જલનની ગઝલોમાં તીખાશ, જુસ્સો, હાસ્ય અને ઊંડાણનો સમન્વય

    • લેેખક, સૌમ્ય જોશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મરીઝ પછી ગુજરાતી ગઝલનો સૌથી મોટો અવાજ જલન માતરી હતા. ગઝલ સાહિત્ય સ્વરૂપે તરીકે બે ભાષાઓમાં બહુ નીખરીને આવી છે - ઉર્દૂ અને ગુજરાતી.

ઉર્દૂને છોડીને ગુજરાતી સિવાય ગઝલોમાં ક્યાંય એટલી રવાનીથી કામ નથી થયું.

ગુજરાતી ગઝલનું વિશ્વ સાહિત્યમાં બહુ ઊંચું સ્થાન છે. મારું માનવું છે કે મરીઝ પછીનો સૌથી મોટો શાયર જલન માતરી છે. એમાં કોઈ શંકા કે સવાલ ઊભો થાય એમ નથી.

જલન સાહેબની સૌથી વધુ મજા તેમના સ્વભાવને લીધે હતી. તેમનો સ્વભાવ અતિશય પ્રેમાળ અને અતિશય તીખો-તમતમતો.

એ સ્વભાવ તેમની કવિતામાં વર્તાય. તે ઉપરાંત તેમાં ગજબનું ઊંડાણ છે.

મરીઝ સાહેબ જે હ્યુમર લઈને આવ્યા તે પણ ખરું. એટલે તીખાશ, જુસ્સો, હાસ્ય અને ઊંડાણ સાથે બે શેરની વચ્ચે મણ-મણનું વજન ભરી શકે તેવા અમુક જૂજ ગુજરાતી શાયરો થઈ ગયા.

તેમાં મરીઝનું નામ ઘણું મોટું પણ એટલું જ મોટું નામ જલન સાહેબનું પણ ખરું.

આજે ગુજરાતી સાહિત્યને બહુ મોટી ખોટ પડી છે. તેમની હાજરી જ બહુ મોટી પ્રેરણા હતી. ઉપર જણાવ્યા એ બધા રસોને ભેગા કરીને જલન સાહેબ એકદમ કચકચાવીને લખતાં હતાં.

મારા પોતાના સાહિત્યમાં પણ તેમની ઉંડી અસર છે. અમે ઘણા નજીક હતાં, એટલે આ વ્યક્તિગત રીતે પણ મારા માટે ઘણું દુખદ છે. આ વાત કરતાં તેમની આ પંક્તિઓ બસ એકદમ જ યાદ આવે છે..

ગમે ના સૌ કવન તો માફ કરજો એ જ કારણથી

કે ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે

---------------

કયામતની રાહ એટલે જોઉં છું કે

ત્યાં તો જલન મારી મા પણ હશે.

---------------

શ્રદ્ધાનો હો વિષય તો પૂરાવાની શી જરૂર

કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.

---------------

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,

નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

પાને-પાને આવી અદભૂત વાતો વાંચવા મળે તમને. હું માનું છું કે મરીઝ પછી આટલા બધાં અને આ દરજ્જાના શેર કોઈએ લખ્યા હોય તો તે જલન છે.

સાથે વીતાવેલો સમય

હું 17 વર્ષની ઉંમરથી મુશાયરાઓ કરું છું. અમે બધા બહુ સદભાગી છીએ કે અમને ચીનુ મોદી, જલન માતરી, આદિલ મન્સૂરી સાહેબ આ બધાની સાથે એક મંચ પર આવવા મળ્યું.

મારા મતે આ બધા બહું સ્પોર્ટીંગ માણસો હતાં. એટલે એ લોકોને કોઈ યંગ કવિ હોય અને તેનામાં સ્પાર્ક દેખાય તો તેને અછોવાના કરતા.

એ દ્રષ્ટિએ વાત કરું તો મારી સાથે ચીનુ મોદી અને જલન સાથે ખૂબ આત્મીય નાતો રહ્યો.

ઘણા બધા મુશાયરા મેં તેમની સાથે શેર કર્યા. જેના કારણે ઘણો સમય સાથે વીતાવવાનો આવ્યો.

અમે અમેરિકા સાથે ગયા હતાં. ત્યારે અમે સતત સાથે હતાં, કેમકે તે સમયે તેમની થોડી ઉંમર થઈ ગઈ હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

એમને બહુ મજા આવે કે કોઈ સાથે રહે. અને આપણા જેવા માણસ માટે તો બહુ મોટો લ્હાવો હોય કે આટલો બધો સમય જલનની સાથે વીતાવવા માટે.

અમે સાથે રહીએ. તે મારી કવિતાઓ સાંભળતાં. મારી પત્ની જિજ્ઞા છે, તે સમયે અમે લગ્ન નહોતા કરેલા, તેની સાથે પણ તેમને આત્મીયતા હતી.

જિજ્ઞા એક જ એવી વ્યક્તિ હતી જે જલન સાહેબને ગમે તે સમયે એમ કહી શકતી કે જલન સાહેબ શેર સંભળાવો.

અમે બધા બહુ ડરી જતાં કે તું આમ એમને અચાનક ના કહે, એ અકળાઈ જશે. પણ જલન સાહેબ કહેતા કે નહીં યે તો મેરી બેટી હૈ.. એનું તો મારું માનવું પડે.

મેં અને જિજ્ઞાએ ચાર વર્ષ પહેલા લગ્ન કર્યા. અમારા લગ્ન તો બહુ સાદાઈથી થયા હતાં અને બહુ મહેમાન પણ નહોતા.

પણ જલન સાહેબ એ સ્નેહીઓમાંથી હતાં, જેને અમે મળવાનું અમે પ્રાથમિક્તામાં રાખ્યું હતું.

અમે ત્યાં એમના દિકરા-દિકરીની જેમ ગયા હતા, અને અમને આવકાર પણ એવો જ મળ્યો હતો.

આ વાત કહેતા મને સમજાઈ રહ્યું છે કે મેં શું ગુમાવ્યું છે. એ ક્ષણે તેમણે જિજ્ઞાના કપાળ પર ચૂમીને કહ્યું કે, ''આને અમારે ત્યાં રહેમત-એ-ગૌસા (ગૌસ નામના એક પીર થઈ ગયા તેમના આશીર્વાદ) કહે.''

'યે સાલા તુ ફીર સે ભૂલ ગયા'

અમારી વચ્ચે એક ખેલ પણ ચાલતો. એ બહુ રસપ્રદ વાત છે.

હું એમની ઘણી વસ્તુઓ સાચવવાનો પ્રયત્ન કરતો, ખ્યાલ રાખતો.

પણ મારી એક આદત કે હોટલના રૂમમાં હું કંઈકને કંઈક ભૂલી જ જઉં અને જલન સાહેબ છેલ્લે એ વસ્તુ લઈને આવે.

એ પ્રેમથી વઢતા હોય એવા અવાજમાં મને કહે, યે સાલા તુ ફીર સે ભૂલ ગયા.

એક સમય પછી તો હું આ ચલાવવા માટે પણ વસ્તુ હાથે કરીને ભૂલી જતો કે જેથી તે લાવીને મને આવું કહે. મને કોઈના નિધને આટલો બધો ઢીલો નથી પાડ્યો જેટલો હું આજે છું.

મુશાયરા ગજાવનાર કવિને ઊજવી ન શક્યા

થોડા સમયા પહેલા અમારી ફોન પર વાત થઈ ત્યારે મેં એમને કહ્યું હતું કે સાહેબ મારે તમને મળવા આવવું છે, પણ પછી મારે મુંબઈ જવાનું થયું.

એ છેલ્લી વાર અમારી વાત થઈ અને તેમને મળી ન શકાયું એ અફસોસ આખી જીંદગી મને રહેશે.

ઘણાં બધા શાયરોના 75 વર્ષ ઊજવાતા હોય છે, તેમની જયંતિઓ થતી હોય છે. પણ જલન સાહેબ એમાંથી નહોતા જે આવી કોઈ માગણી કરે.

મને એવું લાગે છે કે જલન સાહેબ માટે થવું જોઈતું હતું.

લોકોએ તેમને માન બહુ આપ્યું છે. પચાસ વર્ષ સુધી મુશાયરાઓ એમની જેમ કોઈએ ગજાવ્યા નથી.

મને એમ લાગે છે કે મુશાયરાઓનો સૌથી પોપ્યુલર અવાજ એટલે જલન માતરી.

એમની કવિતાની વાત કરીએ ત્યારે આ બાબત સમજવી બહુ મહત્ત્વની છે.

ગઝલની અંદર બે વાત છે. એક હોય છે લોકપ્રિય કવિઓ અને બીજા સાચા કવિઓ.

આ બંનેનું સંયોજન હોય એવા કવિઓ બહુ ઓછા થયાં છે. એમાંનો એક બહુ મોટો અવાજ એટલે જલન માતરી.

તેમણે માત્ર કાવ્ય રચ્યું છે, ઉમદા કાવ્ય. અને તે લોકપ્રિય પણ થયું.

આ એક મોટું કામ હોય છે, મજબૂત સાહિત્ય લોકો સુધી લઈ જવાનું કામ તેમણે 50-60 વર્ષ સુધી કર્યું. જે બહુ મોટો ફાળો છે.

મને અંગત રીતે એવું લાગે છે કે તેમના આ ફાળાના બદલામાં જલનની જે રીતે જયંતી ઊજવવી જોઈએ એ નથી થયું.

જલનને લોકોએ તો ઉજવ્યો છે પણ એક સમાજ તરીકે બીજાની સરખામણીમાં જલન માટે કશું કરી શક્યા નથી.

મને પોતાને એક મોટો વસવસો છે. હમણાં જ અમે બધા યંગ કવિઓ ભેગા થયાં હતાં.

ત્યારે જ વાત થઈ કે જલન સાહેબ માટે કંઈક જોરદાર કરીએ. પણ જીવન તમને શીખવાડે છે કે અમુક વસ્તુઓમાં તમે મોડા પડી જાઓ છો.

મારી અંગત વ્યસ્તતાઓને કારણે આ ન થઈ શક્યું. જેનો અપરાધભાવ મારા મનમાં છે.

'ક્યા તુ સબ કુત્તા ઔર ગધા સબ લિખતા રહેતા હૈ?'

એક મજાની વાત કરું. એકદમ મારા યુવાનીના વર્ષોમાં મેં એક કવિતા લખી હતી -કૂતરું. અને જલનનો એક શેર છે- હું પકડીને પાંખો જ કાપી લઈશ, તું ગઝલમાં કબૂતર ઉડાડી તો જો!

એટલે ગઝલોમાં જે આવા મોર્ડન મેટાફર (તુલનાઓ)- કબૂતર, ગધેડો આવે એટલે જલન અકળાતા.

મારી એકદમ શરૂઆતની કવિતા 'કૂતરાં' કે જે પછી ઘણી લોકપ્રિય થઈ. તેની પહેલી ત્રણ-ચાર લાઈનમાં જ જલન તેનાથી દૂર થઈ ગયા હતાં.

એમણે આખી સાંભળી પણ નહીં હોય અને અકળાઈ ગયા હશે. એટલે એ મને કહે, 'યે ક્યા તુ કુત્તા ઔર ગધા સબ લિખતા રહેતા હૈ?' એટલે મેં એમને કહ્યું કે આ કવિતામાં એક વિચાર છે.

પછી જ્યારે બીજી વાર તેમણે મુશાયરામાં સાંભળી ત્યારે મને લાગે છે આખી સાંભળી હશે. પછી મને કહે, 'યે અચ્છી કવિતા હૈ.'

થોડા સમય પહેલા આત્મા હાઉસ (અમદાવાદ)માં એક મુશાયરો હતો. તેમાં મારે વાંચવાનું હતું.

તેમણે મને કહ્યું હતું કે, 'મેં ખાસ તેરેકો સુનને આઉંગા.' અને જલન માતરી આવ્યા. ત્યાં એક પિલર નીચે આવીને જમીન પર બેઠા.

ત્યારે મેં કહ્યું હતું કે, 'આનંદની વાત છે કે ગુજરાતી ગઝલનો જે પિલર છે, એ પિલરની નીચે અત્યારે બિરાજમાન છે.'

મેં કવિતાઓ વાંચવાનું પૂરું કર્યું ત્યારે જલન મંચ પર આવ્યા. તેમણે મને ફરમાઈશ કરી કે પેલી કૂતરાવાળી કવિતા વાંચ. એટલે મારા માટે આ એક સર્કલ પૂરું થયું હતું.

તે એક પ્રામાણિક અને સહજ વ્યક્તિ હતા.

હવે કોઈ એવું રહ્યું નથી જે અમારી અને મરીઝની પેઢીની વચ્ચે હોય. જલન, ચીનુ મોદી બધાં અમારી બે પેઢીઓની વચ્ચે હતાં. અને દુર્ભાગ્યે હવે અમે આ સેતુ ખોઈ ચૂક્યા છીએ.

પેલું કહે છે ને કે ખુદા ઉન્હે જન્નત બક્ષે, પણ મને એવું લાગે છે કે ખુદાને જન્નત કો જલન બક્ષા હૈ.

(સૌમ્ય જોશી ગુજરાતી ભાષાના કવિ અને નાટ્યકાર છે. શૈલી ભટ્ટ સાથે વાતચીતનાં આધારે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો