You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોકીદારનું કામ કરતા કવિને સાહિત્ય અકાદમીએ પુરસ્કારથી પોંખ્યા
- લેેખક, સીટુ તિવારી
- પદ, પટણાથી, બીબીસી ગુજરાતી માટે
તમે કવિઓને મોટેભાગે સાહિત્યના કાર્યક્રમોમાં, કવિ સંમેલનો કે મુશાયરામાં મંચ પર બેઠેલા જોયા હશે, પરંતુ તમે ક્યારેય એવા કવિ જોયા છો, જે ચોકીદારી કરતા હોય? મળો, બિહારના મધુબની જિલ્લાના ઉમેસ પાસવાનને, જે હૃદયથી કવિ અને વ્યવસાયે ચોકીદાર છે.
ઉમેશ કોઈ જોડકણા લખીને બની ગયેલા કવિ નથી. તેમનાં સર્જનની સાહિત્ય અકાદમીએ પણ નોંધ લીધી છે. તેમના કાવ્યસંગ્રહ 'વર્ણિત રસ' માટે મૈથિલી ભાષાનો 2018નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર આપવામાં આવ્યો છે.
સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 22 ભાષાઓમાં, 35 વર્ષથી ઓછી વયના સર્જકોને દર વર્ષે આપવામાં આવે છે. એ પુરસ્કાર પેટે ઉમેશ પાસવાનને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
કવિ પાસે હોય તેવી વિશ્વને જોવાની નવી દૃષ્ટિ ઉમેશ પાસે છે, પરંતુ એમની વાતચીતમાં સહજતા પણ છે.
34 વર્ષના ઉમેશ પાસવાન કહે છે, "અમે નવટોલી ગામના ચોકીદાર છીએ. ગામના માહૌલમાં જે જોઈએ છીએ, તે લખી નાખીએ છીએ. કવિતા મારા માટે ટૉનિક સમાન છે."
શું તમે આ વાંચ્યું?
પુરસ્કાર વિશે તે કહે છે, "પુરસ્કાર મળ્યો તેનો આનંદ છે, પણ હું લખું છું આત્મસંતોષ માટે."
બિહારના મધુબની જિલ્લાના લૌકહી થાણામાં છેલ્લા નવ વર્ષથી ચોકીદાર તરીકે ફરજ બજાવતા ઉમેશ પાસવાનની કવિતાનો મુખ્ય સ્વર ગ્રામીણ જીવન છે.
ક્યાંથી થઈ શરૂઆત?
ઉમેશ કહે છે, "નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે મધુબનીની કુલદીપ યાદવ લોજમાં રહેતો હતો. એ વખતે એક સિનિયર સુભાષ ચંદ્રા સાથે મુલાકાત થઈ હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તે કવિતા લખતા હતા એટલે અમે પણ કાલીઘેલી કવિતા લખવાનું શરૂ કર્યું હતું."
કવિતા લખવાના ઉત્સાહે જોર ક્યારે પકડ્યું, એવા સવાલના જવાબમાં ઉમેશ કહે છે, "એ પછી મધુબનીમાં જેટી બાબુને ત્યાં ચાલતી કાવ્યગોષ્ઠીમાં જઈને કવિતાનું પઠન કર્યું હતું.
"કવિતા તો બહુ સારી ન હતી, પણ પ્રોત્સાહાન મળ્યું અને કવિતા લેખને જોર પકડ્યું."
વિદ્યાનાથ ઝા અકાદમીના યુવા પુરસ્કાર માટે મૈથિલી ભાષાના સર્જકની પસંદગી કરનારી સમિતિના ત્રણ સભ્યો પૈકીના એક છે.
વિદ્યાનાથ ઝા કહે છે, "ઉમેશની ભાષામાં એક નૈસર્ગિક પ્રવાહ છે, જે તમને તેની સાથે લઈને આગળ વધે છે. તેમની કવિતામાં બહુ મોકળાશ છે.”
"ઉમેશની કવિતાઓ સામાજિક ન્યાયની વાતો કરવાની સાથે સુખદુઃખથી માંડીને મૈથિલી સમાજની તમામ ચિંતાને પણ આપણી સમક્ષ રજૂ કરે છે.”
“ઉમેશને આ પુરસ્કાર મળ્યો એ બે કારણસર ખાસ છે. એક તો ચોકીદારી સાથે કાવ્યસર્જન અને બીજું, મૈથિલી ભાષા પર માત્ર બ્રાહ્મણો કે કાયસ્થોનો જ અધિકાર છે એવી ધારણાને ઉમેશને મળેલો પુરસ્કાર તોડે છે."
માને કવિતા પસંદ નથી
વાસ્તવમાં ઉમેશના જીવનમાં આવેલાં ઉતાર-ચઢાવે તેમને કવિતાસર્જનના સંજોગો રચી આપ્યા હતા.
ઉમેશ બાળપણથી જ તેમના પિતા ખખન પાસવાન તથા માતા અમેરિકા દેવીને ખેતરમાં મજૂરી કરતા નિહાળ્યા હતા.
પછી ખખન પાસવાનને લૌકહી થાણામાં ચોકીદારની નોકરી મળી હતી. પિતાના મૃત્યુ પછી તેમના સ્થાને ઉમેશની નોકરી આપવામાં આવી હતી.
રસપ્રદ વાત એ છે કે 65 વર્ષનાં અમેરિકા દેવીને તેમનો દીકરો ઉમેશ કવિતાસર્જનમાં રચ્યોપચ્યો રહે એ પસંદ ન હતું.
અમેરિકા દેવી કહે છે, "બાળપણથી જ બહુ લખતો હતો. અમે બહુ સમજાવ્યો હતો કે કવિતા લખવાથી શું ફાયદો થશે, ભણવામાં ધ્યાન આપો.”
"એ મારી વાતોને ધ્યાનમાં લેતો ન હતો. સમય મળે ત્યારે કવિતા લખતો હતો અને મને સંભળાવતો હતો."
પોતાને સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર મળ્યાના સમાચાર ઉમેશે કાળા અક્ષરથી અજાણ અમેરિકા દેવીને સંભળાવ્યા ત્યારે તેમનો પહેલો સવાલ એ હતો, "એ માટે પૈસા આપવા પડશે કે પૈસા મળશે?"
ઉમેશ સાથે વાત કરવાથી દૂરના વિસ્તારોની આ એક વધુ સમસ્યા વિશે જાણવા મળ્યું હતું.
રોજીરોટી માટે સંઘર્ષ કરતા રહેતા આ વિસ્તારના લોકોને કવિતા, વાર્તા કે તેની સાથે જોડાયેલા પુરસ્કારો સાથે લગભગ કોઈ સંબંધ નથી.
કવિતા પછી વાર્તા
ઉમેશ કહે છે તેમ, "અહીં સાહિત્ય અકાદમી વિશે કોઈ કંઈ જાણતું નથી. અમે મધુબની, દિલ્હી, પટના બધી જગ્યાએ કવિતાપઠન કરવા જઈએ છીએ, પણ ગામમાં અમારી કવિતા કોઈ નથી સાંભળતું.”
"કોઈ અમારી કવિતા સાંભળતું ન હોવાથી અમે કાંતિપુર એફએમ અને બીજાં રેડિયો સ્ટેશનો પર કવિતા મોકલવાનું શરૂ કર્યું હતું, જેથી કમસેકમ રેડિયોના શ્રોતાઓ મારી કવિતા સાંભળે."
કાંતિપુર એફએમ નેપાળથી કાર્યક્રમો પ્રસારિત કરતું રેડિયો સ્ટેશન છે.
બે બાળકોના પિતા ઉમેશના ત્રણ કાવ્યસંગ્રહ 'વર્ણિત રસ', 'ચંદ્રમણિ' અને 'ઉપરાગ' પ્રકાશિત થઈ ચૂક્યા છે.
હાલ ઉમેશ ગામના જીવન અને તેમના થાણામાં આવતી ફરિયાદોની આજુબાજુ ગૂંથાયેલી વાર્તાઓનો એક સંગ્રહ પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છે.
સાયન્સ ગ્રૅજ્યુએટ ઉમેશ તેમના ગામમાં એક મફત શિક્ષણ કેન્દ્ર પણ ચલાવે છે.
સાહિત્ય અકાદમીના પુરસ્કાર સ્વરૂપે મળનારા 50 હજાર રૂપિયાનું દાન શહીદ સૈનિકોનાં બાળકોની મદદ માટે સરકારી તિજોરીને આપી દેવાનો ફેંસલો ઉમેશે કર્યો છે.
ઉમેશ ટેક્નોલૉજીથી દૂર રહે છે. ઉમેશનું ફેસબૂક પેજ સંભાળતાં તેમનાં પત્ની પ્રિયંકા કહે છે, "મને હંમેશાં એવી લાગણી થતી હતી કે મારા પતિ એક દિવસ કોઈ મોટું કામ કરશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો