Holi: જ્યારે હિંદુઓનું દિલ જીતવાં અંગ્રેજ અધિકારીઓ હોળી રમતા

    • લેેખક, આર. વી. સ્મિથ
    • પદ, વરિષ્ઠ કટારલેખક, બીબીસી ગુજરાતી માટે

રંગોનો તહેવાર એટલે હોળી-ધુળેટી. આ તહેવાર ભારતમાં સદીઓથી ઉજવાય છે. જ્યારે મુઘલ સલ્તનત પોતાના અંતિમ શ્વાસ લઈ રહી હતી અને અંગ્રેજી હકૂમતનો વિસ્તાર વધી રહ્યો હતો ત્યારે અંગ્રેજ અધિકારીઓ પોતાની પ્રજા સાથે હોળીની મહેફિલોનું આયોજન કરતા હતા.

દિલ્હીમાં કંપની બહાદુરના ઉચ્ચ અધિકારી સર થૉમસ મેટકાફ પણ હોળી રમતા. આજે આ વાત પર ભાગ્યેજ કોઈ વિશ્વાસ કરે.

સર થૉમસ મેટકાફ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી. તેઓ ભારતમાં કંપની સરકારના મોટા અધિકારી હતા.

તેઓ બ્રિટનના શાહી પરિવાર સાથે સંબંધો ધરાવતા હતા અને મુઘલ દરબારમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ હતા.

આવામાં કોઈ હોળી રમવાનો દાવો કરે તો માનવું મુશ્કેલ છે.

પરંતુ સ્વર્ગસ્થ શ્રીમતી ઍવરેટનાં લખાણો પર વિશ્વાસ કરીએ તો સર થોમસ મેટકાફને રંગોના તહેવાર સામે કોઈ વાંધો નહોતો.

બસ, તેમનો આદેશ એટલો જ હતો કે ઘરની અંદર રંગોની મસ્તી ન થાય.

કારણ કે તેમની હવેલીના મહેમાનખાનામાં તેમના આદર્શ નેપોલિયનની પ્રતિમાઓ મૂકેલી હતી.

સર મેટકાફ આ પ્રતિમાઓ પર રંગ લાગે તેવું જરા પણ ઇચ્છતા નહોતા.

આ વાતનો કોઈ ઉલ્લેખ નથી મળતો કે સર મેટકાફે વસંતઋતુના આગમન સાથે જ આવતા રંગોના મહિના ફાગણને આવકાર્યો હોય.

નાની-દાદીઓના કિસ્સાઓ પરથી જાણવા મળે છે કે સર મેટકાફ દિલ્હીના હિંદુઓનાં દિલ જીતી લેવાં માટે હોળી રમતા હતા.

સર મેટકાફ આવું એટલા માટે કરતા હતા કે મુઘલોની સંસ્કૃતિ પ્રત્યે પોતાનો ઝુકાવ અને હિંદુઓ વચ્ચે સંતુલન બનાવી શકાય.

મુઘલ કળા-સંસ્કૃતિ પ્રત્યે સર મેટકાફને એટલો બધો પ્રેમ હતો કે તેઓ ભયંકર આગઝરતી ગરમીના દિવસોમાં પણ મુહમ્મદ કુલી ખાંના મકબરામાંથી બનેલા ઘરમાં રહેતા હતા.

જોકે, કુલી ખાંના મકબરાને ઘરમાં રૂપાંતરિત કર્યા પહેલાં તેઓ શિયાળામાં મેટકાફ હાઉસમાં રહેતા હતા. જેને સ્થાનિકો મટકા કોઠી કહેતા હતા.

કેવી રીતે મનાવતા હોળી?

ઉત્તર દિલ્હીમાં આવેલી સર થૉમસની હવેલી રાજાઓ, નવાબો, જમીનદારો અને શેઠોથી ભરેલી રહેતી.

ચાંદનીચોકના અમીરો અવારનવાર તેમના ઘરમાં ગુલાલ લઈને જતા, કારણ કે લાલસાહેબ પર તેને છાંટી શકાય.

હોળીના દિવસે લાલસાહેબ એટલે કે સર મેટકાફ ખાસ પોશાક એટલે કે કુર્તો-પાયજામો પહેરતા હતા.

જોકે, 1857ના બળવા બાદ મેટકાફ હાઉસની હવા બદલાઈ ગઈ.

કારણ કે આઝાદીની આ લડત દરમિયાન ગુર્જરોએ મેટકાફ હાઉસને ખૂબ લૂંટ્યું હતું અને તેને વેરણછેરણ કરી નાખ્યું હતું.

ગુર્જરોને એવું લાગતું હતું કે મેટકાફ હાઉસને તેમના પૂર્વજોની જમીન પર બનાવવામાં આવ્યું છે. તેમજ એ જમીન બહુ મામૂલી કિંમત પર હડપી લેવામાં આવી છે.

એ સમયે સર થૉમસ મેટકાફનું અવસાન થઈ ચૂક્યું હતું. કહેવાય છે કે તેમને મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરની સૌથી વહાલી પત્ની ઝીનત મહેલે ઝેર આપી દીધું હતું.

સર થૉમસના સ્થાને મુઘલ સલ્તનતમાં બ્રિટિશ પ્રતિનિધિ બનીને આવેલા સર થિયોફિલસ મેટકાફે 1857ના બળવા દરમિયાન ઘણાં અપમાનો સહન કરવાં પડ્યાં.

તેમને અર્ધનગ્ન કરીને દિલ્હીના રસ્તા પર ફેરવવામાં આવેલા. જ્યાં સુધી પહાડગંજના પોલીસ અધીક્ષકને તેમના પર દયા ન આવી ત્યાં સુધી બળવાખોર સૈનિકો તેમને દોડવતા રહ્યા.

સર થિયોફિલસ મેટકાફ એ અધિકારીએ આપેલા ઘોડાની મદદથી રાજપૂતાના ભાગી ગયા હતા.

ત્યારબાદ સર મેટકાફ દિલ્હીના લોકોના દુશ્મન બની ગયા હતા.

ત્યારે કોઈ વિચારી પણ ન શકે કે સર થિયોસોફિકલ પોતાના પૂર્વ દૂતની જેમ હોળી રમશે.

હૅલિંગર હૉલમાં હોળી

જોકે, જ્યારે સર થૉમસ હોળી રમી લેતા ત્યારે એ કપડાં ઉતારીને હિંદુ નોકરને દાનમાં આપી દેતા.

તેમના ઘરના નોકર ગોરાસાહેબે આપેલી એ ભેટ ખુશીથી સ્વીકારી લેતા. નોકરો એ કપડાં આખા ઉનાળા સુધી પહેરતા હતા.

તે વખતે સિવિલ લાઇન્સમાં રહેતાં શ્રીમતી ઍવરેટ આવું જણાવતાં હતાં. બની શકે કે તેઓ આ વાત વધારીને રજૂ કરી રહ્યાં હોય.

પરંતુ તેમની વાતને સંપૂર્ણ ખોટી પણ કહી શકાય નહીં. તેની સાબિતી તે વખતના જાણીતા કિસ્સાઓમાંથી પણ મળે છે.

આજની વાત કરીએ તો માત્ર ડીઆરડીઓના વૈજ્ઞાનિકો અને તેમના કર્મચારીઓ જ મટકા કોઠીમાં હોળી રમે છે.

દિલ્હીના મેટકાફ હાઉસની જેમ આગ્રાના હૅલિંગર હૉલમાં પણ અંગ્રેજો ઉત્સાહથી હોળી રમતા હતા.

હૅલિંગર હૉલ મેટકાફના મોટાભાઈ સર ચાર્લ્સ મેટકાફની હવેલીની સાથે બનાવવામાં આવ્યો હતો.

એ સમયે દિલ્હીમાંથી ઘણા વિદેશીઓ મહિનામાં એક વખત કૉકટેલ પાર્ટી અને ડાન્સની મહેફિલો માટે ત્યાં આવતા હતા.

ઉપરાંત ત્યાં હોળી અને દિવાળીની પણ ઉજવણી થતી. તેમાં સ્થાનિક શેઠ-શાહુકાર પણ ભાગ લેતા.

સર ચાર્લ્સ મેટકાફનું આગ્રાનું ઘર 'ધ ટેસ્ટિમોનિયલ' 1890માં રહસ્યમય સંજોગોમાં લાગેલી આગમાં ભસ્મ થઈ ચૂક્યું હતું.

આજે પણ ખંડેર હાલતમાં હૅલિંગર હૉલ ભવ્ય ભૂતકાળની કહાણીના પુરાવા આપે છે.

હૅલિંગર હૉલમાં ક્યારેક તેના માલિક ટી. બી. સી. માર્ટિન રહેતા હતા. અમારા પિતાજી કહેતા કે સ્થાનિક લોકો તેમને મુન્નાબાબા કહેતા હતા.

કેટલીક અન્ય નિશાનીઓ

જો તમે આગ્રા જાઓ તો તમને જિલ્લા અદાલતની ઇમારતની પાછળ હૅલિંગર હોલનાં ખંડેરો જોવા મળશે.

તેની બીજી તરફ શહીદોનું કબ્રસ્તાન છે, જે અકબરના જમાનાનું છે. તેની બાજુમાં લૅડી ડૉક્ટર ઉલરિકે બનાવેલી લૉજ પણ છે.

આ જ સડક પર આગળ જતાં પશુઓનો એક વાડો છે. તેના પછી એક વિશાળ બંગલો છે, જ્યાં આગ્રાના મૅજિસ્ટ્રેટ બાલ રહેતા હતા.

પાછળથી આ બંગલામાં વકીલ ટવાકલે રહેવા લાગ્યા. આગ્રાની જૂની સૅન્ટ્રલ જેલની સામે એક પહાડી પર બનેલા ફૂસના બંગલામાં બાલના દીકરા રહેતા હતા.

હવે એ પહાડીને કાપીને ત્યાં કૉલોની બનાવી દેવાઈ છે. જૂની સૅન્ટ્રલ જેલની જગ્યાએ સંજય પ્લેસ કૉમ્પ્લેક્સ બની ગયું છે.

શ્રીમતી ઉલરિકનું ક્લિનિક પીપલમંડીમાં હતું. તેમની ઉંમર લાંબી હતી અને આજથી લગભગ 70 વર્ષ પહેલાં તેમનું અવસાન થયું.

શ્રીમતી ઉલરિક એક રસપ્રદ કિસ્સો કહેતા. તેઓ કહેતાં કે એક વખત હોળીમાં તોફાન રોકવા માટે તહેનાત સિપાહીઓને તેમણે ભોજન માટે આમંત્રણ આપ્યું હતું.

જેમાં તેમણે સૈનિકોને ચણાના લોટની મોટી-મોટી રોટલીઓ અને કોળાનું શાક જમાડ્યું હતું.

ભોજન પીરસીને શ્રીમતી ઉલરિક જતાં રહ્યાં. જ્યારે તેઓ પરત ફર્યા તો જોયું કે રોટલીઓ દીવાલ પર અટકાવીને ગોઠવી દેવાઈ છે.

સૈનિકોઓએ કોળાનું શાક તો ખાઈ લીધું હતું પણ રોટલીઓને એક પ્રકારની થાળી સમજીને મૂકીને જતા રહ્યા હતા.

આ કિસ્સો ગઈ સદીના શરૂઆતના દિવસોનો છે, પરંતુ આજ સુધી લોકોના મનમાં તાજો છે.

આગ્રાના મૅજિસ્ટ્રેટ રહી ચૂકેલા બાલ પણ એક અલગ જ વ્યક્તિ હતી. 1857ના બળવા દરમિયાન બાલ જ આગ્રાના મૅજિસ્ટ્રેટ હતા.

બાદમાં તેમના પુત્ર પણ મૅજિસ્ટ્રેટ બન્યા હતા. બાલના દીકરાનાં દીકરી એક ડાન્સર હતાં, તેઓ બુદ્ધિશાળી અને સુંદર હતાં.

વૃદ્ધ કસાઈ બાબુદ્દીનનું કહેવું હતું કે જ્યારે હોળીની પાર્ટીમાં ડાન્સ કરવા માટે મિસ બાબા એટલે કે બાલ જુનિયરનાં દીકરી નીકળતાં ત્યારે તેમની સુંદરતા જોવા માટે સડકો પર લોકોની લાઇન લાગતી. પાછળથી બાલ જુનિયર આફ્રિકા જઈને વસ્યા હતા.

પરંતુ તેમના સહાયક અમીરુદ્દીન ઉર્ફે ભાઈસાહેબ સાથે તેમનો પત્રવ્યવહાર ચાલ્યા કરતો.

મૅજિસ્ટ્રેટના બંગલામાં ત્યારબાદ રહેવા આવેલા વકીલ ટવાકલે દુબળી-પાતળી વ્યક્તિ હતી. તેઓ ચશ્માં પહેરતાં.

તેમને 1940ના દાયકામાં જૉલ મિલ્સના રિસીવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ટવાકલી સરખામણીએ તેમનાં પત્ની તંદુરસ્ત હતાં. તેઓ પહેલાં કારમાં અને પછી રિક્ષામાં ખરીદી કરવા માટે બહાર જતાં.

તેમનાથી કસાઈના દીકરા ડરતા હતા પરંતુ તેઓ જથ્થાબંધ સામાન ખરીદતા. ખાસ કરીને હોળી અને દિવાળીના દિવસોમાં.

તેથી દુકાનદારો, શ્રીમતી ટકવાલેની ધમકીઓનું ખરાબ નહોતા લગાડતા.

ટકવાલે યુવાનીમાં જ અવસાન પામ્યા હતા. આજે તેમના બંગલામાં સરકારી કચેરી છે.

હૅલિંગર હૉલના અન્ય કિસ્સાઓ

હવે ફરી હૅલિંગર હૉલના કિસ્સાઓ તરફી વળીએ. માર્ટિન પરિવાર મૅજિસ્ટ્રેટ બાલના પરિવારથી પણ જૂનો હતો.

1858માં માર્ટીન સિનિયર યુવાન હતા, કહેવાય છે કે તેઓ ઝાંસીની રાણી વિરુદ્ધ યુદ્ધ લડ્યા હતા.

રાણીનો પીછો કરતાં-કરતાં તેઓ એક ખેતરમાં પહોંચી ગયા હતા.

રાણીએ અચાનક પાછા વળીને કહ્યું કે તેઓ તેમનો પીછો કરવાનું છોડીને ઇનામ તરીકે એક દટાયેલો ખજાનો શોધતા હતા.

વર્જિનિયા મૅગુઆયર પછીના દિવસોમાં તળાવ પાસે બેસીને આ કિસ્સો સંભળાવતા. તેઓ કહેતાં કે માર્ટિને રાણીની વાત માનીને તેમનો પીછો કરવાનું છોડી દીધું.

માર્ટિન જુનિયર કસ્ટમ વિભાગના કમિશનર હતા. તેઓ નવાબો જેવું જીવન જીવતા હતા. તેઓ ઘણી વખત લાવ-લશ્કર સાથે ચાલતા.

તેઓ ઓલ્ડ ટૉમ નામની મશહૂર શરાબ પીતા હતા. જે મશહૂર શાયર ચાચા ગાલિબનો પણ મનપસંદ શરાબ હતો.

માર્ટિન જુનિયરના બંગલે જ્યારે હોળીની મહેફિલો થતી ત્યારે તેઓ શોખથી શામી કબાબ ખાતા. સાંજે ઉજવણી દરમિયાન મહિલાઓને શરબત પીરસવામાં આવતું.

હૅલિંગર હૉલ એક આલીશાન ઇમારત હતી, જે માર્ટિન સિનિયરે બનાવી હતી. ઘણા લોકો તેને હ્યોથગર સામ્રાજ્ય દરમિયાન જાણીતા હિયોરોટ હૉલ સાથે સરખાવતા.

પ્રાચીન યોદ્ધા બિયોવુલ્ફ પોતાના સાથી સૈનિકો સાથે ત્યાં રાત વિતાવતા એ કિસ્સા પણ જાણીતા છે.

મહાદૈત્ય ગ્રૅન્ડેલે સમુરના રસ્તા હુમલો કરીને બિયોવુલ્ફના એક સૈનિકને મારી નાખ્યો હતો. ત્યારબાદ બિયોવુલ્ફે તેનો વધ કર્યો હતો.

જોકે, હૅલિંગર હૉલ સાથે આવો કોઈ કિસ્સો સંકળાયેલો નથી.

ઉત્તર ભારતમાં અંગ્રેજોએ જે પ્રથમ નાટક (ઇસ્ટ લિનની શરૂઆતની પ્રસ્તુતિ) રજૂ કર્યું હતું તેનું મંચન હૅલિંગર હૉલમાં થયું હતું.

દરમિયાન અહીં ભરપૂર રોશની કરવામાં આવતી હતી. એવું કહી શકાય કે રૂમાની રોશની જુવાન દિલોને એકબીજાથી નજીક આવવાની અને ચૂમી લેવાનો જુસ્સો આપતી હતી.

હોળીની પાર્ટીઓમાં આવું થતું. હૅલિંગર હૉલની આ જૂની યાદો વડીલ અનુભવીઓના કિસ્સાઓમાં વસેલી છે.

આજે એ ઇમારત જોઈને એવો અહેસાસ પણ નહીં થાય કે એક સમયમાં આ શહેર-એ-તાજની સૌથી જિંદાદિલ મહેફિલ જામતી હતી.

આજે કબરમાં દફન હૅલિંગર હૉલના માલિક પોતાના શાનદાર આશિયાનાની દુર્દશા જોઈને બેચેન થઈ જતા હશે.

તેમને હૅલિંગર હૉલની અવગણના સાથે ત્યાં જામતી મહેફિલો અને બાલ ડાન્સના ભોજન સમારોહ યાદ આવતા હશે.

જે એ સમયના દિલ્હીના મેટકાફ હાઉસમાં થતી ઉજવણીથી સહેજ પણ ઊતરતી નહોતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો