You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : એક કિન્નરની કહાણી, જેમણે સમાજની સામે દાખલો બેસાડવા હજારો રૂપિયાનો પોતાનો બિઝનેસ શરૂ કર્યો
કેન્દ્ર સરકારે દેશને આત્મનિર્ભર બનાવવાની યોજના ભલે જાહેર કરી, પરંતુ આપણા સમાજમાં તિરસ્કૃત કિન્નરોએ આત્મનિર્ભર બનવા આજે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે, સુરતના એક કિન્નર બધી મુશ્કેલી સામે બાથ ભીડીને જે રીતે આત્મનિર્ભર બન્યાં તેની કથા પ્રેરણાદાયક છે.
આ કથા રાજવી જાન નામનાં એક કિન્નરની છે. રાજવી સુરતના અડાજણ વિસ્તારમાં નમકીન અને ફરસાણની દુકાન ચલાવે છે અને ગર્વભેર જીવે છે. બીબીસી-ગુજરાતીએ રાજવી સાથે વાત કરીને તેમની સંઘર્ષકથા જાણી હતી.
પોતાના પ્રારંભિક જીવનની વાત કરતાં રાજવી કહે છે, "મારા પરિવારે મને એક છોકરા તરીકે 18-20 વરસ સુધી મોટી કરી ત્યારે કોઈ તકલીફ પડી નહોતી, કારણ કે મેં મારી જાતને મારા પરિવારની ખુશી માટે સમર્પિત કરી હતી. એ માટે મેં ઘણો સંઘર્ષ કર્યો અને ઘણું બલિદાન કર્યું."
પોસ્ટ ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ કરી ચૂકેલાં રાજવીને પુરુષ તરીકે જીવવામાં અકળામણ થતી હતી. તેમનું મન મૂંઝાતું હતું અને તેઓ તેમની ખરી ઓળખ જાહેર કરવા ઇચ્છતાં હતાં.
રાજવી કહે છે, "આપણા દેશમાં બધા સ્વતંત્ર છે અને બધાને પોતપોતાની રીતે સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર છે. હું પોતે ભણેલી-ગણેલી છું. શિક્ષિત થઈને મેં વિચાર્યું કે હું આત્મનિર્ભર બનું, ભલે મને મારી આ ઓળખ સાથે કોઈ નોકરી ન આપે. એ વખતે મને કોઈ ઓળખતું ન હતું, પણ આજે અહીં લોકો બોલે છે કે એ તો છક્કો છે, તેને નોકરી શું આપવાની? એ તો બાયલો છે, તેને શું નોકરી આપવાની? શું બધા કિન્નર ખરાબ જ હોય? મારું હલનચલન આવું છે, હું સ્ત્રીનાં કપડાં પહેરું છું, એક કિન્નર છું એટલે તમે આવું વિચારો છો?
પપ્પાએ કહ્યું ઘર છોડીને ચાલી જા...
ખરી ઓળખ જાહેર કરવા પરિવારમાં ચર્ચા કરી ત્યારે શું થયું તેની વાત કરતાં રાજવી કહે છે, "પપ્પાને મેં કહ્યું કે હું મારી ખરી ઓળખ જાહેર કરું છું. હું જે છું એ તમે તો સ્વીકારો. સમાજની બહાર એ સ્વીકારો, પણ એમણે કહ્યું કે તું આ અવસ્થામાં રહેશે તો હું તને મારા ઘરમાં રહેવા નહીં દઉં."
"પપ્પાને એમ હતું કે સમાજમાં બદનામી થશે, લોકો તેમના પર હસશે. મેં તેમને એવું કહ્યું કે લોકો શા માટે તમારી પર હસે? હું એવું કામ કરી દેખાડીશ કે તમારા પર કોઈ નહીં હસે. એ વખતે પપ્પાએ પડકાર ફેંકતા કહ્યું કે તું એવું કરીને દેખાડશે ત્યારે હું તને માનીશ. અત્યારે ઘર છોડીને ચાલી જા. એ સાંભળીને મારું દિલ તૂટી ગયું."
પારિવારિક કલેશને લીધે રાજવીએ ઘર છોડ્યું પછી ખરા સંઘર્ષની શરૂઆત થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજવી કહે છે, "મમ્મીએ મને સપોર્ટ કર્યો. હું અલગ રહેવા માટે ઘર શોધવા ગઈ. ઘર શોધવામાં પણ મેં ઘણી તકલીફનો સામનો કર્યો. ભાડાનું પહેલું ઘર મળ્યું ત્યારે ઍડવાન્સના રૂપિયા તો આપ્યા, પણ જેવી તેમને મારી સાચી ઓળખની ખબર પડી તો કહે કે તમે તો માતાજી છો. અમે માતાજીને ઘર ભાડે ન આપી શકીએ."
"મેં કહ્યું કે વાહ રે સમાજ તારી માયા. એક બાજુથી તમે અમને માતાજી કહો છો, માતાજીના આશીર્વાદ લેવા આવો છો, પણ માતાજી તમારી મદદ લેવા આવે છે ત્યારે તમે તેમને સાથ કેમ નથી આપતા?"
રાજવી ભારપૂર્વક કહે છે, "અમારા જેવા લોકોને પરિવાર સપોર્ટ ન કરે તો માણસ ભાંગી પડે."
પોતાનો બિઝનેસ શા માટે શરૂ કર્યો તેનું કારણ જણાવતાં રાજવી કહે છે, "હું આજે પણ મારા પરિવાર માટે સેક્રીફાઇસ કરવા માગું છું, પણ પપ્પાના સ્વભાવને કારણે મેં મારી જાત માટે સ્ટેન્ડ લીધું કે હું લડીશ અને આત્મનિર્ભર થઈને નામ રોશન કરીશ ત્યારે તેમને ખબર પડશે કે મારો દીકરો કે દીકરી જે છે તે ખોટા રસ્તા પર નથી."
એક કિન્નરને પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં, આત્મનિર્ભર બનવામાં કેટલી તકલીફ પડે છે એ જણાવતાં રાજવી કહે છે, "લોકો મારી દુકાન પર ખરીદી કરવા આવતાં અચકાય છે, કારણ કે અમે નથી નર જેવા દેખાતાં કે નથી નારી જેવા દેખાતાં. અમે અલગ દેખાઈએ છીએ. અમે કોઈ બીજા ગ્રહના રહેવાસી હોઈએ એવું લોકોને લાગે છે."
"લોકોને ડર બેસી ગયો છે કે તેઓ અમને કંઈ કહેશે તો અને અમે એ લોકોને કંઈક અજુગતું કહેશું તો? હકીકતમાં એવું નથી. અમને પણ હ્રદય છે. અમે કોઈને બદદુવા નથી આપતા. અમે બધાને દુવા જ આપીએ છીએ."
સમાજને સંદેશ આપતાં રાજવી કહે છે, "કોમના અમુક ટકા લોકો બદનામ છે એટલે આખી કોમ બદનામ હોય એવું ના વિચારો. કોઈ સમાજના 100 ટકા લોકો ખરાબ નથી હોતા. 10 ટકા લોકોને કારણે બાકીના 90 ટકા લોકો બદનામ થાય છે. દૂઘમાં સાકર ભળે તેમ અમે પણ સમાજમાં ભળવા માગીએ છીએ. તમે અમને સ્વીકારીને સમાજમાં ભેળવો."
જ્યારે અંગ્રેજોએ તૃતીય પંથીઓ સામે કાયદો હતો બનાવ્યો
રાજવીની વાત પૂરી કરતાં પહેલાં તૃતીય પંથીઓ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણવી જોઈએ.
'કામસૂત્ર' જેવા પૌરાણિક ગ્રંથમાં નર અને નારી પછીની ત્રીજી જાતિના લોકોને 'તૃતીય પ્રકૃતિ' તરીકે વર્ણવવામાં આવ્યા છે, પણ બ્રિટિશરોએ તૃતીય પંથીઓ સમાજની સ્મૃતિમાંથી ભૂંસી નાખવાની ઝૂંબેશ શરૂ કરી હતી.
1871માં કિન્નરોને ક્રિમિનલ ટ્રાઈબ્ઝ એક્ટ હેઠળ આવરી લઈને તેમના કિન્નર હોવાને ગુનો ગણ્યો હતો. આ કાયદા વડે તૃતીય પંથીઓના વારસાઈ અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા.
દેશની સુપ્રીમ કોર્ટે 2014માં કિન્નરોને તૃતીય પંથી તરીકે સત્તાવાર માન્યતા આપી હતી. એલજીબીટીક્યૂ સમુદાયે વર્ષો સુધી કરેલા પ્રયાસોનું આ પરિણામ હતું. તે ચુકાદાનો અર્થ એ હતો કે સરકારે તૃતીય પંથીઓને સમાન તક આપવાની રહેશ. એ ઉપરાંત તેમને કાયદાકીય તથા બંધારણીય રક્ષણ પણ આપવાનું રહેશે.
તૃતીય પંથીઓનો બીજો મોટા વિજય 2018માં થયો હતો. બ્રિટિશરોએ 160 વર્ષ પહેલાં ઘડેલા કાયદાને ફગાવી દઈને ભારતમાં હોમોસેક્સ્યુઅલ સેક્સને ડીક્રિમિનલાઇઝ કરવામાં આવ્યું હતું.
આત્મસન્માન માટેના કિન્નર સમુદાયના સંઘર્ષમાં 2019નું વર્ષ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયું હતું અને કિન્નર અખાડાને પણ કુંભ મેળામાં પવિત્ર સ્નાન કરવાનો અધિકાર મળ્યો હતો.
એક અંદાજ અનુસાર, ભારતમાં આશરે પાંચેક લાખ તૃતીય પંથીઓ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો