You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ ગુજરાતી દંપતીએ કઈ રીતે રણની વચ્ચે લીલુંછમ જંગલ ઊભું કરી દીધું?
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી સંવાદદાતા
કચ્છના નાના રણને અડીને આવેલા પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે શિક્ષક દંપત્તિએ નિવૃત્તિ બાદ પ્રકૃતિના ખોળે રહેવાનો નિશ્ચય કરી રણની બંજર જમીનમાં જંગલ ઊભું કરતાં આજે હજારો પંખીઓ આ જંગલમાં કિલ્લોલ કરી રહ્યાં છે.
નિવૃત્ત શિક્ષક દંપતી દિનેશ ઠાકર અને દેવિન્દ્રા ઠાકરે સાવ ઉજ્જડ પ્રદેશમાં 7000 વૃક્ષો વાવીને પ્રકૃતિને જીવંત કરી છે.
પ્રકૃતિપ્રેમી શિક્ષક પતિએ સ્વખર્ચે પાંચ વીઘા જેટલી જગ્યા ખરીદી 7,000થી વધુ વૃક્ષોનું બાળકની જેમ જતન કરી ઉછેર કરતાં આજે આ બંજર ભૂમિ માંગલ્યવન સમી બની ગઈ છે અને દર વર્ષે અનેક લોકો તેમજ પ્રકૃતિપ્રેમીઓ આ સ્થળની મુલાકાત લેવા આવે છે.
દિનેશ ઠાકર કહે છે, "21 વર્ષની સાધના કરીને અહીં અમે પક્ષીઓને ગમતાં વડ-આંબલી સહિત અલગ અલગ 200 જાતનાં 7000 વૃક્ષોનું વાવેતર કર્યું છે. અહી કશું નહોતું. માત્ર રણ હતું. મનમાં ભાવ એવો હતો કે પર્યાવરણ માટે એક પરિસર ઊભું કરવું. કયું વૃક્ષ કયું પક્ષી પસંદ કરે છે તેનો અભ્યાસ કરીને તે પ્રમાણે વાવેતર કર્યું છે."
દિનેશ ઠાકર ઉમેરે છે, "આ પરિસર ઊભું કર્યું ત્યારે પાંચ વીઘા જમીન ખરીદી હતી. જે માત્ર રણપ્રદેશ હતો. જમીનમાં કાંઈ ઉગેલું નહોતું."
દેવિન્દ્રા ઠાકર કહે છે, "શરૂઆતમાં તો બિલકુલ અફાટ રણ જ હતું. ખુલ્લી જમીન હતી. અમે થોડાં-થોડાં વૃક્ષો વાવતાં ગયાં અને પછી થોડાં થોડાં પક્ષીઓ આવતાં ગયાં. ચકલીઓ આવી. થોડા મોર આવ્યા. એટલે અમે તેમના માટે ચણની વ્યવસ્થા કરી. હું આ પક્ષીઓ માટે રોટલી બનાવી આપતી. તેમને બે ટાઇમ રોટલી જમાડતી."
ઠાકર દંપતીએ ઊભા કરેલા આ જંગલમાં આવતાં પક્ષીઓની મહેમાનની જેમ આગતાસ્વાગતા કરવામાં આવે છે.
શિક્ષક દંપત્તિએ આ જગ્યામાં પક્ષીઓના જીવન અંગે અભ્યાસ કર્યા બાદ તેઓને આહાર વિહાર અને આરામ મળી રહે તે પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી રહ્યાં છે. શરૂઆતમાં માત્ર થોડાં પશુ પંખીઓ આવતાં હતાં પરંતુ અત્યારે હજારોની સંખ્યામાં વિવિધ પ્રજાતિનાં પંખીઓ અહીં આશ્રય લઈ રહ્યાં છે. આ જગ્યામાં દરરોજ 25 મણથી વધુ ચણ પણ પક્ષીઓને નાખવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિનેશ ઠાકર કહે છે, "પક્ષીઓની ચણ માટે ચોખા, ઘઉં, જુવાર, બાજરી, સિંગદાણા વગેરે ચણ પક્ષીઓને ચણ માટે આપવામાં આવે છે. અનાજની ખરીદી વખતે તેમાં કોઈ દવા ભેળવેલી ન હોય તેનું અમે ધ્યાન રાખીએ છીએ."
ધનોરામાં ઊભા કરેલા આ નાનકડા જંગલનું નામ નિસર્ગ નિકેતન રાખવામાં આવ્યું છે. નિસર્ગ નિકેતન એટલે કે કુદરતનું ઘર.
1984ના દુકાળની પીડામાંથી મળી પ્રેરણા
રણ પ્રદેશમાં જંગલ ઊભું કરવા પાછળની પ્રેરણા અંગે વાત કરતાં દિનેશ ઠાકર કહે છે, "નાના રણને અડીને આવેલા પ્રદેશ શંખેશ્વરમાં હું માધ્યમિક શાળામાં આચાર્ય હતો. 1984, 85 અને 86માં ભયાનક દુકાળ પડ્યો ત્યારે પાણી, વૃક્ષો અને છાયાના અભાવે મેં અનેક પક્ષીઓ અને જમીનમાં રહેતા જીવોને મરતાં જોયાં હતાં."
"એ વખતે અમને આ ક્ષેત્રે કામ કરવાની સંવેદના જાગી અને અમે ઘણાં કાર્યો કર્યાં. પરંતુ દુષ્કાળ વખતની નજરે જોયેલી જાનહાનિની એ વેદના સતત ડંખતી રહેતી હતી. ત્યારે અમે સંકલ્પ કરી લીધો કે નિવૃત્તિ પછીનું અમારું જીવન આ પ્રદેશનાં વૃક્ષો, વનસ્પતિ, પક્ષીઓ અને આ પ્રદેશના સરિસૃપો માટે સમર્પિત રહેશે."
દેવિન્દ્રાબહેનને વાંચનનો ભારે શોખ. તેઓ અઢળક વાંચન કરે અને દિનેશભાઈ રોજ પાંચ-દસ વૃક્ષો લાવે અને તેનું વાવેતર કરે. દેવિન્દ્રાબહેન રોજ સવારે મોર,પોપટ, ચકલી માટે મૂઠી દાણો નાખે.
ઠાકર દંપતીનો એક દાયકા કરતાં વધુ સમયનો અહી ભારે પુરુષાર્થ સમાયેલો છે. તેઓ કહે છે, "અમને મળેલી પાંચ વીધા જમીનમાં અમે 12 વર્ષનો એવો સંકલ્પ કરીને બેસી ગયાં કે 12 વર્ષ સુધી આ ભૂમિની બહાર ક્યાંય જવું નહીં કે અંદર કોઈને આવવા દેવા નહીં. આ 12 વર્ષો દરમિયાન અમે અમારી દીકરીના ઘરે પણ નથી ગયાં."
12 વર્ષના નિયમ પાછળનું કોઈ ખાસ કારણ? પ્રશ્નના જવાબમાં દિનેશ ઠાકર કહે છે, "મારા ગુરુએ મને કહ્યુ હતુ કે કોઈપણ કામ કરવું હોય તો તેની પાછળ 12 વર્ષ સમાધિ લગાવવી પડે."
દિનેશભાઈ જેમનો ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે તે 95 વર્ષીય વનસ્પતિશાસ્ત્રી પ્રવીણ મશરુવાલા (કિશોરલાલ મશરુવાલાના ભત્રીજા)એ પણ ઉમરગામ પાસે હરિયાળી નામે ઉપવન બનાવ્યું છે.
જમીનમાં રહેતા જીવો જેવાં કે કાનખજૂરા, ઘો, સાપ, વીંછી, નોળિયા, કાચબા, સાપોલિયા વગેરે અનેક જીવો પણ અહી સુરક્ષિત રીતે વસવાટ કરી રહ્યાં છે.
દિનેશભાઈ કહે છે, "અમે બગીચો નથી બનાવ્યો, જંગલ બનાવ્યું છે. એટલે કોઈ પક્ષી કે પ્રાણીનું અમારી સાથે કોઈ બંધન નથી કે નથી અમારું તેમની સાથે બંધન."
ધનોરાના સરપંચ લક્ષ્મણદાન ગઢવી કહે છે, "ઠાકર દંપતીના પ્રયાસથી ગામમાં હરિયાળી આવી છે. હવામાનમાં સુધારો થયો છે. વિવિધ પક્ષીઓની અવરજવર વધી છે. ક્યારેક મુલાકાતીઓ અમારા ગામમાં આવે છે અને પ્રેરણા લઈ જાય છે."
સ્થાનિક જીવો અનુસારની વન્યસૃષ્ટિ
ઠાકર દંપતીએ ત્રણ જાતનાં વૃક્ષો વાવ્યાં છે. પક્ષીઓને ખોરાક પૂરો પાડતાં વૃક્ષો, પક્ષીઓને છાંયો પૂરો પાડતાં વૃક્ષો અને મોરને બેસવા માટેનાં ઊંચાં વૃક્ષો એ ત્રીજા પ્રકારનાં વૃક્ષો છે. કેમ કે મોર નીચાં વૃક્ષો ઉપર બેસતા નથી.
આજે આ ઉપવનને કારણે આ પ્રદેશમાં 400 જેટલા મોર, 500 પોપટ, 1000 જેટલા હોલા છે. ચકલી, બુલબુલ, ફૂલસુંઘણી, દરજીડો, કલકલિયો, ચીબરી જેવાં પક્ષીઓનો અહીં જમાવડો છે.
ખીજડાના ઝાડ પર કાગડો અને હોલાના માળા જોવા મળે છે. કરંજમાં દરજીડાઓ વસે છે. ગોરસ આંબલીમાં પોપટને મજા પડે છે.
હૉર્ટિકલ્ચર, ફૉરેસ્ટ્રી ઍન્ડ નર્સરી વિષયમાં સ્નાતક દિનેશ ઠાકર ગુજરાતનાં જંગલો અને હિમાલયનાં જંગલોનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે, "ગુજરાતમાં ડાંગ, સાપુતારા, શિવરાજપુર(પાવાગઢ, દાહોદ અને લીમખેડાનો વિસ્તાર), આબુ-અંબાજીનાં જંગલોના પ્રવાસ દરમિયાન કયાં પક્ષીઓ કયાં વૃક્ષ સાથે જોડાણ ધરાવતાં હોય છે તેનું અમે સતત અવલોકન કરતાં હતાં."
રોજ સવાર, બપોર અને સાંજે પક્ષીઓ અને પ્રાણીઓ માટે ચોખા, જુવાર, બાજરી, ઘઉં અને કાચી સિંગ આપવામાં આવે છે. કોઈ રાંધેલો કે તૈયાર કરેલો ખોરાક આપવામાં આવતો નથી. હા, ઘાયલ પક્ષીઓ માટે મોણ વગરની રોટલી બનાવવામાં આવે છે.
પાટણના આસિસ્ટન્ટ ચૅરિટી કમિશનર વનરાજ જેબલિયા કહે છે, "મારે એમની સાથે બે વર્ષથી પરિચય છે. એમનાં પર્યાવરણનાં કાર્યોથી વર્ષોથી હું પરિચિત છું. નિવૃત્તિ પછી તેમણે સંતાનોની મંજૂરીથી આ કાર્ય ઉપાડ્યું હતું. પાટણમાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થામાં એમનું કામ સૌથી સારું છે. તેમની અન્ય ખાસિયત છે કે તેમણે અહીં પ્રાકૃતિક રીતે જમીન તૈયાર કરી છે. જંગલમાં મળતું વાતાવરણ અહીં ઊભું કર્યું છે. એટલે કે મોર અહીં પાંખમાં રેતી ભરી શકે છે. સરિસૃપ માટે પણ અલાયદી બહુ સારી વ્યવસ્થા કરી છે."
દંપતી વચ્ચેનું સંકલન
આ ધીરજ માગી લેતા પ્રકલ્પમાં પરસ્પર સામંજસ્યથી કામ કરવું પડે. તમારે દંપતી તરીકે પરસ્પર સંકલન માટે કોઈ વિશેષ પ્રયત્નો કરવા પડ્યા હતા? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "અમારા બંનેનું બધી બાબતમાં ક્રોસ છે. એ (દેવિન્દ્રાબહેન) ખૂબ વાંચે, હું બિલકુલ નથી વાંચતો. હું ખૂબ કામ કરું, એ એમનું સંગીત અને ગૃહસજ્જા જેવું શોખનું કામ કરે. સમય પણ અમારો અલગ અલગ. એમની સમજદારી એટલી ઊંચી કે મને સતત મદદરૂપ થાય."
તમારા આ પ્રકલ્પમાંથી પ્રેરણા મેળવીને કોઈ આગળ વધ્યું હોય એવા દાખલા ખરા? પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "અમારા પ્રકલ્પમાંથી પ્રેરણા લઈને બીજા પાંચ આવા પ્રકલ્પ પર કામ ચાલી રહ્યું છે. બે તૈયાર થઈ ગયા છે. અહીંથી 20 કિલોમિટર ઓરુમાણા ગામે છ વીઘાંમાં 500 વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. દસ દિવસ પહેલા રણના કાંઠે ખારાઘોડામાં 4,200 વૃક્ષો સાથેનું ઉપવન તૈયાર કરાયું છે. ઝિંઝુવાડાની બાજુમાં પણ બે ઉપવન બની રહ્યાં છે. આગામી રવિવારે બહુચરાજીની બાજુમાં દેથલી ગામે જંબુ સરોવર પાસે આવું ઉપવન ઊભું કરવા માટે મને આમંત્રિત કરવામાં આવ્યો છે."
અન્ય સેવાકાર્યો
હાલ તેમણે આજુબાજુના રણ વિસ્તારને અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે તેમાં પણ હજારો વૃક્ષો વાવીને ગામ લોકોને અને આજુબાજુના ગામ લોકોને પણ સમજાવી રહ્યા છે કે વૃક્ષોથી કેટલો ફાયદો થાય છે અને ગામ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવે તે માટે પ્રેરણા પણ આપી રહ્યાં છે રિટાયર્ડ શિક્ષક દંપતિની કાર્ય પદ્ધતિને જોઈને આજુબાજુના લોકો પણ તેમનાં વખાણ કરી રહ્યા છે.
આ ઠાકર દંપતી વનરાજી ઊભી કરવા સિવાયના પણ ઘણાં સેવાકીય કાર્યોમાં સક્રિય છે. દિનેશ ઠાકર કહે છે, "નાના રણમાં 6,000 અગરિયા પરિવારો કામ કરે છે. ઝિંઝુવાડા પ્રદેશના અગરિયાઓને કોઈ મદદ મળતી નહોતી. આ પ્રદેશના અગરિયાના 200 પરિવારોને અમે છેલ્લાં આઠ વર્ષથી દત્તક લીધા છે. તેમનાં બાળકોને દર વર્ષે ઍજ્યુકેશન કિટ આપવામાં આવે છે. દરેક પરિવારને એક મહિનાનું રૅશન આપવાનું, તેમના પગ મીઠાની ક્યારીઓમાં સડી ન જાય એ માટે દરેકને 200 જોડી ગમ બૂટ આપવાના. હોઠ ન ફાટે એ માટે વેસેલિન, પરિવારના દરેક સભ્યો માટે ગરમ જાકીટ, ફેસ માસ્ક, ગરમ ટોપી, ધાબળાનું વિતરણ કરીએ છીએ."
દેવિન્દ્રા ઠાકર કહે છે, "જ્યાં મન રાજી ત્યાં વન રાજી. એવું જ થયું અમારું મન રાજી થયું અને આ વનરાજી ખીલી ઊઠી છે."
(પૂરક માહિતી: પરેશ પઢિયાર)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો