એ આદતો જેના લીધે ડાયાબિટીસ થાય છે, ન થાય એ માટે શું કરવું? સમજો સરળ શબ્દોમાં

    • લેેખક, ડૉ. દુર્ગેશ મોદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દુનિયાના ડાયાબિટીસના દર છ દરદીમાંથી એક ભારતનો છે, ભારતમાં અંદાજે આઠ કરોડ વયસ્કો ડાયાબિટીસથી પીડાય છે.

ચીન આ મામલે ભારત કરતાં આગળ છે, ત્યાં અંદાજે સાડા 11 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે.

ચિંતાની વાત એ પણ છે કે ભારતમાં હવે શહેરોની સાથે-સાથે ગામડાઓમાં પણ ડાયાબિટીસનો વ્યાપ વધી રહ્યો છે.

ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશને 2019માં કહ્યું હતું કે આગામી 25 વર્ષમાં ભારતમાં 13 કરતાં વધારે ડાયાબિટીસના દરદીઓ ઉમેરાશે.

આ વર્ષે વિશ્વ ડાયાબિટીસ ડેની થીમ 'ડાયાબિટીસના દરદીઓ માટે સારસંભાળની પ્રાપ્યતા' છે.

ઇન્ટરનેશનલ ડાયાબિટસ ફેડરેશન પ્રમાણે ઇન્સ્યુલિન અને અન્ય સાધનોની શોધ થઈ, એની એક સદી પછી પણ ડાયાબિટીસ ધરાવતી અનેક વ્યક્તિઓ માટે આ સાધનો પ્રાપ્ય નથી.

આઈડીએફ માને છે કે આ સ્થિતિમાં પરિવર્તન આવે, એ જરૂરી છે. જેથી આ વર્ષની થીમ આ પ્રમાણેની પસંદ કરવામાં આવી છે.

ડાયાબિટીસ શું છે? સાદી ભાષામાં સમજીએ

લોહીમાં રહેલા ગ્લુકોઝને પચાવી શકવાની અક્ષમતાને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂરી સામાન્ય સ્તર કરતાં સતત ઊંચું રહે તો તેને ડાયાબિટીસ મેલિટસ કહેવાય છે.

આ અક્ષમતા અપૂરતા ઇન્સ્યુલિન સ્ત્રાવ કે ઇન્સ્યુલિનના ખામીભર્યા કાર્યને કારણે થાય છે, કેટલાક કિસ્સાઓમાં બંને કારણો જવાબદાર હોય છે.

ડાયાબિટીસના મુખ્ય ત્રણ પ્રકાર

  • ટાઇપ 1 ડાયાબિટીસ મેલિટસ
  • ટાઇપ 2 ડાયાબિટીસ મેલિટસ
  • ગર્ભાવસ્થાનો ડાયાબિટીસ

આઈડીએફના 2019ના અહેવાલ પ્રમાણે વિશ્વમાં 18 વર્ષથી મોટી ઉંમરના નવ ટકા લોકોને ટાઇપ 2 ડાયાબિટીસ છે.

ભારતમાં આ આંકડો 10.4 ટકા છે, જે 2045 સુધીમાં 11.1 ટકા થવાની શક્યતા છે.

સુગર સામાન્ય ક્યારે કહેવાય?

8થી 12 કલાક સુધી ભૂખી રહેલી વ્યક્તિમાં ગ્લુકોઝનું પ્રમાણ 70થી 100 મિલિગ્રામ પ્રતિ ડિએલ હોય છે, જેને ફાસ્ટિંગ બ્લડ સુગર કહેવાય છે.

સમાન્ય ભાષામાં આપણે જેને જમ્યાના બે કલાક પછીનું બ્લડ સુગર કહી શકીએ તે 140ની નીચે હોય છે.

ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં આ પ્રમાણ અનુક્રમે 126 અને 200થી વધુ થઈ જતું હોય છે.

આ સિવાય HbA1C - ગ્લાઇકોસિલેટેડ હિમોગ્લોબિનથી પણ ડાયાબિટીસની પરખ કરી શકાય છે.

હિમોગ્લોબિનનું પ્રમાણે પુરુષોમાં 13 ગ્રામ પ્રતિ ડીએલ અને મહિલાઓમાં 12 ગ્રામ પ્રતિ ડીએલ હોવું જોઈએ; કુલ હિમોગ્લોબિન પૈકી 6.5 ટકાથી વધુ હિમોગ્લોબિન HbA1C પ્રકારનું હોય તો તે વ્યક્તિને ડાયાબિટીક કહી શકાય.

HbA1C ટેસ્ટ છેલ્લા ત્રણ મહિનામાં જે-તે વ્યક્તિનું ગ્લુકોઝ લેવલ સરેરાશ કેટલું રહ્યું છે, તેનો અંદાજ આપે છે. આથી દરદીની દવાઓના ડોઝમાં વધ-ઘટ કરવામાં મદદ મળે છે.

ટાઇપ 1 ડાયાબિટીસ

તમામ પ્રકારના ડાયાબિટીસમાં ગ્લુકોઝનું પ્રમાણ ઉપર જણાવ્યું એ હદ કરતાં વધુ હોય છે. ટાઇપ 1 ડાયાબિટીસમાં આ માટે ઇન્સ્યુલિનનો અપૂરતો સ્ત્રાવ કારણભૂત હોય છે.

સ્વાદુપિંડના બીટા પ્રકારના કોષોનો ઓટોઇમ્યુન રીતે વિનાશ થતાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે.

ઓટોઇમ્યુનિટીને સાદી ભાષામાં સમજીએ તો શરીરના લડાયક સૌનિક કોષો ગફલતમાં શરીરના જ કોષો પર હુમલો કરી બેસે છે.

આ સ્થિતિમાં શરીર માટે ઊર્જાનો પ્રાથમિક સ્રોત ગણાતું ગ્લુકોઝ લોહીમાં પૂરતા પ્રમાણમાં હોવા છતાં ઇન્સ્યુલિનની ઓછપના કારણે તેનો ઉપયોગ થઈ શકતો નથી.

ટાઇપ 1 ડાયાબિટીસ મહદંશે બાળવયે જ થાય છે, હાલમાં તેનો એકમાત્ર ઇલાજ એ છે કે આજીવન ઇન્સ્યુલિનનાં ઇંજેક્શન લેવાં પડે.

ઇન્સ્યુલિનની શોધ અને સ્થિતિ પલટાઈ

1921માં બે ડૉક્ટર ફ્રેડરિસ બેન્ટિંગ અને ચાર્લસ બેસ્ટે કૂતરાના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનની શોધ કરી હતી.

ડૉ બેન્ટિંગ અને તેમના સહાયકોની પરિવર્તન આણનારી આ શોધને 1923નું તબીબીવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક પણ એનાયત થયું હતું.

રોજેરોજ હજારો ડાયાબિટીસ ધરાવતા લોકોના જીવ બચાવતા આ વિચક્ષણ સંશોધનને આ વર્ષે 100 વર્ષ પૂરાં થયાં.

ડૉક્ટર બેન્ટિંગના જન્મદિવસના માનમાં જ 14મી નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ ડે મનાવાય છે.

ઇન્સ્યુલિનની શોધ થઈ એ પહેલાં બાળકો રોગ થયાનાં એકાદ-બે વર્ષમાં જ મૃત્યુ પામતાં હતાં.

આજે અલગ-અલગ પ્રકારનાં ઇન્સ્યુલિન ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે.

ટાઇપ 2 ડાયાબિટીસ માટે જીવનશૈલી જવાબદાર

ચિંતાની વાત એ પણ છે કે ભારતમાં શહેરોની સાથે-સાથે ગામડાઓમાં પણ ડાયાબિટીસનો વ્યાપ વધી રહ્યો છે, જે માટે બદલાતી જીવનશૈલી કારણભૂત છે. મેદસ્વીપણું અને તેની સાથે સંકળાયેલું ઇન્સ્યુલિનનું કાર્ય તેના મૂળમાં છે.

શરૂઆતી લક્ષણો ઘણાં હળવાં હોવાથી અને સ્વાસ્થ્યસેવાઓની ઉપલબ્ધી ન હોવાના કારણે ભારતમાં આજે પણ 40

ટકા ડાયાબિટીસના દરદીઓનું નિદાન થઈ શક્યું નથી.

ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર

ડાયાબિટીસનું નિદાન કરાવીને ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળની સારવાર કરાવવી જોઈએ.

ટાઇપ 2 ડાયાબિટીસ મહદંશે દવાની ગોળી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

જોકે કેટલાક દરદીઓએ દવાઓ ઉપરાંત ઇન્સ્યુલિનનાં ઇંજેક્શન આપવાની પણ જરૂર પડે છે.

અનિયંત્રિત ડાયાબિટીસ હાર્ટઍટેક, સ્ટ્રોક તથા કિડની, આંખ, નસો, ચામડી, દાંતને લગતાં રોગોને નોતરી શકે છે.

ડાયાબિટીસ થવાનાં કારણો

  • ખોરાકમાં વધુ ટ્રાન્સ ફેટી ઍસિડ(જેમકે વારંવાર તેલમાં તળેલી વાનગી)નો વધારે પડતો ઉપયોગ
  • ખોરાકમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ/સુગરનો વધારો પડતો ઉપયોગ (જેમકે મેંદો)
  • ખોરાકમાં ફાઇબરયુક્ત આહારનું ઓછું પ્રમાણ (જેમકે લીલાં શાકભાજી)
  • કસરતનો અભાવ
  • પેટ પાસે વધારે પડતી ચરબી, બૉડીમાં ઇન્ડેક્સ 25 કરતાં વધુ
  • વિટામિન-ડીની ઊણપ
  • હવાનું પ્રદૂષણ
  • હાઇપર ટૅન્શન

ડાયાબિટીક વ્યક્તિએ લેવાની કાળજી

  • ડૉક્ટર્સ દ્વારા અપાયેલી દવાઓ અંગે નિયમિતતા જાળવવી.
  • ઓછી કૅલરી, ઓછી ચરબી અને વધુ ફાઇબર હોય એવો આહાર લેવો.
  • નિયમિત કસરત, જેમકે અઠવાડિયામાં પાંચ દિવસ 30 મિનિટ ઝડપથી ચાલવું
  • લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સમયાંતરે મપાવવું.
  • વર્ષે બેથી ત્રણ વખત HbA1Cના પ્રમાણની તપાસ કરાવવી.
  • ડાયાબિટીસ સંલગ્ન આડઅસરોની તપાસ અને સારવાર કરાવવી. (જેમકે આંખ, કિડની અને નસોની વાર્ષિક પરીક્ષણ)
  • ત્રણ મહિને એક વખત બ્લડપ્રૅશરની માપવું.
  • વર્ષે એક વખત લિપિડ પ્રોફાઇલ મપાવવું.
  • માનસિક અને સામાજિક સંભાળ અને સધિયારો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો