You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમિક્રૉન વૅરિયન્ટ : આફ્રિકામાં કેવી દશા થઈ? ત્યાંનું મીડિયા શું લખે છે?
નવેમ્બર મહિનાના અંતમાં દક્ષિણ આફ્રિકાના બોત્સવાનામાંથી વૈજ્ઞાનિકોને ઓમિક્રૉન વૅરિયન્ટ મળ્યો હતો. જે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમગ્ર વિશ્વને જાણકારી આપી હતી.
ઝડપથી પ્રસરવાની ક્ષમતા ધરાવતા આ વૅરિયન્ટને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 'ચિંતાજનક વૅરિયન્ટ'ની યાદીમાં મૂકવામાં આવ્યો છે.
એ બાદ વિશ્વના ઘણા દેશોએ આફ્રિકન દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધો લાદવાના શરૂ કરી દીધા હતા.
આ સાથે આફ્રિકન દેશોને કોરોના વૅક્સિનના મળી રહેલા જથ્થા અંગે પણ સવાલો ઊભા થયા હતા.
જેને લઈને આફ્રિકાના વિવિધ રાજનેતાઓ દ્વારા પશ્ચિમિ દેશોના નિર્ણયને વખોડ્યો હતો.
જ્યારે દુનિયાભરમાં કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટનો ભય છે, ત્યારે આફ્રિકાના મીડિયામાં આ વૅરિયન્ટ અંગે શું ચર્ચા થઈ રહી છે?
આફ્રિકન મીડિયા - ઓમિક્રૉન વૅરિયન્ટે સર્જેલી સ્થિતિનો ચિતાર
નેલ્સન મંડેલાના અદ્વિતીય નેતૃત્વને યાદ કરતાં દક્ષિણ આફ્રિકાની ન્યૂઝ વેબસાઇટ આઈઓએલના લેખમાં લખ્યું છે કે, "જો તેઓ હયાત હોત તો દક્ષિણ આફ્રિકા સાથે આવો ભેદભાવ થયો ન હોત."
તેમાં આગળ લખ્યું છે કે, "અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનો અનુભવ અહીંના લોકો કરી રહ્યા છે અને આમાં રંગભેદની ભૂમિકા હોવાનું પણ તેઓ અનુભવે છે. આ એક ભયંકર બાબત છે કે આપણે વિશ્વના મોટાભાગના લોકોની દૃષ્ટિમાં કેટલા નીચે પડી ગયા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ આફ્રિકન ન્યૂઝ વેબસાઇટ ડેઇલી મૅવરિકના અહેવાલ અનુસાર, પ્રવાસ પર પ્રતિબંધ દ્વારા દક્ષિણ આફ્રિકા અને તેના પડોશી દેશોને બદનામ કરીને વિકસિત દેશો વૈશ્વિક મહામારીને 'દક્ષિણ આફ્રિકન મહામારી'માં ફેરવી રહ્યા છે.
અહેવાલમાં લખ્યું છે કે, "તેઓ પોતાને આફ્રિકન ખંડના મિત્રો તરીકે રજૂ કરે છે અને આફ્રિકન સહયોગ અને સહકારને ટેકો આપવા માટે ભંડોળના કાર્યક્રમોને સમર્પિત કરે છે."
"તેમ છતાં તેઓ એવા નિર્ણયો લે છે કે જે આફ્રિકાના અર્થતંત્રની કોવિડની માઠી અસરમાંથી બહાર આવવાની ક્ષમતાને નુકસાન પહોંચાડે છે."
દક્ષિણ આફ્રિકામાં હાલ શું પરિસ્થિતિ છે?
3 ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં એક દિવસમાં 16,366 કેસ નોંધાયા હતા, જે આ વર્ષ દરમિયાન એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ હતા. જ્યારે માત્ર 21 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
5 ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં નવા 11,125 કેસ નોંધાયા હતા. જ્યારે સમગ્ર દેશમાં માત્ર એક દર્દીનું મોત નીપજ્યું હતું. દક્ષિણ આફ્રિકાનો 5 ડિસેમ્બરની દૃષ્ટિએ રિકવરીરેટ 94.5 ટકા છે.
જોકે, ઍક્ટિવ કેસનો આંકડો 83, 584 છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે વાઇરસના નવા વૅરિયન્ટના કારણે હૉસ્પિટલાઇઝેશનનો દર વધ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત ગૌટેંગ છે અને આ જ પ્રાંતમાં હાલ 5 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.
ગૌટેંગના પબ્લિકહેલ્થ સ્પેશિયાલિસ્ટ ડૉ. ત્સાકિસિ માલુલેકેએ સોવૅટન લાઇવને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ગૌટેંગમાં હાલ 1511 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 113 દર્દીઓ નવ વર્ષ કે તેથી ઓછી ઉંમર ધરાવે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, "અગાઉ કરતાં આ વખતે બાળકોની સંખ્યા વધારે છે. આ બાળકો પરના અભ્યાસ પરથી સાબિત થયું છે કે તેઓ ખૂબ જ હળવાં લક્ષણો ધરાવે છે."
જોકે, દક્ષિણ આફ્રિકામાં વૅક્સિનેશનને લઈને ઘણી ઉદાસીનતા જોવા મળી રહી છે. દક્ષિણ આફ્રિકાની કુલ વસતીના માત્ર 25 ટકા લોકોએ રસી મેળવી છે.
દેશના માત્ર 1.48 કરોડ લોકોએ કોરોનાની રસીના બન્ને ડૉઝ લીધા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો