હુમલા પછી શું કરે છે સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદ?

અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે શનિવારે વહેલી સવારે સીરિયાના અનેક લશ્કરી થાણાં પર હુમલો કર્યો હતો.

આ લશ્કરી થાણાઓ કથિત રીતે રસાયણિક હથિયારો સાથે સંકળાયેલાં હોવાનું માનવામાં આવે છે.

સીરિયાની સત્તાવાર સમાચાર સંસ્થા સનાના જણાવ્યા મુજબ, મિસાઇલ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

દમાસ્કસ સ્થિત શોધ સંસ્થાનની બારજેહ ખાતેની શાખાને પણ નુકસાન થયું છે.

હુમલા પછી સીરિયાના હાલ

સીરિયાની રાજધાની દમાસ્કસમાં સામાન્ય લોકોમાં અમેરિકા સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

હાથમાં સીરિયન ઝંડા અને બંદૂક લઈને ફરતા વિરોધ પ્રદર્શનકર્તાઓ દમાસ્કસના માર્ગો પર જોવા મળી રહ્યા છે.

તેમાં વૃદ્ધ મહિલાઓ, પુરુષો અને બાળકો સહિતના સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.

વિરોધ પ્રદર્શનકર્તાઓના હાથમાં બશર અલ અસદના ફોટોગ્રાફ્સ પણ જોવા મળી રહ્યા છે.

સીરિયાના રાષ્ટ્રપ્રમુખના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બશર અલ અસદ હુમલા પછી તેમની ઓફિસમાં જતા જોવા મળે છે.

આ વીડિયો બહાર પાડવાનો હેતુ એ દર્શાવવાનો છે કે અમેરિકા, બ્રિટન તથા ફ્રાન્સે કરેલા હુમલાની સીરિયા સરકાર પર કોઈ અસર થઈ નથી.

સીરિયાએ કઈ રીતે કરી પોતાની સલામતીની વ્યવસ્થા?

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાની આગેવાની હેઠળના મિસાઈલ હુમલાને સીરિયાના સૈન્યએ દાયકાઓ જૂનાં સાધનોની મદદથી નિષ્ફળ બનાવ્યો છે.

રશિયાની સમાચાર સંસ્થા ઇન્ટરફેક્સના અહેવાલ મુજબ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું, "સીરિયાએ એર ડિફેન્સ સિસ્ટમ એસ-125, એસ-200, બક તથા ક્વાદ્રત વડે મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો."

"આ સિસ્ટમ 30 વર્ષ પહેલાં સોવિયેત સંઘમાં બનાવવામાં આવી હતી."

રશિયાની એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ અહીં ન કરવામાં આવ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

સીરિયા હુમલા વિશે જાણતું હતું?

સીરિયન સરકારે જણાવ્યું હતું કે હુમલા પહેલાં જ સૈન્ય થાણાઓને ખાલી કરાવી નાખવામાં આવ્યાં હતાં. હવે નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.

એક અધિકારીએ રોઈટર્સ ન્યૂઝ એજન્સીને કહ્યું હતું, "અમને હુમલાની માહિતી રશિયા પાસેથી અગાઉ મળી ગઈ હતી. તમામ સૈન્ય થાણાઓને થોડા દિવસ પહેલાં ખાલી કરાવી નાખવામાં આવ્યાં હતાં."

હુમલા વિશે રશિયાએ શું કહ્યું?

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા હુમલામાં સીરિયા સ્થિત રશિયાના નૌકાદળ તથા હવાઈદળનાં થાણાંને નિશાન બનાવવામાં આવ્યાં છે.

અમેરિકામાંના રશિયાના રાજદૂતે જણાવ્યું હતું કે તેમના સહયોગી દેશ પરના આ હુમલાનું પરિણામ જરૂર બહાર આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો