You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિવસેનાના નેતા સંજય રાઉતની EDએ ધરપકડ કેમ કરી?
- શિવસેનાના નેતા સંજય રાઉતના મુંબઈના મુલંડના ઘરે ઈડી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જે બાદ તેમની અટકાયત કરાઈ હતી
- રાઉત વિરુદ્ધ મની લૉન્ડરિંગ અને પતરાચાલી કૌભાંડ મામલે એજન્સી દ્વારા તપાસ કરાઈ રહી હોવાની વાત કરાઈ
- રાઉતે પોતે નિર્દોષ હોઈ ભાજપ પર વિરોધપક્ષના નેતાઓને ડરાવવા માટે કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો
- સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર રાઉતના ઘરેથી 11.50 લાખ રૂપિયા કબજે કરાયા હતા
પ્રવર્તન નિદેશાલયે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની અટકાયત કરી છે. રાઉતને ઈડીના કાર્યાલય લઈ જવામાં આવ્યા છે. ઈડી કાર્યાલય બહારથી મીડિયા સાથે વાત કરતાં સંજય રાઉતે કહ્યું કે તેઓ મારી ધરપકડ કરવા જઈ રહ્યા છે અને હું મારી ધરપકડ કરાવવા જઈ રહ્યો છું.
સમાચાર એજન્સી એએનઆઈએ એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે શિવસેનાના સાંસદ સંજય રાઉતના ઘરેથી EDએ 11.50 લાખ રૂપિયાની રોકડ કબજે કરી છે.
સંજય રાઉતે પોતાના પરની કાર્યવાહી અંગે આગળ કહ્યું કે, "સંજય રાઉત ક્યારેય હાર નહીં માને, શિવસેના નહીં હારે. તમે બેશરમ લોકો છો, મહારાષ્ટ્ર કમજોર થયું એ વાતની તમને શરમ આવવી જોઈએ. આવું શિવસેનાને કમજોર કરવા માટે કરાઈ રહ્યું છે. શિંદે સમૂહને શરમ આવવી જોઈએ."
આ કાર્યવાહી બાદ સંજય રાઉતે એક ટ્વીટ પણ કર્યું. તેમાં તેમણે કહ્યું છે કે, "તમે એ વ્યક્તિને ન હરાવી શકો જો ક્યારેય હાર નથી માનતી. નમીશું નહીં, જય મહારાષ્ટ્ર."
આ દરમિયાન જ્યારે રાઉતને ઈડી કાર્યાલય લઈ જવાઈ રહ્યા હતા ત્યારે બીબીસી મરાઠીના સંવાદદાતાએ પૂછ્યું કે શું તેમની ધરપકડ કરાશે? આ અંગે તેમણે કહ્યું કે અમે લડીશું.
ઈડી 31 જુલાઈની સવારથી જ રાઉત દંપતીની પૂછપરછ કરી રહ્યું હતું. રાઉતના ઘરે પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની ટીમે દરોડો પાડ્યો. ઈડીએ મુંબઈના ભાંડુપમાં એક ઘર પર રેડ કરી.
રાઉતની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરાઈ. સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે જણાવ્યું કે તપાસ બાદ સંજય રાઉતની અટકાયત કરાઈ હતી.
પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીની ટીમે રવિવારે સવારે શિવસેનાના નેતા સંજય રાઉતના મુંબઈના મુલંડના ઘરે છાપો માર્યો હતો, જે બાદ તેમની અટકાયત કરી લેવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એએનઆઈએ આ બાબતે ટ્વીટ કર્યું હતું.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે તેમની વિરુદ્ધ નોંધાયેલા મની લૉન્ડરિંગ કેસના સંબંધમાં ઘરે તપાસ કરવામાં આવી રહી હતી.
તો એએનઆઈએ જણાવ્યું છે કે EDની આ કાર્યવાહી પતરાચાલી જમીનકૌભાંડ કેસ સંદર્ભે કરવામાં આવી હતી. તેના જણાવ્યા અનુસાર, EDની ટીમ રવિવારે સવારે સાત વાગ્યે શિવસેનાના નેતાના ઘરે પહોંચીને તપાસ કરી રહી હતી અને પૂછપરછ બાદ તેમની અટકાયત કરી લેવાઈ છે.
દરોડાના સમાચાર સામે આવતાં જ સંજય રાઉતના સમર્થકો તેમના ઘરની બહાર એકઠા થઈને આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. શિવસૈનિકો સંજય રાઉતના સમર્થનમાં તેમના ઘરની બહાર નારા પોકારી રહ્યા છે.
સંજય રાઉત પર આરોપ
બીજી તરફ શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાતે કહ્યું છે કે, "સંજય રાઉત એક ચતુર નેતા છે. તેઓ ઈડી કે કોઈ પણ બાબતથી ડરતા નથી. તેમને વિશ્વાસ છે કે અમે જે કરી રહ્યા છીએ તે યોગ્ય છે."
શિરસાતે એમ પણ કહ્યું કે, "આજે શિવસૈનિકોને ખુશી થશે, જેમના પાંખડથી મહારાષ્ટ્રને નુકસાન થયું છે, શિવસેનાના 40 ધારાસભ્યો ગયા, 12 સાંસદો ગયા. સંજય રાઉત લોકનેતા નથી, તેથી બળવો થશે નહીં."
ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું, "અમે ઈડીની કાર્યવાહીને આવકારીએ છીએ. સંજય રાઉતને જવાબદાર ઠેરવવા જોઈએ. 1,200 કરોડનું પતરાચાલી કૌભાંડ હોય કે વસઈ-નાયગાંવ બિલ્ડર કૌભાંડ, હવે હિસાબ આપવો પડશે. આજે મહારાષ્ટ્રના લોકો ખુશ છે, કારણ કે માફિયા સંજય રાઉતે પણ હિસાબ આપવો પડશે."
સંજય રાઉતે અનેક ટ્વીટ કર્યાં
બીજી તરફ ઈડીના દરોડા દરમિયાન સંજય રાઉતે એક પછી એક અનેક ટ્વીટ કરીને પોતે નિર્દોષ હોવાનું અને લડાઈ ચાલુ રાખવાની વાત કરી છે.
પોતાના પહેલા ટ્વીટમાં તેમણે સંઘર્ષ ચાલુ રાખવા વિશે લખ્યું, "તો પણ શિવસેના નહીં છોડે".
બીજા ટ્વીટમાં તેમણે કહ્યું કે, "મહારાષ્ટ્ર અને શિવસેનાની લડાઈ ચાલુ રહેશે."
ત્રીજા ટ્વીટમાં તેમણે કહ્યું કે, "ખોટી કાર્યવાહી, ખોટા પુરાવા, હું શિવસેના નહીં છોડું, હું મરી જઈશ તો પણ સમર્પણ નહીં કરું, જય મહારાષ્ટ્ર."
ચોથા ટ્વીટમાં લખ્યું કે, "મારે કોઈ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. હું આ વાત શિવસેનાના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના શપથ લઈને કહી રહ્યો છું. બાળાસાહેબે અમને લડતા શીખવ્યું છે. હું શિવસેના માટે લડતો રહીશ."
પાંચમા ટ્વીટમાં લખ્યું હતું, "જય હો શિવસેના!!! મારી લડાઈ ચાલુ રહેશે."
કેસ શું છે?
મુંબઈના ગોરેગાંવના સિદ્ધાર્થનગરમાં 672 મકાનોના પુનર્વિકાસ માટે મ્હાડા અને એક બિલ્ડર વચ્ચે કરાર થયો હતો અને 2008માં પતરાચાલી પુનર્વિકાસ પરિયોજના શરૂ થઈ હતી.
આ મકાનોના પુનર્વિકાસ માટે મ્હાડા, ગુરુઆશિષ કન્સ્ટ્રક્શન કંપની અને નિવાસીઓને વચ્ચે એક ત્રિ-પક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
એ પણ નિર્ણય લેવાયો હતો કે 13 એકરમાંથી સાડા ચાર એકર મૂળ રહેવાસીઓને આપવામાં આવશે અને બાકીની જમીન મ્હાડા અને બિલ્ડરો દ્વારા વેચવામાં આવશે.
પરંતુ બાદમાં એવું બહાર આવ્યું હતું કે આ જમીનો ગુરુઆશિષ બિલ્ડર અને અધિકારીઓએ ખાનગી બિલ્ડરોને વેચી દીધી અને પરિયોજના અટકી ગઈ. ફરિયાદ નોંધાઈ હતી કે સંબંધિત બિલ્ડરે રૂપિયા એક હજાર 34 કરોડની છેતરપિંડી કરી છે.
પતરાચાલીના રહેવાસીઓએ આ મામલે મ્હાડાને ફરિયાદ કરી હતી. મ્હાડા અને ખેરવાડી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઈઓડબલ્યુ (ઇકૉનૉમિક ઑફેન્સ વિંગ)એ પણ આ મામલાની તપાસ કરી છે.
ઈડીએ પ્રવીણ રાઉતની 2 ફેબ્રુઆરી, 2022ના રોજ ધરપકડ કરી હતી, તેઓ ગુરુઆશિષ કન્સ્ટ્રક્શન કંપનીના પૂર્વ ડિરેક્ટર છે.
પ્રવીણ રાઉત સંજય રાઉતના નજીકના માનવામાં આવે છે.
ઈડીએ પોતાની પત્રકારપરિષદમાં કહ્યું હતું કે પ્રવીણ રાઉતની જમીન, દાદરમાં સંજય રાઉતનાં પત્ની વર્ષા રાઉતનો ફ્લૅટ અને અલીબાગમાં વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરની જમીનને જપ્ત કરવામાં આવી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો