદાયક બની જાય છે.

2016માં આંબેડકરની 125મી જયંતિની ધૂમધામથી ઊજવણી કરી ચૂકેલા સંઘે સૌથી સારી રીતે સુનિશ્ચિત કર્યું હતું કે આંબેડકરના વિચારો લોકો સુધી કોઈ પણ રીતે ન પહોંચે.

આંબેડકર હિન્દુ ધર્મના સૌથી પ્રખર અને કટુ આલોચક છે. તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, હિન્દુ દેવી-દેવતાઓનો માનવાનો ઇન્કાર કર્યો હતો.

આંબેડકર સાથે રામનું નામ જોડનારા લોકો જાણતા હશે કે આંબેડકરે રામ અને કૃષ્ણને અવતાર માનવાનો ઇન્કાર કર્યો હતો.

આંબેડકરે હિન્દુ ગ્રંથોનો હવાલો આપીને જણાવ્યું હતું કે પ્રાચીન કાળમાં બ્રાહ્મણો ગૌમાંસ ખાતા હતા.

આંબેડકરે તમામ હિન્દુ શાસ્ત્રોને દલિતોના શોષણના હથિયાર ગણાવ્યાં હતાં. તેઓ રાષ્ટ્રવાદી નહીં, પણ શુદ્ધ ન્યાયવાદી હતા.

અત્યાચારોના મૂળમાં છે બ્રાહ્મણ હિન્દુ ધર્મ

આ આંબેડકરને ગૌરવશાળી હિન્દુ પરંપરામાં અગાધ શ્રદ્ધા રાખતા સાચા રાષ્ટ્રવાદીઓ આદર કેવી રીતે આપી શકે?

તેમની ધાર્મિક આસ્થા સાચી હોઈ શકે અથવા આંબેડકર પ્રત્યેનો તેનો આદર. બન્ને એકસાથે સાચાં ન હોઈ શકે.

એ યાદ કરવાનો પ્રયાસ કરો કે ખુદને જ્ઞાતિવાદની વિરોધી ગણાવતી હિન્દુત્વવાદી શક્તિઓએ દલિતો પરના અત્યાચારની આકરી નિંદા ક્યારે કરી હતી?

દલિતો પર અત્યાચાર થતો હોવાનું ક્યારે ખુલીને સ્વીકાર્યું હતું? આવું સ્વીકાર્યું હોય તો પણ એ અત્યાચાર તેમના લોકોએ જ કર્યો છે એવું ક્યારે કબૂલ્યું હતું?

આંબેડકર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આ અત્યાચારોના મૂળમાં બ્રાહ્મણવાદી હિન્દુ ધર્મ છે.

સંઘ સાથે જોડાયેલાં સંગઠનો અને આંબેડકર વચ્ચે સમરસતા સધાવાની કોઈ શક્યતા નથી.

બીજેપી આંબેડકરને પણ મેનેજ કરવાના પ્રયાસ કરી રહી છે. એ માટે તેને ખરેખર દાદ દેવી પડે.

એકલવીર યૌદ્ધા

વડોદરાના મહારાજાની મદદથી પહેલાં સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં અમેરિકા તથા બ્રિટનમાં ડૉક્ટરેટની બે પદવીઓ પામેલા આંબેડકરની પ્રતિભાની સરાહના આ દેશે ક્યારેય કરી નથી.

બંધારણના નિર્માણનું શ્રેય તેમને આપવું પડ્યું, પણ તેમના બીજા ક્રાંતિકારી વિચારોને આખા હિન્દુ સમાજે સાથે મળીને એક ગુપ્ત કાવતરા હેઠળ દફન કરી નાખ્યા હતા.

તેનું કારણ એ હતું કે આંબેડકરના વિચારોને માનવાનો અર્થ વર્ણ વ્યવસ્થાને ત્યાગવી એવો થાય, પણ વર્ણ વ્યવસ્થા તો હિન્દુ ધર્મનો આધાર છે.

આંબેડકરે લખેલાં 'અનાયલેશન ઓફ કાસ્ટ', 'રિડલ્સ ઓફ હિન્દુઇઝમ' અને 'હૂ વેર ધ શુદ્રઝ?'

પુસ્તકો વાસ્તવમાં એવા મહાગ્રંથો એવાં નામ છે, જે આપણને સ્કૂલ, કોલેજ કે કોર્સમાં કોઈ પ્રોફેસર જણાવ્યું નથી.

તેનું કારણ એ છે કે આ પુસ્તકોમાંની ઘણી વાતો હિન્દુ સમાજની પાયાની માન્યતાઓને તાર્કિક રીતે પડકારે છે.

આપણને જણાવે છે કે ધર્મના નામે જ્ઞાતિને અને જ્ઞાતિના નામે અન્યાયને કેવી રીતે સ્વીકાર્ય બનાવવામાં આવ્યો છે.

આંબેડકરનો ખોટો જયજયકાર કરતા લોકો આજે પણ નથી જાણતા કે અન્યાયને ધાર્મિક ઓથ આપવાનાં કાવતરા પર પોતાના અભ્યાસ તથા તાર્કિક બુદ્ધિના આધારે કેવો કુઠરાઘાત કર્યો હતો.

એ લોકો આ વાત જાણતા હોય તો પણ આંબેડકરે શું કહ્યું-લખ્યું હતું એ વિશે કોઈ વાત કરવામાં આવતી નથી, કારણ કે એ ખૂંચે એવું છે.

આંબેડકર હિન્દુઓને 'એક બીમાર સમાજ' કહેતા હતા અને તેને ઇલાજની જરૂર છે એવું માનતા હતા.

આંબેડકરે તેમનું જીવન 'દલિતોની આઝાદી' માટેની લડતને સમર્પિત કર્યું હતું.

તેઓ સ્વતંત્રતા સેનાની ન હતા, પણ તેમને એવો ડર હતો કે અંગ્રેજો ચાલ્યા જશે પછી 'હિન્દુ ભારત'માં દલિતો માટે જીવવાનું વધુ મુશ્કેલ થઈ જશે.

હિન્દુ રાષ્ટ્રનાં જોખમો વિશે તેમણે ખુલીને ચેતવણી આપી હતી.

ગાંધીજી સાથે મતભેદ

ગાંધીજી અસ્પૃશ્યતાનો અંત લાવવાનું અભિયાન ચલાવતા હતા.

આજે દલિતોના ઘરે જમીન પર બેસીને ભોજન કરવાનો કરતબ જે લોકો દેખાડી રહ્યા છે તેઓ ગાંધીજીના જૂના આઇડિયા વડે દલિતોનું દિલ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગાંધીજી ઇચ્છતા હતા કે વર્ણ વ્યવસ્થા યથાવત રહે, પણ અસ્પૃશ્યતાનો અંત થાય. આ મામલામાં બીજેપી સંપૂર્ણપણે ગાંધીવાદી છે.

આંબેડકર માનતા હતા કે વર્ણ વ્યવસ્થાના મૂળમાં જ શોષણ-દમન છે. તેથી દલિતો સાથે ભોજન લેવાથી કે સામાજિક મેળાપ વધારવાથી તેનો અંત આવવાનો નથી.

આંબેડકર વર્ણ વ્યવસ્થાને જ ખતમ કરવા ઇચ્છતા હતા. તેનો અર્થ એવો થાય કે હિન્દુ ધર્મનું સ્વરૂપ હજ્જારો વર્ષોથી હતું એવું ન રહી શકે.

આ પરિસ્થિતિમાં વર્ણ વ્યવસ્થાને લીધે અનેક પેઢીઓથી ફાયદામાં રહેલા લોકોને આંબેડકરની વાતો ન ગમે તે દેખીતું છે.

ગાંધીજી અને જવાહરલાલ નહેરુ તેમનો આદર ન કરતા હોય તો તેનો કોઈ દાખલો મળતો નથી.

આંબેડકર દેશના પહેલા ન્યાય પ્રધાન હતા, પણ નહેરુએ આંબેડકર કે તેમના વિચારોને ખાસ મહત્ત્વ આપ્યું હોય એવું પણ જોવા મળતું નથી.

આઝાદ ભારતમાં આંબેડકરને તેમનું સાચું સ્થાન કોઈ સ્વૈચ્છાથી ક્યારેય આપ્યું નથી.

આજે રાષ્ટ્રીય સ્તરે આંબેડકરની વાત થઈ રહી છે તેનું કારણ તેમને માનતા લોકોના સંઘર્ષનું પરિણામ છે.

દલિતોની રાજકીય તાકાતનું સન્માન

ભલું થજો કાંશીરામનું. તેમણે દલિતોને રાજકીય શક્તિ ન બનાવ્યા હોત તો આજે આંબેડકરનું નામ લેનારું કોઈ ન હોત.

આંબેડકરના સૌથી મોટા યોગદાન અનામતને કારણે જેમ-જેમ દલિતો સશક્ત થયા છે, તેમ-તેમ આંબેડકરનું મૂલ્ય પણ વધ્યું છે.

તેઓ મહાન તો હતા જ, પણ તેમનું મૂલ્ય વધવાનું કારણ એ છે કે તેમને મહાન ગણતા લોકોનો ભરોસો જીતવો એ હવે રાજકીય મજબૂરી બની ગયું છે.

કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોને લાંબા સમય સુધી એકસાથે સાધી લીધા હતા.

મુસલમાનો પણ તેને પોતાનો પક્ષ ગણતા હતા અને ગાંધીજીનો વારસો વેચીને દાયકાઓ સુધી કામ ચાલતું રહ્યું. આંબેડકરની જરૂર જ ન પડી.

60 કે 70ના દાયકામાં મોટી થયેલી પેઢીએ આંબેડકરનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે, કારણ કે ત્યારે કોઈ કાંશીરામ ન હતા, જે દલિતોને સમજાવે કે કોઈ જમીનદાર કે પૂજારીનો મત જેટલો કિંમતી છે એટલો જ કિંમતી તમારો મત પણ છે.

ડૉ. ભીમરાવ આંબેડકર અન્યાયના ભયાનક અંધકાર વિરુદ્ધના એકાકી સંઘર્ષનું નામ છે. તેનો મર્મ ગાંધીવાદીઓ, ડાબેરીઓ અને બીજું કોઈ સમજી શક્યું નથી.

આંબેડકરે દલિતોના દમન-શોષણ તથા અત્યાચારની સામાજિક સ્વીકૃતિ અને તેને હિન્દુ ધર્મની વર્ણ વ્યવસ્થાથી મળતી કાયદેસરતા સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા.

દલિતો સાથેના અન્યાયને મોટાભાગના લોકો સંસ્કૃતિ, સામાજિક વ્યવસ્થા અને ધર્મ માનતા રહ્યા હતા. તેને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં ક્યારેક ગૌતમ બુદ્ધે પડકાર્યો હતો.

વચ્ચે કબીર, રૈદાસ, બાબા ફરિદ અને નાનક જેવા અનેક સંતો જણાવતા રહ્યા હતા કે આ નાત-જાત બનાવટ છે.

પછી આવેલા આંબેડકરે વેદ-પુરાણોના ગહન અધ્યયન બાદ એ જ વાતોને તર્ક તથા સત્યની નવી ધાર આપી હતી.

ગાંધીજી, આંબેડકર અને પૂણે પેક્ટ

આંબેડકર અને ગાંધી વચ્ચે દલિત મતદાર મંડળના મુદ્દે જે મતભેદ હતા એ વિશે વાંચવાથી આશ્ચર્યચકિત થઈ જવાય છે.

આંબેડકર અને ગાંધીજીની વિચારધારા કેટલી અલગ હતી એ સમજાય છે.

અલગ મતદાર મંડળના મુદ્દે ગાંધીજીએ આમરણાંત ઉપવાસ કર્યા હતા અને તેના દબાણમાં આંબેડકરે 1932માં પૂણે પેક્ટ પર સહી કરવી પડી હતી.

આંબેડકર ઇચ્છતા હતા કે સંસદમાં દલિતોના પ્રતિનિધિઓ ચૂંટવા માટે માત્ર દલિતો મત આપે અને એ રીતે ચૂંટાયેલા લોકો દલિતોના મુદ્દાને આગળ વધારે.

પૂના પેક્ટમાં એ વાતને ફગાવી દેવામાં આવી હતી. એ પેક્ટ હેઠળ દલિતો માટે બેઠકો અનામત રાખવામાં આવી હતી.

એ બેઠકો પરથી બિન-દલિતો ચૂંટણી લડી ન શકે, પણ મતદાન તમામ લોકો કરી શકે.

એ રીતે ચૂંટાયેલા સંસદસભ્યો પ્રભાવશાળી સાબિત નહીં થાય એવું આંબેડકર માનતા હતા અને આગળ જતાં થયું છે પણ એવું જ.

તેનું ઉદાહરણ બીજેપીના સંસદસભ્ય છોટેલાલ ખૈરવાર છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, "મુખ્ય પ્રધાન મને ઠપકો આપીને ભગાડી મૂકે છે. હું સંસદસભ્ય હોઉં તેનાથી શું, આખરે તો દલિત જ છું ને."

કોંગ્રેસ વારંવાર કહેતો રહ્યો છે કે એ દલિતોનો હિતરક્ષક છે. તેથી તેણે એક દલિત વ્યક્તિ ડૉ. કે. આર. નારાયણનને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા.

હવે બીજેપી રામનાથ કોવિંદ બાબતે આવો દાવો કરી રહી છે, પણ અહેસાનની આ અદા દેખાડાથી વિશેષ કશું નથી.

ગાંધીજી સવર્ણ હિન્દુઓના જે હૃદય પરિવર્તનની વાત કરતા હતા એ અત્યાર સુધી થઈ શક્યું નથી.

બીજેપીના સંવિધાન અનુસાર, અનુસૂચિત જાતિના કમસેકમ ત્રણ લોકો પદાધિકારી હોવા જોઈએ, પણ અમિત શાહના નેતૃત્વ હેઠળની બીજેપીમાં રાષ્ટ્રીય સ્તરનો એકેય પદાધિકારી દલિત નથી.

મૂળ વાત એટલી જ છે કે આંબેડકરને કોણ-કેટલો આદર આપે છે તેનો નિર્ણય દલિતો જ કરશે. આંબેડકરની મૂર્તિઓ પર ફૂલમાળા ચડાવવી એ તો બધાની મજબૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો