સેક્સવર્કર અલીશા કેવી રીતે બન્યાં ટ્રાન્સજેન્ડર્સનાં હેલ્થવર્કર -BBC SHE

    • લેેખક, પ્રિયંકા ધીમન, બીબીસી પંજાબી
    • પદ, શર્મિલા શર્મા, ગુડગાંવ કી આવાઝ

રાતના અંધારામાં શણગાર કરીને સડક પર ઊભેલી ગાડીઓને તાકી રહેલાં અલીશા, એ વાતની રાહ જુએ છે કે કોઈ ગાડી રોકાય અને તેમને બોલાવે.

અલીશા એક સેક્સવર્કર છે. તેઓ રાત્રે હંમેશાં આ જ સડક પર મળે છે.

એક રિપોર્ટર તરીકે જ્યારે હું અલીશાથી થોડે દૂર એ જ રસ્તે ઊભી હતી, ત્યારે મનમાં એક એવો ડર તો હતો. આ એ જ ડર હતો જે કદાચ ગમે તે છોકરીને રાત્રે આવી જગ્યાએ ઊભાં રહેવાના કારણે મહેસૂસ થયો હતો.

પરંતુ શું અલીશા આપણા બધાંથી અલગ છે? આલીશા આટલાં નીડર કેમ દેખાય છે

રાતના અંધારા બાદ સવારના અજવાળામાં જ્યારે અલીશાને આ પ્રશ્ન પૂછ્યોતો તેઓ બોલ્યા, “ડર તો લાગે છે. એ વાતની ખબર નથી હોતી કે અમે પાછાં આવીશું કે નહીં.”

ગુડગાંવ કી આવાઝ સાથે મળીને આ કહાણી BBCShe પ્રોજેક્ટ અંતર્ગત થઈ છે. આ પ્રોજેક્ટમાં અમે મહિલા વાચકો અને તેમને લગતા મુદ્દાને કેન્દ્રમાં રાખીને પત્રકારત્વ કરી રહ્યાં છીએ. BBCShe પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

સેક્સવર્ક એ અલીશાના જીવનની ગૂંચનું એક પાસું છે. તેઓ આને લઈને શરમ નથી અનુભવતાં, પરંતુ આ તેમની પ્રથમ પસંદ પણ નથી.

ઘણાં વર્ષોથી હરિયાણાના ગુરુગ્રામમાં રહેતાં અલીશા એક ટ્રાન્સજેન્ડર છે. તેઓ આશૂથી અલીશા બન્યાં જેથી પોતાની ઓળખ સાથે મુક્ત મને રહી શકે. પરંતુ એ સ્વતંત્રતા સેક્સ-વર્કની કિંમતે આવી.

પટણાનાં રહેવાસી અલીશાએ ખૂબ ઓછી ઉંમરે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. એકલાં રહીને પોતાનું પેટિયું રળવા માટે આ જ માર્ગ મળ્યો.

“તું ના છોકરીમાં આવે, ના છોકરામાં”

ઘર છોડવું એ ખૂબ દર્દનાક અનુભવ હતો. “એ મમ્મીની સાડી પહેરવું, લિપસ્ટિક લગાવવું, નેલ પૉલિશ લગાવવું, ચૂડી પહેરવી, છોકરીઓ સાથે રમવું... અને મમ્મીને આ બધું પસંદ ન હોવું,” અલીશાને આ બધું આજેય યાદ છે.

મમ્મીની નજરમાં તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો, તેનું નામ આશુ રાખવામાં આવ્યું હતું અને તેમની પાસેથી હંમેશાં છોકરી જેવા વર્તનની આશા ન હતી.

પરંતુ અલીશા કહે છે કે તેમની અંદર શરૂઆતથી જ છોકરીઓ જેવી ભાવનાઓ હતી. તેનો આભાસ તેમનાં માતાને કદાચ થઈ ગયો હતો પરંતુ, “તેઓ નહોતાં ઇચ્છતાં કે અન્ય કોઈને આ વાતની ખબર પડે અને મને પણ તેઓ એ જ કહેતાં કે આશુ તું છોકરાની જેમ રહ્યાં કર.”

આ એક ગૂંગણામણ જેવો અનુભવ હતો, અને પછી એક અકસ્માત થયો જેણે સહનશક્તિની હદ વટાવી દીધી.

તેઓ 13 વર્ષનાં હશે જ્યારે તેમના ટ્યૂશન ટીચરે તેમની સાથે બળજબરી કરી હતી. સાથે જ તેમના અધૂરાપણાનો મજાક ઉડાવી હતી.

અલીશા કહે છે કે, “મારા ટીચરે કહ્યું મને ખબર છે તું શું છે, ના તું છોકરામાં આવે છે ના કે છોકરીમાં, તારા જેવા લોકોને સમાજ નથી અપનાવતો.”

અલીશા અનુસાર ટીચરે તેમના માટે ઘણા ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો અને તેમને ધમકાવ્યાં કે જો તેમણે આ વિશે કોઈને વાત કરી તો તેમના પરિવારજનો તેમને જ ઘરેથી કાઢી મૂકશે.

એક તરફ યૌન હિંસાની પીડા અને બીજી તરફ ટીચરનો ધિક્કાર અને ઘર-પરિવારનાં પ્રેમ અને સાંત્વનાનો અભાવ.

અલીશા ખૂબ પીડામાં હતાં. એક બે વખતે આ વિશે પોતાનાં બહેન અને માતાને જણાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ મુક્ત મને કંઈ ન કહી શક્યાં. આખરે ઘર છોડી દેવા સિવાય તેમને કોઈ રસ્તો ન દેખાયો.

આશુમાંથી બન્યાં અલીશા

એક છોકરાના શરીરમાં કેદ આશુએ પોતાની નવી ઓળખ – અલીશા- બનાવવાની હતી. પરંતુ તેના માટે ઘણા પૈસાની જરૂરિયાત હતી.

તેઓ પોતાના એક મિત્રના વિશ્વાસે દિલ્હી આવી ગયાં. અહીં તેઓ તેમનાં ‘ગુરુ’ને મળ્યાં.

ટ્રાન્સજેન્ડર સમુદાયમાં ઘણી વખત પરિવારને ત્યાગીને એકલા રહી રહેલા લોકો, એક સાથે મળીને એક ગુરુની શરણે જાય છે.

અલીશા કહે છે કે, "તેમને અમે અમારાં માતાપિતા સમાન માનીએ છીએ, તેમના જ કારણે હું અહીં મારા પગ પર ઊભી રહી શકું છું, હું જ્યારે દિલ્હી આવી ત્યારે તેમણે જ મને સેક્સ વર્કના કામે લગાડી હતી."

જ્યારે પહેલી વાર અલીશાને સેક્સ વર્ક માટે મોકલવામાં આવ્યાં તો તેમને તેના બદલામાં ચાર હજાર રૂપિયા મળ્યા.

અલીશા જણાવે છે કે, "મેં પહેલી વાર આટલા પૈસા જોયા અને માત્ર દસ મિનિટના કામ માટે મને આટલા બધા પૈસા મળ્યા, હું તો ખૂબ રાજી થઈ ગઈ!"

પરંતુ આ જીવન ઘણું મુશ્કેલીભર્યું છે, તેમણે હંમેશાં ડરનો સામનો કરવો પડે છે.

14-15 વર્ષથી આ કામ કરી રહેલાં અલીશા કહે છે કે, "ઘણી વાર ગ્રાહકો અમારી સાથે દુર્વ્યવહાર કરે છે, મારઝૂડ કરે છે, ગેરવાજબી શબ્દો બોલે છે અને ઘણી વાર તો અમારું પાકિટ પણ ચોરી જાય છે."

ધીરે-ધીરે એટલા પૈસાની બચત થઈ ગઈ કે તેઓ સર્જરી કરાવીને છોકરી જેવું શરીર મેળવી લે.

લગભગ ત્રણ વર્ષ પહેલાં એક લાંબા ઇલાજ દ્વારા આશુ સંપૂર્ણપણે અલીશા બની ગયાં.

હવે આગામી પગલું હતું જીવનને વધુ મહત્ત્વપૂર્ણ બનવવા તરફનું.

ઓળખની શોધ

એવું નથી કે અલીશાએ કોઈ કામ શોધવાની કોશિશ નહોતી કરી. આ એ જ સમય હતો જ્યારે ભારતમાં ટ્રાન્સજેન્ડર સમુદાયને ઓળખ અને ઘણા અધિકાર મળ્યા.

વર્ષ 2014માં ઐતિહાસિક નિર્ણય સંભળાવતાં સુપ્રીમ કોર્ટે ત્રીજા લિંગ સ્વરૂપે ટ્રાન્સજેન્ડરને માન્યતા આપી હતી.

કોર્ટે ટ્રાન્સજેન્ડરોને શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યાં હતાં કે આ સમુદાયને પછાત વર્ગ હોવાને કારણે આરક્ષણ આપવામાં આવે.

બંધારણના અનુચ્છેદ 14, 16 અને 21 પણ દેશના દરેક નાગરિકને શિક્ષણ, રોજગાર અને સામાજિક માન્યતાનો સમાન અધિકાર આપે છે.

પરંતુ હજુ પણ સ્થિતિ બદલાઈ નથી. અલીશા માટે રોજગારી મેળવવું એ અસંભવ બની ગયું છે.

અલીશાએ નાની ઉંમરે જ ઘર છોડી દીધું છતાં તેમણે અથાક મહેનત કરીને દિલ્હીથી સ્કૂલનું ભણતર પૂરું કર્યું છે.

અલીશા જણાવે છે કે, “ગમે ત્યાં જઈએ તો મારી પાસે ટ્રાન્સજેન્ડર હોવાનું પ્રમાણપત્ર માગવામાં આવે છે અને ગાર્ડ જોઈને જ અમને સીડીથી નીચે ઉતારી દે છે.”

પોતાના સમુદાયનાં લીડર બન્યાં

પરંતુ એક જગ્યાએ તેમને તક મળી. એક વખત તેમનાં ગુરુએ એક કાર્યક્રમમાં ટ્રાન્સજેન્ડરના સ્વાસ્થ્ય અને યૌનસંબંધી મુદ્દે કામ કરનારા એક ઑર્ગેનાઇઝેશન સાથે મુલાકાત કરાવી.

અલીશા કહે છે કે, "કહેવત છે કે તમે જ્યાં સુધી સમાજમાં પોતે એક સ્થાન હાંસલ ન કરી લો, તમને દબાવાશે જ."

હવે તેઓ ટ્રાન્સજેન્ડરો અને સેક્સવર્કરોને 'એઇડ્સ' અને ઘણી બીમારીઓ વિશે જાગૃત કરવાનું કામ કરી રહ્યાં છે, તેમને દવા અપાવે છે, અને હૉસ્પિટલમાં તેમનો ઇલાજ પણ કરાવે છે.

ગુરુગ્રામમના આ એનજીઓ, ‘સોસાયટી ફૉર સર્વિસ ટૂ વૉલનટરી એજન્સિઝ’માં અલીશાને પરિવાર જેવી લાગણી થાય છે.

અહીં ટ્રાન્સજેન્ડરો અવારનવાર એકઠાં થાય છે અને પોતાની પરેશાનીઓનાં સમાધાન શોધવા ઉપરાંત તહેવાર અને ખુશીઓ પણ એક સાથે મળીને ઊજવે છે.

સમાજ માટે અધૂરાં, ભગવાનની નજરમાં પૂરાં

આ પરિસ્થિતિ છતાં અલીશા કહે છે કે, "આટલાં વર્ષો બાદ પણ જે મહેણાં ગામડે સાંભળવા મળતાં, એ જ અહીં શહેરમાં પણ સાંભળવા મળે છે. જ્યારે અમે રસ્તા પર જઈ રહ્યા હોઈએ છીએ ત્યારે લોકો અમને હીજડો, છક્કો, જુગાડુ... જેવાં ઘણાં નામો લઈને બોલાવે છે."

હું પણ જ્યારે અલીશા સાથે હતી, અને તેમનું ઇન્ટરવ્યૂ કરી રહી હતી ત્યારે હર પળ એવું જ મહેસૂસ કર્યું કે તેમને જોવાનો લોકોનો દૃષ્ટિકોણ સાવ અલગ હતો.

કદાચ આ જ કારણે અલીશા પોતાની નજરમાં પણ અધૂરાં જ છે, "ના અમે છોકરાની લાઇમાં લાગી શકીએ છીએ, ના છોકરીની. ભગવાને અમને બનાવ્યાં પરંતુ પૂરાં નહીં. અમે તો માત્ર કુદરતનાં પૂતળાં છીએ."

જીવવાની હોંશ ટકાવી રાખવા માટે તેઓ ભગવાનની શરણ લે છે, તેઓ પોતાની જાતને કૃષ્ણની સખી માને છે.

તેઓ પોતાનું માથું ઊંચું રાખીને ચાલે છે અને ભગવાનની સામે શીશ ઝુકાવે પણ છે.

સમાજે તેમને જે અધૂરાપણાનો અહેસાસ કરાવ્યો, અલીશા કહે છે કે ભગવાને તેને પૂરું કર્યું છે.

(BBCShe સિરીઝનાં પ્રોડ્યૂસર – દિવ્યા આર્ય)