દૃષ્ટિકોણ: આનંદીબહેનનું મધ્યપ્રદેશના રાજ્યપાલપદે જવું શું સૂચવે છે?

    • લેેખક, ડૉ. હરિ દેસાઈ
    • પદ, વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક

એક દિવસ એકાએક ફેસબુક પર,પોતે ૭૫નાં થયાનું જણાવીને, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનું રાજીનામું આવી પડ્યું. એ રાજી થઈને આપ્યાં કરતાં નારાજીનામું વધુ જણાતું હતું.

2016માં એકાએક મુખ્ય મંત્રીપદેથી રુખસદ મળ્યાં પછી આનંદીબહેન પટેલે ગુજરાતમાં જ રહેવા અને રાજયની બહાર નહીં જ જવાના નિર્ણયની ઘોષણા કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

હવે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી.

હવે ગુજરાતની રાજનીતિમાં બહેનની જગ્યા ક્યાં હશે?

'એમનો ચહેરો સતત ચાડી ખાતો'

વિજયભાઈના નેતૃત્વમાં લડાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર કરનાર વડાપ્રધાન મોદી સાથેના કાર્યક્રમો અને પક્ષની બેઠકોમાં આનંદીબહેન જાણે કે અનિચ્છાએ ઉપસ્થિત રહેતાં હોય એવો એમનો ચહેરો સતત ચાડી ખાતો રહ્યો, પણ બહેન 'સબ સલામત'ની આહલેક પોકારતાં રહ્યાં.

અમદાવાદની માધ્યમિક શાળાનાં કડક આચાર્યા રહેલાં આનંદીબહેને પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નેતૃત્વકાળમાં ભાજપમાં સામેલ થવાનું પસંદ કર્યું હતું.

પક્ષના આંતરકલહ અને બળવાના સંજોગોમાં પણ તેઓ પક્ષનાં નિષ્ઠાવંત કાર્યકર રહ્યાં.

પરિસ્થિતિ બદલાઈ ગઈ છે

એટલે જ મુખ્ય મંત્રી મોદી જયારે વડા પ્રધાનપદે જઈ રહ્યા હતા, ત્યારે બીજા કેટલાક વરિષ્ઠો અને મોદીનિષ્ઠ અમિત શાહની મહેચ્છા છતાં આનંદીબહેન પર મુખ્ય મંત્રીપદનો કળશ ઢોળાયો હતો.

પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. પોતાનાં અનુગામી તરીકે અગાઉ નીતિન પટેલનો બહેને સેવેલો આગ્રહ અમાન્ય થયો હતો.

તાજેતરની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાની બેઠકોમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત હાજર રહ્યા એટલું જ નહીં, આનંદીબહેનની ભલામણો અવગણાઈ.

બહેન પક્ષશિસ્તથી બંધાયેલાં મૂકપ્રેક્ષક બની રહ્યાં. પક્ષમાં સક્રિય રાજકીય હોદ્દા માટે ૭૫ વર્ષની વયમર્યાદા નહીં હોવાનું નીરક્ષીર અધ્યક્ષ શાહે જ પ્રગટપણે કર્યું, પણ એ વયમર્યાદાના કારણે હોદ્દો છોડનાર આનંદીબહેન ભવિષ્યને વાંચી શકતાં હોવાથી તેમણે રાજ્યપાલ તરીકે જવાનું સ્વીકારી લીધું.

હવે થશે શું?

મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેન કેટલું રહે અથવા તો એ ફરી સક્રિય રાજકારણમાં આવી શકે કે? આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

જો મોરારજીભાઈ દેસાઈ ૮૨મા વર્ષે વડાપ્રધાન થઇ શકે તો હજુ તો ૭૭નાં પટેલ રાજ્ય કે રાષ્ટ્રીય રાજનીતિમાં પાછાં ફરી જ શકે.

રાજકારણમાં ભાગ્યેજ કોઈ નિવૃત્ત થવા ઇચ્છે છે.

જ્યાં લગી પ્રજા ઈચ્છે અને મોવડીમંડળ કબૂલ રાખે ત્યાં સુધી કોઈ પણ ઉંમરે સક્રિય રાજકારણમાં આવી શકાય.

ગુજરાતમાંથી રાજ્યપાલો તો ઘણા થયા છે, ભલે એ રાજભવનથી મંત્રીપદ ભણી પાછા ના ફર્યા હોય.

ભાવનગરના લોકપ્રિય મહારાજા કૃષ્ણકુમારસિંહજી(મદ્રાસ), કનૈયાલાલ માણેકલાલ મુનશી (ઉત્તર પ્રદેશ), જામનગરના રાજવી પરિવારના મેજર જનરલ હિંમતસિંહજી (હિમાચલ પ્રદેશ), સર સી.એમ.ત્રિવેદી (પંજાબ અને આંધ્ર પ્રદેશ) કેટલાક ઉદાહરણ છે.

ઉપરાંત જયસુખલાલ હાથી (પંજાબ),ખંડુભાઈ દેસાઈ, કુમુદબહેન જોશી(આંધ્ર ),કે. કે. શાહ, પ્રભુદાસ પટવારી (તમિલનાડુ),વીરેન શાહ (પશ્ચિમ બંગાળ) અને વજુભાઈ વાળા (કર્ણાટક) જેવા ગુજરાતી રાજ્યપાલો દેશને મળ્યા છે.

ગુજરાતની વિધાનસભાની આ વખતની ચૂંટણી વખતે વજુભાઈ રાજભવન છોડીને ગાંધીનગરને વહાલું કરે એવી ચર્ચા હતી.

રાજભવન નિવૃત્ત રાજનેતાઓ માટે ?

જોકે, રાજભવન માત્ર નિવૃત્ત રાજનેતાઓ માટે જ હોવાની માન્યતાને ઘણા રાજ્યપાલોએ ખોટી પાડીને કેન્દ્રમાં મંત્રીપદ કે રાજ્યોનાં મુખ્ય મંત્રીપદ સ્વીકાર્યાનાં કેટલાંક ઉદાહરણ છે.

એટલે વજુભાઈ કે આનંદીબહેન રાજભવનથી સક્રિય રાજનીતિમાં પાછાં ના જ ફરે એવો કોઈ નિયમ નથી.

મહારાષ્ટ્રના એકથી વધુ વખત મુખ્યમંત્રી રહેલા વસંતદાદા પાટીલ સદગત વડા પ્રધાન રાજીવ ગાંધીના યુગમાં ૨૦ નવેમ્બર ૧૯૮૫ના રોજ રાજસ્થાનના રાજ્યપાલ બન્યા.

બાદમાં કોંગ્રેસના અખિલ ભારતીય મહામંત્રી તરીકે સેવા આપવા એમણે ૧૦ ઓક્ટોબર ૧૯૮૭ન રોજ રાજ્યપાલપદ છોડીને આઝાદ થવાનું પસંદ કર્યું હતું.

જોકે, બે જ વર્ષમાં આ સહકારમહર્ષિનું અવસાન થયું એટલે બીજી આસમાની સુલતાની ના થઈ. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી રહેલાં બે વ્યક્તિત્વોએ રાજ્યપાલ થયા પછી સક્રિય રાજકારણમાં પાછા ફરવાનું પસંદ કર્યું હતું: સુધાકર નાઈક મુખ્યમંત્રી રહ્યા.

એ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ (૩૦ જુલાઈ ૧૯૯૪- ૧૭ સપ્ટેમ્બર ૧૯૯૬) રહ્યા પછી વાશીમ લોકસભા મતવિસ્તારથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા.

સુશીલકુમાર શિંદે મુખ્યમંત્રી રહ્યા. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ (૪ નવેમ્બર ૨૦૦૪ - ૨૯ જાન્યુઆરી ૨૦૦૬) રહ્યા અને પછી એ કેન્દ્રમાં ડૉ.મનમોહન સિંહ સરકારમાં ઊર્જા મંત્રી બન્યા.

એ પછી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યાં લગી કેન્દ્રના ગૃહ મંત્રી રહ્યા. અત્યારે પણ તેઓ કોંગ્રેસ પક્ષમાં સક્રિય છે.

શિંદેની જેમ જ મધ્ય પ્રદેશના બબ્બેવાર મુખ્યમંત્રી રહેલા અર્જુન સિંહ પંજાબના રાજ્યપાલ બન્યા (માર્ચ - નવેમ્બર ૧૯૮૫) અને એ પછી ફરીને ૧૯૮૮-૮૯ દરમિયાન મુખ્ય મંત્રી બન્યા.

એ પછી ૧૯૯૧-૧૯૯૪ અને ૨૦૦૪-૨૦૦૯ દરમિયાન કેન્દ્ર સરકારમાં માનવ સંસાધન મંત્રી રહ્યા.

આવી પાર્શ્વભૂમિમાં આવતા દિવસોમાં રાજ્યપાલ વજુભાઈ વાળા કે આનંદીબહેન પટેલ રાજ્ય કે કેન્દ્રમાં કોઈ મહત્વના હોદ્દે આવે તો બહુ આશ્ચર્ય પામવા જેવું કશું નથી.

મધ્યપ્રદેશમાં ચૂંટણી

આવતું આખું વર્ષ ચૂંટણીઓનું છે. મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.

પેટા ચૂંટણીઓમાં ભાજપની સ્થિતિ સારી જણાઈ નથી, સામાન્ય ચૂંટણીમાં ગુજરાત જેવું કટોકટ ચૂંટણીચિત્ર ઉપસવાના સંજોગો છે.

મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વારાફરતાં સત્તામાં આવવાની લગભગ પરંપરાને ભાજપ થકી વધુ એકવાર તોડવાની છે.

રાજ્યમાં કોંગ્રેસનું તંત્ર ગુજરાતની તુલનામાં વધુ મજબૂત છે.

વડોદરાના હવેના ભાજપી રાજવી પરિવારના જમાઈ અને કોંગ્રેસના મુખ્ય મંત્રીપદના સંભવિત ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા ગજું કાઢી રહ્યા છે.

જ્યોતિરાદિત્ય કોંગ્રેસના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની યુવા બ્રિગેડના અંતરિયાળ સભ્ય પણ છે.

ગ્વાલિયર રાજવી પરિવારના આ ચિરાગના ઉજ્જવળ ભવિષ્ય આડે એમની બંને ફોઈઓ ના આવે એ પણ સંભવિત છે.

સદગત વડાં પ્રધાન ઇંદિરા ગાંધીનાં સખી અને કોંગ્રેસનાં સાંસદમાંથી જનસંઘ અને ભાજપનાં ટોચનાં નેતા બનેલાં જ્યોતિરાદિત્યનાં દાદી રાજમાતા સિંધિયા અને એમના દિવંગત પુત્ર માધવરાવ સિંધિયા વચ્ચે અણબનાવ છતાં રાજવી આમન્યાઓ સદાય જળવાઈ હતી.

અત્યારના "મહારાજા" જ્યોતિરાદિત્યનાં એક ફોઈ વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્યમંત્રી છે.

એમનો વિકલ્પ પણ શોધાઈ રહ્યાની ચર્ચા છે. બીજાં ફોઈ યશોધરા રાજે (ભાનુશાળી) મધ્યપ્રદેશમાં મંત્રી છે.

વર્તમાન મુખ્યમંત્રી ચૌહાણને ચૂંટણી પહેલાં કે પછી દૂર કરવાની ચર્ચા મોવડીમંડળ કરતું હોવાના સંકેતો ગાંધીનગરમાં બુકે આપીને વિદાય થયેલા શિવરાજસિંહનાં અંતરંગ વર્તુળો આપતાં હતાં.

ભાજપનું મોવડીમંડળ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કરે અથવા ચૂંટણીનું પરિણામ ગુજરાત જેવું કે નકારાત્મક આવે, એવા તબક્કે રાજ્યપાલની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય.

વડાપ્રધાનનાં અત્યંત વિશ્વાસુ રાજ્યપાલનું આવા સંજોગોમાં ત્યાં હોવું જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો