You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું મારા છેલ્લા શ્વાસ સુધી વહેલ શાર્ક અને પર્યાવરણને બચાવતો રહીશ'
- લેેખક, અર્ચના પુષ્પેન્દ્ર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતના દરિયાકિનારે આવતી વહેલ શાર્કને બચાવવા માત્ર પાંચ ધોરણ ભણેલા એક વ્યક્તિએ ઝુંબેશ ઉપાડી હતી.
હાલ તે ઝુંબેશ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વટવૃક્ષ બનીને ઊભી છે.
હાલ કોડીનારમાં રહેતા અને ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડાં ગામમાં જન્મેલા દિનેશ ગોસ્વામી વહેલ શાર્કના તારણહાર તરીકે ઓળખાય છે.
દિનેશ ગોસ્વામીએ વહેલ શાર્કને બચાવવાની ઝૂંબેશ 1997માં શરૂ કરી હતી. દિનેશે અત્યાર સુધી 500થી વધારે વહેલ શાર્કનાં જીવ બચાવ્યા છે.
સ્કૂલ ડ્રોપઆઉટ અને શ્રમિક
દિનેશ સ્કૂલ ડ્રોપ આઉટ હતા. તેમના ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેમને આગળ ભણાવી શકાય.
નાનપણથી જ તેઓ ઘરના કામમાં માતાપિતાને મદદ કરતા હતાં. મોટા થતાં થતાં તેમને ઇલેક્ટ્રિશિયનના કામમાં થોડી ફાવટ આવી.
તમને આ વાંચવું પણ ગમશે:
એટલે તેમણે સમુદ્ર કિનારે સ્થિત સિમેન્ટ ઉત્પાદન કરતી ખાનગી કંપનીમાં મજૂરી કામ શરૂ કર્યું.
શરૂઆતના દિવસો યાદ કરતા દિનેશ કહે છે, "હું સિમેન્ટ કંપનીમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો. એ સમયે મને એક દિવસના 40 રૂપિયા મજૂરી મળતી હતી. બપોરે જમ્યા બાદ જ્યારે અન્ય લોકો આરામ કરતા ત્યારે હું દરિયાકાંઠે લટાર મારવા જતો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વહેલ શાર્કનો શિકાર
દિનેશ જ્યારે સમુદ્ર કિનારે આંટો મારવા નીકળતા ત્યારે ચોક્કસ દૃશ્યો તેઓ રોજ જોતા હતા.
તેમણે કહ્યું, ''કાંઠા પર માછીમારો વહેલ શાર્કને પકડી લાવતા અને તેને ચીરીને તેના માંસ, ચામડી, લિવર અને પાંખોને વેચી તેનો વેપાર કરતા હતા."
દિનેશભાઇના કહેવા પ્રમાણે એ જમાનામાં માછીમારોને એક વહેલ શાર્કનો શિકાર કરવાથી દોઢથી બે લાખ રૂપિયાની કમાણી થતી હતી.
કેવી રીતે મળી પ્રેરણા?
એક દિવસ રોજની માફક દિનેશ સમુદ્ર કિનારે લટાર મારતા હતા. તેમણે જોયું કે ત્યાં વહેલ શાર્ક સંબંધિત ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે.
એ દિવસને યાદ કરતા દિનેશ કહે છે, '' હું સાવ લઘર વઘર કપડાંમાં હતો. મેં ફિલ્મનાં દિગ્દર્શક માઇક પાંડેને જઈને કહ્યું કે શાર્ક સાથે મારો પણ એક ફોટો ખેંચી આપો.''
એમણે દિનેશનો ફોટો પાડ્યો અને કહ્યું, '' આ ફોટો હું તમને આપીશ કેવી રીતે? હું તો હમણાં જતો રહીશ. આ વહેલ માછલીઓ માટે તમારે બધાએ કંઇક કરવું જોઇએ. આપણા કિનારા પર તેની હત્યા ના થવી જોઇએ.''
માઇક પાંડેનાં એ શબ્દો દિનેશનાં કાનમાં ગુંજવા લાગ્યા. એમણે મનોમન નક્કી કર્યું કે તેઓ વહેલ શાર્કને મરવા નહીં દે.
જોકે, માછીમારોને વહેલ શાર્કને મારવાના બદલે બચાવવાનું કહેવું એટલું સરળ નહોતું.
વહેલ શાર્કનો વેપાર
વહેલ શાર્કને માછીમારો કાપીને વેચી દેતા. જાપાન, તાઇવાન જેવા દેશોમાં ભારતથી વહેલ એક્સપોર્ટ થતી હતી.
દિનેશભાઈ કહે છે કે વહેલનાં મીનપક્ષો કેમિકલ બનાવવામાં વપરાય છે.
વહેલનાં લિવરમાંથી લાકડાં પર ચોપડવાનું તેલ બને છે, જેનાથી લાકડું લાંબા સમય સુધી ટકી શકે છે.
એના માસમાંથી સર્જરી વખતે વપરાતો દોરો બને છે.
પ્રજનન માટે આવે છે ગુજરાત
એટલે જ મૂળ દ્વારકા, તાંબલેજ, સૂત્રાપાડા, વેરાવળ, માંગરોળ, કોટડા, માઢવડનાં સમુદ્ર કિનારાનાં ગામોમાં વહેલ દેખાતા જ માછીમારો એને પકડી લેતા હતા.
વહેલ શાર્ક સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધી આ કિનારાઓ પર આવે છે.
અહીંના કિનારા સાફ છે. પાણી હુંફાળું અને મલિન છે. જેથી શ્રીલંકાનો દરિયો ખેડી મડાગાસ્કર અને ઑસ્ટ્રેલિયાથી આ વિસ્તારમાં પ્રજનન માટે વહેલ શાર્ક આવે છે.
વહેલ શાર્કને બચાવવાની ઝુંબેશ
આખરે વહેલ શાર્કને બચાવવા માટે દિનેશે ઝુંબેશ શરૂ કરી.
માછીમારોને સમજાવવા માટે તેઓ તેમના પટેલો (પ્રમુખ)ને મળ્યા. લોકસંપર્ક યાત્રાની શરૂઆત કરી. કોડીનારથી દીવ સુધી માછીમારોને વહેલને બચાવવા માટે જાગૃત કર્યા.
તેઓ ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓને મળ્યા. વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇંડિયાની મદદ માંગી.
દિનેશે 1997થી લઈને વર્ષ 2000 સુધી આ ઝુંબેશ ચલાવી. જેમાં સાથે ગુજરાત સરકાર, ફોરેસ્ટ વિભાગ, વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ્સ અને ધાર્મિક ગુરુઓને પણ જોડ્યા.
પ્રતિબંધ
દિનેશ કહે છે, "વર્ષ 2000માં અમે જ્યારે પહેલી વહેલ શાર્ક બચાવી હતી ત્યારે દરિયા કિનારા પર મીઠાઈ વહેંચી હતી. એ દિવસે આખી રેસ્ક્યુ ટીમનો ઉત્સાહ અનોખો હતો.”
દરમિયાન 2001માં ગુજરાત સરકારે વહેલ શાર્કના શિકાર પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો.
સાથે જ વાઇલ્ડ લાઇફ એક્ટ અંતર્ગત સાત વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી.
બચાવ કામે જોર પકડ્યું
હવે ગુજરાતના દરિયા કિનારે આવતી વહેલ શાર્કને મારવાના બદલે તેમને બચાવવાના કામે વધારે જોર પકડ્યું.
માછીમારો નાની માછલીઓને પકડવા જે જાળ પાથરતા તેમાં અજાણે વહેલ શાર્ક પણ ફસાઈ જાય છે.
એવા સમયે માછીમારો દિનેશ ગોસ્વામીને યાદ કરે છે. દિનેશ તેમની રેસ્ક્યુ ટીમ સાથ પહોંચી જાય છે અને વહેલ શાર્કની જાળ કાપી તેને મુક્ત કરાવે છે.
રેસ્ક્યુમાં મુશ્કેલી
રેસ્ક્યુ ઑપરેશન સમયે આવતી મુશ્કેલીઓ વિશે દિનેશ કહે છે, "ઘણીવાર એવું બને છે કે ફસાયેલી વહેલ શાર્કનું વજન અમારી બોટના વજનથી પણ બમણું હોય છે."
આવી સ્થિતિમાં દિનેશ કહે છે કે વહેલને જાળમાંથી છોડાવવી મુશ્કેલ બને છે. સમુદ્રમાં બોટ પલટી ખાઈ જાય છે. અમારા જીવ પર જોખમ આવે છે.
આ સિવાય સમુદ્રી તોફાનો અને અન્ય હિંસક જળચર જીવોનો ભય પણ બન્યો રહે છે.
દિનેશ ગોસ્વામીનો પડછાયો બનીને કામ કરનાર જિગ્નેશ ગોહેલ આવા જ એક રેસ્ક્યુ ઑપરેશનને યાદ કરતાં કહે છે, "અમે એકવાર અડધી રાત્રે રેસ્ક્યુ માટે ગયા હતા.
ત્યારે સમુદ્રમાં તોફાન એટલું બધુ હતું કે અમને લાગ્યું હતું કે આજે અમે દરિયામાં સમાઈ જઈશું. પરંતુ ભગવાનની દયાથી વહેલ શાર્ક અને અમારો બધાનો જીવ બચી ગયો હતો."
પુરસ્કારોથી સમ્માનિત
દિનેશ ગોસ્વામી અને જિગ્નેશ ગોહેલે હવે પ્રકૃતિ નેચર ક્લબ બનાવી છે. જેના થકી તેઓ દરેક પ્રકારના જળચર પ્રાણીઓને બચાવવાનું કામ પણ કરે છે.
તેમની સંસ્થા વહેલ શાર્કને બચાવવાની સાથે દરિયાઈ કાચબા ઉપર સંશોધન કરે છે. દિનેશને ગુજરાત સરકાર સહિત અન્ય સંસ્થાઓએ પુરસ્કાર પ્રદાન કર્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો