સુરતનો એક હીરા વ્યવસાય આવો પણ, આપ જાણો છો?

    • લેેખક, મનીષ પાનવાળા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આપે સાંભળ્યું હશે કે હીરા ખાણમાંથી નીકળે, પરંતુ ગટર કે ધૂળમાંથી હીરા મળે? દેશની હીરાનગરી સુરતની ગલીઓ અને ગટરોમાં આમ થવું શક્ય છે.

બલકે જોવા મળી રહયું છે.

આ રીતે લગભગ 500 લોકો આજીવિકા મેળવે છે. દરરોજ હીરા મળે તે જરૂરી નથી, પરંતુ નસીબ અને મહેનત ઉપર વિશ્વાસ રાખી લોકો મહેનત કરતા રહે છે.

આ રીતે માસિક ઓછામાં ઓછી પાંચ આંકડામાં આવક રળતા હોવાનો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વના કુલ હીરામાંથી 70 ટકા હીરા સુરતમાં પૉલિશ થાય છે.

રસ્તા પર રતન

સુરતની મહિધરપુરા અને વરાછા રોડની મીની બજારો હીરાના વેપાર માટે વિખ્યાત છે. દરરોજ કરોડો રૂપિયાના હીરાના સોદા રસ્તા પર જ થાય છે.

લગભગ ચાલીસ હજાર લોકો હીરાના ખરીદ-વેચાણ માટે આ બજારોની મુલાકાત લે છે.

ધક્કો લાગવાથી, ભૂલાઈ જવાથી કે પડી જવાથી હીરા ખોવાઈ જાય છે.

સુરતમાં બનતા હીરાની સાઇઝ ખૂબ નાની હોય છે. તે ઘણી વખત ઉડી જતાં હોય છે કે ખોવાઈ જતાં હોય છે, જેને શોધવા મુશ્કેલ બની જાય છે.

ક્યારેક હીરા રસ્તા પરથી ઢસડાઈને ગટરમાં પહોંચી જાય છે. મનજીભાઈ જેવા લોકો આ હીરા શોધી રોજીરોટી રળે છે.

ગટરમાં 'ખાણ'

મૂળ ભાવનગરના મનજીભાઈ હીરાબજારની સાંકડી ગલીઓમાં આજુબાજુની ઑફિસોમાંથી આવતી ગટરની સફાઈ કરી હીરા શોધવાનું કામ કરે છે.

પાકટ વયની ઉંમરે પહોંચેલા મનજીભાઈ કહે છે, "છેલ્લાં 25 વર્ષથી હીરા શોધવાનું કામ કરું છું. ભારે મહેનતનું કામ છે, મહેનત કર્યા વગર કશું મળતું નથી.

"નસીબમાં હોય તે દિવસે હીરા મળી આવે છે, આના કારણે ઘરનો ખર્ચ નીકળી જાય છે."

મનજીભાઈની જેમ મહિધરપુરા અને વરાછાની હીરાબજારમાં અંદાજે દોઢસો જેટલા અન્ય લોકો પણ આ રીતે ગટરમાંથી હીરા શોધવાનું કામ કરે છે.

ધૂળમાં 'ધન'

બીજી તરફ કાશીરામ હીરાબજારના રસ્તાની ધૂળમાંથી હીરા શોધવાના કામમાં લાગેલા છે.

તેઓ 40 વર્ષથી આ કામ કરી રહ્યાં છે અને આ કામમાં નિષ્ણાત બની ગયા છે.

તેમને હીરા જોઈને તેના પ્રકાર અને કિંમતનો અંદાજ આવી જાય છે.

કાશીરામ કહે છે, "ચોકી, માર્કિસ, ગોલ બધા જ હીરા અંગે ખબર પડે. પાંચ-પચ્ચીસ, સો કે બસ્સો રૂપિયાનો છે, તેની કિંમતનો પણ અંદાજ આવી જાય."

કાશીરામની જેમ શંકર પણ આ જ કામ કરે છે.

શંકર કહે છે, "આ કામ ખૂબ જ મહેનતનું છે. સવારે સાતથી સાંજના સાત સુધી કામ કરવું પડે છે. ક્યારેક હીરા મળે અને ક્યારેક ન પણ મળે."

માસિક આવક

સુરત ડાયમંડ ઍસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ પ્રવીણ નાણાવટી કહે છે, "મારું માનવું છે કે તેમની માસિક આવક 20થી 25 હજાર રૂપિયાથી વધુ હશે."

"મારા ધ્યાનમાં એવા પણ લોકો છે જેઓ ફોર વ્હીલર ચલાવતા હોય અથવા તો પોતાને ત્યાં ફોર વ્હીલર રાખતા હોય છે."

ઉલ્લેખનીય છે કે ગુજરાતની દક્ષિણમાં આવેલા સુરતની ઓળખ 'હીરાનગરી' તરીકે થાય છે.

વિશ્વમાં ઉત્પાદિત કુલ હીરામાંથી 70 ટકા હીરા અહીં પૉલિશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો