You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓશો રજનીશ અને મારી વચ્ચે સેક્સ ક્યારેય મુદ્દો નહોતો : મા આનંદ શીલા
- લેેખક, ઇસલીન કૌર
- પદ, બીબીસી સંવાદદાતા
"લોકો મને જાણતા નથી, કારણ કે લોકોને મારા પ્રેમનો અનુભવ નથી. મેં જે જીવન વિતાવ્યું છે અને હું કેવી વ્યક્તિ છું તે મારા સિવાય કોઈ કહી નહીં શકે."
આ શબ્દો છે મા આનંદ શીલાના જે વર્ષો સુધી આચાર્ય રજનીશનાં અંગત સેક્રેટરી રહી ચૂક્યાં છે.
અગાઉ નેટફ્લિક્સ પર 'સેક્સગુરુ' તરીકે ઓળખાતા આચાર્ય રજનીશના જીવન પર આધારિત વેબસિરીઝ આવી હતી.
જેમાં તેમના જીવન સાથે જોડાયેલાં ઘણાં પાસાંને ઉજાગર કરવામાં આવ્યાં હતાં.
મા આનંદ શીલાએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં ઓશો રજનીશ અને આશ્રમની જિંદગી અંગે મોકળા મને વાત મૂકી હતી.
મા આનંદ શીલાએ કહ્યું, "ભગવાન રજનીશ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા અને તેઓ લોકોને ધ્યાન અને જાગૃત થવાનું જ્ઞાન આપતા."
"જ્યારે મારે પૈસાની જરૂર પડતી ત્યારે તેઓ આ જ્ઞાનરૂપી ચાવીનો ઉપયોગ કરતા અને અમુક લોકોને જાગૃત ઘોષિત કરી દેતા જેથી વધુ પૈસા મળી શકે."
પરંતુ શું આવું કરવું એ કપટ અને લોકોને ભ્રમિત કરવા સમાન નહોતું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલના જવાબમાં શીલાએ કહ્યું, "એક રીતે હા કહી શકાય, પરંતુ આ એ જ હોશિયાર લોકો હતા જેઓ આ કપટ પાછળ દોડતા હતા."
"એટલા માટે માત્ર ભગવાનને જવાબદાર ન ઠેરવી શકાય. એ લોકો પણ એટલા જ જવાબદાર હતા."
ભારત સહિત વિશ્વમાં ઓશોનો પ્રભાવ દિવસે ને દિવસે વધી રહ્યો હતો. દેશભરમાંથી ઓશોના અનુયાયીઓ ભારતના પૂણે ખાતેના આશ્રમે આવી રહ્યા હતા.
ત્યાર બાદ ઓશો રજનીશ પોતાનું ક્ષેત્ર વધારવા માટે 1980માં પૂણેથી અમેરિકાના ઑરેગન જતા રહ્યા, જેમાં મા આનંદ શીલાનો મોટો ફાળો હતો.
ઑરેગન ખાતેના આશ્રમમાં લગભગ 15 હજાર અનુયાયીઓ રહેતા હતા જે ઓશો માટે કંઈ પણ કરી શકે એમ હતા.
શીલા અને ઓશો વચ્ચે શું સંબંધ હતો એ સવાલના જવાબમાં તેઓ જણાવે છે, "મને સત્તા કે હોદ્દામાં ક્યારેય રસ નહોતો."
"હું તો માત્ર ભગવાનના પ્રેમને ખાતર ત્યાં હતી, પરંતુ મારા અને ભગવાન વચ્ચે સેક્સ ક્યારેય મુદ્દો નથી બન્યું."
મા આનંદ શીલા પર ઝેર આપવાનો આરોપ
જેમજેમ સમય વીતતો ગયો તેમતેમ આશ્રમનું વાતાવરણ બગડવા લાગ્યું.
આ સ્થિતિની અસર ઓશો અને મા આનંદ શીલાના સંબંધ પર પડી.
ભગવાન રજનીશે મા આનંદ શીલા પર આશ્રમમાં તેમના અંગત લોકો પર હુમલો કરવા અને ઝેર આપવા જેવા ગંભીર આરોપો મૂક્યા હતા.
આ અંગે મા આનંદ શીલાએ જણાવ્યું, "મારે આ અંગે હવે કોઈ ચર્ચા નથી કરવી, કારણ કે હું 39 મહિના સુધી જેલમાં રહી છું."
"જે મારા અપરાધ માટે પૂરતું છે. લોકો મને આખી જિંદગી સજા ન આપી શકે."
"પરંતુ લોકોની માનસિકતા એવી બની ગઈ છે જેઓને માત્ર કૌભાંડોની વાતોમાં જ રસ છે."
સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે ઑરેગનસ્થિત ઓશોઆશ્રમમાં જે થઈ રહ્યું હતું તે ખૂબ જ વિચિત્ર હતું.
ત્યાં સુધી કે આશ્રમમાં એક લૅબોરેટરી બનાવવામાં આવી હતી. જેમાં અવનવાં પરિક્ષણો કરવામાં આવતાં હતાં.
શું ભગવાન રજનીશ કોઈ કૌભાંડમાં સામેલ હતા?
આ સવાલનો જવાબ આપતાં મા આનંદ શીલા કહે છે, "હા, ભગવાને પણ ઘણાં કૌભાંડો કર્યાં છે અને આ વાત હું તેમના મોઢા પર કહી શકું છું."
હાલમાં શીલા સ્વિટ્ઝર્લૅન્ડમાં રહે છે જ્યાં તેઓ બીમાર લોકો માટે 'કૅરહોમ' ચલાવે છે અને સાદગીપૂર્ણ સાદું જીવ જીવે છે.
મા આનંદ શીલા કહે છે, "મને આ લોકો સાથે રહેવું અને તેમની સારવાર કરવી ગમે છે."
"મારી પાસે જિંદગીનો ઘણો જ અનુભવ છે. કુદરતે મારી પર ઘણો ભરોસો મૂક્યો છે એટલે લોકોને જે કહેવું હોય તે કહે મને કોઈ ફેર નથી પડતો અને મને કોઈ પસ્તાવો પણ નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો