ઓમિક્રૉન વૅરિયન્ટ : કોરોના વાઇરસના નવા વૅરિયન્ટને કારણે ભારતમાં ત્રીજી લહેર આવશે? કેન્દ્ર સરકારે શું કહ્યું?

દુનિયાએ ઓમિક્રૉનથી ગભરાઈ જવાની જરૂર નથી પરંતુ તેની સામે તૈયારી રાખવાની જરૂર છે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમક્રૉન વિશે આ સૂચન કર્યું છે.

એક પ્રેસ કૉન્ફરન્સમાં શુક્રવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈજ્ઞાનિક સૈમ્યા સ્વામીનાથને કહ્યું કે અત્યારની પરિસ્થિતિ ગત વર્ષ કરતાં ઘણી અલગ છે.

રિપોર્ટ મુજબ ઓમિક્રૉનની હાજરી 40 જેટલા દેશોમાં નોંધાઈ છે.

જોકે હજુ એ સ્પષ્ટ નથી કે મોટાપાયે મ્યૂટેટ થયેલો આ વૅરિયન્ટ કેટલી હદે સંક્રામક છે અથવા શું તે કોરોના વૅક્સિનને ચકમો આપી શકે છે કે કેમ.

દક્ષિણ આફ્રિકા જ્યાં સૌથી પહેલાં આ વૅરિયન્ટ શોધાયો ત્યાંના વૈજ્ઞાનિકોના પ્રારંભિક ડેટા મુજબ કોરોના વાઇરસ સામેની પ્રતિરોધક શક્તિને ઓમિક્રૉન વૅરિયન્ટ થોડી ઘણી હદે ચકમો આપી શકે છે પરંતુ નિષ્ણાતો કહે છે કે આ વિશ્લેષણ હજી નિર્ણાયક ન ગણી શકાય.

ડૉ સ્વામીનાથને રૉયટર્સ નેક્સ્ટ કૉન્ફરન્સમાં કહ્યું કે દક્ષિણ આફ્રિકાથી મેળલા ડેટા મુજબ વધુ સંક્રામક હોવાલને કારણે સંભાવના છે કે દુનિયામાં આ વૅરિયન્ટનું પ્રભુત્વ વધે, જોકે આ વિશે કોઈ ભવિષ્યવાણી કરવી અઘરી છે. હાલ દુનિયાના 99 ટકા કોરોના કેસમાં ડેલ્ટા વૅરિયન્ટની અસર છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઇમર્જન્સી વિભાગના ડાયરેક્ટર માઇક રાયને કહ્યું કે હાલ વિશ્વ પાસે કોવિડ-19ની સામે રક્ષણ માટે ખૂબ અસરકારક વૅક્સિન છે અને હાલ વૅક્સિનના વિતરણ પર ધ્યાન હોવું જોઈએ. તેમણે કહ્યું કે આ રસીઓમાં નવા ઓમિક્રૉન મુજબ ફેરફાર કરવા માટે કોઈ પુરાવા નથી.

ઓમિક્રૉનના કેસ વધતા કેટલાક દેશોએ યાત્રાને લઈને નિયમોમાં ફેરફાર કર્યા છે. અમેરિકા અને યુરોપમાં પણ ઓમિક્રૉનના કેસ વધી રહ્યા છે.

કોરોના વાઇરસની બીજી લહેરે ભારતના આરોગ્ય તંત્રને ઘૂંટણિયે લાવી દીધું હતું. ભારતે પણ ઓમિક્રૉનના કેસ નોંધાતા કોરોના વાઇરસના નવા વૅરિયન્ટની સામે કામગીરીની દિશામાં પગલાં લીધાં છે

ઓમિક્રૉન વૅરિયન્ટને કારણે ભારતમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે?

ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના બે કેસ નોંધાયા હતા.

દક્ષિણ આફ્રિકાથી દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટને ચિંતાજનક વૅરિયન્ટની યાદીમાં પહેલાંથી જ મૂકવામાં આવ્યો છે.

ઓમિક્રૉન વૅરિયન્ટે ભારત સહિત અનેક દેશોને ચિંતામાં મૂકી દીધા છે.

ભારતમાં ઓમિક્રૉનના કારણે વિદેશથી ભારત આવી રહેલા યાત્રીઓ માટે કડક નિયમો બનાવાયા છે. જેમાં કોરોના વાઇરસનો ટેસ્ટથી શરૂ કરીને અઠવાડિયા સુધી આઇસોલેશનની જોગવાઈ કરાઈ છે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં શુક્રવારે કહ્યું હતું કે જોખમરૂપ દેશોમાંથી આવેલા 58 ફ્લાઇટના 16 હજાર પેસેન્જરના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 18 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે અને તેમના જિનોમ સિક્વન્સિંગની કામગીરી ચાલી રહી છે.

નવા કોરોના વાઇરસને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે. આ વૅરિયન્ટનું નામ ઓમિક્રૉન પણ છે. ઓમિક્રૉન ગ્રીક ભાષાના અક્ષરો આલ્ફા, ડેલ્ટાની જેમ એક અક્ષર છે.

ભારત સરકારે પણ ઓમિક્રૉનને લઈને કેટલાક પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરી છે.

નવા ઓમિક્રૉન વૅરિયન્ટથી આપણે કેટલી ચિંતા કરવાની જરૂર છે?

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા ઓમિક્રૉન વાઇરસને હાલ ચિંતાજનક વૅરિયન્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

ચિંતાજનક વૅરિયન્ટમાં કેમ મૂકવામાં આવ્યો છે તેની વાત કરતા સ્વાસ્થ્ય મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની વ્યાખ્યાને ટાંકીને કહ્યું કે રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો હોય અથવા તેમાં હાનિકારક ફેરફાર જોવા મળ્યા હોય ત્યારે તેને ચિંતાજનક વૅરિયન્ટમાં મૂકવામાં આવે છે.

આ ઉપરાંત રોગના લક્ષ્ણોમાં ફેરફાર જોવા મળે, રસીની અસરકારકતાને રોગ ઘટાડતો હોય તો તેને પણ ચિંતાજનક રોગની યાદીમાં મૂકવામાં આવે છે.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓમિક્રૉનના મ્યૂટેશનમાં થઈ રહેલાં ફેરફારો, તેનાથી વધી રહેલું ટ્રાન્સમિશન અને રોગપ્રતિકારક શક્તિમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને તેને ચિંતાજનક વૅરિયન્ટની યાદીમાં મૂકવામાં આવ્યો છે.

સરકાર કહે છે કે પ્રાથમિક રીતે એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે કોરોના વાઇરસમાં ભારે ફેરફાર આવ્યા છે, જેવા કે ફરીથી ચેપ ઝડપથી લાગી રહ્યો છે. ઓમિક્રૉન વૅરિયન્ટ રોગપ્રતિકારક શક્તિ કેટલી ઘટાડે છે? તેના ચોક્કસ પુરાવાની રાહ જોવાઈ રહી છે.

શું ઓમિક્રૉનના કારણે કોરોના વાઇરસની ત્રીજી લહેર આવશે?

દક્ષિણ આફ્રિકાની બહારના દેશોમાં જે પ્રકારે ઓમિક્રૉનના કેસ વધુને વધુ નોંધાઈ રહ્યા છે અને તેની વિશેષતાઓને જોતાં, તે ભારત સહિત બીજા દેશોમાં ફેલાય તેવી શક્યતા છે.

વિશ્વ આરોગ્ય સંગઠને પણ તમામ દેશોને ચેતવણી પણ છે.

જો કે, કેસોમાં વધારો કેટલી ઝડપે અને કેટલો થશે તે હજી સુધી જાણી શકાયું નથી કારણ કે હાલ સુધી રોગની તીવ્રતા સ્પષ્ટ થઈ શકી નથી.

ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઝડપથી થઈ રહેલાં રસીકરણ અને ડેલ્ટા વૅરિયન્ટના ફેલાવા દરમિયાન સિરોપૉઝિટિવીટી સરવેમાં જે પરિણામ જોવા મળ્યું હતું તેને જોતાં લાગે છે કે આ વૅરિયન્ટની એટલી ગંભીર અસર નહીં થાય. જો કે, વૈજ્ઞાનિક પુરાવા હજુ પણ વિકસિત થઈ રહ્યા છે.

ઓમિક્રૉન પર વૅક્સિન કામ કરશે?

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે હાલ જે રસીઓ અપાઈ રહી છે તે રસી ઓમિક્રૉન વૅરિયન્ટ સામે અસરકારક ન હોય તેવો એકપણ પુરાવો નથી મળ્યો.

સ્પાઈક જનીન પર થયેલું પરિવર્તન હાલની રસીની અસરકારકતામાં ઘટાડો કરી શકે છે. રસી દ્વારા મળેલું પ્રોટેક્શન ઍન્ટીબૉડી અને સેલ્યુલર ઇમ્યુનિટી દ્વારા મળતું હોય છે, જે પ્રમાણમાં વધુ સારી રીતે સચવાય તેવી અપેક્ષા છે.

આમ આશા રાખવામાં આવી રહી છે કે રસી ગંભીર રોગ સામે રક્ષણ આપી શકવા સક્ષમ છે. જે લોકો રસી લેવાને પાત્ર છે અને જો ના લીધી હોય તો તેમણે લઈ લેવી જોઈએ.

બૂસ્ટર ડોઝની સલાહ

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારતના ઉચ્ચ જિનૉમ વૈજ્ઞાનિકોએ 40 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વાઇરસનો બૂસ્ટર ડોઝ આપવાની સલાહ આપી છે.

ભારત સરકારે સાર્સ કોવ-2 જિનોમ સિક્વન્સિંગ લૅબનું એક નેટવર્ક તૈયાર કર્યું છે જેથી કોરોના વાઇરસના વિવિધ વૅરિયન્ટ્સ પર નજર રાખી શકાય. આ નેટવર્કના કન્સોર્શિયમે સરકારને કહ્યું કે ભય અને વસતી ધ્યાનમાં રાખીને 40 વર્ષથી ઉપરના લોકોને બૂસ્ટર ડોઝ આપી દેવો જોઈએ.

કેવા પ્રકારના સાવચેતીના પગલાં લેવાની જરૂર છે?

ઓમિક્રૉનથી બચવા માટે લોકોએ પહેલાંની જેમ જ સાવચેતીના યોગ્ય પગલાં લેવાની જરૂર છે.

ભારત સરકારના નિર્દેશ મુજબ તમારે યોગ્ય રીતે માસ્ક પહેરવું પડશે, રસીના બંને ડોઝ લઈ લેવા જોઈએ.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને શક્ય બને તો સારા હવા-ઉજાસ એટલે કે વૅન્ટિલેશન વાળી જગ્યાઓ પર રહેવું જોઈએ.

ભારત ઓમિક્રૉન સામે શું પગલાં ભરી રહ્યું છે?

ભારત સરકારે કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ સામે લડવાની વાત અંગે કહ્યું કે ભારત સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સમયાંતરે યોગ્ય માર્ગદર્શિકા જારી કરી રહી છે.

આ દરમિયાન, વૈજ્ઞાનિક અને તબીબી સમુદાય રોગના નિદાનની વિવિધ પદ્ધતિઓ વિકસાવવા, જેનૉમિક સર્વેલન્સ વધારવા, વાયરલ અને રોગચાળાના લક્ષણો વિશે પુરાવાઓ એકઠા કરવાનું કામ કરી રહ્યા છે.

કોરોના વાઇરસનો દરદી ઓમિક્રૉનથી સંક્રમિત છે તે કેવી રીતે ખબર પડે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આરટીપીસીઆર ટેસ્ટથી માત્ર એ જાણી શકાય કે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં, એ નહીં જાણી શકાય કે વૅરિયન્ટ કયો છે.

એવામાં જિનૉમ સિક્વન્સિંગ સ્ટડી જરૂરી બને છે.

આના માટે ડૉક્ટરો તમારા સૅમ્પલને એક લૅબમાં મોકલશે જે જેનેટિક સિક્વન્સિંગની મદદથી ઓમિક્રૉન જેવા જિનેટિક સિગ્નેચરની તપાસ કરી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો